મારી દીકરી જ મારો શ્રવણ

07 May, 2015
12:00 AM

mamta ashok

PC:

એક સવારે હું મારા નિત્યક્રમ મુજબ ઓફિસ ગયો, પરંતુ ત્યાં મને જણાવવામાં આવ્યું કે એક અગત્યની મિટિંગ માટે મારે તાબડતોડ અમદાવાદ જવાનું છે. મિટિંગનો સમય સાંજનો સાડા-સાતનો હતો એટલે મિટિંગમાં સમયસર પહોંચી શકું એ માટે મારે તાત્કાલિક રાજકોટ છોડવું જરૂરી હતું. આથી હું મારતે ઘોડે ઘરે પહોંચ્યો અને અમદાવાદ જવાની તૈયારી કરવા માંડ્યો. મારી ઉતાવળી ગતિવિધિઓ જોઈને મારી દીકરી હેત્વી પામી ગઈ કે હું ક્યાંક જઈ રહ્યો છું.

સામાન્ય રીતે હું જ્યારે પણ ક્યાંક જવાનો હોઉં ત્યારે હેત્વી મને બહાર જતો રોકતી અને દર વખતે એને સમજાવીને કે એના માટે કંઈક લઈ આવવાની લાલચ આપીને હું મારા કામે નીકળી જતો. દર વખતની જેમ હેત્વીએ એની કાકલૂદી શરૂ કરી.

‘પપ્પા, નહીં જાવ ને....’

હેત્વીએ મારો હાથ પકડીને આજીજીભર્યા સ્વરે કહ્યું. હું તેને એકીટશે જોઈ રહ્યો.

‘પપ્પા, નહીં જાવ ને અમદાવાદ, પ્લીઝ....’ હવે હું તેની આંખોમાં ઝળઝળિયા પણ જોઈ શકતો હતો. લગભગ એક કલાકથી હેત્વી મને ન જવા માટે વિનવી રહી હતી. બીજી તરફ મારે ટ્રાવેલ્સવાળા સાથે વાત કરીને તાત્કાલિક મારી ટિકિટ બુક કરાવવાની હતી.

હું હેત્વીને સમજાવવાની મથામણ કરી રહ્યો હતો એ સમય દરમિયાન મારી પત્ની નંદિની મારો સામાન પેક કરી રહી હતી. મેં એને ખૂબ સમજાવી કે અમદાવાદની મારી આ મિટિંગ અત્યંત અગત્યની છે અને મારે કોઈ પણ ભોગે ત્યાં જવું જ પડે એવું છે. પણ હેત્વી એકની બે નહોતી થતી અને 'તમારે અમદાવાદ નથી જ જવાનું'ની રટ લઈને બેઠી હતી.

હેત્વી એ દિવસે વધુ પડતી જીદ લઈને બેઠી હતી. મને સમજાતું ન હતું કે, હેત્વી અચાનક આવું વર્તન કેમ કરી રહી હતી. કારણ કે સામાન્યરીતે તેને જરા સરખુ સમજાવું એટલે તે માની જતી અને મને ખુશીખુશી જવા દેતી.

તેને સમજાવતા મેં ફરી કહ્યું, ‘આમ જો, હેતુ બેટા, આમ નાની-નાની વાતમાં રિસાવાય નહીં. પપ્પાને ખરેખર ખૂબ ઈમ્પોર્ટન્ટ કામ છે ત્યાં.’

હેત્વી ભોળાભાવે બોલી, ‘તો તમારા જે ટીચર તમને અમદાવાદ મોકલતા હોય ને એને તમે એમ કહી દો કે કોઈ બીજાને મોકલે. હેત્વીના પપ્પા બિઝી છે.’ માત્ર પોણા બે વર્ષની ફૂટડી હેત્વી ગુસ્સાથી લાલ થઈને વધુ ફૂટડી લાગવા માંડી. હજુ તો માંડ થોડા સમય પહેલાં લાંબા વાક્યો બનાવતાં શીખેલી હેત્વી મારી સાથે આ રીતે વાત કરી રહી હતી.

હું એના ભોળપણ પર હસી પડ્યો. ‘હેતુ, મારે જવું જ પડે એમ છે, બેટા. બીજા કોઈ નહીં ચાલે એમાં.’ પછી સ્વગત બબડ્યો, ‘બુકિંગ રહેવા દઉં. સીધો પહોંચી જ જાઉં. ચાર કલાક તો ટ્રાવેલિંગમાં જશે.’

નંદિની ક્યારની અમારી રકઝક જોઈ રહી હતી. તેણે હેત્વીને કહ્યું, ‘બેટા, પપ્પાને ખાલી આજ સાંજની તો વાત છે ત્યાં. કાલ સવારે તો પાછા ઘરે આવી જશે’ હેત્વીનો અવાજ સહેજ ઊંચો થયો, ‘ના...’ ઉદાસ મોં બનાવીને કાલા સ્વરે તે બોલી, ‘પછી મારી સાથે કોણ રમશે?’

નંદિનીએ કહ્યું, ‘ઓહ, તો રમવા માટે આ બધા નાટક છે. હું ને દાદા-દાદી તો છીએ અહીંયા. પપ્પા ન હોય ત્યારે કોની સાથે રમે છે તું?’

હેત્વી બોલી, ‘ના. પપ્પા છે ને અત્યારે તો. અને મારે પપ્પા સાથે જ રમવું છે.’ પછી નિર્ણાયક સ્વરે બોલી, ‘મને તો છે ને પપ્પા સાથે જ રમવું ગમે.’

નંદિની હસીને બોલી, ‘હા, મોટીબેન. હવે કેમ અચાનક પપ્પા સાથે જ રમવું ગમે? રાતે તો પપ્પાને લાત મારીને દૂર ધકેલી દો છો.’

હેત્વીએ થોડું વિચારી બચાવ કર્યો, ‘એ તો રાતે તો મમ્મી જ જોઈએ ને નાના છોકરાંઓ ને. પણ રમવામાં તો પપ્પા જ જોઈએ.’ પછી નંદિનીની બોલવાની સ્ટાઈલની કોપી કરતાં બોલી, ‘યુ સી, મોમ. મમ્માને તો રસોઈ બનાવવાની, વોશિંગમશિનમાં કપડાં ધોવાના, સુકવવાના, સંકેલવાના, ચા બનાવવાની કે...ટલા બધા કામ હોય...’

બાળકો રોજબરોજની ઘટનાઓમાંથી કેટલું બધું શીખી લેતા હોય છે એની જાણ વડીલોને આવા પ્રસંગે જ થાય છે. નંદિની હસીને મારી તરફ ફરી, ‘તમે જઈ આવો. આઈ વિલ હેન્ડલ ઈટ. અડધો કલાક ચાલશે એનું આ કચકચ. પછી બધું ઠીક થઈ જશે.’ હું બોલ્યો, ‘ઓ.કે.’ હેત્વી તરત જ બોલી, ‘મમ્મી, ચીટિંગ નહીં હોં! પપ્પા નહીં જાય એટલે નહીં જાય.’

 

નંદિનીએ કહ્યું, ‘એમ ન કરાય, બેટા. ઓકે ચલ, આપણે પણ પપ્પાની સાથે જઈએ..’ રજત બોલ્યો, ‘અરે પણ, અડધા દિવસમાટે...’ નંદિનીએ તેને અટકાવતાં કહ્યું, ‘એક મિનિટ, રજત. લેટ મી હેન્ડલ ધિસ.’ પછી હેત્વી તરફ ફરીને કહ્યું, ‘ત્યાં કાંકરિયા તળાવ છે, ઝૂ છે, સાયન્સ સિટી છે...’ હેત્વી ચિડાઈ ગઈ. ‘મારે અમદાવાદ નથી જવું. આપણે અહીંયા જ રહીશું, રાજકોટ. છેક અમદાવાદ જવું એના કરતા સાંજે પપ્પા મને બાલભવનમાં હીંચકા ખવરાવશે અને ફનવર્લ્ડ રાઈડ્સમાં...’ આજ સુધી એવું બન્યું નહોતું કે નંદિની સમજાવે અને હેત્વી ન સમજે. નંદિનીને પણ સમજાતું નહોતું કે હેત્વી કેમ આમ કરે છે. 

હેત્વીની જીદ સામે થાકીને છેવટે મેં બ્રહ્માસ્ત્ર સજાવ્યું, ‘હેતુ બેટા, જો. પપ્પા તારા માટે ત્યાંથી એક મો...ટું ટેડી બેર થવા તું જે કહેશે તે ટોય લઈ આવશે.’ હેત્વીએ રડમસ થઈને કહ્યું, ‘ના, ના, ના, ના, મારે ટોય્ઝ નહીં પપ્પા જ જોઈએ.’ નંદિનીએ એને પાસે લઈ વહાલથી એના ગાલ પર હાથ ફેરવીને કહ્યું, ‘હેતુ, આપણે સાંજે આઈસક્રીમ ખાવા જઈશું. અને પછી મમ્મા તને ફનવર્લ્ડ લઈ જાય તો?’ હેત્વીએ કહ્યું, ‘ના.’ પછી મારી તરફ ફરીને કહ્યું, ‘પપ્પા, નહીં જાવ ને....’

આવડતી હતી એટલી બધી રીતે હેત્વીને અમે મનાવી. પણ હેત્વી એકની બે ન થઈ. એ જ રટણ. મારી નાનકડી દીકરીને હું વધુ રડતી જોઈ શકતો ન હતો. એનું એક એક આંસુ મારા માટે કિંમતી હતું. આમ પણ, દીકરી રડે ત્યારે સૌથી વધુ પીડા એના પિતાને જ થતી હોય છેને! આખરે મેં નક્કી કર્યું કે હવે જે થાય એ પરંતુ મારે અમદાવાદ નથી જવું અને મારી દીકરી સાથે જ સમય પસાર કરીને તેને હસતી કરી દેવી છે. એટલે મેં મારી ઓફિસમાં ફોન કર્યો અને હું અમદાવાદ નહીં જઈ શકું એની તેમને જાણ કરી.
                                                                                           * * * * *
રાત્રે ફનવર્લ્ડ ફરીને અને બહાર જમીને હું, નંદિની અને હેત્વી ઘેર પહોંચ્યા ત્યારે અમારા પાડોશી દેસાઈ અને એમના વાઈફ જમીને વૉક માટે નીકળતા હતા. દેસાઈએ અમને જોઈને તરત કહ્યું, ‘અરે ડૉક્ટર મહેતા. ટી.વી. ઓન કરી જો જરા. અમદાવાદમાં સિરીયલ બ્લાસ્ટ થયા છે.’ હું અને નંદિની એકબીજા સામે જોઈ રહ્યા.

થોડી વાર પછી અમે ત્રણેય ડ્રોઈંગ-રૂમમાં પ્રવેશ્યા તો હેત્વીના દાદા-દાદી ટી.વી. સામે બેઠા હતા અને બંનેની આંખોમાંથી આંસુ વહેતાં હતાં. ટી.વી.માં રિપોર્ટર બોલી રહ્યો હતો.

‘...આપ જોઈ રહ્યા છો એ સાઈકલના અવશેષો છે જેમાં રાખેલા ટિફિનમાં બોમ્બ હતા. અમુક બોમ્બ સિટી બસમાં પણ મૂકવામાં આવેલા. વિસ્ફોટોનો આ સિલસિલો ગુજરાતના સાંસ્કૃતિક અને આર્થિક કેન્દ્રસમા અમદાવાદમાં સાંજે પોણા સાતથી પૂરી સિત્તેર મિનિટ ચાલ્યો અને અલગ અલગ 21 વિસ્ફોટોમાં આશરે પચાસ લોકોએ જીવ ગુમાવ્યા અને 200 લોકો ઘાયલ થયા છે. નોંધનીય બાબત એ છે કે આ વિસ્ફોટોમાંથી બે વિસ્ફોટો હોસ્પિટલ પાસે થયા છે. આ હુમલો 13મી મે,2008 ના રોજ થયેલા જયપુર બ્લાસ્ટની પેટર્ન ધરાવે છે. અને અમારા સૂત્રોએ જણાવ્યું છે કે હુમલાની થોડા વાર પહેલાં એમને હુમલા બાબતે ઈન્ડિયન મુજાહિદ્દીન તરફથી ઈ-મેલ મળ્યા છે. ગઈકાલે બેંગ્લોર અને કર્ણાટકમાં થયેલાં બ્લાસ્ટ આ હુમલા સાથે સંકળાયેલા હોવાની શંકા સેવાઈ રહી છે.’

મેં બીજી ન્યૂઝ ચેનલ શરૂ કરી, ‘હોસ્પિટલને નિશાન બનાવાઈ હોય એવી આ કદાચ પ્રથમ ઘટના છે...’ ચેનલ પર હોસ્પિટલના દૃશ્યો આવતા હતા. મેં નંદિનીને કહ્યું, ‘અમારી મિટિંગ આ જ હોસ્પિટલમાં હતી.’ હવે સૌની આંખ ભીની હતી.

એ વાત સ્પષ્ટ થઈ ચૂકી હતી કે હું હેત્વીની જીદને કારણે જ બચી શક્યો હતો. જો મેં હેત્વીની વાત અવગણી હોત અને હું અમદાવાદ માટે રવાના થયો હોત તો કદાચ હું પણ... પરંતુ મારી શ્રવણ મારી મદદે આવી હતી. મારી આ દિકરીને કોઈક અદૃશ્ય શક્તિએ આગોતરા જાણ કરી હશે એટલે જ એણે મને અમદાવાદ જતો અટકાવવની જીદ કરી અને હું રાજકોટ રોકાઈ ગયો. મારી આ શ્રવણને જન્મ ભલે અમે આપ્યો હોય પરંતુ મને જીવનદાન એણે જ આપ્યું છે એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. મારા કિસ્સામાં દીકરી માત્ર હૂંફ, પ્રેમ કે લાગણી જ નથી. મારી દીકરી મારી લાઈફલાઈન પણ છે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.