મોગરાના ફૂલ જેવી મારી દીકરી
જે પુરુષના જીવનમાં બહેન નહીં હોય એ પુરુષને માતાનો પૂરો પ્રેમ મળતો હોવા છતાં જીવનમાં કંઈક અધૂરપ તો રહી જ જતી હોય છે. કારણ કે બાળપણમાં તેને ન તો બહેન સાથે ધમાલ-મસ્તી કરવાની તક મળે કે ન એને બહેન સાથે લડવા-ઝઘડવાની અને એકમેક પર ઓળઘોળ થવાની તક મળે. જો કે એ નાનડો છોકરો મોટો થઈને પિતા બને અને ત્યારે જો તેના ઘરે દીકરી અવતરે તો એ તો એ દીકરી એના પિતાને દીકરીનું તો ખરું જ પરંતુ બહેનનું સુખ પણ આપી જતી હોય છે. કારણ કે એ દીકરી સમજણી થાય ત્યારથી પિતા પર પોતાનો અધિકાર જમાવે છે, જે પ્રસંગોપાત પોતાનો જ કક્કો સાચો પાડીને પિતાને ધમાવતી પણ રહે છે. હા, મને ભલે સગી બહેન નથી પરંતુ નસીબજોગે ભગવાને પેટે એક દીકરી આપી છે, જેણે મારા જીવનમાં આવ્યાં બાદ મને ધરતી પર જ સ્વર્ગ શું હોય એની પ્રતીતિ કરાવી છે.
મારી દીકરીનું નામ છે ક્રિશા, જેનો જન્મ ૨૦૦૯માં થયેલો. ક્રિશાના જન્મ પછી આજ સુધી રોજ મને એવું લાગ્યું છે કે, હું દિવસે દિવસે પુખ્ત નહીં પણ ધીરેધીરે બાળક બનતો જાઉં છું. કારણ કે તેના બાળપણની સાથે મને મારું બાળપણ પણ ફરીથી અને કંઈક અલગ અંદાજમાં જીવવા મળી રહ્યું છે. લોકો કહેતા હોય છે કે, ઘરમાં બાળકનો જન્મ થયાં પછી તમારામાં ઘણા બદલાવ આવી જતાં હોય છે. હું આ વાત સાથે હંમેશાં અસહમત રહેતો કે, એક નાદાન બાળક આપણા જીવનમાં લાવી લાવીને શું બદલાવ લાવી શકવાનું? પરંતુ ક્રિશા આવી પછી મને માત્ર સમજાયું જ નહીં પરંતુ એ વાતનો અનુભવ પણ થયો કે, ઘરમાં બાળક આવે પછી તમારી અંદર કશુંક બદલાવાની સાથે જિંદગી પ્રત્યેનો તમારો દૃષ્ટિકોણ સમૂળગો બદલાઈ જતો હોય છે. ઘરમાં બાળક આવે પછી તમને જિંદગી વધુ જીવવા જેવી લાગે છે અને જીવનને તમે વધુ ઉત્કટતાથી ચાહવા માંડો છો.
મારા જીવનમાં આવેલા બદલાવોનું વાત કરું તો, જ્યારે હું અપરિણીત હતો અને કૉલેજમાં ભણતો ત્યારે મિત્રો સાથેની રખડપટ્ટી વખતે બેફામ બાઈક હંકારતો અને બાઈક ચલાવતી વખતે એડવેન્ચર ખાતર જાતજાતના સ્ટંટ્સ કરતો. ક્રિશા આવી પછી પણ હું મિત્રો સાથે બાઈક પર તો ફરું જ છું. પરંતુ હવે આપોઆપ એક જવાબદારી આવી ગઈ છે અને મનમાં સતત એક વિચાર ધૂમરાયા કરે છે કે, 'ઘરે મારી દીકરી મારી રાહ જોઈ રહી હશે. ક્યાંક કંઈક થઈ ગયું તો....? મારી પરી જેવી દીકરીનું શું?' આવો વિચાર આવે એટલે આપોઆપ એક્સેલેરેટર પરની ચાંપ ધીમી થઈ જાય છે. એટલે જ મેં આગળ કહ્યું કે ઘરમાં બાળકોના આવ્યા બાદ આપણે જીવને પહેલા કરતા વધુ ઉત્કટતાથી ચાહવા માંડીએ છીએ. બીજો બદલાવ એ આવ્યો કે, જીવનમાં હું પૈસાની બાબતે હંમેશાં બેફિકર રહ્યો છું. હું ગણતરીનો માણસ ક્યારેય ન હતો અને હાથમાં આવેલા પૈસા હું કોઈ પણ આયોજન વિના મનફાવે ત્યાં ખર્ચી નાખતો. પરંતુ ક્રિશાના આવ્યા પછી હું અત્યંત ગણતરીબાજ થઈ ગયો છું. હવે હું નાના નાના ખર્ચાનો હિસાબ રાખું છું અને બને ત્યાં સુધી ખોટા-અર્થ વિનાના ખર્ચા ટાળું છું. એનું કારણ મારી દીકરી જ છે, જે હજુ તો એની કાલીઘેલી ભાષામાં વાતો કરતા શીખી છે ત્યાં એણે વગર બોલ્યે મને ઘણું બધું શીખવ્યું છે.
મને જીવનમાં હારવાનું ક્યારેય પસંદ નથી પડ્યું અને હમણા સુધીમાં મેં જીવનમાં આવી પડેલા અનેક પડકારો અને ચઢાવ ઉતારોનો ખેલદિલીથી સામનો કરીને એમની સામે સફળતા મેળવી છે. પરંતુ ક્રિશાની સામે હું હંમેશાં હાર્યો છું. અને ક્યારેક કોઈક પ્રસંગે (આવા પ્રસંગો એટલે ક્રિશા સાથેની કોઈ રમત કે એની નાની નાની જીદ!) મારી જીત થવાની સંભાવનાઓ વધુ હોય તો હું હાથે કરીને હારી જાઉં છું. કારણ કે દીકરીની સામે હારી જાઉં તો મને હારની નહીં પરંતુ હંમેશાં જીતની લાગણી થાય છે!
આ ઉપરાંત લગ્ન પહેલા કે લગ્ન પછી ઓફિસેથી થાકીને ઘરે જાઉં ત્યારે જ્યાં સુધી કંઈ ખાઉં નહીં કે થોડું ઘણું ખાઈને સ્ટેબલ નહીં થાઉં ત્યાં સુધી મારા ઘરના સભ્યો મારી સાથે વાત કરવાનું સુદ્ધાં ટાળતા. કારણ કે, એમને ખબર હોય કે આ માણસ થાકીને આવે છે ત્યારે એનું મગજ એકસો ને પાંચ પર હોય છે! પરંતુ ક્રિશાના આવ્યા પછી ગમે એટલો થાક્યો હોઉં તોય માત્ર એક વાર, 'મારા ડેડી આવ્યાં... ડેડી શું લાવ્યાં?' એવી બૂમ સાંભળું કે મારો થાક પળવારમાં કડડભૂસ થઈ જાય છે અને હું કોઈ અદમ્ય તાજગીનો અનુભવ કરું. અને એ જ્યારે મને ગળે વળગે ત્યારે મને એમ થાય છે કે આવી ખુશનસીબી કંઈ બધાને નથી મળતી! આમેય દીકરીના બાપને ક્યાં કોઈ થાક લાગે છે? દીકરી જન્મે ત્યારથી જ તો પિતાની બધી જવાબદારીઓ પોતાના ખભે ઉપાડી લેતી હોય છે!
હવે તો મારી દીકરી છ વર્ષની થઈ ગઈ છે અને એટલે કંઈક અંશે સમજણી પણ થઈ ગઈ છે. પણ તો ય હજુ એ દુનિયાદારી પૂરેપૂરી જાણતી નથી. પણ નાની ઉંમરને કારણે એ દુનિયાદારીની રીતરસમો ભલે નહીં સમજતી હોય પરંતુ એના ડેડીને એટલે કે મને એ પૂરે પૂરો ઓળખે છે. મારી માતા અને પત્નીની જેમ હવે એ પણ મારી ઝીણીઝીણી બાબતોનું ઘણું ધ્યાન રાખે છે. મારી કોઈક વસ્તુ અટવાઈ હોય અને હું અકળાઈ જાઉં તો સૌથી પહેલા તો એ મને, 'અકળાવું નહીં' ની સલાહ આપે છે અને પછી મારી ખોવાયેલી વસ્તુ શોધી આપે છે. પિતા તરીકે મેં એને જે વાત શીખવી હોય એ વાતો મારી બેટી મને જ પાછી સમજાવે છે. અરે! સમજાવવાનું તો ઠીક ક્યારેક તો રીતસરનો મને ધમકાવી કાઢે કે, 'ડેડી, તમને કેટલી વાર કહ્યું કે ખાતી વખતે બોલવાનું નહીં.' અથવા 'તમે ઓફિસથી આટલા બધા મોડા કેમ આવો છો?' કે 'ચાલો જોઉં, દવા ગળી જાઓ તો. દવા નહીં લેશો તો જલદી સાજા નહીં થાઓ.' મારી દીકરીને ક્યાં ખબર કે એ જો મારી ચાકરી કરીને મને આટલો બધો પ્રેમ કરવાની હોય તો એનો બાપ આખી જિંદગી દવા નહીં લે! એના પ્રેમની આગળ દવાની ક્યાં કોઈ વિસાત છે?
ઈનશોર્ટ ક્રિશાના આવ્યા પછી હજુ હું એ બાબતે શ્યોર નથી થયો કે, હું દીકરીનો ઉછેર કરું છું કે એ મારો ઉછેર કરી રહી છે? હું એને બે વાત શીખવું છું તો ક્રિશા મને બીજી પંદર વાત શીખવે છે. પરંતુ એક વાત નક્કી કે મારા જીવનમાં ક્રિશા આવી છે ત્યારથી હવે હું પહેલા કરતા ઘણો નરમ અને પ્રેક્ટિકલ બન્યો છું. 'મારો શ્રવણ'ના આ લેખ દ્વારા હું ક્રિશાને તો થેંક્યુ કહીશ જ પણ સાથે ભગવાનનો પણ આભાર માનીશ કે તે, મને મોગરાના ફૂલ જેવી કોમળ દીકરીના પિતા બનવાનો મોકો આપ્યો. કારણ કે એ દીકરીના જન્મ પછી માત્ર મારા ઘરમાં જ નહીં પરંતુ જીવનમાં પણ એની સુગંઘનો મઘમઘાટ વ્યાપી ગયો છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર