મારી દીકરી મારો શ્રવણ
બપોરે ત્રણ વાગ્યાનો સમય હશે. હું ઓફિસે હતો અને મોબાઈલની રિંગ રણકી ઉઠી. મેં મોબાઈલ ઓન કર્યો. સામે શીતલ બોલતી હતી, 'મને અત્યારે બહુ તકલીફ થાય છે. જરા પણ સહન નથી થતું. આપણા પડોશી ભાનુકાકાની વાનમાં હું હોસ્પિટલ પહોંચું છું. તું પણ ત્યાં આવી જા. બને એટલો જલદી આવજે.'
...અને હું તરત જ બોસની ઓફિસમાં ઘૂસી ગયો. રજા લઈને મેં તરત જ હોસ્પિટલ તરફ ગાડી હંકારી મૂકી. હોસ્પિટલ પહોંચ્યો ત્યારે શીતલને અંદર લઈ ગયા હતા. ભાનુકાકા અને કાકી બહાર ખુરશી પર બેઠા હતા. કાકીએ મને કહ્યું, 'થોડો થોડો દુઃખાવો તો ક્યારનો શરૂ થઈ ગયેલો પછી દુ:ખાવો વધતો જ ગયો... એટલે પછી અમે રાહ જોયા વગર હોસ્પિટલમાં આવી ગયા.' મેં કહ્યું, 'કાકી સારું થયું તમે હતા. તો સમયસર શીતલને હોસ્પિટલે પહોંચાડી... કાકી, આમ પણ ડોક્ટરે આજ-કાલની તારીખ તો આપી જ હતી.'
અડધો-પોણો કલાક પસાર થયો હશે. હું પણ ભાનુકાકાની બાજુમાં બેઠો હતો. લાગતા-વળગતાને બે-ત્રણ જરૂરી ફોન કર્યા.
અંદરથી બાળકના રડવાનો અવાજ આવતાં જ હું ઊભો થઈ ગયો. મેં ભાનુકાકા સામે અધીરવાઈથી જોયું એટલામાં નર્સે બહાર આવીને કહ્યું, 'દીકરી જન્મી છે.' હું ખુશ ખુશ થઈ ગયો. મારા ઘરે દિકરી જન્મી, સાક્ષાત લક્ષમી. હું અને શીતલ બંનેમાંથી કોઈપણ દીકરા-દીકરીમાં કોઈ ભેદ રાખતા જ નથી. અમે પહેલા જ નક્કી કરેલું કે, 'દીકરો શું અને દિકરી શું...? કોઈપણ જન્મે... હશે તો અમારું જ બાળક! ઈશ્વર તરફથી આપણને મળેલી અમૂલ્ય ભેટ એટલે આપણું બાળક. એમાં કોઈપણ જાતની પસંદગી કરનાર હું કોણ કે તું કોણ? કે દીકરો જ જોઈએ અને દીકરી નહીં. આમ પણ મારા માટે મારી દીકરી કિંજલ એ મારું સર્વસ્વ છે.
અમારા જીવનનું સૌથી સુંદર ફૂલ એટલે અમારી દીકરી કિંજલ. એના આવ્યા પછી તો અમારું જીવન જાણે ધન્ય ધન્ય થઈ ગયું. અને ઘરમાં ખુશી ખુશી થઈ ગઈ. જાણે એના બાળપણની સાથે અમે બંને પણ બાળક બનીને એની સાથે ફરીથી બાળપણમાં જીવવા લાગ્યા.
અભ્યાસમાં ઘણી હોશિયાર છે. એને સંગીતમાં ઘણી રુચિ જણાતાં એને અમે સંગીતના ક્લાસમાં સંગીત શીખવા પણ મૂકી. આ કારણે જ ક્યારેક અમે એને સ્વરા પણ કહીએ. એ ક્લાસ છોડી એ સંગીતના પ્રાઈવેટ ટ્યૂશનમાં જોઈન્ટ થઈ. અને વિશારદની પદવી પ્રાપ્ત કરી. એક સંસ્થા સાથે જોડાઈ અને એ સંસ્થાના જેટલા પણ પ્રોગ્રામ ગુજરાતભરમાં થાય છે ત્યાં તે જાય છે અને પોતાના ગીત-સંગીતની શ્રોતાજનોને ખુશ અને પ્રભાવિત કરી દે છે. જ્યારે એ સ્ટેજ પર પોતાના ગીત અને સંગીતને રેલાવી રહી હોય છે ત્યારે અમારા બંનેની છાતી ગદ્દગદ્દ ફૂલી જાય છે. જ્યારે એનું ગીત પૂરું થાય તે સમયે તાળીઓનો જે ગડગડાટ થાય ત્યારે તો મારી આંખમાંથી હર્ષના આંસુ સરી પડે છે.
કિંજલને વાંચવાનો પણ ખૂબ શોખ છે. શાંત, સમજુ તો છે જ. સૌથી વધુ તો એ સેલ્ફ ડિસિપ્લીનમાં બહુ માને છે. નિયમોની બાબતે તો એવી કડક છે કે, ક્યારેક તો અમને પણ ટકોર કરી દે છે. હાલ એ બી.એ., એમ.એ. બીએડ. થઈ ગઈ છે. અને લેક્ચરર તરીકેની જોબ પણ સ્વીકારી લીધી છે. સાથે સાથે પી.એચડી. તરફ આગળ વધી રહી છે.
એની ફ્રેન્ડ્સમાં એક છોકરી કેરાલીયન છે. તેઓનું ગુજરાતમાં ખાસ કોઈ ઓળખીતું કે સગા નથી. એ છોકરીના પપ્પાને અચાનક હાર્ટએટેક આવ્યો અને કિંજલ અને એની બીજી ચાર બહેનપણીઓએ એ છોકરીને અને એના કુટુંબને અત્યંત સારી રીતે સંભાળી લીધો. તેઓ લગભગ એકાદ અઠવાડિયા સુધી એ કુટુંબની પડખે રહ્યા. અને એમનાથી બનતી દરેક મદદ કરી. ત્યારે પણ મને કિંજલ માટે ઘણો ગર્વ થયેલો.
ઘણી વાર એ મારા ખભે હાથ મૂકીને મને અને એના મમ્મીને કહે છે, 'તમારે મારી અથવા તમારા બંનેની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હું છું ને તમારી સાથે.'
કિંજલ મારી દીકરી એટલે હું એના વિશે સારું લખું એ સ્વાભાવિક છે. પણ ખરેખર એનું સ્થાન મારા માટે એક શ્રવણથી ઓછું તો નથી જ.
(કમલેશ પંડ્યા, ભાવનગર )
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર