યાશિકા નામની મારી પરી

31 Mar, 2016
12:00 AM

mamta ashok

PC:

સંતાનો વિશે લખવાની મજા જ કંઈક ઓર હોય છે. એનું કારણ માત્ર એટલું જ કે, સંતાન સાથે જીવવાની મજા ઘણી હોય છે. મારી આ વાત થોડી શાયરાના લાગતી હશે, પરંતુ વાત જરાય અવાસ્તવિક નથી. સંતાનની આપણા જીવનમાં હાજરી હોય તો એવું લાગે, જાણે બગીચામાં વવાયેલા હજારો છોડવા પર રાતોરાત રંગબેરંગી ફૂલો મહોરી ઊઠ્યાં છે અને એ ફૂલોને કારણે આખાય મધુવનમાં મઘમઘાટ થઈ ગયો છે. કદાચ એટલે જ સંતાનો એમના માતા-પિતાના જીવનના ફૂલો પણ છે અને મઘમઘાટ પણ છે!

મારી યાશિકા જન્મી ત્યાં સુધી જીવન પ્રત્યે હું બહુ સભાન નહોતો. ત્યાં સુધી મારા મનમાં એમ જ કે, આ ધરતી પર આપણે આવ્યા છીએ તો અહીં આપણે આપણી જવાબદારીઓ નિભાવવાની છે અને ખાઈ-પીને જલસા કરીને યોગ્ય સમયે અહીંથી વિદાય લેવાની છે. ત્યાં સુધી જીવનનો મારો અર્થ ખરેખર માત્ર આટલો જ હતો.

પરંતુ યાશિકા આવી પછી મને ખબર પડી કે, જવાબદારીઓ અને જલસા ઉપરાંત પણ લાઈફમાં ઘણી બધી બાબતો છે અને એમાંની સૌથી મોટી બાબત છે પ્રેમ. એ પણ પાછો નિશ્વાર્થ, અનકન્ડિશનલ લવ! શરૂઆતમાં તો યાશી અત્યંત નાની હતી એટલે એ કશું બોલી શકતી ન હતી, પરંતુ આપણે એને હાથમાં લઈએ અને સહેજ અમસ્તુ એને વહાલ કરીએ એટલે એ મલકાઈ પડે અને દુનિયાભરના વહાલ સાથે આપણા પર વિશ્વાસ મૂકે. નાના બાળકની આ વૃત્તિએ મને પણ જીવનમાં એ વાત શીખવી દીધી છે, જીવનમાં અમસ્તી જ શંકાઓ કરતા રહેવું નહીં. દરેક માણસના શરીરમાં આત્મા વસતો હોય છે, જે આત્મા એને ખોટું કરતા રોકતો જ હોય છે. એટલે કોઈ માણસ ખોટું કરશે એ હિસાબે એના પર શંકા કર્યા કરવી નહીં અને એનામાં પૂરો વિશ્વાસ રાખવો!

યાશી જેમ જેમ મોટી થવા માંડી એમ રોજ એ જાતજાતનું શીખવા માંડી અને સાથોસાથ અમને પણ શીખવવા માંડી. એ બોલતા શીખેલી ત્યારે શરૂઆતમાં 'પા….પાપાઆઆઆઆ…' બોલતી ત્યારે મને એટલી ખુશી થઈ આવતી કે, એમ થતું ચાલો નાત જમાડી નાંખુ! કારણ કે એના મોઢે આપણું નામ સાંભળવાની મજા જ કંઈક ઓર હોય છે. એ જેમ જેમ સમજતી થઈ એમ એને ખ્યાલ આવવા માંડ્યો કે, એના પપ્પા રોજ સવારે ઓફિસ જાય છે અને સાંજના એક ચોક્કસ સમયે ઘરે પાછા આવે છે. એટલે સાંજના સમયે મારો આવવાનો ટાઈમ થાય એટલે મારા સ્વાગત માટેની એણે ખાસ તૈયારીઓ કરી રાખી હોય અને ઘરની બાલ્કનીમાં ઊભી ઊભી અમસ્તી જ પાપા પાપાની બૂમો પાડતી હોય.

અને હજુ તો હું ઘરમાં પગ મૂકું નહીં કે, બાલ્કનીમાંથી દોડીને આવીને મને બાઝી પડે અને પછી જોર જોરથી, ‘મારા પાપા આવ્યા…. મારા પાપા આવ્યા…’ની બૂમો પાડીને પતંગિયાની જેમ ઘરમાં આમથી તેમ કૂદવા માંડે. એના આવા પ્રેમથી મને આખા દિવસનો ભલભલો થાક લાગ્યો હોય કે કામનું કોઈ પણ ટેન્શન હોય તો એ ટેન્શન પળવારમાં વરાળ થઈને ઊડી જાય અને એના સ્પર્શ માત્રથી મારા દિલને ટાઢક થઈ આવે.

આ ઉપરાંત પણ યાશિકાની જાતજાતની વાતો અને એની મસ્તીઓ સતત અમારા જીવનને તરબતર કરતી રહી છે. હવે તો એ ઘણી મોટી થઈ ગઈ છે અને વિદ્યાનગર ખાતે એન્જિનિયરિંગનું ભણી રહી છે. પરંતુ આજે પણ વહેલી સવારે એનો 'આઈ લવ યુ પાપા'નો મેસેજ આવે એટલે મારો દિવસ અમસ્તો જ સુધરી જાય. વળી, એનો અને એની મમ્મીનો સંબંધ પાછો અત્યંત વિચિત્ર અને ઘણો અંતરંગ છે. એમની વાતો અને એમની ચડભડ અને એમાં મારી મધ્યસ્થીની વાતો અત્યંત મજાની છે. જોકે એ બધી વાતો અહીં ખરેખર આલેખી શકાય એમ નથી! એ વાતો માટે તો મારે એક અલાયદુ પુસ્તક જ લખવું પડશે!

એ નાની હતી ત્યારની એની 'મારા પપ્પા આવ્યા….' વાળી વાત આજે એટલે યાદ આવી કે, આજકાલ માર્ચ એન્ડિંગને કારણે મને ઓફિસેથી ઘરે આવતા થોડું મોડું થઈ જાય છે. થાકીને ઘરે આવું ત્યારે આખા દિવસનો થાક તો નહીં, પરંતુ હોસ્ટેલમાં રહેતી દીકરીનો આવકાર નથી મળતો એટલે મનને વધારે થાક લાગી આવે છે. એમ થાય કે કાશ યાશી અહીં ઘરમાં હોય અને પાપા કહીને વળગી પડે!

આ કારણે જ મને આ આખી ઘટના યાદ આવી, જેની સાથે જ મેં યાશીના નાનપણને અને એના પ્રેમને 'મારો શ્રવણ' વિભાગમાં આલેખવાનું નક્કી કર્યું. પુરુષને જો ઈશ્વર તરફ મળતી સર્વશ્રેષ્ઠ ભેટ જો કોઈ હોય તો એ ભેટ એની દીકરી છે. જોકે દરેક પુરુષ એટલો ખુશનસીબ નથી હોતો, જેને સંતાનમાં દીકરીની ભેટ મળતી જ હોય! પરંતુ મને ઈશ્વરે એ ભેટને લાયક સમજ્યો અને યાશીના રૂપમાં એક સુંદર પરીની ભેટ આપી એ બદલ હું એમનો ઘણો આભારી છું. તમને પણ અમારી બાપ-દીકરીની આ કહાણી પસંદ આવી હશે એવી આશા કરું છું.

(પરેશ જોશી, અમદાવાદ)

 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.