મારો કવિ અને એની કાવ્યા
લગ્ન કરીને હું સુરત આવી. હજી તો મેં સુરત અડધું પણ જોયું નહોતું. સમય મળે ત્યારે અમે થોડું થોડું ફરતા હતા અને બાકીના સમયમાં હું ઘરના કામોમાં અને પ્રકાશ એમની ઓફિસના કામોમાં વ્યસ્ત રહેતા. બીજા વર્ષે જ મને પ્રેગ્નન્સી રહી ગયેલી. પ્રેગ્નન્સીના ચિહ્નો જણાતા અમે બંને નજીકના ગાયનેકને બતાવવા પહોંચી ગયા. પછી પંદર દિવસ પછી ફરી બતાવવા ગયા. પણ જ્યારે ત્રીજી વાર બતાવવા ગયા ત્યારે તેમણે અમને સોનોગ્રાફી કરાવવાનું કહ્યું. સોનોગ્રાફી કરાવીને પાછા ડૉક્ટરને બતાવવા ગયા ત્યારે ડૉક્ટરે અમને ગુડ ન્યૂઝ આપ્યાં કે, અમને ટ્વિન્સ છે…!
આ સાંભળીને હું તો પ્રકાશને ભેટી જ પડી. મારી આંખમાંથી ખુશીના આંસુ નીકળી રહ્યા હતા. મેં કહ્યું, ‘પ્રકાશ આપણે માટે કેટલી ખુશીની વાત છે કે, ઈશ્વર આપણને એક સાથે બે બાળકોની ભેટ આપશે…’
પ્રકાશ બોલ્યા, ‘તું એક સાથે મારા બંને બાળકોની માતા બનશે. હું પણ બહુ ખુશ છું… પ્રિયા… ઉમ્મિદ સે દુગના’
ટ્વિન્સ શબ્દ સાંભળીને જ અમે બંને ખુશ થયેલા. જાણે કુદરતી રીતે જ મારામાં એક નવી ચેતના જાગી ઊઠેલી. સાથે જ થોડો ભય પણ હતો કે, એ બંને બાળકોની ડિલિવરી યોગ્ય રીતે થઈ જાય તો સારું. જોકે એ બાબતે અમને ઈશ્વરમાં ઘણી શ્રદ્ધા હતી એટલે દિલની ઘણી ધરપત હતી. મેં તો ત્યારથી જ વિચારવાનું શરૂ કરી દીધેલું. બંને દીકરા હશે? બે દીકરીઓ હશે...? કે એક દીકરો અને એક દીકરી હશે...? પ્રેગ્નન્સી દરમિયાન એ બધા વિચારોમાં જ મારો તો ઘણો સમય નીકળી જતો હતો. પ્રકાશના મમ્મી-પપ્પા પણ આ વાતથી ખૂબ ખુશ હતા. આ સાથે જ નજીકના સગાઓએ સ્પેશિયલ શિખામણ આપવાનું શરૂ કરી દીધેલું. ટ્વિન્સનું જાણ્યા બાદ ઘરમાં એટલે કે મારા સાસરે અને મારા પિયરમાં તો હું એકદમ વી.આઈ.પી. બની ગયેલી. મારી નાનામાં નાની વાતની પણ ખૂબ કાળજી રખાતી.
અને નવ મહિના બાદ મારે ત્યાં જન્મ્યા (ટ્વિન્સ) એક દીકરો અને એક દીકરી. આખા કુટુંબમાં ખુશી-ખુશીનું વાતાવરણ થઈ ગયું. ઈશ્વરની મહેરબાનીથી બંનેની તંદુરસ્તી પણ સારી, અને અમને બધાને કૌતુક તો એ વાતનું કે એ બંનેના ચહેરા એકદમ સરખા. તરત જ ઓળખાઈ જાય કે આ બંને ટ્વિન્સ છે! તેઓ નાના હતા ત્યારે પ્રસંગોપાત ક્યાંક જઈએ અને ઓળખીતા તેઓની વાત કરે કે, બંને એકદમ સરખા જ દેખાય છે. કોઈક પૂછે કે : ટ્વિન્સ છે...? ત્યારે અમે બંને મરક મરક હસતાં અને અંતરથી ખૂબ ખુશ થતા. આખરે ઈશ્વરે અમને દીકરા અને દીકરીનો પ્રેમ એકસાથે આપ્યો હતો.
મારા દીકરાનું નામ કવિ અને દીકરીનું નામ કાવ્યા... તેઓ Play Group, Jr K.G. અને Sr.K.G. માં હતા ત્યારે તેઓની સ્કૂલનો સમય સવારે 8.00 વાગ્યાનો અને 7.20 વાગ્યે તો તેઓની વાન આવી જાય ને સવાર-સવારમાં ઘરમાં બરોબરની ધમાચકડી મચી જાય. આમ તો હું આગલા દિવસે જ મારાથી બનતી બધી જ તૈયારીઓ કરી રાખું. તેઓને માટે નાસ્તો, પાણીની બોટલ, મોજા, બૂટ, ટાઈ, યુનિફોર્મ બધું જ બરોબર હોય અને તૈયાર હોય. પણ છેલ્લી ઘડીએ બેમાંથી એકનું કંઈક રહી જાય અને પછી એ બંને આખુ ઘર માથે લે. જેમ તેમ બધુ ગોઠવીને એમને ઘરની બહાર કાઢું તો બહાર નીકળીને એમનો અફર નિયમ કે બંનેએ હાથ પકડીને એમની વાન સુધી જવાનું. બજારમાં કોઈક કામે ગયા હોઈએ તો પણ એ બંને હાથમાં હાથ નાંખીને સાથે જ ચાલતા હોય. એક મારો કવિ અને બીજી એની કાવ્યા!
તેઓના જન્મથી જ એક વાત તો નક્કી થઈ ગયેલી જે આજદીન સુધી ચાલુ છે... દરેક વસ્તુ બે ખરીદવાની અને સરખી જ ખરીદવાની... આજે તો તેઓ 12માં ધોરણમાં છે પણ આજદીન સુધી તેઓ માટે બર્થ-ડે પર અલગ-અલગ કેક લાવવાની હોય છે.
બંને ભાઈ-બહેન તો છે જ ઉપરાંત તેઓને એકબીજા સાથે બહું જ ફાવે છે. એટલે પાક્કા ફ્રેન્ડ્સ પણ ખરા. રમવામાં, લેશન કરવામાં, બહાર જવું-આવવું, બધી જ વાતમાં સાથે જ હોય. અને ખોરાક પ્રત્યેની રુચિ પણ સરખી જ. અમારી આખી સોસાયટીમાં પણ તેઓ બંને ટ્વિન્સ તરીકે જ ઓળખાય છે.
મજાની વાત એ છે કે, બંને ભાઈબહેન ભણવામાં પણ લગભગ એકસરખા ટકા જ લાવે. ગયા વર્ષે S.S.C.નું પરિણામ પણ લગભગ સરખું જ આવ્યું. કાવ્યાના 88% આવ્યા તો કવિના 87% આવેલા. બંને ભાઈબહેને C.A. થવું છે અને પોતાની ફર્મ ઊભી કરવી છે. હાલમાં તો તેઓ H.S.C.ની પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છે.
એકબીજાની સારી સંગતને કારણે સંસ્કાર અને શિષ્ટાચારમાં તેઓને કંઈ કહેવું પડતું નથી. પિતા તરીકે પ્રકાશ પણ તેઓ પર ખૂબ પ્રસન્ન છે. ઈશ્વર તરફથી મળેલા ટ્વિન્સ તરીકે કવિ અને કાવ્યાને ઉછેરવાનો મારા જીવનનો સૌથી સુંદર અનુભવ રહ્યો છે એમ હું માનું છું.
(પ્રિયા પટેલ, સુરત)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર