મારો નિશિથ મારો શ્રવણ
નિશિથના જન્મનો દિવસ મને આજે આટલા વર્ષે પણ યાદ છે. નિશિથ એટલે મારે માટે તો સર્વસ્વ. નિશિથનો જન્મ થયો ત્યારે તો હું મારા પિયર અમદાવાદમાં હતી અને આશિષની જોબ વલસાડ હતી, પણ સંતાનના જન્મની થોડી ભાળ મળી ગયેલી એટલે આશિષને આગલે દિવસે જ બોલાવી દીધેલો. એ દિવસે ભારે વરસાદ હતો અને ટ્રેનોના કોઇ ઠેકાણા ન હતા. પણ આશિષ તો અમારા સંતાનને લઈને એટલો ઉત્સાહમાં હતો કે, વરસાદની પરવા કર્યા વગર તરત જ દોડી આવેલો. અડધી રાત્રે એ અમદાવાદ આવી પહોંચેલો અને લગભગ સવાર સુધી એ મારી પાસે જ બેસી રહેલો. આખરે અમને બંનેને માતા-પિતા બનવાનો ઉત્સાહ અને આનંદ ખૂબ હતો.
બીજા દિવસે સવારે હોસ્પિટલમાં દાખલ થવાનું હતું, વહેલી સવારથી જ અમે તૈયારીઓ શરૂ કરી દીધી હતી અને અમે બને એટલા વહેલા હોસ્પિટલ પહોંચી ગયેલા. ડૉક્ટર આશરે અગિયાર વાગ્યાની આસપાસ મને તપાસી ગયેલા અને બપોરે 2.25 મિનિટે નિશિથનો જન્મ થયેલો. મારા ઘરના સભ્યો કહે છે કે, સંતાનના જન્મના સમાચાર મળતા જ આશિષ તો ગાંડો ગાંડો થઈ ગયેલો... અને બધાને ફોન કરી કરીને કહેવા માંડેલો કે, મારા ઘરે દીકરો જન્મ્યો છે...
નિશિથને જ્યારે નર્સે મારા હાથમાં મૂક્યો ત્યારે મારા જીવનનું જાણે સર્વસ્વ મને મળી ગયું હોય તેવું લાગ્યું. મારા જીવનમાં જાણે અચાનક ફૂલો પથરાઈ ગયા હોય એવું મને લાગતું અને એ તમામ ફૂલોની ખુશ્બુ એટલે જાણે અમારો નિશિથ! હું અને આશિષ બંને ખૂબ ખુશ હતા અને નિશિથ જન્મો તે દિવસથી અમારા બંનેની લાઈફ અને લાઈફ સ્ટાઈલ બંને બદલાઇ ગયેલા.
અમે બંને તો અમારું અસ્તિત્વ ભૂલી ગયા અને અમારું બધુ ધ્યાન નિશિથમાં કેન્દ્રિત કર્યું. અને બસ નિશિથનું જ ધ્યાન રાખતા હોય એવું ઘણીવાર લાગ્યા કરતું. અમારા બંનેની નજર અને અમારું ધ્યાન હંમેશા તેના તરફ જ રહેતા... એ નાનપણથી જ અભ્યાસમાં ખૂબ હોશિયાર હતો. હંમેશાં એકથી ત્રણમાં જ એનો નંબર આવતો. ક્યારેક જરૂર પડે તો આશિષ પાસે અથવા મારી પાસે પણ શીખવા બેસી જતો. અમારે કદી એને કહેવું નથી પડ્યું કે ભણવા બેસ... એ જાતે જ પોતાનો અભ્યાસ કરી લેતો...
આજે આ વાતનું સ્મરણ થઈ આવ્યું એનું મુખ્ય કારણ એ હતું કે... નિશિથે સી.એ. કર્યું અને એને જેટલી પ્રેક્ટીસની જરૂર હતી એટલે એણે કરી લીધી. હવે તે સ્વતંત્ર રહીને પોતે આગળ વધવા માંગતો હતો... આટલા વર્ષોમાં ક્યારેય એણે પોતાના માટે કશું માંગ્યું નથી.. અને પહેલી વખત એટલી બધી સમજદારી પૂર્વક અને એકદમ નિખાલસતાથી એણે પોતાની ઓફિસ શરૂ કરવા માટે નાણાંની માગણી કરી... ત્યારે અમે બંને એની પડખે ઊભા રહી ગયા છીએ અને એના બિઝનેસને લગતી આર્થિક ગોઠવણ કરવા માંડી પડ્યા છીએ...
માગણી કરતા પહેલાં તો એણે અમારી સાથે આખી ઓફિસની ઝીણામાં ઝીણી વાતની વિગતવાર ચર્ચા કરી. પોતે કઈ રીતે જીવનમાં આગળ વધવા માગે છે... શું કરવા માગે છે.. શું બનવા માગે છે... અને કેટલી ઉંચાઈ પર પહોંચવા માગે છે.. તેની ચર્ચા કરી... અને ત્યારબાદ એણે અમારી પાસે પૈસાની માગણી કરી હતી...
નિશિથના વિચારો અને એનું ધ્યેય અને એણે નક્કી કરેલો માર્ગ જોતાં અમે એની સાથે જોડાઈ ગયા. અમે બંને એની વાત સાથે સહમત હતા. અમે બંનેએ અમારું સર્વસ્વ એને માન્યો હતો અને એને માટે અમે અમારું સર્વસ્વ એના બિઝનેસમાં લગાવી રહ્યા છીએ.
એ સી.એ.ની ઓફિસ શરૂ કરવા જઈ રહ્યો છે ત્યારે મા તરીકે મારા આશિર્વાદ એની સાથે છે. મને મારા નિશિથ પર ગર્વ છે. એ મારો શ્રવણ છે.
(ભાવના પટેલ, વલસાડ)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર