મારો દીકરો મારો દોસ્ત

28 Jan, 2016
12:06 AM

mamta ashok

PC:

મમ્મી, આ કાગળ લે. આનું શું કરવું તે મને કહેજે. તું કહે તે મને મંજૂ.’ મારા હાથમાં એક કાગળ આપીને જૈમિન બીજા રૂમમાં જતો રહ્યો. મારા આશ્ચર્ય વચ્ચે એ કાગળ એના ક્લાસની એક છોકરીનો લવલેટર હતો! મને કાગળ વાંચીને નવાઈ લાગી ને સાથે જ જૈમિનની શરમ પર હસવું પણ આવ્યું. કેટલો ડાહ્યો! મારી વાત પર એના અડગ રહેવા બદલ મને આનંદ થયો ને સાથે જ ચિંતા પણ થઈ કે, જો ત્રીજા જ વરસમાં આ ચક્કર ચાલુ થશે તો પૈસાની સાથે ભણવાનું તો બગડશે જ પણ આટલા વરસની એની કારકિર્દી પર પણ પૂર્ણવિરામ મૂકાઈ જશે. બધાંની કેટલી મહેનત ને કેટલી આશા એના ભણતર સાથે જોડાયેલી હતી. ભણશે નહીં તો એના પપ્પા નક્કી એને અહીં પાછો બોલાવીને ખેતીવાડીમાં જ જોતરી દેશે. આટલાં વરસોની માબાપની તકલીફ ને પૈસાનો અભાવ, બધું એના ધ્યાનમાં તો હતું જ. બે વરસ માટે બધી બાજી બગડી જાય એ પોસાય તેમ ન હોવાથી મેં એને બોલાવીને કહ્યું,

જો દીકરા, આ છોકરી ભલે સારી ને ડાહી હોય ને તને ગમતી પણ હોય, તોય એને બે વરસ થોભી જવા કહી દે. તારું ભણવાનું બગડે એ કોઈ હિસાબે નહીં ચાલે. ભણવાનું તો એનું પણ બગડે જ ને? પ્લીઝ, મારી આટલી વાત માની જા.’ જૈમિને એ છોકરીને મારી ઈચ્છા જણાવી દીધી ને આજે પણ એ છોકરી મારી મશ્કરી કરે છે કે, ‘મમ્મી, તમારો છોકરો કેટલો ડાહ્યો! મમ્મી કા બેટા. મને તો ત્યારે એટલું ખરાબ લાગેલું કે, સાલાએ મમ્મીને મારો લવલેટર બતાવી દીધો? મને કેવું લાગ્યું હશે?’

હું પણ જૈમિનને જ વખાણું ને? ‘જો ત્યારે મને એણે તારો લવલેટર ન બતાવ્યો હોત તો તમે બંને આજે આર્કિટેક્ટ બન્યાં હોત? મારો છોકરો ડાહ્યો ને હીરો તો જ તેં એની રાહ જોઈ.’ ‘હા ભઈ હા, તમે તો એને જ વખાણો ને?’ વહુ પણ દીકરીની જેમ જ હક કરે છે પણ એ બે શ્રાવણીઓની વાત ફરી ક્યારેક. આજે તો મારા શ્રવણની વાત.

જૈમિન–મારો મોટો દીકરો. જ્યારે બારમું પાસ કરીને આર્કિટેક્ટ બનવા માટે મુંબઈ જવાની તૈયારી કરતો હતો ત્યારની વાત છે. ઘરમાં એના જવાની તૈયારીઓ થવા માંડેલી તે દરમિયાન એક દિવસ એને બોલાવીને મેં કહ્યું, ‘તું ભણવા માટે જાય છે તો આટલું યાદ રાખજે. દારૂ, જુગાર,નૉનવેજ ને છોકરીઓથી દૂર રહેજે.’ નવાઈની વાત કે, એ બધી વાત એણે પાળીને બતાવી. જરૂર પૂરતા જ પૈસા મગાવતો ને તે પણ કરકસરથી વાપરતો. એ ફક્ત મારો નહીં પણ આખા કુટુંબમાં સહુનો માનીતો. ઘરનાં કામમાં નાનપણથી બધી ટ્રેઈનિંગ મળેલી એટલે રસોઈ સિવાયના કોઈ પણ કામની કોઈ દિવસ ના ન કહે. પપ્પાની સાથે નાનપણથી વાડીમાં પણ જતો, ગાડી રિપેર કરાવતી વખતે પણ ગૅરેજમાં કલાકો સુધી ગરમી કે ઠંડી જોયા વગર પપ્પાની સાથે જ રહેતો. અમે રહીએ ત્યાંથી સ્કૂલ, બજાર ને દવાખાનાં બધું દૂર. રિક્ષા ને મોટરસાઈકલની સગવડ તો પછીથી થયેલી પણ કોઈ પણ કામ હોય તો તરત સાઈકલ પર નીકળી પડતો.

નાનપણથી પપ્પાના ધાકને લીધે ડાહ્યોડમરો રહેતો જૈમિન સ્કૂલમાં ને ઘરની બહાર ખૂબ ધમાલી હતો. અવારનવાર એની ફરિયાદ આવતી રહેતી પણ ભણવામાં ને ક્રિકેટમાં આગળ એટલે બધું ચાલી જતું. આજે પણ સ્કૂલના ટીચર્સ મળે ને જૈમિનને યાદ કરે તો મારું મોં ચમકી ઊઠે. બહુ નાનપણથી એને પેન, ઘડિયાળ, સાઈકલ વગેરે ખોલી કાઢવાની ટેવ. પછી પાછું એ બધું જોડી દે પણ એમાં પપ્પાની ગાળ ખાય ને મારી શાબાશી મેળવે. એટલે એને મારા પર વિશ્વાસ કે, મારી મમ્મી મને કોઈ કામની ના નહીં કહે. એક વાર લગભગ સોળેક કિલોમીટર દૂર બધા મિત્રો સાથે ફરવા જવાનો પ્રોગ્રામ બન્યો હતો. ત્યારે એ દસ કે બાર વર્ષનો હશે. પપ્પાને ખબર ન પડે એટલું સાચવીને મેં એને જવા દીધેલો. એનાં બધાં કારસ્તાનની મને તરત જ જાણ કરતો.

દસેક વર્ષનો હશે ત્યારે ભર ચોમાસે મેં એને ટ્યૂશને જવા મજબૂર કર્યો હતો. ભણવાનું બગાડવાનું નહીં, નહીં તો પછી બહાનાં કાઢવાની ટેવ પડી જાય એ જ આશય બીજું કંઈ નહીં. ચાર કિલોમીટર સાઈકલ પર જઈને પાછો આવ્યો, ‘સરે કહ્યું કે, ગામનાં કોઈ છોકરાં નથી આવ્યાં ને તું કેમ આટલે દૂરથી આવ્યો? વરસાદ ધીમો પડે પછી ઘરે જા કહ્યું પણ હું તો આવી ગયો.’ મને ત્યારે બહુ પસ્તાવો થયેલો. ડિસિપ્લિનના નામે મેં એને બહુ દુ:ખી કર્યો છે, ઘણી વાર મેથીપાક કે કડક શિક્ષા પણ કરેલી તોય એનો જવાબ કાયમ આ જ હોય, ‘મમ્મી, મારે તો નાનપણથી ફૌજી બનવું હતું ને? તો પછી આ બધી ટ્રેઈનિંગ જ કહેવાય ને? ને આજે એ બધું મને કેટલું કામ આવે છે?’

જૈમિન નાનો હતો ત્યારે ‘ત્રિશૂલ’ ફિલ્મ આવેલી. મેં નક્કી કર્યું કે, મારા દીકરાને પણ આવો જ ખડતલ બનાવીશ. ચાલતાં કે રમતાં પડી જતો તો ‘અલેલે માલો લાજો બેટો પડી ગયો?’ જેવા વેવલાવેડાં મેં ક્યારેય નથી કર્યાં. ‘અરે વાહ, જૈમિન તો જાતે જ ઊભો થઈ ગયો’ બોલું એટલે તરત હસતો હસતો દોડી આવતો. એ રીતે એ ખોટી આળપંપાળથી બચ્યો. મેં ઘણી મમ્મીઓને બાળકોને લાડકાં બનાવી દેતાં જોયેલી, ત્યારનું મેં નક્કી જ કરેલું કે, મારા દીકરાને હું લાડગાંડો નહીં બનાવું. નાનપણથી જ ખોળામાં બેસાડી રાખવાની ટેવ કે સતત એના પર નજર રાખવાની ટેવથી હું બચેલી તો આજે ફાયદો એ છે કે, એની કોઈ પણ તકલીફમાં એના કહ્યા વગર હું માથું નથી મારતી. એ તો આટલું જ કહે, ‘મમ્મી… અમે અમારું ફોડી લઈશું. અમે નાના નથી હવે. તું તારી ચિંતા કર. આટલું મસ્ત કામ મળ્યું છે તો જલસા કર ને. તારી જરૂર પડશે તો તને બોલાવશું.’

વર્ષોથી દૂર રહ્યાં છીએ પણ ફોન અને દિલથી એટલાં નજીક છીએ કે, જાણે રોજ આવીને સામે ઊભો રહી જાય, ‘મમ્મી, કસરત કરી? મમ્મી લખવાનું કેમ ચાલે? હમણાં કઈ ચોપડી બહાર પડવાની?’ જાણે કે, મેં એને રોજ પૂછેલા સવાલોનો બદલો લેતો હોય! ‘જૈમિન, લેસન કર્યું? જૈમિન વાંચવા બેઠો? જૈમિન, આજે તું ભણે નહીં તો તને ખાવાનું નહીં મળે ખબર છે ને?’

મારી મમ્મી કંઈમાં પાછળ ન રહેવી જોઈએ એવું આજકાલનાં બધાં બાળકો ઈચ્છે, એટલે જૈમિને પણ ઘણાં વરસો પહેલાં બહુ શાંતિથી કમ્પ્યુટરની દુનિયામાં મને લઈ જઈને મારું ઘણું કામ આસાન કરી આપ્યું. એ લોકો વર્ષો સુધી સિંગાપોર રહ્યાં ને આજે ચાર વર્ષથી એ મુંબઈની મોટી કંપનીમાં મેનેજરના પદે હોવા છતાં મગજ પર એણે એ હોદ્દાને બેસાડ્યો નથી તેને હું મારું ઈનામ ગણું છું. ને છેલ્લે, એમના ઘરમાં બાળક બાબતે જ્યારે વાત થાય કે મારો એક જ જવાબ હોય, ‘તમારા બેમાંથી કોઈ નોકરી છોડો ને બાળકને સાચવો, મારી આશા નહીં રાખતાં.’ મારા શ્રવણે મારી એ વાત પણ માની છે. (વહુ રિધલ, જૈમિન પોતાનું બધું કામ જાતે ને એકદમ વ્યવસ્થિત કરી લે એટલે બહુ ખુશ છે. ‘મમ્મી તમારો પોયરો ને મારો વર તો કે’વુ પડે બાકી.’)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.