પૂરવઃ મારી આંખોમાં અંજાયેલું સપનું, મારા જીવનની દિશા

03 Sep, 2015
12:00 AM

mamta ashok

PC:

જીવન હંમેશાં એક જ ભવમાં જીવવા મળતું હોય છે. એમાં આગલા જન્મ કે પાછલા જન્મ જેવું કશું નથી હોતું. આપણી આસપાસ એવો કોઈ માણસ છે? જે આપણને આપણા પૂર્વ ભવ વિશે જરા સરખી પણ જાણકારી આપી શકે? અલબત્ત આવી બાબતોમાં ગપગોળા મૂકવાવાળા તો ઘણા મળી રહેશે, પરંતુ એ બધી વાતોના કોઈ નક્કર પુરાવા નથી હોતા. એટલે આપણને જ્યારે આ જીવન મળ્યું છે ત્યારે આગલા-પાછલાની પળોજણમાં પડ્યાં વિના આ જન્મે જ જે જીવન મળ્યું છે એ અને જે સંબંધો મળ્યાં છે એને ભરપૂર જીવી-માણી લેવા જોઈએ. જોકે મને જીવન કરતા સંબંધોએ હંમેશાં અચરજમાં પાડ્યો છે. આવડી મોટી દુનિયામાં આખરે કયા કારણોસર ભટકાઈ જતાં હોય છે આ સંબંધો? અને વળી, એ સંબંધોમાં પણ કેટકેટલી વિવિધતા! કેટલાક સંબંધો આપણને જન્મ આપતા હોય તો કેટલાક આપણને જન્મની સાથે ભેટમાં મળે છે. વળી, કોઈ યાત્રામાં જુદા જુદા સ્ટેશનોએ સહપ્રવાસીઓ મળતા જાય એમ જીવનના જુદા જુદા પડાવો પર કેટલાક સંબંધો આપણને અચાનક જડી આવે. તો સૌથી મોટું અચરજ તો ત્યારે થાય, જ્યારે આપણે પોતે કોઈ સંબંધને જન્મ આપીએ!

બીજાઓની ખબર નથી, પરંતુ મારા માટે આ બાબત અત્યંત વિસ્મયકારક છે. આપણે જેને ગઈકાલ સુધી જાણતા ન હોઈએ કે કયારેક સ્વપ્નેય જેનો ચહેરો ન જોયો હોય એવા સંબંધો આપણા જ દ્વારા આ દુનિયામાં જન્મ લે છે, જેને આપણે સંતાન તરીકે ઓળખીએ છીએ. જોવા જેવું ત્યારે થાય છે કે, આ અનોખા સંબંધોના જન્મ બાદ જીવનમાં અચાનક આમુલ પરિવર્તનો આવે છે. પછી તો તેઓ જ આપણા જીવનની ધૂરી બની જતાં હોય છે. મારા દીકરા પૂરવના જન્મ પછી મારી સાથે જ પણ આવું જ કંઈક થયું. મારા સંતાન- મારા પોતાના દીકરાના જન્મના સમાચાર જે ક્ષણે સાંભળેલા એ ક્ષણે જ મારા જીવને વળાંક લઈ લીધેલો અને હજુ આગલી ક્ષણ સુધી દીકરો, ભાઈ કે પતિ તરીકે ઓળખાતો હું ક્ષણવારમાં પિતા બની ગયો! એ ક્ષણનો આનંદ અવર્ણનિય હોય છે. જે પિતા એના આ આનંદને શબ્દોમાં વર્ણવી શક્તો હોય એને મારા લાખ સલામ!

પિતા બન્યાં પછી મને એમ લાગ્યું કે, ઈશ્વરે મને મારા જ પડછાયાની ભેટ આપી છે. એવું પણ લાગેલું જ્યારે જંગલમાં એક સિંહની ભેળો હવે બીજો પણ ભેગો થયો. મારામાંથી છૂટો પડેલો એક અંશ મારા જીવનને સાર્થક કરવા, મને અદમ્ય આનંદની ભેટ ધરવા, મારા સુખ-દુખમાં ભાગીદાર બનવા માટે આ ધરતી પર જન્મ્યો છે. એમાંય જ્યારે પહેલી વાર મેં એનો ચહેરો જોયો અને એને હાથમાં લીધો ત્યારે મેં મારી જાણ બહાર ઈશ્વરને વચન આપી દીધેલું કે, 'હે ઈશ્વર, તે મને ધરેલી આ ભેટનું પૂરી પ્રતિબદ્ધતાથી જતન કરીશ. અમેરિકા જેવા દેશમાં રહીને પણ એને સુંદર સંસ્કારોથી શણગારીશ અને એના જીવનની નાનામાં નાની જરૂરિયાતોને પૂરી કરીશ, પિતા તરીકેની મારી તમામ જવાબદારીઓ પૂરી કરીશ.'

પિતા બન્યાં પછીનો એક સૌથી મોટો ફાયદો એ છે કે, સંતાનના જન્મ પછી તમને તમારા માતા-પિતા માટે અત્યંત ગર્વ થઈ આવે. સંતાનના જન્મ પછી જ તમને એ સમજાય છે કે, આપણા માટે થઈને આપણા માતા-પિતાએ પણ કેટલું વેઠ્યું હશે અથવા આપણે કારણે એમણે પણ કેટલી રાતોના ઉજાગરા સહન કર્યાં હશે! આપણે આપણી કેટલી બધી નાની નાની જરૂરિયાતો માટે આપણા માતા-પિતા પર આધારિત રહેતા અને તેઓ કઈ રીતે આપણી એ બધી માગ પૂરી કરતા એ સહેસાસ હવે થાય છે. આ સંતાનોને કારણે જ આપણને આપણા માતા-પિતા તરફની આપણી જવાબદારીઓનું ભાન થાય છે, જ્યાં આપણને એ વાત નો અહેસાસ થાય છે કે, જેમણે આપણને જીવન આપ્યું કે જેમણે આપણી ઈચ્છાઓ પૂરી કરી એ મા-બાપને એમના ઘડપણના વર્ષોમાં આપણે કોઈ પણ ભોગે સાચવી લેવાના છે!

સમયને પસાર થતાં બહું વાર નથી લાગતી. ભારતમાં હતો ત્યારે ઘર માટેની જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ લેવા જતાં કંટાળતો હું હવે પૂરવની જરૂરિયાત માટેની તમામ વસ્તુઓ લેવા જાતે જાઉં છું અને શબરીના બોરની જેમ એકએક વસ્તુમાં અંગત ધ્યાન આપીને તેના માટે ચૂંટી ચૂંટીને બધી વસ્તુ પસંદ કરું છું. એના માટે પહેલી વાર હું કપડા લેવા ગયેલો ત્યારે એના નાના નાના કપડાંને સ્પર્શ કરીને હું અત્યંત રોમાંચિત થઈ ગયેલો. ત્યારે વિચાર આવેલો કે, ધીમે ધીમે આ કપડાંનું માપ વધતું જશે અને એક દિવસ એવો આવશે કે, મારા બે હાથોમાં સમાઇ જતો પૂરવ જ્યારે મારી બાજુમાં ઊભો હશે ત્યારે એનો ખભો મારા ખભાની લગોલગ હશે. અને કદાચ તો એમ પણ બને કે, એનો ખભો મારા કરતાંય ઊંચો હોય! અત્યંત રોમાંચક હતો આ વિચાર.

બાળક નાનું હોય ત્યારે એ તેની માતાની સૌથી નજીક હોય છે. મારા પૂરવનું પણ આવું જ છે. એ જ્યારે એની મમ્મીને સુંવાળું ચુંબન કરે ત્યારે મારા મનમાં એક મીઠો ચચરાટ થઈ આવે. મને ઈર્ષા થઈ આવે કે, આ પ્રેમમાં મારું સ્થાન ક્યાં? પરંતુ એ જ પૂરવ જ્યારે મને જોઈને સ્મિત કરીને 'ડેડી' કહે ત્યારે એમ લાગે કે હું એના પ્રેમના સરોવરમાં ડૂબકી મારીને બહાર આવ્યો છું. આ ઉપરાંત પૂરવ સૂતો હોય ત્યારે એને ટગર ટગર જોવાનું મને અત્યંત ગમે છે. એ સમયે એના ચહેરા પર અજબની નિર્દોષતા છવાતી હોય છે. થાકીને ઓફિસ આવું અને એને ઉંઘતો જોઉં ત્યારે પળવારમાં મારો બધો થાક ઉતરી જાય છે. એમાંય મારા પૂરવને ઉંઘતી વખતે મારી આંગળી પકડીને ઉંઘવાની ટેવ છે. એ ભર ઉંઘમાં હોય છે ત્યારે ક્યારેક એ અચાનક મારી આંગળી જોરમાં દાબે છે. આ દ્વારા પૂરવ એ વાતની ખરાઈ કરે છે કે, હું એની સાથે જ છું અને એને છોડીને ક્યાંય નથી ગયો! પણ બેટા, હું પણ તારો પિતા છું. હું શું કામ તારો હાથ કે તારો સાથ છોડીને ક્યાંક જાઉં? હું પણ એવું જ ઈચ્છું કે તું પણ હંમેશાં મારી પાસે રહે.

જોકે પિતા બન્યાં પછી મેં એ વાત પણ નક્કી કરી છે કે, મારે સામાન્ય ભારતીય પિતાઓની જેમ મારા સપનાં કે મારી ઈચ્છાઓ પૂરવના ખભે લાદી દેવી નથી. એ એનું આઝાદ જીવન જીવવાને સર્જાયો છે એમ હું સમજું છું. એને સારા સંસ્કાર મળે અને એ જીવનનું સાતત્ય સમજે એ માટે અમે બંને કટીબદ્ધ છીએ. એના માટે પિતા તરીકેની મારી એક જ ખેવના છે કે, તે હંમેશાં એ જ કરે, જે એણે કરવું છે. એના બધા સપનાં પૂરા થાય અને એ એક ઉત્તમ માણસ તરીકે ઊભરી આવે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.