નિરવ મારા જીવનની નિરવતા

07 Jan, 2016
12:00 AM

mamta ashok

PC:

હું સમયસર સુરત રેલવે સ્ટેશન પર પહોંચી ગઈ અને ગુજરાત ક્વિનમાં અમદાવાદ જવા રવાના થઈ. નિરવ મારી બાજુમાં બેઠો હતો. ટ્રેન ઉપડીને થોડી વાર થઈ ત્યાં એણે મારા ખોળામાં એનું માથું ઢાળી દીધું. એણે મારો એક હાથ પકડી રાખ્યો હતો અને મારો બીજો હાથ એના માથા પર ફરતો હતો. થોડી વારમાં જ એ ઉંઘી ગયો અને મારી પાસે અન્ય કોઈ વિકલ્પ નહીં રહેતા હું વિચારોમાં ખોવાઈ ગઈ.

રાજેશ સાથે લગ્ન કરીને સુરત આવી અને બીજા જ વર્ષે નિરવનો જન્મ થયેલો. આખા કુટુંબમાં આનંદનું વાતાવરણ છવાઈ ગયેલું. દીકરાના જન્મને કારણે રાજેશ અને હું બંને ઘણા ખુશ હતા. પરંતુ એના દાદા-દાદી તો જાણે સાતમું સ્વર્ગ મળી ગયેલું! નિરવના જન્મને કારણે આખા કુટુંબની દિનચર્યા બદલાઈ ગયેલી.

ત્રણેક વર્ષની ઉંમરે એ પ્લે ગ્રુપમાં ભણવા ગયો ત્યારે મેં એને કીધેલું, 'જો કોઈ રડે તો તારે પોતે નહીં રડવાનું પણ એમને છાના રાખવાના. બસ, ત્યાર પછી એ પોતે પ્લે ગ્રુપ કે સ્કૂલમાં એકપણ દિવસ રડ્યો નથી. પણ જે કોઈ રડતું એમને એ છાના રાખતો.'

આજે નિરવ ધોરણ પાંચમાં આવી ગયો છે. નિરવ શાંત, સમજુ, અને આજ્ઞાંકિત છે. મને યાદ નથી કોઈ દિવસ એણે જીદ કરી હોય. મેં જે વસ્તુ એને અપાવી છે, એ જ એણે લીધી છે. અરે હું સામેથી પૂછું કે, 'તારે શું જોઈએ છે? તો કહે, 'મમ્મા... તમારે જે અપાવવું હોય તે અપાવી દો.' આવા સમયે કોઈક જીદ માટે રસ્તે આળોટતા બાળકોને જોઈને મને અત્યંત આશ્ચર્ય પણ થતું અને આવા ડાહ્યા દીકરાની માતા હોવાનો ગર્વ પણ થતો.

આજે પણ રાજેશ ક્યાંક બહાર ગયા હોય અને હું ગમ્મતમાં એને કહું કે, તારા પપ્પાને કેટલી બધી વાર થઈ, તારા પપ્પા તો જબરદસ્ત ફેવીકોલ છે. તો આ સાંભળતાં જ નિરવ ખુશ થાય કે, ક્યારે પપ્પા આવે અને કહી દઉં! અને જેવા એના પપ્પા દેખાય કે એ દોડીને તરત કહી દે કે, 'પપ્પા... પપ્પા, મમ્મી તમને ફેવીકોલ કહેતા હતા...' જોકે એમાં ક્યારેય એનો ચાપલૂસીનો ભાવ ન હતો. પરંતુ એમાં એની નિદોર્ષતા રહેતી કે, મારા પપ્પા વિશે કોઈ કંઈ બોલી જ કઈ રીતે શકે? મમ્મીને પણ પપ્પા વોશે કંઈક બોલવાનો અધિકાર નથી. બીજી તરફ ધારોકે રાજેશ પણ મજાકમાં કંઈક મારા વિશે બોલે તો એ મને રાજેશની ફરિયાદ કરી લેતો.

એને રમવાનું ખૂબ ગમે છે. એના શોખને કારણે અમે બેટ-બોલથી લઈને બેડમિન્ટન કે સ્કેટિંગ જેવી તમામ રમતોના સાધનો ઘરે વસાવ્યા છે. પણ અભ્યાસના નક્કી કરેલા સમયે અભ્યાસ માટે નહીં બેસે તો એ બીજા, મારો નિરવ નહીં. સ્કૂલનું અને ટ્યૂશનનું લેશન સમયસર કરી જ લેવાનું. આ ઉપરાંત એ વધારાનો અભ્યાસ પણ કરે. ભણતરમાં ક્રમને લઈને અમે એને ક્યારેય દબાણ નથી કર્યું, પણ તોય અત્યાર સુધીની તમામ પરીક્ષાઓમાં એ પ્રથમ ત્રણ ક્રમે જ હોય.

નિરવને નથી ગમતું તો એના દાદીની નાના-નાની શિખામણો. એની ચિંતા કરીને એના દાદી એને કંઈ પણ કહે એટલે એ તરત કહી દે કે, 'દાદી, હવે હું મોટો થઈ ગયો છું. મને બધી સમજ પડે છે. હું કંઈ નાનો નથી. મને બધુ જ આવડે છે.'

દાદા-દાદીને પણ એ ખૂબ વહાલો છે અને એ પોતે પણ તેઓની ખૂબ ચિંતા રાખે છે. પણ એને વાતે વાતે શિખામણ નથી ગમતી. અમારા ઘરમાં એ એકલો જ નાનો અને બાકીની ચારેય વ્યક્તિઓ મોટી પણ એ અમારી ચારેય સાથે રમે.

એ ચોથા ધોરણમાં હતો ત્યારે એને ન્યૂમોનિયા થઈ ગયેલો અને હોસ્પિટલમાં દાખલ કરેલો. ત્યારે એનું વજન ઘણું ઉતરી ગયેલું. એનું ઘટતું વજન જોઈને મને એની ચિંતા થયેલી અને હોસ્પિટલમાં એના બિછાને બેસીને હું રડી પડેલી. એની વડીલ તો હું હતી પણ એણે મારે માથે હાથ પસવારીને કહેલું કે, 'મમ્મા હું કંઈ આમ રોજ માંદો નથી પડવાનો. જોજેને ઘરે પહોંચીશ એટલે હું ખૂબ હેલ્થી ફૂડ ખાઈશ અને ફરીથી તાજોમાજો થઈ જઈશ. એમાં આટલી બધી ચિંતા શેની કરે છે.'

એને ઉતરાયણમાં પતંગ ચગાવવાનો જરાય શોખ નહીં એટલે રાજેશ ક્યારેક ઉતરાયણના દિવસે ઓફિસ જવાનું વિચારતા. જોકે છેલ્લા ત્રણેક વર્ષથી નિરવે ઘરમાં એક કાયદો ઘડ્યો છે કે, ઉતરાયણના દિવસે કોઈએ ઘરની બહાર નહીં નીકળવાનું. કારણ કે, એ દિવસે પતંગની દોરી ભેરવાઈ જવાને કારણે ઘણા અકસ્માતો થાય છે એટલે આપણે એ દિવસે ખાસ સાવચેતી રાખવાની!

સાંજને સમયે નિરવ એની દિનચર્યા વિશે તો અમને કહે જ પરંતુ સાથે એ એની જિજ્ઞાસા, એના વિચારો, એના પ્રશ્નો પણ અમારી સાથે શેર કરે. અને એ રીતે એ અમારા પર ભરપૂર વિશ્વાસ મૂકે. આવા સમયે ખરેખર મારા હૃદયમાં થાય કે આ જ મારો શ્રવણ છે.

(સુનેહા રાજેશ પટેલ. સુરત)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.