આપણાં સંતાનો આપણો વારસો
સંતાનો આપણને જીવનની અલિપ્તતાથી બચાવી લેતાં હોય છે. જીવન આખું આપણે સંબંધો, કરિયર કે સમાજની આંટીઘૂંટીમાં પસાર કરીએ ત્યારે કોઈક એક તબક્કે આપણને સાધુભાવ જાગતો હોય છે, આ બધી મથામણ કોને માટે કરવાની? આખરે કોઈ એક ક્ષણે આપણે પણ અહીંથી ગુજરી જ જવાનું છે ને? એના કરતા આ બધી મથામણ નહીં કરતા જીવનમાં થોડી નિરાંત હોય. આ બધા ઝમેલાથી આપણે દૂર હોઈએ તો કેટલું સારું?
અલબત્ત, આ બધા વિચારો ક્ષણિક હોય છે અને આવા વિચારો આવે એની થોડી ક્ષણો પછી તરત જ આપણે બધા દુન્યવી ઝમેલામાં ખૂંપી જતાં હોઈએ છીએ પણ મૂળ મુદ્દો એ કે, કોઇક કાચી ક્ષણ આપણને આવું બધું વિચારવા મજબૂર કરી દે છે. જોકે, જીવનમાં સંતાનના જન્મ પછી આવું કશું જ થતું નથી.
તમને થશે કે, સંતાનો તો આપણા જીવનના બીજા કે ત્રીજા દાયકામાં જ આવી જતાં હોય છે અને આપણા જીવનનો બીજો અને ત્રીજો દાયકો એટલે આપણી ફુલગુલાબી યુવાની! યુવાનીમાં તે કંઈ આવા વિચારો આવતા હોય? પણ અમારી વાત જરા જુદી છે. ઈશ્વરે અમને જીવનના ચોથા દાયકામાં માતાપિતા બનવાનું સૌભાગ્ય આપ્યું હતું. એટલે સંતાનનો જન્મ થાય એ પહેલાં અમે ઘણી તડકી-છાંયડી જોઈ ચૂક્યાં હતાં અને એ કારણે જ અમે પરિપક્વ પણ થયાં હતાં. કદાચ આ કારણે જ મને બધા ઝમેલાથી અલિપ્ત થવાના વિચારો આવતા હતા.
મારી દીકરી પરી જન્મી એ પહેલાં અમને સંતાનસુખ મળે એ માટે ખૂબ પ્રયત્નો કરેલા. મંદિર-દરગાહથી લઈને મોંઘી મેડિકલ ટ્રીટમેન્ટ સુધીનું બધું જ કરી જોયેલું. લગ્ન પછીના એક-દોઢ દાયકા સુધીની આ મથામણ પછી અમે ખરેખર સંતાનની આશા છોડી દીધેલી અને અમે બીજી જગ્યાએ અમારા મન વાળી દીધેલાં પણ થોડાં વર્ષો પછી અમને ફરી એક આશાનો આધાર મળ્યો અને એ આશાએ અમને ખરેખરી એક દીકરીની ભેટ આપી. અમને રાશિઓમાં કે નસીબ-ભવિષ્યમાં આમ પણ ઝાઝો રસ નહોતો. એટલે આસમાનમાંથી માત્ર અમારી ખુશીઓ માટે જ જન્મેલી અમારી આ પરીને અમે પરી નામ આપ્યું અને એક સુંદર, મનોહર જીવનની અમે શરૂઆત કરી.
જાણે મારો વારસો જ જાળવવા જન્મી હોય એમ પરીનો ચહેરો બિલકુલ મારા ચહેરાને મળતો આવે. ચહેરો તો માનવ શરીરનું બાહ્ય અંગ કહી શકાય પણ પરીનો તો સ્વભાવ પણ મને મળતો આવે. દીકરી તો આમેય મૂળે શાંત સ્વભાવની હોય છે પણ મારી આ લાડલી તો શાંતિની બાબતે બધા રેકોર્ડ્સ તોડે એવી છે.
ન કશી વાતની કોઈ ધમાલ, ન કશી કોઈ માગણી કે ન કશી કોઈ પળોજણ! બસ, એની દુનિયામાં જ ગુલતાન અને હંમેશાં એના મૂળ આશયને વળગેલી રહે! એનો મૂળ આશય કયો? તો કે, ખુશ રહો અને મમ્મા-પપ્પાને ખુશ રાખો! આટલામાં એની દુનિયા અને એનું સમગ્ર અસ્તિત્વ જાણે સમેટાઈ જાય.
સમજણી થઈ અને બોલતી થઈ ત્યાર સુધી તો એણે એનું બધું કમ્યુનિકેશન માત્ર આંખોના ઇશારાથી જ કર્યું. એને થોડીઘણી તકલીફ હોય તો એ વાત પણ એની આંખો દ્વારા જ જાણવા મળે અને એને અમારા પર હેત ઉભરાય તોય એ એની આંખો દ્વારા વ્યક્ત થાય. પછી તો એ ધીમે ધીમે શબ્દોની રમત શીખી અને બોલતાં-વાંચતાં-લખતાં પણ શીખી પણ જાણે કોઈ એની પાસે એના બોલાયેલા શબ્દો પર ટેક્સ લેવાનું હોય એક એક શબ્દ જોખીતોલીને બોલે અને શબ્દોનો અત્યંત કરકસર પૂર્વક ઉપયોગ કરે.
અમને હતું જેમ જેમ મોટી થશે અને સ્કૂલનાં બાળકો સાથે ભળશે એટલે બીજાં બાળકોની જેમ એ પણ ખૂબ બોલતી થઈ જશે. સ્કૂલમાં જઈને એણે મિત્રો તો ઘણા કર્યા પણ એ બધાના કલરવની વચ્ચે પણ મારી પરી તો શાંત જ હોય. હસતાં મોઢે આસપાસનું વાતાવરણ નીરખ્યાં કરે અને એના પરમ મૌનમાં આજુબાજુના ચૈતન્યને માણતી રહે. ક્યાંક કોને જરૂર પડે તો થોડુંઘણું બોલે નહીંતર એને જરૂર પડે તો એના મૌનથી જ એ એનું કામ ચલાવી લે.
જોકે, હવે તો અમને પણ એનું આ ઓછાબોલું માફક આવી ગયું છે. ઘણી વખત એને ધ્યાનથી નીરખીએ તો એમ થાય કે, અમારી આ લાડલી મોટી થઈ ને બહુ મોટી કલાકાર બનવાની. કારણ કે, એણે જે એની અંદર સમાવી રાખ્યું છે અને અગાધ મૌનમાં જે મનોમંથન અનુભવ્યું છે એ ક્યારેક કોઈ રીતે તો અભિવ્યક્ત થશે જ ને? પણ એ જે હોય તે. એણે જે કરવું હશે તે એ કરશે. એની ચિંતા આપણે શું કામ કરવી? આપણો ધર્મ તો એને મદદ કરવાનો છે. અમને એટલી ખાતરી છે કે, એ અમારા સંસ્કારના વારસાને આગળ લઈ જશે. એટલે દુનિયાની બધી ચિંતા મૂકીને અમે તો પરી સાથેના સહજીવનને માણવામાં જ તલ્લીન છીએ.
(મહેશ પાંચાલ, અમદાવાદ)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર