અમારા અનેક શ્રવણકુમારો

26 May, 2016
12:00 AM

mamta ashok

PC:

ઈશ્વરે અમને સંતાનનું સુખ આપ્યું નથી, પણ એનો મતલબ એ પણ નથી કે, અમારે શ્રવણ નથી. અરે, એક શ્રવણ શું અમારે તો અનેક શ્રવણો છે, જેમના કારણે જ અહીં શ્રવણકથા માંડવાનું મન થયું છે. એ શ્રવણકુમારો એટલે અમારી સોસાયટીની આજુબાજુમાં રહેતા બાળકો, જેઓ અમારે ત્યાં રમવા-ભણવા કે એમ જ મન થાય ત્યારે બેસવા આવે છે. અમારા લગ્ન થયાં બાદ થોડા વર્ષો સુધી અમે સંતાન પ્રાપ્તિ માટે થોડીઘણી મથામણ કરી જોઈ. પરંતુ પછી અમારા પ્રયત્નો નિષ્ફળ જતાં અમે વધુ આશા રાખવાનું બંધ કરી દીધું અને આસપાસના માહોલમાં અન્ય જગ્યાએ મન પરોવવાનું નક્કી કર્યું. એ દરમિયાન જ અમને ખ્યાલ આવ્યો કે, અમારી આસપાસ અનેક બાંધકામ ચાલી રહ્યા છે, જ્યાં કામ કરતા મજૂરોના બાળકોને નથી તો શિક્ષણ મળતું કે, નથી એમને યોગ્ય પોષણ મળતું. માંદલા શરીરવાળા એ બાળકોના ભવિષ્યનું તો ઠીક એમના વર્તમાનનું પણ કોઇ ઠેકાણું ન હતું. તો એ બાળકો માટે કશુંક થઈ શકે તો કરીએ એવી અમને ઈચ્છા થઈ.

આમેય અમને બાળકો સાથે સમય પસાર કરવો હતો અને બાળકો માટે કંઈક થઈ શકે તો એ કરવું હતું. એટલે એ શ્રમિકોનો અમે સંપર્ક કર્યો અને એમના બાળકોને અમારે ત્યાં મોકલવાની આજીજી કરી.સ્વાભાવિક છે કે, કોઇ અજાણ્યાને ત્યાં પોતાનું બાળક મોકલતી વખતે શ્રમિકો અચકાય. એ શ્રમિકોમાંના કેટલાક પણ અચકાયેલા. પણ બે-ત્રણ કપલ્સે એમના સંતાનો અમારે ત્યાં મોકલવાની તૈયારી દાખવેલી એટલે અમે જાણે ગંગા નાહી પડેલા. કારણ કે, બાળકોનો તો મૂળ સ્વભાવ હોય છે, કે જ્યાં એમના મિત્રો જતાં હોય ત્યાં તેઓ પણ સહજતાથી પહોંચે. આ કારણે પેલા બાળકોની સાથે અન્ય બાળકો પણ અમારે ત્યાં આવતા થઈ ગયેલા, જેના કારણે અમારે ત્યાં આવેલા બાળકોની સંખ્યા સાત- આઠ જેટલી થઈ ગયેલી.

પરેશ તો આખો દિવસ નોકરી પર હોય અને એની સરકારી નોકરીની મથામણો પણ વધારે રહેતી એટલે ઘરે આખો દિવસ હું એકલી રહેતી. સવારે નવ વાગ્યે પરેશ નીકળે એટલે થોડો સમય થાય નહીં ત્યાં બધા વારાફરતી ઘરે આવી પહોંચે. સવારે એ બધા આવે એટલે મમરા અને બિસ્કીટ કે ચેવડો અને ચીકીની જયાફતથી અમારા બધાનો સહિયારો દિવસ ઉઘડે. નાસ્તો પતે એટલે અમે બધા ઘરની પાછળના ગાર્ડન એરિયામાં બેસીએ. એમના માટે મેં ખાસ એક બ્લેક બોર્ડ વસાવેલું. સાથે વાર્તા કે રંગ પૂરણી માટેના થોડા પુસ્તકો પણ વસાવેલા. વળી, માથાદીઠ કાળી પાટી અને પેન તો ખરાં જ!

બાળકોને ભણવાનો ત્રાસ નહીં થઈ જાય એને ધ્યાનમાં રાખીને મેં ગીતો અને જોડકણાનો એક નાનો અમસ્તો અભ્યાસક્રમ તૈયાર કરેલો , જેને ગાતા ગાતા અમે સૌ ભણતા અને અક્ષર અને આંકડાનું જ્ઞાન મેળવતા રહેતા. બે-એક કલાક અમે સાથે રહીએ એટલામાં તો એ બાળકોની જાતજાતની ધમાલ હોય અને એ ધમાલ અમારા આખા ઘરને ગજવી મૂકે. ઘરને જાણે બાળપણ ફૂટે અને એની એકએક દીવાલોમાં જીવ પુરાય! અક્ષર અને આંકડાના જ્ઞાનની સાથે હું બાળકોને પ્રાર્થના પણ શીખવું અને એની સાથે જીવનમાં સ્વચ્છતાનું શું મહત્ત્વ હોય એ વિશેની પણ જાણકારી આપું.

મારે ત્યાંથી ભણીને તેઓ સીધા એમના ઘરે પહોંચીને લંચ પતાવી આવે અને ફરી ઘરે આવીને ટીવી સામે ગોઠવાય. ટીવી જોતી વખતે રોજનો એક વિગ્રહ નક્કી જ હોય, કારણ કે, કેટલાકને કાર્ટૂન્સ જોવા હોય તો કેટલાક ફિલ્મો કે WWFની વાત લાવે. જોકે પછી અમે અડધા અડધા કલાકના ટાઈમ નક્કી કરીએ અને બધા ભેળામળીને ટીવી જુએ. કેટલાક વળી, ટીવી જોતાં જોતાં ઝોકે પણ ચઢે અને ઝોકે ચઢેલા જ્યારે ઝડપાય ત્યારે હાસ્યના જાણે ફુવારા ઉડે. એ જે મજા હોય છે એની તો વાત જ શું કરવી?

ઘરમાં ગોંધાયેલા રહેવાનું તો કયા બાળકને ગમે? એટલે ત્રણ-ચાર વાગે ત્યાં આખી ટોળી આજુબાજુના મેદાનોમાં રમવા નીકળે. કેટલાકને ક્રિકેટ રમવાનું ખૂબ ગમે તો કેટલાક એકબીજાને દોસ્તી કરીને ક્યાંક ફરવા કે પરાક્રમ કરવા નીકળે. સાંજે જમીને આવે પછી પણ કોઈકને મન થાય તો ઘરે ફરવા આવે કે અમારી સાથે ટીવી જોય. વળી, એકાદુ ભૂખ્યું હોય તો અમારી સાથે જમી પણ લે.

બાળકોની આ દુનિયા અમને ખૂબ આનંદ પમાડે છે. શનિ-રવિ પરેશની રજા હોય તો તેઓ પરેશ સાથે પણ એટલી જ મસ્તી કરે, જેટલી મસ્તી તેઓ મારી સાથે કરે. રવિવારે વળી, અમારે ઘરના કામકાજ પણ હોય, જે દરમિયાન એ બાળકો પણ અમારી સાથે જોડાય અને આખા ઘરને માથે લઈને ઘરને જીવંત કરી દે. તહેવારોના દિવસે અમારો નિત્યક્રમ થઈ ગયો છે કે, બાળકો સવાર-સાંજ અમારે ત્યાં જમે, અને મોટાભાગે અમે એ જ આહાર તૈયાર કરીએ, જે તૈયાર કરવા માટે બાળકોએ અમને સજેશન્સ આપ્યાં હોય.

જોકે હવે અમને એક વાતે ધ્રાસ્કો છે. ત્રણેક વર્ષથી બાળકોએ ભલે અમારું ઘર હર્યુંભર્યું કર્યું હોય, પરંતુ તેમના માતા-પિતા જે પ્રોજેક્ટ્સમાં શ્રમિક તરીકે જોડાયા હતા એ પ્રોજેક્ટ્સ હવે ગણતરીના મહિનાઓમાં પૂરાં થશે. પ્રોજેક્ટ્સ પૂરા થશે પછી એમના માતા-પિતા કોણ જાણે કયા શહેરમાં જશે, જ્યાં આ બાળકો પણ એમની સાથે રહેવા જશે. બીજી તરફ અમારું આયોજન એવું છે કે, બાળકોને સારું એવું વાંચતા લખતા આવડી ગયું છે તો ક્યાંક કોઇ છાત્રાલયમાં એમને દાખલ કરીએ અને એમને યોગ્ય શિક્ષણ મળી રહે એવી ગોઠવણ કરીએ. આ બંને શક્યતાઓમાંથી જે કંઈ બને એ, પરંતુ એક વાત નક્કી છે કે, આ બાળકો હવે ઝાઝો સમય અમારી સાથે રહેવાના નથી. જો છાત્રાલયની ગોઠવણ થઈ ગઈ તો તેઓ ત્યાં જશે અને જો મા-બાપ સાથે હિજરત કરવી પડી તો તો કોણ જાણે તેઓ ક્યાં જશે? આ કારણે થોડી વ્યગ્રતા થાય છે કે, આ બધા શ્રવણકુમારોથી વિખૂટા પડવાનો વારો આવશે. પણ સાથે જ એ વાતે સંતોષ રહેશે કે, આ શ્રવણોએ અમને જીવનની શ્રેષ્ઠ યાદો આપી છે, જો તેઓ અમારી દુનિયામાં નહીં આવ્યા હોત તો કોણ જાણે અમારી દુનિયા કેવી હોત અને અમારા સ્વભાવ કેવા હોત?

(જયશ્રી પરેશ પટેલ, વડોદરા)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.