મુદ્દલ અને વ્યાજ

07 Apr, 2016
12:00 AM

mamta ashok

PC:

મને જો કોઈ એમ પૂછે કે વિશ્વમાં સૌથી મોટી હૂંફ કોની? તો હું એને એક જ ધડાકે જવાબ આપીશ કે દુનિયામાં સૌથી મોટી હૂંફ સંતાનોની હોય છે! કારણ કે જીવનમાં આપણે ગમે એટલી મુશ્કેલીઓનો સામનો કરતા હોઈએ કે, આપણે ગમે એટલી ભીડમાં મુકાઈ ગયા હોઈએ અને સાથે જ આપણને એમ પણ લાગતું હોય કે, હવે આ કળણમાંથી નીકળવું મુશ્કેલ થઈ ગયું છે. ત્યારે આપણને ઘણી ગૂંગળામણ થતી હોય છે. પરંતુ એવા સમયે પણ એક વાર આપણા મનમાં આપણાં સંતાનોનો વિચાર આવે એટલે આપણે દુનિયાની બધી પીડાઓ ભૂલી જઈએ છીએ અને અચાનક આપણા દિલને હાશકારો થાય છે.

હવે તો અમારા જીવનનો એ સંઘર્ષનો તબક્કો પૂરો થયો છે અને અમારી બે દીકરીઓ પણ ઘણી મોટી થઈ ગઈ છે. યુવાનીના સમયમાં સંતાનોના ઉછેરના સમયે કરિયર અને ઘરના મામલે એવી અનેક મુશ્કેલીઓ આવી પડતી હોય છે જેમાં આપણી ખરી પરીક્ષા થઈ જતી હોય છે પરંતુ હવે પહેલા જેવો સંઘર્ષ રહ્યો નથી. અલબત્ત, માણસના જીવનના તમામ તબક્કે એણે સંઘર્ષનો સામનો કરવો પડતો હોય છે. ફરક માત્ર એટલો જ હોય છે કે, જીવનના વિવિધ પડાવો પર માણસના સંઘર્ષની પરિભાષાઓ અને એના રૂપરંગો જ બદલાતા રહેતા હોય છે.

હવે ઉંમરના આ પડાવ પર પહોંચ્યા છીએ ત્યારે આર્થિક કે સામાજિક પીડાઓનું સ્થાન શારીરિક પીડાઓએ લીધું છે. હવે દર મહિને નાના મોટા રિપોર્ટ્સ કઢાવવા પડે છે અને એ રિપોર્ટ્સમાં નવાનવા નિદાન થાય એટલે એની સાથે નવી નવી દવાઓ, નવું ડાયેટ અને નવી જીવનશૈલી ઉમેરાતી જાય છે. બીજી તરફ ઈશ્વરે અમને બે દીકરીઓ જ આપતાં બુઢાપો અમારે એકલાએ વેંઢારવો પડી રહ્યો છે.

બંને દીકરીઓ એમના સાસરે સુખી છે અને દોમદોમ સાહ્યબીમાં રાચે છે, પરંતુ સાથે જ એ વાત પણ એટલી જ સાચી કે, ભૌગોલિક રીતે તેઓ ભલે અમારાથી દૂર થઈ ગઈ હોય પરંતુ લાગણીઓની રીતે અમારી દીકરીઓ આજે પણ અમારી સાથે જ એટલી જ આત્મીયતાથી જોડાયેલી છે, જેટલી આત્મીયતાથી તેઓ પહેલાં જોડાયેલી હતી.

જોકે, હાલના સમય માટે તો એમ કહી શકાય કે, અમારા બુઢાપાને કારણે બંને દીકરીઓ અમારી વધુ નજીક આવી છે, જેના કારણે આખા દિવસમાં બેએક વાર તો ઓછામાં ઓછો અમારા માટે સમય કાઢે છે અને અમને ફોન કરીને ખબરઅંતર પૂછે છે. મોટી દીકરીનાં વળી સંતાનો પણ મોટાં થઈ ગયાં છે એટલે નાની કરતા એને સમયની સગવડ થોડી વધુ છે. એટલે એને મન થાય ત્યારે તે અહીં આવીને ચાર-પાંચ દિવસ રહી જાય અને એ બહાને અમારી સેવા પણ કરી જાય.

વળી, નાની પણ ક્યારેક એનાં સંતાનો પ્રવાસે ગયાં હોય કે, એમના વેકેશન હોય ત્યારે ઘરે નિરાંતે રહેવા આવે છે અને રસોઈમાં જાતજાતના પ્રયોગો કરીને એ અમને નવીનવી આઈટમ ખવડાવે છે. વૃદ્ધ થયાં એનો બીજો એક ફાયદો એ થયો કે, મુદ્દલ રકમની સાથે અમને વ્યાજ પણ મળ્યું છે એટલે બંને દીકરીઓનાં ચાર સંતાનો પણ અમને એટલા જ ઉત્કટતાથી ચાહે છે.

ભલું થજો ફેસબુકનું જેના કારણે અમે અમારાં દોહિત્રો અને દોહિત્રી સાથે સંપર્કમાં રહી શકીએ છીએ. દોહિત્રોના અભ્યાસ અને એમના પ્રવાસોને કારણે તેઓ અમારે ત્યાં નિરાંતે રહેવા આવી શકતા નથી, પરંતુ ફેસબુક અને વોટ્સ એપના ચેટિંગના માધ્યમથી અમે સતત સંપર્કમાં રહીએ છીએ. એમણે જ અમારું એક વોટ્સ એપ ગ્રુપ પણ બનાવ્યું છે, જે ગ્રુપમાં તેઓ બધા અને એમનાં માતાપિતાઓ પણ સામેલ છે. એમની નાનીને તો આ બધામાં ઝાઝો રસ નથી, પરંતુ મને આ નવી ટેક્નોલોજીમાં રસ છે એટલે હું એ બધાના સતત સંપર્કમાં છું અને બાકીના સમયમાં એમની નાનીને અમારી વોટ્સ એપ અને ફેસબુકની વાતો સંભળાવતો રહું છું.
જીવનના આ આખરી પડાવ પર પહોંચ્યો છું ત્યારે સંતાનો મારી સાથે ભલે નહીં રહેતા હોય. પણ તોય ક્યારેય કોઈ વાતની ઊણપ નથી વર્તાઈ અને સતત સંતાનોના પ્રેમ પામ્યો છું. હવે બાકીનું જે થોડું જીવન બચ્યું છે એ જીવનમાં પણ સ્વાસ્થ્ય જળવાઈ રહે એવી જ અમારી ઇચ્છા છે.

(ભૈરવ ગાંધી, નડિયાદ)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.