એક પિતાની સમૃદ્ધિ

14 Jul, 2016
12:00 AM

mamta ashok

PC:

મારો તો શ્રવણ જ મારી દીકરી, જે અમારા જીવનમાં આવી પછી જીવન જાણે મઘમઘતો બગીચો બની ગયો અને દીકરીના પ્રેમના સિંચનને કારણે આખો બગીચો નિતનવા ફૂલોથી સોહી ઉઠ્યો છે. મારી દીકરીનું નામ શ્રેયા, જેનો જન્મ વર્ષ 1995માં થયો. દીકરીના જન્મ પહેલા જ અમે નક્કી કરી લીધેલું કે, ઈશ્વર આપણને દીકરો આપે કે દીકરી એ એની મરજી, પરંતુ આપણે માત્ર એક જ સંતાન રાખવું છે. એ સમયે તો ગર્ભ પરીક્ષણનો ટ્રેન્ડ પણ પુરબહારમાં ચાલતો હતો અને દીકરાની ખેવનામાં અનેક લોકો ગર્ભમાં જ દીકરીનું કાસળ કાઢી રહ્યા હતા, પરંતુ અમે એ સમયે ન તો ગર્ભ પરીક્ષણ કરાવ્યું કે ન તો ક્યારેય એવી કોઇ પણ બાબતે વિચાર કર્યો. અમારે તો માત્ર એક સંતાન જોઈતું હતું, જેને દિલોજાનથી ઉછેરવું હતું. સંતાનમાં દીકરો જ જોઈએ કે દીકરી જ જોઈએ એવી કોઈ બાબત સાથે અમારે લેવાદેવા નહોતી.

શ્રેયા જન્મી ત્યારે હું અમારા ઘરે સુરત હતો અને મારી પત્ની અમારા વતન ભાવનગર હતી. આમ તો મારે એના જન્મ સમયે એની સાથે જ રહેવું હતું, પરંતુ કામને કારણે હું ત્યાં રહી શકયો નહીં, જેનો વસવસો મને આજ સુધી રહ્યો છે. જોકે, એના જન્મના સમાચાર સાંભળીને મેં તરત જ ઓફિસમાંથી લીવ લીધી અને પત્ની અને દીકરીને મળવા મારતે ઘોડે ભાવનગર પહોંચ્યો. સુરતથી ભાવનગર સુધીની ટ્રેનની જનરલ ડબ્બાની હાડકાં ભાંગી નાંખે એવી સફર ખેડ્યા પછી, સામાન્ય રીતે હું થાકીને લોથપોથ થઈ જતો હોઉં છું, પરંતુ એ વખતની સફર પછી મારામાં કંઈ ગજબની તાજગી હતી. ત્યારે મને સમજાયું કે, દીકરીનો અર્થ જ કદાચ તાજગી થતો હશે! સ્ટેશનથી સીધો હું હોસ્પિટલ પહોંચ્યો અને જ્યારે દીકરીને પહેલી વખત હાથમાં લીધી ત્યારે એક જ ક્ષણમાં મારી અંદર કશુંક બદલાઈ ગયું અને મારી અંદરનું પિતૃત્વ જાગી ઉઠ્યું. મને લાગ્યું હવે હું ઘણો જવાબદાર માણસ છું અને મારે માત્ર આ દીકરી ખાતર પણ જીવતા રહેવું પડશે અને જીવનના તમામ સંઘર્ષો વેઠતા રહેવું પડશે. જોકે આ સાથે ઈશ્વરનો આભાર પણ માનવો રહ્યો કે, એણે જીવનમાં ક્યારેય સંઘર્ષ દેખાડ્યો નથી.

મારી દીકરી વળી, દેખાય પણ મારા જેવી, જેને કારણે એને જ્યારે પણ જોઉં કે એનો વિચાર આવે ત્યારે મને અદમ્ય આનંદ થઈ આવે કે, કુદરતે મને મારી જ પ્રતિકૃતિ ભેટમાં આપી દીધી છે. એના જન્મ બાદ બે-ત્રણ મહિના સુધી શ્રેયા એના મામાને ત્યાં રહી હતી. એ જ્યારે ભાવનગર હતી ત્યારે મને સતત એવું લાગ્યા કરતું કે, ક્યારે આ સમય વીતે અને ક્યારે મારી દીકરી મારી પાસે આવે.

જોકે એ ઘરે આવી પછી મારા તમામ નિત્યક્રમ બદલાઈ ગયા અને મારી જે કોઇ ટેવો-કુટેવો બદલાઈ ગઈ. એક સમય હતો જ્યારે હું બાઈક થોડું વધુ ઝડપથી હંકારતો અને મને સ્પીડ ખૂબ ગમતી. પરંતુ શ્રેયા આવી પછી બાઈક ચલાવતી વખતે મારા મનમાં સતત એનો ખ્યાલ રહે છે અને એ હિસાબે હું બાઈક (હવે તો કાર) પહેલા કરતા ઘણી ધીમી ગતિએ ચલાવતો થયો. મારા લગ્ન થયાં પછી પણ મને એવી આદત હતી કે, હું ઓફિસથી છૂટીને સીધો ઘરે નહીં આવતો. સોસાયટીને નાકે મિત્રો સાથે બેસતો અને રાત્રે પણ જમીને કલાકેક બહાર આંટો મારી આવતો. પરંતુ દીકરી ઘરે આવી પછી. ઓફિસના છેલ્લા કલાકો પણ ભારે લાગવા માંડતા અને મનમાં સતત એવું થયાં કરતું કે, ક્યારે ઓફિસ છૂટે અને હું ઘરે પહોંચીને શ્રેયાને રમાડું. જમીને બહાર નીકળવાનું જરૂર ચાલું છે, પરંતુ રોજ શ્રેયાને લઈને બહાર નીકળું અને એને બહારની દુનિયાના વૃક્ષો, પ્રાણીઓ, આકાશ કે તારાઓથી પરિચિત કરાવું અને એ હિસાબે એની સાથે ટાઈમ સ્પેન્ડ કરું.

એ જેમ જેમ મોટી થતી ગઈ એમ મને એમ લાગતું ગયું કે, હું નાનો થઈ રહ્યો છું. મેં બાપ જન્મારે મારા બાળપણમાંય ક્યારેય કાલીઘેલી ભાષામાં વાતો નહોતી કરી, પરંતુ શ્રેયાના આવ્યા બાદ, એની સાથે મેંય કાલીઘેલી ભાષામાં વાત કરવાનું શરૂ કર્યું. અમારા બાપ-દીકરીનો એ ક્રમ આજે દીકરી એકવીસ વર્ષની થઈ પછી પણ ચાલું જ છે, જેને કારણે શ્રેયાની મમ્મી અમારા બંને પર ખૂબ બગડે છે! શ્રેયા એના જીવનમાં જેમ-જેમ વિકસતી ગઈ એમ હું પણ પિતા તરીકે અને માણસ તરીકે ખૂબ વિકસતો હતો. શ્રેયા અમારા જીવનમાં રોજ નવા રંગો ભરે અને જેમ જેમ એ મોટી થતી ગઈ એમ અમારા જીવનનું ઉપવન વધુ ને વધુ લીલેરું બનતું ગયું.

એની સાથે વીતાવેલા અમારા દિવસોની અને મજાના અનુભવોની વાત કરવા બેસું તો એક આખું પુસ્તક લખાય અને દીકરીનો પિતા છું એટલે કદાચ એમ પણ બને કે, હું અતિરેક કરીને પુસ્તકથીય વધુ લખું. એટલે એની સાથે વીતાવેલા સમયની વાત હમણા નથી કરવી. આજે તો મારે એ જ વાતો કરવી હતી કે, શ્રેયાના મારા જીવનમાં આવ્યા પછી મારા જીવનમાં કેવા કેવા ફેરફાર આવ્યા અને હું એક પિતા તરીકે કે એક માણસ તરીકે કેટલો સમૃદ્ધ થયો. બસ આટલું જ કહીને અહીં વિરમુ છું.

(મહેશ દામાણી, સુરત)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.