જીવનનું કેન્દ્ર અને જીવવાનું કારણ
આ દુનિયામાં બહુ ઓછા એવા માણસો હશે, જેમને બાળકો વહાલા નહીં હોય. જે માણસોને બાળકો વહાલા નહીં હોય અથવા જેમને મસ્તી કરતા બાળકો પ્રત્યે તિરસ્કાર હોય એવા લોકોને માણસો કહેવા કે કેમ એ પણ ઘણો મોટો પ્રશ્ન છે. બાકી, બાળકો તો ફરેસ્તા હોય છે. તેઓ આપણા હોય તો એ આપણને વહાલા લાગે જ પરંતુ કોઈ અન્યોના બાળકો પણ આપણને પોતીકા લાગી આવે છે. મારે વાત કરવી છે મારા ક્રિસની, જે મારા માટે તો ઈશ્વરનો દૂત જ છે. ક્રિસ આમ તો અમારા જીવનમાં ઘણો મોડેથી આવ્યો પરંતુ એના આવ્યા બાદ તે અમારા જીવવનું કેન્દ્ર અને જીવવાનું કારણ બની ગયો. તેના આવ્યા પહેલા જીવાયેલા સમયનું કોઈ મુલ્ય જ નથી જાણે મારે મન!
ક્રિસ અમારા લગ્નના બાર વર્ષ પછી આવેલો. એનો જન્મ નહીં થયેલો ત્યાં સુધી પણ અમારું જીવન તો ચાલતું જ હતું પરંતુ એના આવ્યા પછી જીવન ખરા અર્થમાં અર્થપૂર્ણ બન્યું. એ નહોતો આવ્યો ત્યાં સુધી અમે બંને ચાર દિવાલના મકાનમાં રહેતા પરંતુ એ આવ્યો પછી અમારા એ મકાનને 'ઘર' નામનું સુંદર રૂપક મળ્યું. કારણ કે એના હાસ્ય, રુદન, મસ્તી કે તેની વિવિધ પ્રવૃત્તિઓને કારણે ઘરમાં જીવંત વાતાવરણ ઊભું થયું.
એક કિવદંતી મુજબ દીકરાને પિતા કરતા માતા સાથે વધુ ફાવતુ હોય છે. અને દીકરો પણ તેની નાની નાની વાતો માતા સાથે જ શેર કરતો હોય છે. પરંતુ અમારા કિસ્સામાં જરા અવળુ છે અને મારા લિટલ ચેમ્પને મારી સાથે વધુ ફાવે છે. એની સ્કૂલની વાત હોય કે, સોસાયટીમાં એના મિત્રો સાથેની કોઈ વાત હોય, ક્રિસ એ બધી વાતો સૌથી પહેલા મારી સાથે જ શેર કરે. ઓફિસેથી થાકીને ઘરે જાઉં ત્યારે સૌથી પહેલા તો એ મને વળગી જ પડે અને પછી એની પાસે તેની અલકમલકની વાતોનો ખજાનો હાજર જ હોય છે, જ્યાં એ કોઈ કમાન્ડ આપેલા મશિનની જેમ એ શરૂ થઈ જાય. અને તબક્કાવાર બધી વાતો સાંભળતો જાઉં.
જોકે મને એ ગમે છે કે, મારા દીકરા માટે હું માત્ર એનો પિતા જ નહીં પરંતુ એનો મિત્ર પણ છું. હવે તો ક્રિસ દસ વર્ષનો થઈ ગયો છે એટલે પહેલા કરતા એ ઘણો સમજદાર થઈ ગયો છે. એ જેમ જેમ સમજદાર થાય છે એમ અમારી વચ્ચે પરસ્પરની સમજણનો તંત પણ દિવસેને દિવસે વધુ મજબૂત થયો જાય છે. હવે અમે માત્ર એની નાની નાની રમતોની જ નહીં પરંતુ દેશમાં બનતી ઘટનાઓ કે ઘરના નાના નાના પ્રશ્નોની પણ ચર્ચા કરીએ છીએ. કોઈ બે સમજદાર મિત્રો એકબીજાના ખભા પર હાથ મૂકીને વાત કરતા હોય એમ જ.
ક્રિસ મને લઈને અત્યંત પઝેસિવ છે અને તેની સ્કૂલ કે ભણતર સિવાયના સમયમાં એને મારી સાથે જ સમય પસાર કરવા જોઈએ. થોડા વર્ષો પહેલા મારી નોકરીમાં મને ભાગ્યે જ અઠવાડિયામાં એક રજા મળતી. નોકરી ઘરની નજીક હતી અને એમાં એવી કોઈ હાડમારી પણ ન હતી. માત્ર દિવસમાં નોકરીને કેટલાક કલાકો આપવાનું એટલું જ. પરંતુ તોય ક્રિસને બહુ લાગી આવતું કે, એના પપ્પાએ બીજાના પપ્પા કરતા વધુ મહેનત કરવી પડે છે અને એને પપ્પા સાથે સમય પસાર કરવા નથી મળતો. અઠવાડિયું પૂરું થવાનું હોય એના એક બે દિવસ પહેલાથી એટલે કે ગુરુ કે શુક્રવારથી જ ક્રિસ મને પૂછવા માંડતો કે, ‘પપ્પા રવિવારે તમને છૂટ્ટી છે?’ જો હું ના કહું તો એ નાનકડા બાળકને રિતસરનો ઉદાસ થઈ જતાં મેં જોયો છે. અને જ્યારે હું કહું કે મારે આ રવિવારે રજા છે ત્યારે ક્રિસ આખુ ઘર માથે લેતો અને ‘રવિવારે પપ્પા સાથે આમ કરવાનું છે’ કે ‘પપ્પા સાથે રવિવારે અહીં જવાનું છે’ ના આયોજનોમાં એ પરોવાઈ જતો.
આમ તો આ ઘણી નાની વાત કહી શકાય. કોઈક આ કિસ્સાને લઈને એમ પણ કહી શકે કે, ‘છોકરા તો આવું જ કરતા હોય છે. એમની વાતો ધ્યાને નહીં લેવાય.’ પરંતુ મારા માટે આ એક ગંભીર બાબત છે. કારણ કે, આજે જ્યાં સર્વત્ર પૈસાને આધારે તમામ સંબંધોના માપદંડ નક્કી થતા હોય છે ત્યારે વિના કોઈ અપેક્ષા કે મોટા વળતરની ભાવના વિના તમને શુદ્ધ રીતે ચાહીને તમારા માટે જીવ બાળનારા આ દુનિયામાં છે જ કેટલા? આવા બે-ત્રણ સંબંધો કે લોકો જ ને? તો પછી આપણે એમની નાનકડી ખ્વાહિશ પણ પૂરી નહીં કરી શકીએ?
આ કારણે જ હવે હું અઠવાડિયામાં ફરજિયાત એક રજા લઉં છું અને એ આખો દિવસ ક્રિસની સાથે જ વીતાવું છું. ક્રિસને મોલમાં ફરવાનો કે દરિયા કિનારે જઈને બેસવાનો ભારે શોખ અને એ બધામાં પણ એનો આગ્રહ એવો કે હું એની સાથે જ હોવો જોઈએ. ક્રિસની આવી હઠને કારણે જ અમને કોઈને ચાહવું એટલે શું એની ખબર પડી. આપણે ત્યાં ‘લવ વિધાઉટ કન્ડિશન’ નામનો શબ્દ ભારે પ્રચલિત છે. પરંતુ સંતાનના જન્મ પછી માતા-પિતાને ‘લવ વિધાઉટ કન્ડિશન’ એટલે શું એની ખબર પડે છે. કારણ કે, સંતાન અને માતા-પિતાનો સંબંધ એવો હોય છે, કે જેમાં માતા-પિતા તો કોઈ પણ વળતરની આશા વિના એમના સંતાનોને ચાહે જ છે. પરંતુ સંતાનો પણ એમના માતા-પિતાને એટલી જ ઉત્કટતાથી ચાહે છે. આ જ તો મજા છે આ સંબંધની, જેમાં આપણા પ્રિયજનોને ચાહવાથી અને એમના માટે જીવવાથી જીવનને કોઈ અર્થ મળે છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર