રોહન મારું સર્વસ્વ
મને આજે પણ બરોબર યાદ છે. અમારા લગ્નના ત્રણ વર્ષ બાદ મને પ્રેગનન્સી રહી હતી અને છેલ્લા દિવસોમાં વારંવાર ડૉક્ટરને બતાવવા જવું પડતું હતું. ત્યારે એકવાર વિશાલ સાથે ડૉક્ટરને બતાવવા ગઈ હતી. સવારનો સમય હતો અને ડૉક્ટરે બરાબર તપાસ કરી. ડૉક્ટરને કંઈક ચિંતા જેવું જણાયું. બાળકની મૂવમેન્ટ આવતી નહોતી. એમણે અમને તરત સોનોગ્રાફી માટે મોકલ્યા. હું અને વિશાલ ચિંતામાં પડી ગયા અને ઝડપથી સોનોગ્રાફી કરાવવા પહોંચી ગયા. ત્યાં મારું ચેકઅપ થતું હતું ત્યારે વિશાલ પણ મારી સાથે જ હતો.. અમે બંને ચિંતામાં હતા અને એકબીજાને ધરપત આપી રહ્યા હતા. થોડી વાર પછી ડૉક્ટરે કહ્યું કે, ચિંતાનું કોઈ જ કારણ નથી. પછી વિશાલના અને ત્યારબાદ મારા કાન ઉપર હેડફોન મૂકવામાં આવ્યું, જેમાં એક અવાજ આવતો હતો. 'ધક... ધક... ધક...'
એ અવાજ હતો મારા બાળકના હૃદયના ધબકારાનો અવાજ. જાણે બ્રહ્મનાદ! મારી જિંદગીનો એ અનુભવ હું આખી જિંદગી ભૂલી શકીશ નહીં. અમારી બંનેની આંખમાંથી ખુશીના આંસુ સરી પડેલા ત્યારે.
ડૉક્ટરે તારીખ આપી હતી, પણ મને તો પહેલેથી કહ્યું હતું કે, સિઝર કરવું પડશે. અને આગલા દિવસે અમે હોસ્પિટલ પહોંચી ગયેલા. વહેલી સવારે સિઝર કર્યું અને દીકરાનો જન્મ થયો. મારી અને વિશાલની ખુશીનો પાર ન રહ્યો. આખા કુટુંબમાં આનંદનું વાતાવરણ પ્રસરી ગયું. અમે બંનેએ સાથે મળીને એનું નામ રાખ્યું હતું રોહન.
થોડા સમયમાં એ અમને બંનેને ઓળખતો થયો પછી તો કોની પાસે જવું છે અને કોની પાસે નથી જવું એ પોતે નક્કી કરવા લાગ્યો. ક્યારેક એ મારી પાસે આવતો તો ક્યારેક એ વિશાલ પાસે જતો અને જેની પાસે નહીં જાય એ વ્યક્તિ પછી રિસાઈ જાય અને રોહન સાથે ક્ષણભર માટે કટ્ટી થઈ જાય. આવા સમયે અમે કુટુંબ તરીકેનો ખરેખરો આનંદ માણી શક્યા. અમે પણ એની સાથે રમતા- કૂદતાં, નાચતા, હરતા-ફરતા... રોહનના આવ્યા પછી જ અમે જાણ્યું કે જીવનનો ખરો આનંદ કોને કહેવાય.
નજીકની સારી સ્કૂલમાં એને પ્લે ગ્રુપમાં મૂક્યો ત્યારે તો મારા આનંદનો પાર નહોતો.. એને સવારે ઉઠાડવો, ઉઠવા માટેની એની આનાકાનીઓ, એને તૈયાર કરવો, ટાઈ બાંધવી, બેલ્ટ બાંધવો, એનું દફતર, એના નાસ્તાનું બોક્સ તૈયાર કરીને વાનમાં મૂકી આવવાનો... બાયબાય... ટાટા.... કરતો જાય પણ એ ક્યારેય રડ્યો નથી. એને સવારે ઉઠવાનો ભલે કંટાળો આવતો હોય પરંતુ એને સ્કૂલે જવાનું પહેલેથી જ ગમતું હતું.
જુ.કે.જી., સિ.કે.જી.માં આવ્યો ત્યાં તો બસ, 'હું મોટો થઈ ગયો છું. મને કરવા દો...' મારે એમાં વધારે સમય જતો હતો. સ્કૂલમાં કોઈ પ્રોગ્રામ હોય તો એ પોતાનું નામ લખાવીને જ આવે. એટલે મારે ફરી દોડાદોડ. એને પ્રોગ્રામ અનુસાર તૈયાર કરવાનો અને વળી એ લેટ લતીફને સમયસર સ્કૂલે પહોંચાડવાનો. વળી પ્રેક્ટીસમાં રોજ લઈને જવાનું. જોકે એ દોડધામ મારા હૃદયને ખુશ કરી દેતી હતી. માતૃત્વથી હર્યાભર્યા હોય છે આ અનુભવ. એ સમયનો એક કિસ્સો કહું તો....
રોહન જુ.કે.જી.માં ભણતો હતો ત્યારે એક દિવસ સ્કૂલેથી આવ્યો એટલે મેં એને પૂછ્યું, ‘આજે ટીચર શું કહેતા હતા?’
તો કહે, ‘ટીચરે મને કહ્યું કે, છાનામાનો બેસ!’
મેં પૂછ્યું, ‘તને કેમ એવું કીધું?’
તે કહે, ‘એક છોકરો રડતો હતો, એટલે મેં ટીચરને એમ પૂછ્યું કે, ટીચર પેલો છોકરો કેમ રડે છે? તો ટીચરે મને એમ કીધું કે, ‘તું છાનામાનો બેસ.’ રોજ એના આવા ભોળપણના જાતજાતના કિસ્સા હોય, જે સાંભળીને રાજીની રેડ થઈ જતી.
દિવાળી હોય... ઉતરાયણ હોય... બસ સૌથી પહેલી તૈયારી એ મારી પાસે કરાવે અને દરેક તહેવાર ખૂબ આનંદથી ઉજવે. એને અવનવું ખાવાનો ખૂબ શોખ. એટલે નાસ્તામાં એ શું ખાશે અને શું જમશે એનું મેનુ પણ એ જ તૈયાર કરે છે.
એને મૂવી જોવાનો શોખ પણ ખરો અને મજાની વાત એ કે, ફિલ્મ જોતી વખતે એને મમ્મી અને પપ્પા બંને જોઈએ. જો હું અથવા વિશાલમાંથી કોઈ એક પણ નહીં થાય તો એ ખૂબ જીદ કરે અને અમને બંનેને સાથે લઈ જઈને જ જંપે.
એકવાર મેં એને પૂછ્યું, 'બેટા તું અમને મૂવી જોવા સાથે લઈ જાય તે સારી વાત છે. પણ આટલી બધી જીદ શા માટે કરે છે?' તો એ વિશાલ તરફ જોઈને કહે કે, 'પપ્પા... તમે નહીં આવો તો ઈન્ટરવલમાં બટાકા વડા લેવા કોણ જશે..?
હવે તો એ ઘણો મોટો થઈ ગયો છે અને એ એસએસસી બોર્ડની પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યો છે. એનો અભ્યાસ સારો છે અને એને સંગીતમાં પણ રસ છે. વિશેષ તો એ કે એ મારા ચહેરાની રેખાઓ વાંચી શકે છે. મારી ખુશી.. મારું દુઃખ... મારી ચિંતાઓ... અને મારી દરેક લાગણીઓને એ સમજી શકે છે.
મારું તો જે ગણો તે એ જ છે... રોહન જ મારું સર્વસ્વ છે... મારો શ્રવણ પણ એ જ....
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર