શ્રવણે આપ્યો સેવાનો લાભ
ઈતિહાસમાં શ્રવણની કથા મુજબ રામાયણકાળમાં શ્રવણ એના અંધ માતા-પિતાને કાવડમાં બેસાડીને જાત્રાએ લઈ ગયેલો અને એણે એના માતા-પિતાની ખૂબ સેવા કરેલી. આ કારણે જ ભારતવર્ષના તમામ માતા-પિતા ઈશ્વર પાસે શ્રવણ જેવા સંતાનની (કે દીકરાની?) પ્રાર્થના કરતા, જેથી એમના વૃદ્ધત્વમાં એ માતા-પિતાને યોગ્ય મદદ મળી રહે અને એમને પણ સંતાનની સેવાનો લહાવો મળે.
મારી પત્ની રેખા જ્યારે પ્રેગનન્ટ થયેલી ત્યારે અમે પણ શ્રવણ જેવા જ સંતાનની મનોકામના કરેલી અને એ માટે ઈશ્વરને ખૂબ વિનવેલા. જોકે જ્યારે ઈશ્વરને પ્રાર્થના કરતા ત્યારે અમે એમની આગળ સારા સંતાનની પ્રાર્થના કરતા. અમે ક્યારેય સારા દીકરાની સ્પેશિફિક પ્રાર્થના નથી કરી!
પરંતુ અમારી બાબતે ઈશ્વરને કંઈક ઔર મંજૂર હતું, એટલે એમણે અમને સંતાનની ભેટ તો આપી પરંતુ એ સંતાન મેન્ટલી અને ફિઝિકલી ચેલેન્જ્ડ હતું. ડૉક્ટરે જ્યારે અમને આ બાબતના સમાચાર આપ્યા ત્યારે પહેલી વખત તો અમને આંચકો લાગ્યો, આંખમાં આંસુ પણ તરી આવ્યા. પરંતુ પછી તરત જ અમે આવનારા વર્ષો અને આવનારા પડકારો માટે તૈયાર થઈ ગયા અને નક્કી કર્યું કે, ઈશ્વરે આપણને આ ભેટ આપી છે તો એ પાછળ ઈશ્વરની કોઈ મોટી ઈશારત હશે. અને આખરે એ બાળક જેવું છે એવું, પણ આપણું સંતાન છે. એટલે કોઈ પણ ભોગે આપણે એનો ઉછેર કરવો છે અને એની તમામ જરૂરિયાતો પ્રેમથી પૂરી કરવી છે.
આદરણીય વડાપ્રધાન મોદીએ તો છેક હવે વિકલાંગો માટે ‘દિવ્યાંગ’ જેવો વર્ડ કોઈન કર્યો છે, પરંતુ અમે તો લગભગ બે દાયકા પહેલા અમારા સંતાનને ઈશ્વરની દિવ્ય ભેટ માનીને એનું નામ દિવ્ય રાખેલું. શારીરિક અને માનસિક રીતે નબળા હોવાને કારણે દિવ્યને ખાવા-પીવાનું કે ઝાડો-પેશાબનો તો ખ્યાલ નહીં જ રહે, પરંતુ એ એના મમ્મી-પપ્પાને પણ ઓળખી નહીં શકે અને ક્યારેક અમને સાવ અજાણ્યા માની, અમારાથી ગભરાઈને એ અમને મારે કે હાથમાંની વસ્તુનો છૂટો ઘા કરીને અમને ઈજા પહોંચાડે.
મારી વાઈફ રેખા સરકારી બેંકમાં સારી પોસ્ટ પર નોકરી કરતી હોવા છતાં અમે નક્કી કર્યું કે, એના કરિયરનું વિસર્જન કરી દે અને એના જીવનનો પૂરો સમય દિવ્યને આપે. હું પણ નોકરી કરતો હોઉં એટલો સમય જ બહાર હોઉં, પછી હું તરત જ દિવ્યની પાસે હાજર હોઉં. કારણ કે, અમારે દિવ્યને કામવાળા કે નોકર-ચાકરોના ભરોસે નહોતો મૂકવો. એના વર્તનને કારણે ક્યારેક ખૂદ અમે અમારી ધીરજ ગુમાવી બેસતા અને એના પર ઉકળી ઊઠતા તો બીજા માણસનો તો શું ભરોસો? શી ખબર દિવ્યથી કંટાળીને એને મારી બેસે કે એને ઈજા કરે તો?
દિવ્ય જેમ જેમ મોટો થતો ગયો એમ એની ધમાલો પણ નવા નવા સ્વરૂપે વધવા માંડેલી. ક્યારેક ઘોડિયામાં કે બાબાગાડીમાં આકાશ તરફ અન્યમનસ્ક તાકી રહેતો દિવ્ય હવે દિવસના કોઈ પણ સમયમાં અચાનક ચીસાચીસ કરી મૂકતો. દિવસે તો એને સાચવી લેવાતો, પરંતુ જો રાત્રે એની ચીસો શરૂ થાય તો એને શાંત પાડવો ભારે પડી જતો અને આ કારણે અમારી આસપાસ રહેતા લોકોએ ભારે હાલાકી ભોગવવી પડતી. જોકે અમારા પાડોશીઓના દિલમાં રામ વસ્યા હશે, એટલે એમણે ક્યારેય દિવ્ય બાબતે કોઈ ફરિયાદ નથી કરી. બલકે એ જ પાડોશીઓ દિવ્ય ક્યારેક સંભાળવો મુશ્કેલ થઈ જાય તો અમને મદદ કરવા દોડી આવે છે.
શરીર કમજોર હોવાને કારણે સામાન્ય તાવ કે શરદી જેવા રોગો એના પક્કા ભિલ્લુ બની ગયેલા, એટલે આવા નાનાં-મોટાં રોગો તો એમને મન થાય ત્યારે અમારે ઘરે આંટો મારી જતાં. આ માટે અમારે અમુક પ્રકારની દવા નિયમિત અમારી સાથે રાખવાની અને દિવ્યને શરદી કે તાવ ન થાય એના માટે સતત કોઈ ને કોઈ આયુર્વેદિક ઉપચારો પણ કરતા રહેવાનું.
વળી, અમારા દિવ્ય શેઠને પાણી અને રેડિયોનો ભારે ચસ્કો. પાણી શરીર પર આડઅસર કરતું હોય છે એટલે દિવ્યને નવડાવતી વખતે પણ અમારે ખૂબ ધ્યાન રાખવું પડે, પણ એનું નહાવાનું જેવું પૂરું થાય કે, દિવ્યલાલની રડારોળ શરૂ થઈ જાય અને અમારે એને જેમતેમ સમજાવીને બાથરૂમની બહાર કાઢવાનો અને એને તૈયાર કરવાનો. રોજ સવારે દિવ્ય નહાઈ લે પછી મારે અથવા તો રેખાએ એકાદ નાની શારીરિક ઈજા માટે મેન્ટલી પ્રિપેડ જ રહેવાનું!
જોકે એને નવડાવવાનું અમને ખૂબ ગમતું, કારણ કે નહાતી વખતે દિવ્ય જેટલો શાંત થઈ જાય એટલો શાંત એ દિવસમાં ક્યારેય નથી રહેતો. કોઈ યોગીની જેમ આંખ મીંચીને ધ્યાનસ્થ થઈ જતો દિવ્ય કોઈ બીજી જ દુનિયામાં ચાલી જાય અને પછી એના હોઠો પર મરકતું હાસ્ય પણ એના જેવું જ દિવ્ય બની જતું! કોણ જાણે પાણીના સ્પર્શથી એને એવી તે કઈ અનુભૂતિ થતી હશે કે એને આટલો બધો ‘દિવ્યાનંદ’ મળતો હશે? પણ આગળ કહ્યું એમ, શરીર પર પાણીની છાલકો પડવાનું જેવું બંધ થાય એવું એનું આક્રંદ શરૂ થાય અને પછી જાણે એના પ્રલંબ તપને કોઈએ ભંગ કર્યું હોય એવો એ ભભૂકી ઊઠે!
રેડિયોની બાબતે ભાઈસાહેબને એવો શોખ કે, આખો દિવસ તો નહીં, પણ દિવસના કોઈ પણ સમયે એને રેડિયોની યાદ આવે અને પછી એ જેવો ‘પીપ… પીપ…’ (દિવ્ય રેડિયોને પીપ કહે!) કરે એટલે અમારે એને રેડિયો લાવી આપવાનો અને કોઈ પણ ચેનલ મૂકી આપવાની. અડધી રાત્રે એની ઉંઘ ઊડી જાય ત્યારે પણ દિવ્યએ રેડિયો માગ્યાને કે એ સાંભળ્યાના દાખલા છે. શરૂઆતમાં અમને એમ હતું કે, દિવ્યને રેડિયોનું પણ સંગીતનું ઘેલું છે અને એ સંગીત સાંભળી શકે એ માટે અમે એના માટે સારામાં સારી મ્યુઝિક સિસ્ટમ વસાવેલી અને એના પર બોલિવુડ અને શાસ્ત્રીય રાગો પર આધારિત ગીતો પણ વગાડ્યાં, પણ અમારા આ અલગારી જીવને એ મ્યુઝિક સિસ્ટમ કે એમાંથી વહેતુ મ્યુઝિક ન સ્પર્શયું એ ન જ સ્પર્શયું. એ જીવને તો મન થાય ત્યારે રેડિયો જ જોઈએ, જેને ન તો રેડિયોની કોઈ ચેનલ સાથે કે ન તો રેડિયો પર વાગતા કોઈ ગીત સાથે નિસ્બત! પણ બસ કોઈ સ્વજનસમો રેડિયો પાસે જોઈએ! દિવ્યએ આજ સુધીમાં અનેક વસ્તુઓ ફેંકી દઈને તોડી નાંખી છે. પરંતુ એણે ક્યારેય રેડિયો તોડ્યો હોય એવું બન્યું નથી.
આ ઉપરાંત પણ આવી તો દિવ્યની અનેક અંતરંગ વાતો છે, જે સાંભળશો તો તમે હસીને લોથપોથ થઈ જશો. હવે તો એ બાવીસ વર્ષનો થવા આવ્યો છે, પરંતુ એ જન્મેલો ત્યારની અને આજની એની માનસિક અવસ્થામાં રજમાત્ર ફરક આવ્યો નથી.
એની પોતાની એક આગવી દુનિયા છે, જેનો એ મહારાજા છે. એની એ દુનિયામાં સામાન્ય માણસો તો શું, પણ એના મમ્મી-પપ્પાને પણ એન્ટ્રી નથી અને આ કારણે જ એ એના મમ્મી-પપ્પાને પણ ક્યારેક ઓળખી શકતો નથી. જોકે અમને એ બાબતનો કોઈ રંજ નથી કે, અમારું સંતાન બીજા માતા-પિતાના સંતાનો જેવું સામાન્ય કેમ નથી કે એ અમને ઓળખતું કેમ નથી. અમે તો એ વાતે ખુશ છીએ કે, દિવ્યના રૂપમાં પ્રકૃતિનું એક શુદ્ધ તત્ત્વ અમારે ત્યાં અવતર્યું છે, જેને નથી તો કોઈની સેવાની પડી કે નથી એ કોઈની સેવાનો મોહતાજ રહ્યો. જેમ પ્રકૃતિ પોતાની શરતે જીવે છે અને તમામ જીવોને એની શરતે જીવાડે છે એમ અમારો દિવ્ય પણ હંમેશાં એની શરતે જ જીવ્યો છે અને એની શરત મુજબ જ એણે અમને જીવાડ્યા છે. આવું સંતાન પામીને અમે ખરેખર અમારી જાતને ખુશનસિબ માનીએ છીએ અને ઈશ્વરનો ખૂબ આભાર માનીએ છીએ, જેણે અમને માતા-પિતા તરીકે શ્રવણ બનવાની તક આપી.
(રાકેશ હર્ષ, અમદાવાદ)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર