આ ઈશ્વરના આશીર્વાદ કે ઈશ્વર પોતે?

06 Aug, 2015
12:00 AM

mamta ashok

PC:

જીવન જીવતા જોયેલી અને અનુભવેલી વાત પરથી બંધાયેલી મારી પોતાની માન્યતા એવી છે કે દીકરાના પોતાના માતા-પિતા માટેના પ્રેમમાં વધ-ઘટ થઈ શકે છે. પણ દીકરીનો પ્રેમ એટલે એક સતત વહેતો પ્રવાહ! જે તમને અવિરત પ્રેમની અને કોઈકના હોવાપણાની હૂંફની અનુભૂતિ કરાવે છે. મજાની વાત તો એ છે કે મારું સંતાન તો હજુ બોલતુંય નથી થયું અને તેને દુનિયાદારીની કોઈ સમજણ પણ નથી અને તોય મને એની આ અનેરી લાગણીઓનો અહેસાસ થાય છે.

'તારે દીકરો જોયે કે દીકરી?' આ સહજ પ્રશ્ન જ્યારે હું પિતા બનવાનો હતો એ સમય દરમિયાન અનેક લોકોએ મને પૂછેલો. જોકે પ્રામાણિકતાથી કહું તો મને ખબર જ નહોતી કે મારી પસંદગી શું હતી અને એટલે જ ત્યારે મારી પાસે કોઈ ચોક્કસ જવાબ નહોતો. પણ સમય જતા, આડોશ-પાડોશના લોકો તેમજ સગા-સબંધીની વડીલ સ્ત્રીઓએ મારી પત્નીના ઉપસેલા પેટને જોઈને આગાહી કરવાની શરૂ કરી કે અમારે ત્યાં દીકરો આવશે. હું આજના દિવસે પણ વડીલોની કોઠાસૂઝને માનું છું અને એટલે જ મેં પણ ત્યારે સ્વીકારી લીધેલું કે, ભલે દીકરો આવે! દીકરાની બાબતે હું એટલો બધો કોન્ફીડન્ટ હતો કે, મેં એનું નામ પણ વિચારી લીધેલું અને એ નામ માટે આવનાર દીકરાની મમ્મી અને ફઈ પાસે ધરાર સહમતી પણ મેળવી લીધેલી.

...અને આવી દીકરી. દીકરીના જન્મ સમયે મારી માન્યતા જરૂર તૂટી હતી પણ દીકરીના જન્મએ મને કોઈ આઘાત નહોતો લાગવા દીધો. વડીલ સ્ત્રીઓની કોઠાસૂઝ ખોટી સાબિત થઈ હતી અને બાળકની જાતિ જાણવા માટે વિજ્ઞાનનો મેં સહારો લીધો નહોતો. પણ મારી સામે પુત્રીરૂપે એક સત્ય પ્રસ્તુત હતું. હું પિતા બન્યો હતો અને એ વાતાની ખુશીથી હું ઝૂમી રહ્યો હતો.

દીકરી છે એટલે મને એ વધારે વહાલી છે અને દીકરો હોત તો એ આટલો વહાલો ના હોત એવું પણ હું માનતો નથી. કારણ કે, એ અનુભવની મને ખબર નથી. સંતાનના પ્રેમની તે કંઈ સરખામણી કરવાની હોય? પણ આ ઈશ્વરીય અવતાનો ઉછેર કરવાની જે મજા છે એ પરથી મેં એક ગાંઠ તો વાળી જ લીધી છે કે, હવે ઈશ્વર પાસે હું આનાથી વિશેષ કંઈ માગુ નહીં!

દીકરીના જન્મ સાથે એના નામકરણનો પ્રશ્ન થયો. કેટલાયે વિકલ્પો મને આપવામાં આવ્યા પણ એમાંનો એક પણ વિકલ્પ મને પસંદ પડતો નહોતો. બાળકનું નામ એના છઠ્ઠા દિવસે જ પાડવું જોઈએ એવો રિવાજ પણ હું માન્યો નહીં અને લગભગ એક મહિનાની કસરત પછી મેં એનું નામ પાડ્યું 'રાહી'. અહીં 'મેં' પાડેલું નામ એટલા માટે કહું છું કે પરિવારના અન્ય લોકોની કે મારી પત્નીની પસંદ બીજા નામોની હતી. પણ મારી લાડકીનું નામ મારે જ પાડવું હતું. મારે જ ભેટ આપવી હતી એને એની ઓળખાણ!

મેં ક્યાંક વાંચ્યું હતું કે બાળક ઈશ્વરનું રૂપ હોય છે પણ એને 'મારું બાળક' એવું લેબલ લગાવી દેવાથી એમાં મોહનો પડદો આડે આવે છે અને આ કારણે તે ઈશ્વરનું રૂપ ના રહેતા એ તમારા મોહનું રૂપ બની જાય છે. આ વિચારને આગળ ધરીને દીકરી માટે મોહ નહીં રાખવાના મેં પ્રયત્નો કર્યા છે. પણ મને હજુ સુધી એમાં સફળતા હાથ લાગી નથી. જ્યારે બાળકના જન્મ પહેલા મારી પાસે કોઈ સ્પષ્ટ મત નહોતો કે દીકરો જોઈએ કે દીકરી ત્યારે મારી પત્ની એ બાબતે સ્પષ્ટ હતી અને તેને દીકરી જોઈતી હતી. અને દીકરી શા માટે જોઈએ એવો એને હું પ્રશ્ન પૂછતો તો મને જવાબ અધૂરો અને ટૂંકો મળતો, 'તમારા માટે'.

અત્યારે સાત મહિનાની થયેલી મારી દીકરીએ મારી એટલી વાતો સાંભળી છે કે, એ હવે મને એટલે કે મારા સ્વભાવ અને મારી આદતોને બરાબર જાણતી હશે. હું કોઈ ફિલ્મ જોઈને આવું તો એને આખી વાર્તા સંભળાવું અને એના રિએક્શન્સની પણ રાહ પણ જોઉં. રિએક્શન્સ ના મળે તો પૂછું કે 'તને ના દમી વાલતા?' અને એ જાણે જવાબ આપતી હોય એમ સામું હસીને જવાબ પણ આપે.

પ્રેમ સાચે જ વર્ણવી ના શકાય તેવી અનુભૂતિ છે અને એટલે જ મારી દીકરી માટેના મારા પ્રેમને મારે કેમ વર્ણવવો એની મને ખબર નથી. લગભગ એના જન્મના પહેલા અઠવાડિયાથી લઈને આજ સુધી હું એને નિયમિત પગે લાગું છું. કારણ? કારણ માત્ર એટલું કે એ એનો ઉપકાર છે કે એ મારી દીકરી બની.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.