જેમના કારણે યમદૂતો પાછા વળ્યાં...
સંતાનના જન્મ બાદ અચાનક માણસના જીવનનો ધ્યેય બદલાઈ જતો હોય છે અને તેનું સંતાન તેના જીવનના કેન્દ્રમાં આવી જતું હોય છે. આ વાત મેં અહીં 'મારો શ્રવણ' વિભાગમાં જ અનેકવાર વાંચી છે. અહીં વિવિધ માતા-પિતાની વાતો વાંચીને મને પણ મારી વાત કહેવાનું મન થયું છે. લેખન એ મારો વ્યવસાય કે શોખ બંને નથી પરંતુ સંતાન વિશે અને જીવનમાં બનેલા એક કિસ્સા વિશે લખવાની મને ઘણી ઈચ્છા હતી એટલે મેં કલમ ઉપાડવાની હિંમત કરી છે. મારા બે સંતાનો છે. એક દીકરી અને દીકરો. આજે તો દીકરી પરણીને એના સાસરે ઠરીઠામ થઈ ગઈ છે અને દીકરો પણ ભણીગણીને સારી જગ્યાએ નોકરી કરે છે. પરંતુ મારા સંતાનો નાના હતા ત્યારની આ વાત છે.
વર્ષો પહેલા અમારી આર્થિક સ્થિતિ બહુ સદ્ધર ન હતી. એટલે ઘરના બે છેડા મળી રહે અને ઘર વ્યવસ્થિત ચાલી રહે એ માટે હું પણ ત્યારે નોકરી કરતી. મારા સાસુ-સસરા ગામડે રહેતા હતા અને અમારા ચાર જણનું કુટુંબ વડોદરામાં વસતુ હતું. મારા પતિ વડોદરામાં જ નાનો ધંધો કરતા અને હું છેક અંકલેશ્વર સુધી એક પ્રાઈવેટ ફેક્ટરીમાં નોકરીએ આવતી. નોકરી દૂર હોવાને કારણે હું રોજ ટ્રેનમાં અપડાઉન કરતી.આખો દિવસ અમે બંને બહાર રહેતા હોવાને કારણે અમારા નાના સંતાનો ઘરમાં એકલા જ રહેતા અને હું એમના માટે જે ખોરાક બનાવી જાઉં એ તેઓ મૂંગા મોઢે ખાઈ લેતા. ઘરને ટેકો મળી રહે એ માટે હું વર્ષો સુધી નોકરી કરી શકી એ પાછળનું કારણ મારા સંતાનો જ છે. કારણ કે એમણે ક્યારેય મારી ગેરહાજરી કે, એમની અગવડોને લઈને ફરિયાદ નથી કરી.
એવામાં એક સાંજે હું નોકરીએથી છૂટીને અંકલેશ્વર સ્ટેશનથી ઘરે એટલે કે વડોદરા જઈ રહી હતી. નોકરીએથી છૂટીને હું કટોકટ સમયે સ્ટેશન પર પહોંચતી એટલે મારે મોટેભાગે દોડીને જ ટ્રેન પકડવાની આવતી. તે સાંજે પણ હું પ્લેટફોર્મ પર પહોંચું એ પહેલા ટ્રેન આવી. જોકે ટ્રેન થોડો સમય ઊભી રહેવાની હતી પરંતુ મેં થોડી ઉતાવળ કરી, જેથી હું થોડી વહેલી ટ્રેનમાં ચઢી શકું અને મને જગ્યા મળી શકે. પણ મારા ભારે શરીરને કારણે હું ઝડપથી દોડી ન શકી અને હું જેવી મારા ડબ્બાના દરવાજા આગળ પહોંચી એવી ટ્રેન શરૂ થઈ ગઈ.
આમ તો મેં જીવનમાં ઘણીવાર દોડીને ટ્રેન પકડી છે પરંતુ તે દિવસે મારો દિવસ કંઈક જુદો ઉગ્યો હશે તે, જેવી ટ્રેન શરૂ થઈ એવો મારો એક પગ ટ્રેનના ડબ્બા અને પ્લેટફોર્મની વચ્ચે લપસી પડ્યો. ટ્રેન હજુ ચાલુ જ થઈ હતી એટલે તેની ગતિ નહીંવત હતી. પરંતુ મારા ભારે શરીરને કારણે હું સંતુલન ન જાળવી શકી અને સમયસયર ઉપર ચઢી શકી નહીં. અધૂરામાં પૂરું મારો બીજો પગ પણ લપસી પડ્યો અને મારા બંને પગ ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે આવી ગયા. મેં દરવાજા પરના લોખંડના હાથા અત્યંત કડકપણે પકડેલા. એના કારણે હું થોડી સેકન્ડ્સ માટે પ્લેટફોર્મ પર ઘસડાઈ. આ વાત માત્ર થોડી જ ક્ષણોની હતી પરંતુ એ ક્ષણોમાં સ્ટેશન પર ભારે હોહા મચી ગઈ. મને પણ મારી જાન જતી લાગતી હતી એટલે મેં પણ જોર જોરથી ચીસો પાડવાની શરૂ કરી.
કારણ કે મને ખબર હતી કે, હવે ગણતરીની સેકન્ડ્સમાં ટ્રેન એની ગતિ પકડવાની હતી અને હું લગભગ મોતના મુખમાં ધકેલાવાની હતી. આ કિસ્સો અહીં લખવાનું કારણ એ જ કે, એ દિવસે જ્યારે મારો પહેલો પગ લપસેલો અને જે ક્ષણેથી હું ઘસડાવા માંડેલી ત્યારથી મને બીજું કંઈ જ નહીં પણ મને મારા સંતાનો જ દેખાતા હતા. મારી આંખ આગળ બીજું કશું જ ન હતું પણ એક જ દૃશ્ય રહી રહીને ઉઠતું હતું કે, મારા ઘરમાં મારી લાશ ગોઠવેલી છે અને મારા સંતાનો બિચારા બનીને એના પર વિલાપ કરી રહ્યા છે. એ ક્ષણે મને અંગતપણે મારા જીવની કોઈ જ પરવા ન હતી. પરંતુ મારો જીવ મને માત્ર એટલા ખાતર વહાલો લાગતો હતો કે, આ અકસ્માતમાં મારું અવસાન થયું તો મારા સંતાનોનું કોણ? એમને કોણ ખવડાવશે? આવડી મોટી દુનિયામાં મારા બાળકો ક્યાં રખડશે?
પણ યમરાજ તે દિવસે એક જનેતાની મૂંઝવણ સમજી ગઈ ગયા હતા. કદાચ એટલે જ તેમણે ધરતી પર મને લેવા મોકલેલા યમદૂતોને પાછા બોલાવી લીધા! ટ્રેને ગતિ પકડી જ હતી અને હું વીસેક ફૂટ સુધી ઘસડાઈ હોઈશ ત્યાં ભગવાને કોઈને સદ્દબુદ્ધિ આપી અને ચેન પુલિંગ થયું. ટ્રેન અચાનક ધડાકાબંધ ઊભી રહી. મારા જીવમાં જીવ આવ્યો. જોકે ટ્રેન જેવી ઊભી રહી એવી તરત મારી તમામ શક્તિઓ હણાઈ ગઈ અને હું બેભાન થઈ ગઈ. મને કશું ન નહોતું થયું. આછી મોચ પણ નહોતી આવી. પછી તો ત્યાં ઊભેલા લોકોએ મને બહાર કાઢી અને એક બેન્ચ પર બેસાડીને પાણી આપ્યું. ભાનમાં આવ્યાં પછી હું ઠુઠવો મૂકીને રડી પડી. કારણ કે ભગવાને મારી સાંભળી હતી. એણે મને બચાવી લીધી હતી. મારા બાળકોને નધણિયાત થતાં અટકાવ્યાં હતા.
આ ઘટનાને કારણે મારી રોજની ટ્રેન હું ચૂકી ગઈ હતી. એટલે હું પછીની ટ્રેનમાં ઘરે પહોંચી. ત્યારે આજના જેવી મોબાઈલની સુવિધા ન હતી એટલે હું લગભગ રોજ કરતા ઘરે બે કલાક મોડી પડ છતાંય મારા બાળાકોને મારા મોડા આવવાની જાણ નહોતી કરી શકી. મારા બાળકો, 'મમ્મી હજુ કેમ નથી આવી'ની ચિંતામાં ભૂખ્યાં તરસ્યાં મારી રાહ જોતા બેઠા હતા. એમને ભૂખ્યા જોઈને મને ફરી રડું આવ્યું અને એ લોકોને કંઈ સમજ પડે એ પહેલા હું એમને વળગીને મિનિટો સુધી રડી. પછી એમને ખબર પડી કે, એમની મા બચીને આવી છે એટલે એ લોકો ફરી મને બાઝી પડ્યાં. તે દિવસે મારું મૃત્યુ નિશ્ચિત હતું પરંતુ મારા બે શ્રવણોને કારણે યમદૂતો પાછા વળ્યાં હતા.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર