થોડી અનુભૂતિ… થોડી જવાબદારી…

05 Nov, 2015
12:00 AM

mamta ashok

PC:

દરેક બાળક જન્મે છે ત્યારે એની સાથે માતા-પિતાનો પણ જન્મ થતો હોય છે. બાળકના જન્મ પહેલા જીવન પ્રત્યે કંઈક અંશે બેજવાબદાર રહેતા માતા-પિતા બાળકના જન્મની ક્ષણથી જ રિસ્પોન્સિબલ થઈ જાય છે અને એમના નવજાત બાળકની તેમજ જીવનની નાનામાં નાની વાતોને અત્યંત ગંભીરતાથી લેતા થઈ જાય છે. મારા શ્રેયનો જન્મ થયો ત્યારે મેં પણ કંઈક આવું જ અનુભવ્યું. શ્રેય જન્મ્યો ન હતો ત્યાં સુધી હું ખરેખર અત્યંત બેદરકાર હતી, પરંતુ હવે કોણ જાણે ક્યાંથી મને ડહાપણની દાઢ ફૂટી અને હું અચાનક જીવનની કેટલીક બાબતો માટે ગંભીર થઈ ગઈ. અરે, અમુક બાબતો તો એવી પણ છે, જેના માટે હું એક્સ્ટ્રા કેર લેતી થઈ ગઈ છું.

સામાન્ય રીતે સ્ત્રીઓ એમના જીવન અને કામને લઈને ઘણી ચોક્ક્સ હોય છે. એમની બધી વસ્તુઓ વ્યવસ્થિત હોય છે અને અંધારામાં હાથ નાંખો તો સ્ત્રીઓની વસ્તુઓ જડી જાય એટલી વ્યવસ્થિત રીતે એ વસ્તુઓ ગોઠવાયેલી પણ હોય છે. પરંતુ મને આમાંની એક પણ બાબત લાગુ પડતી નહીં કારણ કે, મારો ઉછેર જ કંઈક એ રીતનો થયેલો. ત્રણ ભાઈઓમાં એકની એક બહેન અને એ ત્રણેયમાં હું સૌથી નાની હોવાને કારણે મારા પિતા અને મારા ભાઈઓ મને હથેળી પર રાખતા. કોઈક બાબતે મને માઠું લાગી જાય અથવા મને કંઈક ખૂટી પડે તો મારા એ ચારેય પહેરેગીરો આકાશ પાતાળ એક કરી નાંખે, પણ મને જોઈતી વસ્તુ હાજર કરે.

પિતા અને ભાઈઓના આવા લાડને કારણે જીવનના પ્રારંભિક તબક્કામાં મને તમામ વસ્તુ હાથમાં મળતી અને હું કૉલેજમાં જતી થઈ ત્યાં સુધી મેં સમ ખાવા પૂરતાંય ઘરના કોઈ કામ નહોતા કર્યાં. મારી આ ખોટી સાહ્યબી જોઈને મમ્મી સખત અકળાતી અને પપ્પા અને ભાઈઓને હાથ જોડીને કહેતી કે, ‘આ લાડબાને તમે ઘરે રાખવાના નથી. એને પારકે ઘેર મોકલવાની છે એટલે એને આટલા બધા લાડ ન લડાવો અને એને ઘરના કામો શીખવા દો.’

મમ્મીની લાગણીને માન આપીને હું રસોઈનું કામ તો થોડુંઘણું શીખી, પરંતુ દરેક કામમાં ચોકસાઈ હું નહીં શીખી એ નહીં જ શીખી. ઘરમાં મહિનાનો સામાન ખૂટી પડ્યો હોય તો એની મને જાણ નહીં હોય અથવા ચોકમાં કપડાં સૂકવવા મૂક્યા હોય તો સાંજે એમને ઘરમાં લેવાનું કે એમની ઘડી વાળવાનું યાદ નહીં રહે. મારા બેડરૂમમાં મારી અંગત વસ્તુઓ વેર વિખેર હોય અને સવારે યોગ્ય સમયે ઉઠવાનું કોઈ ભાન નહીં. આ ઉપરાંત પણ એવી તો અનેક બાબતો હતી, જેમાં ચોકસાઈનો અભાવ જણાતો.

મારા નસીબ સારા હતા કે, મને સાસરું પણ આર્થિક રીતે ઘણું સદ્ધર મળ્યું, જેના કારણે ઘરમાં નોકર-ચાકરો અને રસોયાની વણઝાર હતી. આ કારણે ઘરના નાનામોટા કામોમાં મારે બહુ મગજ ઘસવાનું ન હતું. પણ તોય મારે મારા ઘરના સભ્યો અને મારા પતિની સગવડ કે એમની જરૂરિયાતોનું ધ્યાન તો રાખવું જ પડે, જેમાં ઘણી વખત મારાથી ગોથું ખાઈ જવાતું. પણ લગ્નના એકાદ વર્ષ બાદ જ્યારે મારા ગાયનેકે મને જણાવ્યું કે, હું માતા બનવાની છું ત્યારે મેં મારી અંદર આમૂલ પરિવર્તનો અનુભવ્યાં.

માતા બનવાના વિચારથી મારામાં એવું તે શું પરિવર્તન આવ્યું કે, મારી અંદર જાણે સમજણની કોઈક કૂંપળ બેઠી . આમ તો મારી પ્રેગ્નન્સીના સમયગાળામાં મારે આરામ કરવો જોઈએ અને બીજાઓએ મારી સગવડો સાચવવી જોઈએ, પરંતુ પ્રેગ્નન્સીના શરૂઆતના તબક્કામાં હું જાણે માતા બનવાની નેટ પ્રેક્ટીશ કરતી હોઉં એમ ઘરની નાની નાની બાબતોમાં ધ્યાન આપવા માંડી, રસોડામાં શું ચાલી રહ્યું છે એના પર નજર રાખવા માંડી અને પતિનો રૂમાલ હોય કે, સાસુ-સસરાની દવા હોય, એ બધુય વ્યવસ્થિત જગ્યાએ મૂકવા માંડી અને યોગ્ય સમયે કરવા માંડી! આ કારણે મને તો આશ્ચર્ય થયું જ પરંતુ મારા ઘરના સભ્યોને પણ કંઈ ઓછું આશ્ચર્ય નહોતું થયું.

શ્રેયના જન્મ પહેલા પણ મેં મારા ખાવા-પીવાથી લઈને મારી જીવનશૈલીમાં ખૂબ ધ્યાન રાખ્યું. આ જ બાબત શ્રેય જન્મ્યો પછી પણ ચાલું રહી. શ્રેયના જન્મ પછી મારા સાસુએ અમારી દેખભાળ કરવા માટે બે કામવાળી રોકી. પરંતુ શ્રેયની બાબતે હું કોઈ રિસ્ક નહીં લેતી અને એના બાધો કામો હું જાતે જ કરતી. એ દરમિયાન મને સતત એક અહેસાસ રહેતો હતો કે, ભલે અમારા નાના-મોટા કામો કરી લેવા માટે નોકર-ચાકર હોય, પરંતુ શ્રેય એ મારી જવાબદારી છે એટલે એના બધા કામો તો હું જ કરીશ!

આ બધાની સાથે મેં મારું નવું સ્વરૂપ એટલે કે, મારું માતૃત્વ પણ ખૂબ એન્જોય કર્યું. માતૃત્વ એ મારા જીવનનું અભિન્ન અંગ બની ગયું છે, જે હવે અવિરત ચાલતી પ્રક્રિયા બની ચૂક્યું છે. શ્રેય હજુ ઘણો નાનો છે અને એનો મોટાભાગનો સમય મારી સાથે પસાર કરે છે, એટલે એની નાની આંખો માત્રને માત્ર મને જ ઓળખે છે. એની આંખોમાં મારા પ્રત્યેનો જે વિશ્વાસ દેખાય છે એ અપ્રતિમ છે. હવે તો એનો એ વિશ્વાસ જ મારા જીવનનું કારણ બની ચૂક્યો છે.

એને ફિડિંગ કરાવવાથી લઈને એને સૂવડાવવો કે પછી એ ઉઠે પછી હું એની નજરે નહીં ચઢું તો એનું રુદન, મને જોયા પછીનું એનું હાસ્ય, હું એને ઉચકું પછી મારા ખભે એનો ચહેરો ઢાળી દેવું… ક્યારેક અમસ્તા અમસ્તા જ હસતા રહેવું તો ક્યારેક કોઈક વિસ્મય સાથે શૂન્યમાં તાકતા રહેવું. આ બધું જ રોમાંચિત કરી દે છે મને. અત્યંત દિવ્ય અનુભૂતિ છે આ, એનું વર્ણન કરી શકાય એમ નથી.
પણ, મહત્ત્વનો મુદ્દો એટલો જ કે, સંતાનો જન્મ તમને જડમૂળમાંથી બદલી દે છે. તમને રાતોરાત જવાબદાર બનાવી દે છે અને એમના કારણે તમે જીવન પ્રત્યે થોડા ગંભીર થઈ જાઓ છો. મા બન્યાં પછી આ મારો અનુભવ છે, આ મારી અનુભૂતિ છે. જે સાર્વત્રિક હશે એવું મને લાગે છે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.