જેમણે આંબવાને આપ્યું આકાશ

17 Dec, 2015
12:00 AM

mamta ashok

PC:

ભારતીય સમાજમાં મોટાભાગના માતાપિતાના મનમાં એવું ચાલતું હોય છે કે, સંતાનોના જન્મ બાદ આપણે જ આપણા સંતાનોને દુનિયાની રીતભાત શીખવીએ છીએ અને આપણી કેળવણી દ્વારા જ સંતાનો આ દુનિયામાં જીવી શકે છે. જોકે આ બાબતે મારો મત થોડો જુદો છે. સંતાનો નાના હોય છે ત્યારે આપણે એમને દુન્યવી રીતભાતોથી પરિચિત કરાવીએ છીએ કારણ કે, ત્યારે કુદરતીપણે એમને આપણી જરૂર હોય છે. પરંતુ આપણી આ કેળવણી ચોક્કસ તબક્કા પૂરતી જ સીમિત હોય છે.

પાછળથી તેઓ પોતાની સમજણ અને અનુભવો મુજબ શીખતા જતાં હોય છે. પરંતુ મોટાભાગના માતા-પિતાના મનમાંથી આ વાત ખસતી જ નથી. તેઓ એમ માની બેસતા હોય છે કે, આપણે દુનિયા વધુ જોઈ છે એટલે આપણે જ સંતાનોને બધુ શીખવતા હોઈએ છીએ. અને આ જ કારણે તેઓ સંતાનોને નાદાન અને અણસમજુ માનીને વારંવાર ટોકતા હોય છે કે, નાનીનાની વાતોએ એમને સલાહો આપતા હોય છે. માતા-પિતાના આવા વલણને કારણે બીજું તો કંઈ નહીં થાય, પરંતુ સંતાનની ટીનએજથી જ સંતાનો અને માતા-પિતા વચ્ચે સંઘર્ષ શરૂ થઈ જાય છે અને ધીમેધીમે એ તિરાડ વધુને વધુ મોટી થતી જાય છે.

જોકે મારે અહીં પેરેન્ટિંગ વિશેની વાતો નથી કરવી. મારે તો અહીં મારા સંતાનોનો આભાર માનવો છે અને બધાની વચ્ચે એક દૃષ્ટાંત બેસાડવું છે કે, જીવનમાં આપણે આપણા સંતાનોને જેટલું શીખવીએ એટલું જ તેઓ પણ આપણને શીખવતા હોય છે. એક કુટુંબમાં સતત શીખતા રહેવાની પ્રક્રિયા ક્યારેક એક તરફી નહીં પરંતુ હંમેશાં દ્વિતરફી હોય છે.

આજે હું મારી આસપાસ જીવતી મારી ઉંમરની ઘણી સ્ત્રીઓ કરતા ઘણી ટેક્નોસેવી છું. આજે ભલે લોકો ફેસબુકનો ઉપયોગ કરતા હોય પરંતુ ઓરકુટ નવું નવું આવેલું ત્યારથી હું સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સનો ઉપયોગ કરું છું અને લગભગ છેલ્લા એક દશકથી બ્લોગિંગ પણ કરું છું. આમ જોવા જઈએ તો હું સાવ નાના ગામડામાંથી આવેલી અને ત્યાં જ બીએનું ભણતર પામેલી સામાન્ય ઘરની સ્ત્રી છું. લગ્ન બાદ શહેરમાં રહેતી થઈ હોવા છતાં પણ જીવનનો દોઢેક દાયકો તો સંતાનોના ઉછેર અને એમની દેખભાળ કરવામાં જ પૂરો કર્યો. પરંતુ સંતાનો થોડા મોટા થયાં અને એમના સ્કૂલ, ટ્યુશનમાં વ્યસ્ત થયાં પછી મને ભયંકર નવરાશ રહેવા લાગી અને સમય પસાર કરવા માટે મારે રીતસરના વલખા મારવા પડતા.

સાહિત્યમાં બીએ થઈ હોવાને કારણે મને લખવા વાંચવાનો શોખ હતો પરંતુ એ શોખ માત્ર પુસ્તકો અને લાઈબ્રેરી પૂરતો જ મર્યાદિત હતો. કોમ્યુટરનો તો મને કક્કોય નહોતો આવડતો અને એ સમયે ઘરમાં કોમ્યુટર હતું પણ નહીં. પરંતુ મારા બાળકોએ મને આઈડિયા આપ્યો કે, મારે થોડું ઘણું કોમ્પ્યુટર શીખવું જોઈએ, જેથી ઈન્ટરનેટ પર હું મારો સમય પસાર કરી શકું. બાળકોનો આઈડિયા સાંભળીને મારા પતિ પણ ખુશ થઈ ગયા અને એમણે અઠવાડિયાના અંતરમાં જ ઘરે કોમ્યુટર અને ઈન્ટરનેટની વ્યવસ્થા ગોઠવી આપી.

બહાર ચાલતા મોંઘાદાટ કોમ્યુટરના કોર્સથી મારા સંતાનો પરિચિત હતા એટલે એમણે નક્કી કર્યું કે, એ બધામાં ખોટા પૈસા બરબાદ કરવા કરતા તેઓ જ વારાફરતી મને કોમ્યુટરને લગતી બેઝિક જાણકારી આપશે. આમ સંતાનોના માધ્યથી મેં એક ગજબ દુનિયામાં પગલું માંડ્યું. શરૂઆત માઈક્રોસોફ્ટ વર્ડથી કરી અને ઈન્ટરનેટ પર યુઆરએલ ક્યાં ટાઈપ કરવી કે યુઆરએલ કઈ રીતે ટાઈપ કરવી જેવા પ્રારંભના પાઠથી થઈ.

મારી ગ્રહણશક્તિ પણ સારી, એટલે હું ઝડપથી એ બધું શીખતી પણ ગઈ. થોડા જ દિવસોમાં મેં વર્ડમાં ગુજરાતી ટાઈપ કરતા પણ શીખવા માંડ્યું અને ઘરમાં કોમ્યુટર આવ્યાના ત્રણ મહિનાના ગાળામાં હું ફટાફટ ગુજરાતી ટાઈપ કરતા પણ શીખી ગઈ. એ જ ગાળામાં ભારતમાં ઓરકુટનું ચલણ શરૂ થયેલું એટલે મારા સંતાનોએ એમની સાથે મને પણ ઓરકુટ એકાઉન્ટ ખોલાવી આપેલું અને કોઈનું પ્રોફાઈલ ક રીતે વિઝિટ કરવું કે, કોઈને સ્ક્રેપ કઈ રીતે કરવા જેવી જાણકારીઓ તેઓ મને આપતા ગયા.

ઓરકુટને કારણે હું સોશિયલ મીડિયાની એક ગજબ દુનિયામાં આવી ગઈ હતી, જેમાં મને મારા જેવા જ અનેક લોકો મળ્યાં, જેઓ પાછળ જતાં મારા મિત્રો બન્યાં. કોમ્યુટર અને ઈન્ટરનેટને કારણે મને ગુજરાતી ઉપરાંત હિન્દી અને અંગ્રેજી ભાષામાં લખાયેલું સારું એવું વાંચવા મળ્યું. મને લખવાનો શોખ તો હતો જ એટલે મેં મારી આવડત મુજબનું કાચું-પાકું લખવા માંડ્યું અને સામે મને મારું લખેલું વાંચનારા અને જો લખાણમાં કોઈ ક્ષતિ હોય તો એમાં જરૂરી સુધારા સુચવનારા પણ મને મળતા ગયા. જેના કારણે મારા લખાણોને ધાર મળતી ગઈ અને સતત કંઈક લખતા રહેવાનો ઉત્સાહ પણ વધતો ગયો.

જોકે ત્યારે ઓરકુટ પર હાલના ફેસબુકની જેમ લાંબી લાંબી પોસ્ટ મૂકી શકાતી ન હતી. અને મારે મારા લાંબા લખાણો કોઈ એક જ જગ્યાએ મૂકવા હતા. એમાંય મારા સંતાનો સરસ મજાનો રસ્તો લઈ આવ્યા અને એમણે મને બ્લોગિંગ કરતા શીખવ્યું. ધીમે ધીમે હું એમની પાસે બ્લોગિંગ કરતા પણ શીખી અને હું એક પછી એક મારા કાચાં-પાકાં લખાણો બ્લોગ પર ચઢાવતી ગઈ. મારા આશ્ચર્ય વચ્ચે ગુજરાત કે ગુજરાતની બહારના લોકો કે વિદેશમાં વસતા ગુજરાતીઓ મારા લખાણ વાંચતા ગયા અને એમાં એમની કમેન્ટ્સ આપતા ગયા. મને તો જાણે કોઈ અંત વિનાની દિશા મળી.

મારા સંતાનોને કારણે જ હું કોમ્પ્યુટર કે ઈન્ટરનેટ જેવી બાબતો શીખી શકી અને એમના પ્રોત્સાહનને કારણે જ હું જાતજાતનું લખી પણ શકી કારણ કે, હું કંઈ પણ લખું તો મારા પહેલા વાચકો તો તેઓ જ રહ્યા છે. ખરું કહું તો મારા સંતાનોએ મને એક દિશા આપી અને મને નામ પણ અપાવ્યું.

આ તો ઠીક, મારા બાળકોને કારણે જ હું મોપેડ અને કાર ડ્રાઈવિંગ જેવી બાબતો પણ શીખી શકી છું. પહેલા મારે મારા નાનામોટા કામ માટે બહાર જવાનું થતું ત્યારે મારે બીજાઓ પર કે પબ્લિક ટ્રાન્સપોટેશન પર આધરિત રહેવું પડતું. પરંતુ અમે જ્યારે અમારા બાળકો માટે એક મોપેડ લીધું ત્યારે એમણે જીદ કરીને મને પણ મોપેડ શીખવ્યું અને એક જ વર્ષના ગાળામાં મારા પતિની કાર પણ મને શીખવી દીધી. મને વાહન ચલાવતા આવડી ગયું એટલે મને તો જાણે પાંખો મળી ગઈ! બીજાઓ પરની આધરિતાને કારણે પહેલા મહત્ત્વના કામો માટે બહાર જવા માટે પણ હું ખચકાતી હતી પણ હવે જરા અમસ્તું કામ હોય તોય હું ફટ દઈને ચાવી ઘુમાવું છું.

આ પ્રકારની સરળતા એક પ્રકારે મને સ્વતંત્રતા બક્ષી અને મારામાં આત્મવિશ્વાસ વધાર્યો. એમ જ કહોને ગામડાના ગરીબ ઘરની એક દીકરીને વ્યક્તિ તરીકેની ઓળખ મળી. અને આ બધુ કોના કારણે શક્ય બન્યું? માત્રને માત્ર મારા સંતાનો નિક્કી અને વિક્કીને કારણે! આ રીતે મને ઉડવા માટે મારું અલાયદુ આકાશ રચી આપવા માટે એમનો તો આભાર માનું એટલો ઓછો છે. એટલે જ આજે આ રીતે ‘મારો શ્રવણ’ વિભાગમાં મારી લાગણીઓ વ્યક્ત કરું છું.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.