સ્કૂલ ચલે હમ...

09 Jun, 2016
12:00 AM

mamta ashok

PC:

સંતાનની સ્કૂલનો પહેલો દિવસ હોય છે ત્યારે સંતાન ભલે સ્કૂલે જતાં ડરતું હોય, પરંતુ એના માતા-પિતા માટે એ દિવસ જીવનમાં મહત્ત્વના દિવસોમાંનો એક હોય છે, જેના કારણે તેઓ અત્યંત આનંદમાં હોય છે. આ એ જ દિવસ હોય છે, જે દિવસથી એમનું સંતાન ખરા અર્થમાં શિક્ષણ લેવાનું શરૂ કરે છે, જે શિક્ષણ એને વિવિધ વિષયોના જ્ઞાનની સાથે જીવન જીવાની કેળવણી પણ આપે છે. અને એ જ દિવસથી સંતાન ઘરની બહાર એકલું નીકળવાની શરૂઆત કરે છે, જેની સાથે એની ફરવાની અને ચરવાની પ્રક્રિયા શરૂ થઈ જાય છે.

હજુ ગયા ગુરુવારની જ વાત છે, જ્યારથી મારા આરવે સ્કૂલમાં જવાની શરૂઆત કરી. આમ તો એને પ્રિ સ્કૂલ કહી શકાય, પણ દીકરો ખભે બેગ અને ગળે વોટરબેગ ઝૂલાવીને તૈયાર થાય ત્યારે એ સ્કૂલે જતો હોય એવી જ ફીલિંગ આવે! એ પહેલી વખત સ્કૂલે ગયો ત્યાં સુધી તો એને સ્કૂલ એટલે શું અને ત્યાં શું થાય એ વિશેની કોઇ જ જાણકારી નહીં એટલે ભાઈ સાહેબને જ્યારે પણ પૂછો કે, 'આરુ તું સ્કૂલે જવાનો?' એટલે આરવ તરત કહે કે, 'હા જઈશ જ ને...' અને સ્કૂલે જવાના પહેલા દિવસે પણ આરવ શેઠ વટ કે સાથ તૈયાર થઈ ગયેલા અને ગળે વોટરબેગ અને ખભે સ્કૂલ બેગ લટકાવીને  એણે ઘરમાં આમથી તેમ દોડાદોડી કરી મૂકેલી.

પણ સાહેબજી સ્કૂલે ગયા એટલે એમને ખ્યાલ આવી ગયો કે, આ સ્કૂલ એટલે તો એવી બલા છે, જેમાં ત્રણ-ચાર કલાક સુધી મમ્મી અને દાદીથી દૂર રહેવું પડે અને મસ્તી સદંતર બંધ કરીને ટીચર્સ કહે એમ કરવું પડે! અલબત્ત, પ્રિ સ્કૂલમાં ભણવાનું ઓછું હોય અને અન્ય એક્ટિવિટીઝ વધુ હોય, પણ તોય મારા આરવને મમ્મી અને દાદીની એટલી બધી માયા કે, અમારા બે વિના એની સામે તમે દુનિયાની ભલભલી રમતો કે રંગીન વસ્તુઓ ધરી દો તો એ બધુંય આરવ આગળ પાણી ભરે અને આરવ માત્ર અમારા નામની જ માળા જપ્યાં કરે.

પહેલા દિવસે હું અને મારા સાસુ બંને એને સ્કૂલે લેવા ગયેલા અને એના ક્લાસમાં ગયા ત્યારે અમે એને સાવ ઉદાસ થઈને બેઠેલો જોયો. મારી સાસુની આંખમાં તો પાણીય બાઝી આવ્યા કે, આટલા અમસ્તા છોકરાને તે ઝુરાપો કેવો? પણ હું થોડી પ્રેક્ટિકલ બની અને એમને સમજાવ્યા કે, આપણા સંતાનને યોગ્ય કેળવણી આપવી હશે અને એને આ જગતના નીતિ-નિયમો શિખવવા હશે તો એને આપણી છાતીએથી દૂર કરવો જ પડશે! જોકે દર્દ તો મારા દિલનેય થતું હતું, પણ આ ક્યાં કોઇ દુખની વાત હતી? આ તો દીકરાની સ્કૂલનો પહેલો હતો!

જોકે મારી આંખો પણ ત્યારે છલકી આવી, જ્યારે આરવે દરવાજે ઊભેલા અમને બંનેને જોઈ લીધા અને ટીચર્સની પરવા કર્યા વિના એ એની જગ્યાએથી ઊભો થઈ ગયો અને દોડતો અમારી પાસે આવીને અમને બાઝી પડ્યો! એને ખબર હતી કે, મમ્મા તો એની વાતો માનવાની ન હતી એટલે મારી પાસેથી એ સીધો દાદી પાસે ગયો અને દાદીને બાઝીને કહે, દાદી કાલથી મારે અહીં નથી આવવું. અહીં તો તમે અને મમ્માને આવવા જ નથી દેતા! મારે તો તમારી સાથે જ રહેવું છે.

એ દિવસે અમે એને લઈને ઘરે આવ્યા પછી પણ એણે સાંજ સુધી જ એક રટ ચાલું રાખી કે, ગમે એ થાય પણ કાલથી મારે સ્કૂલે નથી જવું. સ્કૂલે ન જવાનું એની પાસે એક જ કારણ હતું અને એનું કારણ એ હતું કે, ત્યાં એની મમ્મા અને દાદી નથી હોતા. બીજા દિવસે સવારે તો એને ઉઠાડ્યો ત્યારે ઉઠતા વેંત જ એણે ભેંકણો તાણ્યો. જોકે જેમ તેમ એને સમજાવી મનાવીને એને લઈને અમે સ્કૂલે પહોંચ્યા અને ક્લાસમાં બેસાડીને ઉદાસ ચહેરે ઘરે આવ્યા.

સવારે દીકરો રડતો સ્કૂલે ગયેલો બીજા દિવસે મારા સાસુ ફરી એને લેવા મારી સાથે આવેલા હતા, પણ બીજા દિવસે અમે એના ક્લાસરૂમ પાસે ગયા તો ત્યાં કંઈક અલગ જ નજારો જોવા મળ્યો, જે જોઈને દિલને ટાઢક થઈ. આરવ એના ક્લાસના મિત્રો સાથે રમતમાં મશગૂલ હતો અને અમને જોઈને એ અમારી પાસે આવ્યો ખરો, પણ રડ્યો નહીં. બસ, એટલું જ કહ્યું, 'ચાલો ઘરે...'

હજુ તો એની સ્કૂલ ઉઘડ્યાને અઠવાડિયું જ થયું છે ત્યાં એને સ્કૂલનો માહોલ થોડો અલગ લાગે અને ત્યાં જવાનું નહીં ગમે એ સ્વાભાવિક છે. પણ હવે એ ધીમે ધીમે માહોલમાં ઢળી રહ્યો છે. રોજ સવારે ઊઠીને એ સ્કૂલે જવાની ના તો પાડે છે, પરંતુ સ્કૂલે ગયા પછી એ સ્કૂલના માહોલમાં ઢળી જાય છે અને ક્લાસરૂમ એક્ટિવિટિઝમાં દિલથી ભાગ લે છે. દીકરો જ્યારે નવું નવું શીખી રહ્યો હોય ત્યારે  એની માતાને જે ખુશી થાય એ ખુશી અસીમ હોય છે, એને શબ્દોમાં વર્ણવી શકાતી નથી. તો આ છે મારી કથા, મારા શ્રવણની કથા...

(અપેક્ષા રાવલ, વડોદરા)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.