અમે બે અમારા ત્રણ
સંતાનો વિશે લખવા બેસીએ ત્યારે આપણને ભયંકર અવઢવ થઈ જતી હોય છે. એનું કારણ એ જ કે, સંતાનો સાથે જીવનની એટલી બધી યાદો જોડયેલી છે કે, કઈ યાદોને લખીએ અને કઈ યાદોને છોડીએ એની અવઢવ થઈ જાય. એમાંય અમને તો ઈશ્વરે એકસાથે ત્રણ સંતાનોની ભેટ આપેલી અને અમારા વિશ્વમાં એ ત્રણેયનું વિશ્વ જુદું અને સાવ નોખું! જોકે આજે એમની ધમાલ- મસ્તીની કે એમની સાથે ગાળેલા ઉત્તમ દિવસોની વાત નથી કરવી પણ એમના અમારી જિંદગીમાં થયેલા પ્રવેશની વાત જ કરીએ.
અમારા લગ્ન થયાં બાદ લગભગ સાત વર્ષ સુધી અમારે ત્યાં કોઇ સંતાન નહીં થઈ શક્યું. ઘણા પ્રયત્નો કર્યા અને મેડિકલથી લઈને માનતા સુધીની પ્રક્રિયા હાથ ધરી પરંતુ સાત વર્ષમાં અમને કોઇ સફળતા નહીં મળી એ નહીં જ મળી. આખરે અમારા એક સંબંધીએ અમને ટેસ્ટ ટ્યૂબ બેબીની સલાહ આપી અને અમે અમારા શહેરના નામી ડૉક્ટરને મળીને એની ટ્રીટમેન્ટ શરૂ કરી. આ પહેલા અમે અનેક વખત આશાઓ બાંધી હતી અને અનેક વખત અમારે નિરાશ થવાનો વારો આવ્યો હતો. આ કારણે આ વખતે અમે માનસિક રીતે અત્યંત મજબૂત હતા કે, ધારોકે આ વખતે કોઇ સારું પરિણામ નહીં આવે તો અમારે નિરાશ નથી થવું.
જોકે અમારા ડૉક્ટર સંતાનોની બાબતે સુપર શ્યોર હતા અને અમને સતત ધરપત આપી રહ્યા હતા, જેના કારણે અમને પણ આશા બંધાઈ હતી. અને થયું પણ એવું જ! થોડા મહિનાની ટ્રીટમેન્ટ બાદ અમને સારા સમાચાર મળ્યાં કે, મને ગર્ભ રહ્યો છે! આ સમાચાર સાંભળીને અમારા આનંદની તો સીમા જ નહોતી અને અમારાથી પણ જો કોઇ સૌથી વધુ આનંદિત થયું હોય તો એ અમારા બંનેના માતા-પિતા હતા.
જોકે એ સાથે જ અમને ડૉક્ટરે સૂચના આપી કે ટેસ્ટ ટ્યૂબમાં મારે ડિલિવરી સુધી ખૂબ ધ્યાન રાખવાનું હતું અને મારા ગર્ભમાં એકથી વધુ બાળકોનો વિકાસ થવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે. થોડા મહિના બાદ તો એ પણ ક્લિયર થઈ ગયું કે, મારા ગર્ભમાં ત્રણ બાળકો ઉછરી રહ્યા હતા! આ સમાચાર અમારે માટે આનંદના પણ હતા અને થોડા ચોંકાવનારા પણ હતા. કારણ કે, એક તરફ જ્યાં અમારે એક સંતાનને પામવા માટે વિવિધ જગ્યાએ ભટકવું પડ્યું હોય ત્યાં ઈશ્વર અમને એકસાથે ત્રણ સંતાનોની ભેટ આપી રહ્યો હતો! પણ સામે ચેલેન્જ એ હતી કે, ત્રણેય ભ્રૂણોને નુકસાન નહીં થાય અને એમનો સતત અને યોગ્ય વિકાસ થતો રહે એનું મારે ખાસ ધ્યાન રાખવાનું અને એ માટે મારે સતત આરામ કરવાનો રહેતો અને અત્યંત પોષણયુક્ય ખોરાક ખાવો પડતો. તો બીજો ડર એ હતો કે, એ ત્રણેયને એક સાથે મોટા કઈ રીતે કરીશું? ઍટલિસ્ટ તેઓ એક વર્ષના થાય ત્યાં સુધી તો અમારે એમની અત્યંત કાળજી રાખવાની જ હતી, વળી આર્થિક આયોજનો કરવાના હતા એ વધારાના.
ગર્ભમાં એમના વિકાસ દરમિયાન મેં મારી નોકરી છોડી દીધી અને સંપૂર્ણ ધ્યાન એમના પર કેન્દ્રિત કર્યું હતું, પણ તેઓ બે વર્ષના નહીં થઈ જાય ત્યાં સુધી મારે કોઇ જૉબ નહીં કરવી એવું પણ નક્કી કરીને મેં મારી કરિયરને તિલાંજલિ આપી દીધી હતી. જોકે સાડા આઠ મહિનાની મથામણ અને અનેક પીડાઓ બાદ આખરે અમારે ત્યાં અમારા સંતાનોનો જન્મ થયો અને ભગવાનની કૃપાથી બે દીકરા અને એક દીકરી એમ અમારા ત્રણ સંતાનો અત્યંત સ્વસ્થ રીતે જન્મ્યા. ઘરના વારસદારો અને લક્ષ્મીજીનો એકસાથે જન્મ થયો એટલે અમે દુનિયાની બાકી બધી પીડાઓ અને મથામણો ભૂલી ગયા અને અમને કુદરતે આપેલી શ્રેષ્ઠ ભેટને માણવા માંડ્યા.
એ ત્રણેયના જન્મ બાદ શરૂઆતના છ મહિના મારી સાથે મારા મમ્મી અને સાસુ બંને સાથે રહ્યા. હું દીકરીને સંભાળતી હોઉં તો મમ્મી એક દીકરાને સંભાળતા હોય તો સાસુ વળી બીજા દીકરાને સૂવડાવાની મથામણમાં હોય. એક સાથે ઘરમાં ત્રણ ઘોડિયા આવી ગયા અને ત્રણ નાના કબાટમાં કપડા, દવા, દૂધની બોટલ્સ અને બાળોતિયા વારાફરતી ગોઠવાવા માંડ્યા. અમે ત્રણ સ્ત્રીઓ હોવા છતાં એ ત્રણ બાળકો અમારું કામ ઘટવા નહોતા દેતા, જેના કારણે અમારે એક ફૂલ ટાઈમ બહેન પણ રાખવા પડ્યા, જેઓ ઘરના કામોની સાથે રસોઈ પણ સંભાળી લે! અને અમે ત્રણ વારાફરતી ઉંઘતા-ઉઠતા-રડતા-ખાતા-બીમાર પડતા બાળકોને સાચવવામાં વ્યસ્ત રહીએ.
છ મહિના બાદ જ્યારે મમ્મીએ એમના ઘરે જવું પડ્યું ત્યારે શરૂઆતનું એક અઠવાડિયું મારા અને મારી સાસુ માટે અત્યંત ભારે સાબિત થયું. અમે બે અને રસોઈવાળા બહેન હોવા છતાં અમે ત્રણ બાળકોને હેન્ડલ નહોતા કરી શકતા એટલે થોડા સમય માટે તો મારા પતિ નિલેશે પણ એમની જૉબમાંથી પંદરેક દિવસની છૂટ્ટી લેવી પડેલી. જોકે, એ બધી મથામણો અમારા માટે સારી યાદો પણ બની રહી હતી, જેને આજે યાદ કરીએ તો ખ્યાલ આવે કે, આજથી પાંચ વર્ષ પહેલા અમે કેટલી જહેમત કરીને આ બાળકોનો ઉછેર કર્યો હતો! જોકે ઉછેરની એ પ્રક્રિયા તો હજુ પણ ચાલું જ છે, પરંતુ હવે બાળકો ઘણા સમજુ થઈ ગયા છે એટલે પહેલા જેવી મગજમારી નથી રહેતી.
હવે તો એ ત્રણેય પાંચ વર્ષના થઈ ગયા છે અને સ્કૂલે પણ જતાં થઈ ગયા છે. આખો દિવસ મારા સાસુ સાથે રહે છે અને હું છેલ્લા બે વર્ષથી નોકરીએ જતી થઈ છું. રોજ સાંજે ઘરે આવું એટલે એ ત્રણેય મને બાઝી પડે અને પછી એ ત્રણેયની ફરિયાદોનો દોર શરૂ થાય. દીકરી બંને દીકરાઓ પર ખૂબ દાદાગીરી છે કારણ કે દીકરી હોવાને કારણે બંને ભાઈઓમાં અમે અમારા બંને અને સાસુની પણ વહાલી છે. આ ત્રણેય બાળકો અમે ત્રણ એમ કુલ છ લોકોના જીવનને એક સાથે નિભાવવાનું ક્યારેક મુશ્કેલ જરૂર પડી જાય છે, પરંતુ સંતાનોની ખુશીની સામે અમારી બધી વિટંબણાઓ પાણી ભરે છે એટલે અમે આવતીકાલની ઝાઝી ચિંતા કરતા નથી! બસ, આજમાં જ જીવીએ છીએ.
(રૂપલ શાહ, અમદાવાદ)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર