તૂ જહાં જહાં ચલેગા...

02 Jun, 2016
12:00 AM

mamta ashok

PC:

સંતાનો ઘરથી દૂર રહેતા હોય ત્યારે માતા તરીકે મને લતા મંગેશકરનું આ ગીત અમસ્તુ જ યાદ આવે છે. આખા દિવસમાં સેંકડો વાર સંતાનોની યાદ આવી જાય અને સેંકડો વાર, 'તૂ જહાં જહાં ચલેગા.... મેરા સાયા સાથ હોગા...'નું ગીત અમસ્તુ જ દિલમાંથી સરી પડે છે. ક્યારેક આંખ પણ ભીની થઈ જાય છે! અલબત્ત, ફિલ્મમાં એ ગીત કોઇ જુદી બાબતે દર્શાવાયેલું, પણ મને સંતાનોની બાબતે હંમેશાં આ ગીત યાદ આવતું રહ્યું છે. એક દીકરો અને દીકરી આપીને ભગવાને અમારા પર ઘણી મોટી મહેરબાની કરી છે. ચાર જણના અમારા નાના પરિવારમાં અમે ખૂબ મજા કરી અને અત્યંત આનંદ અને પ્રેમથી જીવ્યા.

સંતાનો પણ એટલા સંસ્કારી કે, અમારે એમને કોઇ વાતે ટોકવા નહીં પડે અને ભણતરની બાબતે હંમેશાં તેઓ અવ્વલ રહે. બાળપણ આખું એમણે ખૂબ મજા મસ્તી કરી અને નાનપણથી ઊંચા આકાશમાં સપનાં જોતાં થઈ ગયેલા. દીકરીએ નક્કી કરી લીધેલું કે એણે શ્રેષ્ઠ ડૉક્ટર બનવું છે તો દીકરાને નાનપણથી એન્જિનિયરિંગમાં ખૂબ રસ. એક જ લક્ષ્ય લઈને સતત આગળ વધતા ગયા અને બાર સાયન્સમાં સારા ટકા લાવીને ગમતી કૉલેજોમાં એડમિશન લીધા. બંને વચ્ચે ફરક માત્ર બે વર્ષનો એટલે પાછા એકબીજાના મિત્રો જેવા જ, જેના કારણે કરિયર સંદર્ભે ક્યાંક પણ ગોથું ખાય તો એકબીજાને ખૂબ મદદ કરે.

બારમા પછી એમણે કૉલેજ માટે ઘર છોડ્યું એ છોડ્યું અને એ પછી સતત સંપર્કમાં રહેવા છતાં ઘર એમને નસીબ નથી થયું. અને જ્યારે ઘર નસીબ થયું છે ત્યારે સૌને સાથે રહેવાનું નસીબ નથી થયું. દીકરો ઘરે આવે ત્યારે દીકરીને પરીક્ષાઓ ચાલતી હોય અને દીકરીને નિરાંત મળે ત્યારે દીકરાના વાઈવા ચાલતા હોય. વર્ષમાં ત્રણ-ચાર દિવસ એવા મળવા માંડ્યા, જે દિવસોમાં સાથે રહેવાનું અને રંગના ચટકા લઈને છૂટા પડવાનું બનવા માંડ્યું.

એમાંય પોસ્ટ ગ્રેજ્યુએશન માટે બંને સંતાનોએ વિદેશની વાટ પકડી. દીકરીએ કેનેડા જવાનું પસંદ કર્યું તો દીકરો પહોંચ્યો ઓસ્ટ્રેલિયા. આ કારણે મહિને-પંદર દિવસે ઘરે આવી જતાં બાળકો વર્ષે-દોઢ વર્ષે આવવા માંડ્યા. અને હવે તો વર્ષમાં એક પણ દિવસ એવો નથી આવતો જે દિવસે અમે ચારેય સાથે હોઈએ. મોટાભાગના દિવસો તો હું અને સંજય એકલા જ હોઈએ છીએ અને એવું લાગે છે કે, જાણે આખું ઘર અમને ખાવા દોડે છે! એ વાત સાચી કે, સંતાનો એમની કારકિર્દી માટે ગયા છે અને એમની કારકિર્દી અત્યંત મહત્ત્વની બાબત છે, પરંતુ એક મા કે પિતાને તો એના સંતાન અને ઘર કે જીવનમાં એમના સંતાનની જ પરવા હોવાની!

ઘણી વખત એવો વિચાર આવી જાય છે કે, એના કરતા તો તેઓ ગ્રેજ્યુએટ થઈને અમારા શહેરમાં જ ક્યાંક નોકરી લઈ લેત કે પોતાનું ક્લિનિક શરૂ કરી દેત તો સારું થાત. પૈસા તો અહીં પણ તેઓ કમાય શક્યા હોત અને પાંચ પૈસા ઓછા મળતે તોય શું વાંધો હતો? ઘર તો મળ્યું હોતને?  પોતાના લોકોની હૂંફ તો મળી હોત ને? પણ પછી એમ પણ વિચાર આવે છે કે, કારકિર્દીને ક્યાં પૈસા સાથે સંબંધ છે. માણસે એના જીવનમાં કંઈક અચિવ કરવું હોય અને ટોચ પર પહોંચવું હોય તો ઘર-પરિવાર બધુ છોડવું પડે. બાજને ઊંચે ઉડવાની ચાહત હોય છે એટલે એ ઊંચે ઉડે છે, પણ ઊંચે ઉડવાની કિંમત એટલી જ કે બાજ ક્યારેય એનો સ્થાયી માળો નથી બાંધી શક્તું! વાદળોથીય ઊંચે ઉડવું હોય તો ડાળીઓ પરની કૂદાકૂદ કે જમીન પર પડેલા જુવાર-બાજરી ખાવાની માથાકૂટ એને નહીં પરવડે.

આવી વાતોથી ફરી સાંત્વના લઈ લઉં છું અને હું કોઇક બીજી વાતોમાં મન પરોવી દઉં છું. અને આમેય હવે સ્કાઈપ અને વ્હોટ્સ એપના જમાનામાં ભૌગોલિક અંતર ભલે ગમે એટલું હોય, પણ દિલનું અંતર તુરંત ઘટી જાય છે. ભલે, દીકરો ખોળામાં સૂઈ નહીં શકતો હોય કે, એના માથામાં આપણે હાથ નહીં ફેરવી શકતા હોઈએ. પણ વ્હોટ્સ એપ પર દીકરાનો ફોટો તો જોઈ જ શકાય ને? અને એ ફોટો જોઈને એને આઈ લવ યૂની વોઈસ નોટ પણ મોકલી જ શકાય ને?

જોકે ડિજિટલી ભલે આપણે ગમે એટલા સાથે હોઈએ, પણ કેટલીક વખતે સંતાનો સાથે હોવા જ જોઈએ એવું ઘણી વખત લાગે છે. જેમકે હમણાં કેરી ગાળો ચાલે છે ત્યારે બંને સમય જમતી વખતે મને સંતાનોની ખૂબ યાદ આવે. મારા બંને સંતાનોને કેરી ખૂબ ભાવતી અને એપ્રિલ મહિનો શરૂ થતો ત્યારથી અમારે ત્યાં કેરીની મહેફિલો શરૂ થઈ જતી. કોઇ કહેશે કેરી તો ત્યાંત મળતી જ હશે ને? હા એ વાત સાચી, પણ ત્યાં આપણા જેવો આકરો ઉનાળોય નહીં હોય ને કે એ બળબળતા તાપમાં દિલને ટાઢક કરી દે એવી કેરીઓ ખાઇએ?

ખૈર, સંતાનો સાથે નથી એનું દુખ પણ છે અને સંતાનો એમના ક્ષેત્રમાં સારું કરી રહ્યા છે, ઊંચી ઉડાન ભરી રહ્યા છે એનો આનંદ અને ગર્વ પણ ખૂબ છે. આખો દિવસ મારો આવી મિશ્ર લાગણીમાં વીતી જાય છે. એવું લાગે છે કે, મારી અંદર કોઇ બલ્બ સળગે છે અને થોડી જ પળોમાં બૂઝાઈ જાય છે. વળી સળગે છે અને વળી બૂઝાઈ જાય છે. આ એક સતત ચાલતી પ્રક્રિયા છે... આ એક માની લાગણી છે...

(સ્વાતિ સંજય પટેલ, અમદાવાદ)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.