તમે મારા દેવના દીધેલ છો
મારે ઘેર તો પુત્રો નહીં પણ મને લખલૂંટ પ્રેમ કરીને તરબતર કરી દેતા મારા ચાર-ચાર પૌત્રો પણ છે. એ ચારેય પૌત્રો એટલે મારા રામ, ભરત, લક્ષણ અને શત્રુઘ્ન! જોકે એમની ફઈબાએ એટલે કે મારી દીકરીએ એમના નામ તો કંઈક જુદા જ રાખ્યા છે. પરંતુ આતો મેં એ ચારેયના લાડકા નામ પાડ્યા છે. મારા ત્રણ દીકરાના આ ચાર રત્નો જન્મેલા ત્યારથી મારા ઘરની રોનક બદલાઈ ગયેલી અને મને ડોસીને તો જાણે કામ મળી ગયું! આખી જિંદગી નકરી નવરાશ મળી ને એક એક વર્ષને અંતરે જન્મેલા એ ચાર જન્મ્યાં એટલે હું મારી નાની વહુ કહે છે એમ, 'બા બિઝી થઈ ગઈ!' પહેલા નાના હતા ત્યારે એમના બાળોતિયાં ધોવામાં કે એમને સાચવવામાં મારો સમય પસાર થઈ જતો. તો પછી એ બધાને નિશાળમાં મૂક્યાં પછી સવારે એમની સ્કૂલની તૈયારી અને સ્કૂલેથી આવે પછી એમને ખવડાવવાની અને એમને સૂવડાવવામાં મારો સમય જાય.
આ ચાર બાળકોને મોટા કરવામાં બે દાયકાનો સમય ક્યાં નીકળી ગયો એની મને જાણ સુદ્ધાં ન થઈ. એમની માતાઓ નોકરી કરતી હતી. અને વહુઓને માથે ઘર, બાળકો અને નોકરીની ત્રિવિધ જવાબદારીઓ હતી એટલે બાળકો અને ઘરના કેટલાક કામો મેં સ્વેચ્છાએ સ્વીકારી લીધેલા. એ ચારેય તો મારું વ્યાજ કહેવાય એટલે મને તો એ વ્હાલા હોવાના જ પણ એ ચારેયને પણ હું ખૂબ વહાલી એટલે ઘરમાં એમને કંઈક ખૂટે કે તેઓ બહારથી ઘરમાં આવે એટલે એમના મોઢે એક જ પ્રશ્ન હોય, 'બા, ક્યાં છે?' અને જો હું એમને નહીં જડું તો, 'બા... ઓ... બા...'ના નામની બૂમો પાડીને ફળિયું ગજાવે. હું જે ઘરે બેઠી હોઉં ત્યાં એ ચારમાંનુ એક આવી પહોંચે અને પછી આજુબાજુના કોઈનીય પરવા કર્યા વિના મારા ખોડામાં ઝંપલાવે! પછી મને વળગે અને 'બા ઘરે ચાલ... અમને ભૂખ લાગી.' એમ કહીને મને ઘરે લઈ જાય.
ઘરે પહોંચું એટલે અમારી વાનગી તૈયાર જ હોય. ક્યાંતો મારે એમને ઘઉંનો શીરો બનાવી આપવાનો અથવા બપોરની બચેલી રોટલીઓની વચ્ચે ઘી અને ગોળ ચોપડી આપવાનો! રોજ સાંજે હું મારા કામમાંથી પરવડુ અને એ ચારેય એમના લેશનમાંથી પરવડે એટલે એ ચારેય મારા ખાટલાની આસપાસ વીંટળાય અને પછી અમે અલક મલકની વાતો કરીએ. મારા પતિ વર્ષો પહેલા એક બિમારીમાં અવસાન પામેલા, પરંતુ એમની યુવાન વયે એમણે આઝાદીની ચળવળોમાં સક્રિય ભાગ લીધેલો, એટલે એ ચારેય એમના દાદાના પરાક્રમોની વાતો મને પૂછતા. તો કોઈક વાર એ લોકો એમની નિશાળની કે ગામની કોઈ વાત સાંભળી આવ્યા હોય તો એની પંચાતે બેસે. મારી વહુઓ એમને બોલાવવા નહીં આવે ત્યાં સુધી એ ચારેય મારી પાસે બેસી રહેતા અને ક્યારેક તો એમાંનું કો'ક મારી સાથે જ ઉંઘી જતું.
બાળકો સાથે વીતાવેલો એ સમય અત્યંત ઉત્તમ હતો, જ્યારે એમની ઉંમર છથી દસ વર્ષ સુધીની હતી. કારણ કે દસ વર્ષ સુધી એ બધા મારી નજરોની સામે મારા ફળિયામાં રમતા રહેલા. ત્યાર પછી ગામને પાદરે રમતા થઈ ગયા એમને જોવા મારે આંખની ઉપર હાથ મૂકવા પડતા! અને હ્જુ થોડા મોટા થયા એટલે તેઓ દુનિયા ખૂંદતા થઈ ગયા! આ આખી પ્રક્રિયામાં એ ચારેય તબક્કાવાર મારાથી દૂર થતાં ગયા અને હવે એમાંના ત્રણ તો એવા દૂર થઈ ગયા છે કે, મારે એમના ફોટા જોઈને જ સંતોષ માની લેવો પડે છે! મોબાઈલ પર એમના ફોટો અને સિનિમા (બા વ્હોટ્સ એપના વીડિયોને સિનિમા=સિનેમા કહે છે, જેને એમનું એમ રખાયું છે.) જોઈને હવે એમ થાય છે કે, આ મૂઆઓને મેં મોટા જ શું કામ કર્યાં? અને મોટા કર્યા એનું ય કંઈ નહીં, પણ એમને ભણાવવા નહોતા જોઈતા. ભણીગણીને મૂઆઓ ગયા તો ગયા પારકે દેશ. એમાં મને શું મળ્યું? મારે ભાગે તો તેઓ ત્યાં શું ખાતા-પીતા હશે એની ચિંતા અને નકરી એકલતા જ આવી ને?
ચારેય ભણવામાં એટલા હોશિયાર કે એમના પરિણામ પત્રક જોઈને દાદી તરીકે મારી છાતી ગજ ગજ ફૂલતી. મેં જ મારા દીકરાઓને કીધેલું કે આપણા નાના શે'રમાં આ ચારેયનો દા'ડો વળે એમ નથી, એટલે એમને કો'ક મોટા શહેરમાં ભણાવો. એમને શહેરમાં ભણાવવાની સલાહ આપેલી ત્યારે મને ક્યાં ખબર હતી કે મારા છોકરાઓ મારા હાથમાંથી સરી જવાના છે! એમની વચ્ચે એક એક વર્ષના અંતર હતા એટલે પોતપોતાનું બારમું પાસ કરીને તેઓ વારાફરતી ગયા એ ગયા જ. બે દાક્તરીમાં ગયા ને બે ઈજનેરીમાં ભણવા ગયા ત્યારે હું તો એવા રૂઆબમાં ફરતી કે, આખા ગામમાં મારા જેવી બીજી કોઈ સ્ત્રી નહીં! ગામની સ્ત્રીઓને પણ હું કહેતી ફરતી કે, જ્યારે હું મરી જઈશ ત્યારે મારી કાંધ ઉચકવા બે દાક્તર આગળ રહેશે ને બે ઈજનેર પાછળ!
પણ એ ચારેય જેમ જેમ ભણતા ગયા એમ મારથી દૂર ને દૂર થતાં ગયા. પહેલું ભણવાનું પૂરું થયું તો બીજું ભણવા એનાથી દૂરના શહેરમાં ગયા (બા, ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનની વાત કરે છે). અલપ ઝલપ ફોન પર વાતો થતી રહેતી અને રજામાં ઘરે આવે તો મને ભેટેય ખરા, પણ મોટા થઈ ગયેલા મારા દીકરાઓ પહેલા જેટલા મારી નજીક હતા એટલા તો ન જ રહ્યા. આજે હવે મારી ઉંમર એંસીને પાર થવાની ને હું ક્યારે મરી જાઉં એનું કશું નક્કી નહીં. પરંતુ હવે મને એમ લાગે છે કે, મારા એ ચાર કાંધિયા મને મને કાંધ આપવા તો ઠીક પણ મારું મોઢુંય જોવા આવી શકશે કે નહીં એની ખબર નથી. કારણ કે બે દાક્તર ને એક ઈજનેર પરદેશ વસી ગયા છે તો એક ઈજનેર દક્ષિણ ભારત (બેંગ્લુરુ) તરફ વસી ગયો છે. આટલે બધે દૂર વસતા આ પોત્રો ગાડીમાં બેસસે ક્યારે અહીં આવશે ક્યારે અહીં આવશે?
મારી તો બસ એટલી જ ઈચ્છા કે, હું જાઉં એ પહેલા એ ચારેય મારી પાસે આવી જાય અને અમે પાંચેય મારા ખાટલે પહેલાની જેમ કૂંડાળે બેસીએ અને કલાકો સુધી વાતો કરીએ. હું એમના માથે હાથ ફેરવું અને એ બધાનું પ્રિય હાલરડું ગાઉં 'તમે મારા દેવના દીધેલ છો... તમે મારા માગી લીધેલ છો... તમે મારું નગદ નાણું છો... તમે મારું ફૂલ વસાણું છો....' અને પછી હું મરીયે જાઉં કે એ ચારેય નહીં હોય ત્યારે હું મરું તોય મને બહું પરવા નથી. મને આ નવી સદી સામે માત્ર એક જ વાંધો છે અને એ વાંધો એટલો જ કે, આ સદી પૈસો તો લઈને આવી પણ સાથે વેગળાપણું લઈને આવી એનું શું? આજે ભેળા બેસીને રોટલોય ખવાય છે?
(શબ્દાંકનઃ રોહિત પાંચાલ)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર