દુખની ગેરહાજરીને સુખ કહી શકાય નહીં

14 Feb, 2016
12:07 AM

mamta ashok

PC:

તમારા માટે સુખની વ્યાખ્યા શું?

દુખની ગેરહાજરીને હું ક્યારેય સુખ ગણતો નથી. તો માત્ર સુખની હાજરી એ પણ મારા માટે સુખ નથી. એવું પણ બની શકે કે, તમારી આંખમાં આંસુ હોય ત્યારે તમારા ચહેરા પર સ્મિત હોઈ શકે. સુખ ક્યારેય કોઈ સ્થળ, કોઈ વ્યક્તિ કે કોઈ વિચારને આધિન નથી હોતું.

કોઈ ગરીબ માણસ પાસે અચાનક કરોડો રૂપિયા આવી જાય તો એ સુખી થઈ ગયો એવું કહી શકાય નહીં. એ જ રીતે કોઈ ધનવાન રાતોરાત રસ્તા પર રઝળતો થઈ જાય તો એ દુખી થઈ ગયો એમ પણ કહી શકાય નહીં. સુખની વ્યાખ્યા સ્થળે-સ્થળે, વ્યક્તિએ-વ્યક્તિએ કે વિચારે વિચારે બદલાતી રહેતી હોય છે. મારા સુખનું પણ કંઈક એવું જ છે. આજે જે બાબત મને સુખ આપી રહી છે એ બાબત આવતીકાલે મને સુખ ન પણ આપે. અથવા જે બાબત આજે મને કનડી રહી છે એ જ બાબત કાલે મને સુખરૂપ પણ લાગે.

જીવનમાં તમને આનંદ કઈ કઈ બાબતોમાંથી મળે?

કવિતા લખું ત્યારે મને સૌથી વધુ આનંદ થાય છે. આ ઉપરાંત સારા મિત્રો મળે ત્યારે પણ આનંદ થાય. ક્યારેક જીવનમાંથી કશુંક જતું રહે ત્યારે દુખી થઈ જવાય છે. પરંતુ થોડા સમય પછી એ જ બાબત મને આનંદ આપે કે, પેલું જતું રહ્યું એ સારું થયું! એટલે ક્યારેક પીડા પણ આનંદ આપી જાય છે અને ક્યારેક આનંદ પણ પીડા આપી જાય છે.

આપણું સુખ કોઈના પર આધારિત હોઈ શકે ખરું?

સુખની આધારિતતા નકારી શકાય નહીં. કારણ કે, તમે કોઈક વ્યક્તિને ચાહતા હો ત્યારે તમારું સુખ ચોક્ક્સ જ એ વ્યક્તિ પર આધારિત હોય છે. એ વ્યક્તિનો તમારા પ્રત્યેનો લગાવ કે એની તમારા પ્રત્યેની નફરત બંને તમને સુખી અને દુખી કરી શકવાની ક્ષમતા ધરાવે છે. એ જ રીતે કોઈ વસ્તુ પર પણ આપણું સુખ આધાર રાખી શકે છે. ધારોકે કોઈ વ્યક્તિને મોંઘા મોબાઈલ પ્રત્યે લગાવ છે અને એ મોબાઈલ અચાનક બગડી જાય તો બની શકે કે એ વ્યક્તિ વ્યથિત થઈ જાય.

એવી કઈ ઘટના કે બાબતો બને ત્યારે મન વ્યથિત થાય?

માણસો જ્યારે નજીવા સ્વાર્થ માટે ખોટું બોલતા કે કરતા હોય ત્યારે મનને વ્યથા થાય. કારણ કે મને માણસો પર વિશ્વાસ કરવાની આદત છે અને જ્યારે કોઈ માણસ ખોટું બોલતો હોય ત્યારે પહેલી વખત તો હું એના પર વિશ્વાસ મૂકી જ દેતો હોઉં છું, પરંતુ પાછળથી જ્યારે ખ્યાલ આવે કે, એ માણસ ખોટું બોલે છે ત્યારે મન ખિન્ન થઈ જાય.

તમારા જીવનના કોઈ કપરા કાળ વિશે વાત કરવાનું પસંદ કરશો?

પોતાના જીવનના કપરા કાળ વિશેની વાતો કરવાનું કોઈ પસંદ તો કઈ રીતે કરે? પરંતુ એ વાત સાવ સાચી છે કે, જીવનમાં મેં ઘણો કપરો સમય જોયો છે. સૌરાષ્ટ્રના બસ સ્ટેશનો કે ઢોરની ગમાણોમાં રાત્રે સૂઈ રહીને મેં મારું બાળપણ વીતાવ્યું છે. મારા માતા-પિતા બીજાના ખેતરોમાં મજૂરી કરતા અને એ રીતે અમારું ગુજરાન ચાલતું. એવામાં વળી એક દિવસ મારા પિતા ગાડામાંથી પડી ગયા અને એમના પગની નસ તૂટી ગઈ. તેઓ હંમેશને માટે અપંગ થઈ ગયા અને મારી માતાએ અમારા ઘરની બધી જવાબદારી ઉઠાવવી પડી. મારા નાનપણની તમામ દિવાળી અને બેસતા વરસા મેં રાજકોટ જિલ્લાના વિવિધ ગામડાના બસ સ્ટેશન અને લોકોના ઢોરની ગમાણમાં કાઢ્યા છે.

જીવનનો એ તબક્કો મારા અને મારા પરિવાર માટે અત્યંત કપરો હતો. જોકે એનો અર્થ એ પણ નથી કે હવે હું અત્યંત સુખમાં રાચુ છું, પરંતુ એટલું ખરું કે હવે પહેલા કરતા સ્થિતિ સારી છે. આજે પણ રાજકોટ કે જૂનાગઢ તરફ કોઈક કાર્યક્રમમાં જવાનું થાય અને એ રસ્તાઓ પરથી પસાર થવાનું થાય ત્યારે કેટલાક બસ સ્ટેન્ડ કે કેટલીક જગ્યાઓ જોઈને મને તરત ખ્યાલ આવી જાય કે, આ એ જ જગ્યા છે, જ્યાં વર્ષો પહેલા મેં રાત ગુજારી હતી.

આસપાસના સંબંધો કે માણસોથી કંટાળીને ભાગી જવાનું મન થયું છે ખરું?

ના. આસપાસના સંબંધોથી કંટાળીને ક્યાંક ભાગી જવાનું મન ક્યારેય નથી થયું. પરંતુ ક્યારેક એમ જરૂર થાય છે કે, થોડા સમય માટે બધાથી દૂર થઈને એકલા રહેવું છે.

દુખી થાઓ ત્યારે તમારી પીડામાંથી બહાર આવવા શું કરો?

કશું નથી કરતો. દુખી થવાનું બને તો દુખી થવાની મજા લઉં છું. દુખ મને કળણ જેવું લાગ્યું છે, જેમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરું તો એમાં વધુ ને વધુ ખૂંપી જવાની લાગણી થાય છે. એટલે આ રીતે દુખમાં ખૂંપી જવા કરતા, જે દુખ છે એનો આનંદ લેવાનું બહેતર માનું છું.

અત્યાર સુધીના જીવનમાંથી તમે શું શીખ્યા?

અત્યાર સુધીના જીવનમાંથી એ જ શીખ્યો કે, જીવનમાં હજુ ઘણું શીખવાનું બાકી છે!

તમારા મતે દુનિયાનો સૌથી સુખી અને સૌથી દુખી માણસ કોણ?

આ ઈન્ટરવ્યુ લેવાઈ રહ્યો છે ત્યારે દુનિયાના સૌથી સુખી માણસ તમે લાગો છો અને સૌથી દુખી માણસ હું છું. કારણ કે, તમારા જે પ્રશ્નોના જવાબ આપવા પડી રહ્યા છે એના કારણે, દિલમાં ક્યાંક ઉંડે ધરબાઈ રહેલા મારા ભૂતકાળ અને મારી માન્યતાઓને ત્વરીતતાથી બહાર લાવવા પડી રહ્યા છે એ મને અત્યંત કપરું કામ લાગી રહ્યું છે.

અમારા વાચકોને આનંદમાં રહેવા માટેની કોઈ સલાહ આપશો?

આ માટે મારી એક જ સલાહ છે કે, સુખી થવા માટે ક્યારેય કોઈની સલાહ ન માનવી અને પોતાને જે યોગ્ય લાગે એ જ કરવું.

(મુલાકાતઃ અંકિત દેસાઈ)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.