ખુમારી અને ખાનદાનીથી જીવન ઉત્સવ ઉજવવાની વાત
સુખ અને દુખ આ બંને એવી બાબતો છે, જેની કોઈ એક યુનિર્સલ વ્યાખ્યા હોતી નથી. આ બંને બાબતો વ્યક્તિગત દૃષ્ટિકોણ પર આધાર રાખે છે. અને એટલે જ જેમ દરેક માણસનું સત્ય જુદું હોઈ શકે એમ તેનું સુખ કે દુખ પણ અલગ જ હોવાનું. મારા માટે મારું સુખ એટલે નિતાંત એકાંત. એટલે જે વસ્તુમાંથી, જે વ્યક્તિમાંથી કે કોઈના સાનિધ્યમાં રહેવાથી હું મારા એકાંતનો અનુભવ કરી શકું એ મારું સુખ. મારા આનંદની વાત કરું ત્યારે સૌથી પહેલો ક્રમ સ્વાભાવિકપણે જ કવિતાનો આવે, જેનાથી મને અદમ્ય આનંદ મળે છે. આ ઉપરાંત મને મૌન રહેવાથી અને મૌન બાદ અનાયાસે પ્રકટ થતાં શબ્દમાંથી પણ આનંદ મળે છે.
જ્યારે સુખની આધારિતતાનો પ્રશ્ન આવે છે ત્યારે હું કહીશ કે, આપણું સુખ ક્યારેય કોઈના પર આધારિત હોઈ શકે નહીં. હા, જોકે હું એમ પણ સ્પષ્ટપણે માનું છું કે, આપણું દુખ માત્રને માત્ર આપણા પર જ આધારિત હોય છે. કારણે કોઈ આપણી સાથે ભલે ગમે એટલું હીન કે તોછડું વર્તન કરે, પરંતુ એનાથી આપણે ઉદાસ થવું કે આપણો પિત્તો ગુમાવવો એ આપણા પર આધાર રાખે છે. એવા માણસો કે એવી પરિસ્થિતિઓને આપણે ગણકારીએ જ નહીં તો આપણને દુખી કરવાનું કોઈનું ગજું કેટલું?
મારી વ્યથાની વાત કરું તો જ્યારે માણસ પર કુદરતની કઠોર કૃપા વરસે છે ત્યારે હું વ્યથિત થઈ જાઉં છું. હાલમાં પણ આપણે પૂરના વરવા દૃશ્યો જોયા. માણસો અને મૂંગા પ્રાણીઓએ આ હોનારતમાં ઘણું ભોગવ્યું અને એ બધું જોઈને સ્વાભાવિકપણે આપણે વ્યથા અનુભવીએ. જોકે એ પરિસ્થિતિ કે વ્યથાને સ્વીકાર્યા સિવાય આપણી પાસે બીજો કોઈ વિકલ્પ છે ખરો? આખરે તો કુદરત આગળ આપણે સૌ લાચાર જ ને? આ ઉપરાંત જ્યારે સમાજ કે રાજકારણમાં કોઈક વિચિત્ર ઘટના ઘટે ત્યારે સૌથી પહેલા તો મને હસવું આવે. ત્યારે થાય કે, આ કહેવાતા સારા લોકો પણ આ રીતે વર્તી શકે? અને પછી ચૂપ થઈ જવાય છે.
મારી આસપાસના માણસો કે સંબંધોથી કંટાળીને ભાગી જવાનું મને ક્યારેય મન નથી થયું. કારણ કે એ લોકો આપણા છે એટલે જ તેઓ આપણી આસપાસ છે. એટલે એમનું બધું જ સ્વીકારી લેવું. પછી એમની વિશેષતા હોય કે એમની મર્યાદાઓ હોય. જ્યારે મારી આગળ એમની મર્યાદાઓ છતી થાય છે ત્યારે હું એમની સાથે સંઘર્ષમાં ઉતરવાનું કે, એમને સલાહ-ઉપદેશો આપવાનું પણ પસંદ નથી કરતો. હું બસ એ વિક્ટ પરિસ્થિતિનો સ્વીકાર કરું છું અને મૌનમાં સરી પડું છું. આવા સમયે હું સમયને બોલવા દઉં છું કારણ કે, સમય એવી બાબત છે, જે હંમેશાં સત્ય સાથે પ્રકટ થાય છે. અલબત્ત સમયને તેનું સત્ય પ્રકટ કરતા ખાસી વાર લાગે છે.
જીવનમાં મેં ઘણી વાર કપરા સમય કે પરિસ્થિતિનો સામનો કર્યો છે. મારી કારને થયેલો અકસ્માત કે મારા પિતાને ધંધામાં થયેલું નુકસાન પણ મારા જીવનના કપરા સમયમાંના જ એક છે. પરંતુ કપરો સમય આપણને ઘણું બધુ શીખવી જતો હોય છે એટલે મારા જીવનમાંની તમામ કપરી પરિસ્થિતિને મેં હકારાત્મક અભિગમ સાથે સ્વીકારી છે. આ ઉપરાંત જ્યારે યુવાનોમાં કે લોકોના જીવનમાં ગુજરાતી ભાષાનું ચલણ ઓછું થયું છે ત્યારે ગુજરાતી સાહિત્યમાં માત્ર શબ્દને કેન્દ્રમાં રાખીને કામ કરવું એ પણ અત્યંત કપરી બાબત છે.
હું જ્યારે પીડા અનુભવુ છું ત્યારે એ પીડામાંથી બહાર આવવા માટે હું સુંદર વાંચનને સહારે જાઉં છું. કંઈક સારું સાંભળીને પણ મારી પીડાને પાછળ હડસેલવાનો પ્રયત્ન કરું છું. આ ઉપરાંત હું ઘરના કોઈક એકાંતમાં અથવા હીંચકા પર બેસીને મારી જાતને વાગોળવાનો પ્રયત્ન કરું અને મારી જાત સાથે સમય વીતાવું. મારા જીવનમાં એવી કોઈ ઘટના નથી બની કે મને કોઈકે પછડાટ આપી હોય કે એ પછડાટમાંથી લાધેલા જ્ઞાને મારી દિશા બદલી નાંખી હોય! પરંતુ એક વાત એ છે કે, હું હાલમાં ઘણા બધા લોકોને મિસ કરી રહ્યો છું. આ વિરહ મને ઘણો કામમાં આવી રહ્યો છે અને એ મને ઘણું શીખવી પણ રહ્યો છે. હું સુરેશ દલાલ, રાસબિહારી દેસાઈ, મનોજ ખંડેરીયા કે રમેશ પારેખને મિસ કરું છું. આ એ બધા લોકો છે, જેમણે ગુજરાતી કવિતા અને સંગીતને એક નવી ઉંચાઈ બક્ષી હતી.
દુનિયાના સૌથી સુખી અને સૌથી દુખી માણસની વાત કરીએ તો સુખી માણસ માણસ માટે હું ચંદ્રકાન્ત બક્ષીનું એક વાક્ય ટાંકવાનું પસંદ કરીશ. તેઓ કહેતા કે, 'કોઈ માણસ પાસે સ્કુટર હોય અને એના માટે તે ડ્રાઈવર રાખે તો એ દુનિયાનો સૌથી સુખી માણસ.' તો દુખી માણસ માટે હું ગુણવંત શાહનું વાક્ય ટાંકીશ. હજુ થોડા દિવસો પહેલા જ એમણે લખ્યું હતું કે, ' કેટલાક માણસો એટલા બધા ગરીબ હોય છે કે, એમની પાસે માત્ર પૈસા જ હોય છે.'
કોઈને સલાહ આપવાની મારી ઉંમર નથી પરંતુ છતાંય આપણા સુખ દુખની વાત નીકળી છે તો હું એટલું કહીશ કે, આપણે જો સુખી થવું હોય તો આપણે આપણી જાત સાથે પણ સંવાદ સાધવો જોઈએ. જે અરીસાની સામે ઊભા રહીને આપણે વાળ ઓળીએ એ જ અરીસામાં આપણે આપણી આંખની નીચેના કુંડાળા પણ વાંચાવા જોઈએ. આ ઉપરાંત માણસે ઉત્તમ વાંચનમાં પણ તેનો સમય પસાર કરવો જોઈએ. હું એ સ્પષ્ટપણે માનું છું કે, જ્યારે આપણે સુખના કમ્ફર્ટઝોનમાં રહીને પડકારો નથી સ્વીકારતા ત્યારે ઈશ્વર આપણાથી આઘો થઈ જાય છે. એટલે આપણે પડકાર અને પરિવર્તનનો સ્વીકાર કરવો જોઈએ અને ખુમારી અને ખાનદાનીથી જીવનનો ઉત્સવ ઉજવવો જોઈએ.
(મુલાકાતઃ અંકિત દેસાઈ)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર