હતી ન હતી થઈ ગયેલી એક નોટ

13 Nov, 2016
12:00 AM

અંકિત દેસાઈ

PC: thehindu.com

આ મુલાકાત વાંચતી વખતે તમને કદાચ એમ થઈ શકે કે, આ શું બકબાસ છે? ચલણી નોટનો તો કંઈ ઈન્ટરવ્યૂ કરાતો હોય? એ કંઈ માણસ છે કે, આપણા સવાલોના જવાબ આપવા બેસવાની? પણ અમારો મત એવો છે કે, ચલણી નોટ પોતે ભલે નહીં બોલી શકતી હોય, પરંતુ આ નોટોમાં કંઈક જાદુ તો છે જ. કારણ કે, આ નોટો જ્યારે ખીસામાં હોય ત્યારે ભલભલા મગને પગ ઉગે છે અને મૂંગામંતર થઈને પડી રહેતા લોકો પણ બોલતા થઈ જાય છે. પોતે ભલે બોલતી ન હોય, પણ આ ચલણી નોટો બીજાને જરૂર બોલતા કરી દે એવો એમનો પ્રભાવ હોય છે. અને હિન્દી ફિલ્મો તો ત્યાં સુધી દાવો કરે છે કે, પૈસા પણ બોલે તો છે જ, તો જ ‘કાલાબજાર’ ફિલ્મમાં કાદર ખાન ‘પૈસા બોલતા હૈ…’નું આખેઆખું ગીત ગાય છે!

ખૈર, ખોટી પળોજણમાં ન પડતા આપણે સીધા ઈન્ટરવ્યૂ પર જ આવીએ, જેથી આપણને ખ્યાલ આવે કે, તાજેતરમાં જ જ્યારે પાંચસો અને હજારની ચલણી નોટો બંધ કરી દેવાઈ છે ત્યારે રાતોરાત રદ્દ થઈ ગયેલી હજારની નોટનું શું માનવું છે અને શું છે એની આનંદ-પીડાની લાગણીઓ!

 

તમારા માટે સુખની વ્યાખ્યા શું?

માલેતુજારોના ઉપલા ખીસામાં કે છાસવારે કિટી પાર્ટીઝ કરતી રહેતી હાઈ સોસાયટીઝની સ્ત્રીઓના પર્સમાં થોકબંધ રહેવું એ મારા માટે સુખ હતું. બે નંબરના ધંધા કરીને કમાયેલો કોઈ માણસ મારી ગડ્ડીઓ લઈને મને ‘ફરફર ફરફર…’ ગણતો ત્યારે કે ક્યારેક મશીનમાં મૂકીને હું સાચી છું કે ખોટી અને સાચી છું તો કેટલી સંખ્યામાં છું એ ગણીને એના ઘરના કોઈક કબાટમાં કે વિશેષરૂપે તૈયાર કરાવાયેલી તિજોરીમાં મૂકતો ત્યારે મને થતું હું સત્ય છું અને જગત મિથ્યાં છે. એક મારે માટે થઈને આ દુનિયા કેવી આઘીપાછી થાય છે અને મને પ્રાપ્ત કરવા માટે લોકો કેવા કેવા ધંધા કરે છે… આહા! શું દિવસો હતા એ… કેવું સુખ હતું એ… (કોઈ હિન્દી ફિલ્મની જેમ હજારની નોટ પણ ફ્લેશબેકમાં જતી હોય એવું લાગ્યું) 

તો તમને ક્યારેય સામાન્ય માણસના ખીસામાં રહેવાનું નથી ગમ્યું…?

એકદમ સાચી વાત કહું તો, નહીં. સામાન્ય માણસ બાપડો મહેનત કરીને મને કમાતો હોય છે. વળી, કમાઈને મને મેળવ્યા પછી જીવ બાળી બાળીને કરકસરપૂર્વક વાપરતો હોય છે. અમીરોની સાથે રહીને મને હવે કરકસર કે જીવબળાપા પસંદ નથી. વળી, મહેનત કરનારા પાસે હું ખૂબ ઓછી સંખ્યામાં હોઉં છું. મેં તમને કહેલું ને કે, મારી ગડ્ડીઓ લઈને કોઈ પહેલી આંગળીએ સહેજ થૂંક લગાડીને ‘ફરફર ફરફર….’ ગણે એમાં મને વધારે સુખ મળતું હોય છે. એકલ દોકલ કે વધીને દસ-પંદર નોટોમાં મારું કૌમાર્ય જળવાતું નથી, બાપડો પેલો મહેનતકશ માણસ મને વાળી-ચોળીને એના ખીસામાં પધરાવે. એમાં તે કંઈ મજા હોય યાર?

તો તમને જીવનમાં આનંદ શેમાંથી મળે? 

મને ફરતા રહેવામાં, ખર્ચાતા રહેવામાં ખૂબ આનંદ થાય. એ બહાને મને પણ ખ્યાલ આવે કે, આ દુનિયામાં મારા જેવી કેવી કેવી નોટ છે અને એ નોટોના ધંધા શું છે.  ક્યારેક હું થોકડેબંધ હાલતમાં કોઈ ગુંડા-મવાલીને ત્યાં હોઉં તો ક્યારેક કોઈ રાજકારણીને ત્યાં પાર્ટી ફંડના નામે કે એની કટકીને નામે પહોંચી જાઉં. ક્યારેક એ રાજકારણીઓ મને ફાઈવસ્ટાર હોટેલોમાં વટાવી આવે તો ક્યારેક હું જમીન માફીયાઓની ઑફિસોમાં આંટો મારી આવું. કેસીનો કે મોટા ઘરોના લગ્નોમાં તો મારો વટ જ અલગ હોય. લોકો મને આમ ઉડાવે આમ (હાથથી પૈસા ઉડાવવાનો અભિનય કરીને!)

યુ નો, મારા આ પ્રવાસો બહુ ઈન્ટ્રેસ્ટિંગ અને થ્રિલિંગ હોય છે. મજા આવે છે આવી અલગારી રખડપટ્ટીમાં. ખૂબ આનંદ થાય અને ખૂબ જાણવા મળે મને આવી યાત્રાઓ દરમિયાન. લોકોની લોલુપતાને જાણવું મને ખૂબ આનંદદાયક લાગે છે.

સુખ માટે આધારિતતા કેટલી યોગ્ય? આપણું સુખ કોઈના પર આધારિત હોઈ શકે ખરું?

લગભગ ગયા મંગળવાર સુધી હું એવું માનતી રહી કે ભાઈ, ‘આપણું’ સુખ એટલે કે, મારું સુખ કોઈના પર આધારિત નથી. મને તો એમ જ હતું કે, લોકોનું સુખ મારા પર આધારિત છે. અરે, હજુ થોડા દિવસો પહેલાની જ વાત છે, ધનતેરસના દિવસે અને દિવાળીને દિવસે મારા શું ઠાઠ હતા! લોકોએ મને છેક એમના ઘરના કે ઑફિસના મંદિરિયામાં સ્થાપિત કરેલી અને એમના ઘરે મોટી સંખ્યામાં પધારવા પ્રાર્થના કરેલી. શું દિવસો હતા એ… (છેલ્લું વાક્ય બોલતી વખત હજારબાઈ છત તરફ તાકીને બોલતા હતા. એમની આંખોમાં રણબીર કપૂરનેય ટપી જાય એવી વ્યથા હતી અને બંને તરફથી એક એક આંસુ પડું પડું થઈ રહ્યા હતા.) 

પણ, હવે મંગળવારે ભારત સરકારે જે નિર્ણય લીધો પછી મને ખ્યાલ આવ્યો કે, મારું સુખ પણ સરકારના નિર્ણયો પર આધાર રાખે છે. રાતોરાત મને રસ્તા પર લઈ આવ્યા સાહેબ…. રાતોરાત મારી કિંમત કોડીની થઈ ગઈ. જે લોકો મને ઘરે આવવાનું આમંત્રણ આપતા હતા એ જ લોકો હવે મને સગેવગે કરવાની મથામણમાં પડ્યા છે…. શું દિવસો આવ્યા છે મારા રામ… (આખરે પેલા પડું પડું થઈ રહેલા આસુંઓ પડ્યા!)

એવી કઈ ઘટના ઘટે ત્યારે મન વ્યથિત થાય?

આગળ કહ્યું તો ખરું, ગયા મંગળવારે સાંજે જ્યારે મને રદ્દ કરવાની જાહેરાત થઈ ત્યારે હું ખૂબ વ્યથિત થયેલી. આ પહેલા મોરારજી દેસાઈએ જ્યારે મને રદ્દ કરેલી ત્યારે હું ભાંગી પડેલી. કારણ કે, ત્યારે એ ઘટના મારા માટે પહેલી વખતની હતી એટલે એ શોકમાંથી બહાર આવતા મને ઘણો ટાઈમ લાગેલો. આ બે કિસ્સા સિવાય મારા ભાગે વ્યથિત થવાનું ક્યારેય આવ્યું નથી.  

આસપાસના સંબંધો અથવા માણસોથી કંટાળીને ક્યાંક ભાગી જવાનું મન થયું છે ખરું?

ના ભાઈ, હું કંઈ માણસ નથી કે મને ક્યાંક ભાગી જવાનું મન થાય. વળી, આ સવાલ મને પૂછી શકાય એવો પણ નથી. આખરે મારે ક્યાં એ તમારી જેમ દુન્યવી જફામાં પડવાનું હોય કે, મારે ભાગવાનો સવાલ આવે! જોકે એક વાત જરૂર કહી શકું કે, મારો સંબંધ ભાગવા સાથે નથી, પણ આકર્ષાવા સાથે છે. જ્યાં જ્યાં મારું પ્રભુત્વ રહ્યું છે ત્યાં લોકો મારી તરફ આકર્ષાયા છે. મારાથી કોઈ ભાગ્યું હોય એવું ઝાઝું બન્યું નથી!

જીવનમાં ક્યારેય કપરો કાળ જોવાનો આવ્યો છે ખરો?

દાઝ્યા ઉપર ડામ દેવા આવ્યા છો?

અરે, એવું નહીં પણ…

શું એવું નહીં પણ? તમને એટલી પણ ખબર નથી કે, હાલમાં મારા જીવનના સૌથી કપરા દિવસો ચાલી રહ્યા છે? મારા પોતાને મોઢે બોલાવવા ઈચ્છો છો તમે? યાર, ખરા છો તમે તો…

કોઈ વાતે દુઃખી થાઓ તો તમારી પીડામાંથી બહાર આવવા શું કરો?

(એમના ચહેરા પરની ખિન્નતા હજુ બરકાર હતી.) હવે એ જ વિચારવું છે આ દુઃખમાંથી બહાર આવવા શું કરવું? આજ સુધી એવા કોઈ દુઃખ પડ્યા હોય તો પીડામાંથી બહાર આવવાના અખતરા કરુંને? પણ હવે વિચારવું પડશે, જોઈએ હવે શું થાય…

અત્યાર સુધીના જીવનમાંથી શું શીખ્યાં?

એ જ કે, રામ અને યુદ્ધિષ્ટિર જેવા મહાન લોકોએ પણ ક્યારેક સંજોગો સામે ઝૂકીને પરિસ્થિતિને તાબે થવું પડે છે તો હજાર રૂપરડીની હું એક નોટ કયા તબેલાનો ઘોડો? ખોટી ફાંકાફોજદારી નહીં કરવાની અને જેમ જીવાય એમ જીવ્યે રાખવાનું એટલું શીખી છું. જોકે આટલું શીખતા મને સીત્તેરથીય વધુ વર્ષો થઈ ગયા!

તમારા મતે દુનિયાનો સૌથી સુખી માણસ કોણ અને સૌથી દુઃખી માણસ કોણ?

(ફરી આંખોમાં આંસું સાથે…) હજુ કાલ સુધી એવી સ્થિતિ હતી કે, જેના ખીસામાં હું હોઉં એ સૌથી સુખી હોય, પરંતુ હવે સ્થિતિ અવળી થઈ છે અને જેના ખીસામાં હું નહોતી એ સુખી કહેવાય છે…. (એમણે જવાબ અધૂરો જ રાખ્યો… ગળે ડૂમો બાઝ્યો હોય એવું લાગ્યું…)

અમારા વાચકોને કોઈ સલાહ કે ટિપ્સ આપવાનું પસંદ કરશો?

એટલું જ કહીશ, કાલ ઊઠીને ફરી મારા જેવી હજાર, પાંચસો અને બે હજારની નોટો ચલણમાં આવશે અને ફરી કાળાબજારી શરૂ થશે. પણ જ્યારે પણ તમારા ખીસામાં હું કે પાંચસો-બે હજારની નોટો વધુ સંખ્યામાં હોઈએ ત્યારે ખોટું ડહાપણ કરવું નહીં. ફુગ્ગાની જેમ ફૂલી જવું નહીં, કારણ કે, ફૂગ્ગાનું હોવાપણું જ ફૂટવામાં છે! 

અમારો કોઈ ભરોસો નથી. અમે તો આજે છીએ અને કાલે નથી. જેમ જીવ નીકળી જાય પછી ખોળિયું નકામું એમ ચલણમાંથી નીકળી ગયા બાદ નોટ નકામી એટલું જરૂર યાદ રાખજો નહીંતર રાતા પાણીએ રડવાનો વારો આવશે. આથી વિશેષ તો શું કહું?

 

(કલ્પનાઃ અંકિત દેસાઈ)

 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.