જીવનમાં એક સર્જનાત્મક શોખ કેળવો
તમારા માટે સુખની વ્યાખ્યા શું?
મારું મન શાંત, સ્વસ્થ, નિર્મળ અને પ્રસન્ન રહે એ મારું સુખ.
જીવનમાં કઈ બાબતોથી આનંદ મળે?
સર્જનાત્મક પ્રવૃત્તિ જેવી કે લેખન કાર્ય કરવું, જૂના અર્થસભર સુમધુર સંગીતવાળા ગીતો સાંભળવા, શુદ્ધ મનોરંજન આપતી ટી.વી. સિરીયલ જોવી, પ્રેરણાદાયક પુસ્તકો વાંચવા, વગેરે મનગમતી પ્રવૃત્તિઓમાં મન પરોવાયેલું હોય ત્યારે આનંદ મળે.
સુખ માટે આધારિતતા કેટલી યોગ્ય? અથવા આપણું સુખ બીજા પર આધારીત હોવું જોઈએ ખરું?
આપણું સુખ બીજા પર આધારિત ન હોવું જોઈએ. પરંતુ ક્યારેક માનવસહજ નિર્બળતાને કારણે એવું બને, તો યોગ્ય વિચારો અને પ્રયત્ન દ્વારા મનને ફરીથી સ્વસ્થ કરીને, એ અધારિતતા છોડી દેવી જોઈએ. સુખ એ મનની સ્થિતિ છે, એને જાળવી રાખવી એ આપણા જ હાથમાં છે.
કઈ બાબતો કે ઘટના ઘટે ત્યારે મન વ્યથિત થાય?
માણસ જ્યારે નૈતિક મૂલ્યોને ભૂલીને બીજા માણસ સાથે વિશ્વાસઘાત કરે, ખોટું બોલીને પોતાનું કામ કઢાવી લે, ગેરકાયદેસર પ્રવૃત્તિ દ્વારા તમામ જીવો અને પ્રકૃત્તિને નુકસાન કરે, નિયમોનું ઉલ્લંઘન કરીને પોતાનો સ્વાર્થ સાધે ત્યારે મન વ્યથિત થાય છે.
આસપાસના માણસો કે સંબંધોથી કંટાળીને ક્યાંક ભાગી જવાનું મન થયું છે ક્યારેક?
ના. ક્યારેય નહીં. કેમ કે જીવનના કોઈ પણ પ્રોબ્લેમનું સોલ્યુશન ભાગી જવામાં નથી, પણ એનો સામનો કરવામાં છે. ક્યારેક સામનો કરવામાં મુશ્કેલી લાગે તો, બીજી મનગમતી પ્રવૃત્તિમાં મન પરોવી ધ્યાન બીજે લગાવી દેવાનું પસંદ કરું, પણ ભાગવાની વૃત્તિ ક્યારેય નથી દાખવી.
તમારા જીવનના કોઈ કપરા સમય વિશે કહેશો?
જ્યારે જ્યારે નજીકના સ્વજનોને ગુમાવ્યા ત્યારે સમય ખુબ કપરો લાગ્યો હતો, પણ અન્ય સ્વજનોના સહકારે, હૂંફથી એ કપરો સમય વીતી ગયો. એકવાર આર્થિક સમસ્યા પણ આવી, ત્યારે પણ સમય કપરો લાગ્યો હતો,પણ યોગ્ય આયોજન અને પૂરતા પ્રયત્નોથી એમાંથી પણ બહાર આવી ગયાં. એટલે એક વાત શીખવા મળી કે ગમે તેવા કપરા સંજોગો આવે, મનની સ્વસ્થતા રાખવાથી યોગ્ય ઉકેલ મળે જ છે.
દુખી થાઓ ત્યારે પીડામાંથી બહાર આવવા તમે શું કરો?
પતિ સાથે, મિત્રો સાથે અથવા નજીકના સ્વજનો સાથે ચર્ચા વિચારણા કરું. વાંચું, લખું અને સંગીત સાંભળું.
અમારી સાથે એવી કોઈ ઘટના અથવા અનુભવ શેર કરશો કરશો, જેમાંથી મળેલો બોધ તમારા જીવનમાં ખપમાં આવ્યો હોય.
તમારા મનમાં સકારાત્મક વિચારો ના બીજ પડ્યા હોય તો એ ક્યારેક અંકુરિત થાય જ છે. જરૂર છે તકને ઓળખવાની અને યોગ્ય માર્ગદર્શન મેળવવાની. મારા સદનસીબે વડોદરાના ડૉ. દોલતભાઈ દેસાઈનું માર્ગદર્શન મળ્યું, એમના પુસ્તકો વાંચ્યા, વ્યાખ્યાન સાંભળ્યા અને જીવનમાં પરિવર્તન આવ્યું. લેખનક્ષેત્રે હાસ્યલેખક અશોક દવેનું માર્ગદર્શન મળ્યું અને મારા હાસ્યલેખોના ચાર પુસ્તકો ‘ગૂર્જર’ દ્વારા પ્રકાશિત થયા, જેમાંના બે પુસ્તકોને સાહિત્ય અકાદમી તરફથી પારિતોષિક પ્રાપ્ત થયા.
તમારા મતે દુનિયામાં સૌથી સુખી કોણ અને સૌથી દુ:ખી કોણ?
સુખ અને દુખનો આધાર માણસના મનની સ્થિતિ પર હોવાથી, કોઈ પણ વ્યક્તિ હંમેશ માટે સુખી કે હંમેશ માટે દુખી રહી શકે નહીં. અને એટલે જ દુનિયામાં સૌથી સુખી કોણ અને સૌથી દુ:ખી કોણ એ પણ કહી શકાય નહીં.
અમારા વાચકોને સુખી રહેવા માટે કોઈ સલાહ ટીપ્સ જેવું કંઈક આપશો?
સુખી થવા માટે ઓછામાં ઓછો એક સર્જનાત્મક શોખ (વાંચન, લેખન, ડ્રોઈંગ, પેઈન્ટિંગ, એક્ટિંગ, મ્યૂઝિક) કેળવવો.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર