ક્યારેય કોઈના રમકડાં નહીં બનવું

12 Jul, 2015
12:00 AM

mamta ashok

PC:

મોટાભાગના લોકો સુખ અને સગવડ વચ્ચેનો ભેદ સમજી શકતા નથી. દેશ કે દુનિયાનો એક મોટો વર્ગ ભૌતિક સગવડોને સુખ માની બેઠો છે અને આ સગવડોને પ્રાપ્ત કરવા લોકો જેમ હરણ ઝાંઝવાના જળની પૂંઠે દોડે એમ દોડી રહ્યા છે. જોકે સગવડ એ માણસની બાહ્ય બાબત છે અને સુખ એ આપણી આંતરિક બાબત છે. સુખના માપદંડ અને એનું મૂલ્ય માણસે જાતે જ નક્કી કરવા પડે છે. માણસનું સુખ એ તેના મનની સ્થિતિ છે, જ્યારે સગવડ એ શારીરિક સ્થિતિ છે.

કેટલાક લોકો કોઈના ગાડી-બંગલા જોઈને એમ કહેતા હોય છે કે, 'આહાહા, આ માણસ તો કેટલો સુખી છે.' આવા સમયે મને આશ્ચર્ય થઈ આવે છે કે, ભલા તમે એ કઈ રીતે નક્કી કર્યું કે એ માણસ સુખી છે? મોંઘી કાર હોવી કે, આલિશાન બંગલો હોવો એ તો એની સગવડ છે. આ બધું હોવા છતાંય એ માણસ સુખી જ છે એ તમે કઈ રીતે નક્કી કરી શકો? કોઈની બાહ્ય સમૃદ્ધિને જોઈને તમે એની માનસિક સ્થિતિનો તાગ કઈ રીતે મેળવી શકો? કદાચ એમ પણ બને કે, આટલું બધું હોવા છતાંય એ બીચારો અંદરથી દુખી હોય! એટલે વાત હરીફરીને પાછી ત્યાં જ આવે છે કે, માણસનું સુખ એની આંતરિક સમૃદ્ધિ પર આધાર રાખે છે. માણસ જો આંતરિક રીતે સમૃદ્ધ હોય તો એ લોકલ ટ્રેનમાં અપડાઉન કરતો હોય તોય એ આનંદમાં રહે. નહીંતર તો પછી મર્સિડીઝમાં પણ તેને આનંદ ન આવે!

મારા આનંદની વાત કરું તો મને સારું વાંચન, સારો સંગાથ, સારું ભોજન અને સારું સંગીત આનંદ આપી શકે છે. અબલત્ત સારી વસ્તુ કે ગમતી વસ્તુની પરિભાષા પણ દરેકની અલગ હોવાની. પરંતુ મને જે ગમે છે કે, મને જેમાંથી આનંદ મળે છે આ બધી બાબતો છે. હવે જ્યારે સુખની આધારિતતાનો સવાલ આવે છે ત્યારે હું ફરી ઉપરની સુખ અને સગવડની વાત પર આવીશ. આપણે જ્યારે સુખ અને સગવડ વચ્ચેનો ભેદ સમજી જઈશું ત્યારે આપણને ખ્યાલ આવશે કે, આપણું સુખ ક્યારેય કોઈના પર આધારિત નથી હોતું. બીજા પર હંમેશાં આધારિત હોય છે આપણી સગવડ! અને હું એ બાબતે સ્પષ્ટ છું કે, જ્યારે બીજા પર આધારિતતાનો પ્રશ્ન આવે છે ત્યારે માણસનું સુખ ચાલ્યું જાય છે અને તે દુખી થઈ જાય છે.

માણસના અંગત સુખ-દુખની વાત થઈ રહી છે ત્યારે અહીં હું એક વાતનો ઉલ્લેખ કરવાનું ખાસ પસંદ કરીશ, કે ઘણી વખત આપણે લોકો કે સમાજના ડરથી જીવનમાં ઘણું બધું કરવાનું ચૂકી જતાં હોઈએ છીએ. ફિઅર ઑફ ફૅઈલ્યોર અને ફિઅર ઑફ રિજેક્શન આપણને સતત સતાવતું રહે છે. આ કારણે 'લોકો શું કહેશે?' કે 'તેઓ શું વિચારશે?'ની ભીતી માણસને તેના આંતરિક આનંદથી દૂર રાખતી હોય છે. એક ઉદારણ આપું તો ધારોકે કોઈ યુવાનને કોઈક વિશિષ્ટ પ્રકારની હેર સ્ટાઈલ કરાવવાની ઈચ્છા હોય. પરંતુ હેર સ્ટાઈલ કરાવતા પહેલા તેના મનમાં લોકો વિશેના વિચાર આવશે કે, 'જો આ હેર સ્ટાઈલ મારા પર નહીં જામી તો લોકો શું કહેશે?', 'ક્યાંક લોકો મારા પર હસશે તો?' અરે ભાઈ લોકોએ જે કહેવું હોય એ કહે, એનાથી તને શું કામ ફરક પડવો જોઈએ? વાળ તો પંદર દિવસમાં ફરી ઉગશે. પણ લોકોના ડરથી આપણે આપણું ગમતું કરી શકતા નથી. એનો અર્થ એ જ થાય કે, લોકોના ડરથી આપણે આપણા આંતરિક આનંદ પર કાપ મૂકીએ છીએ. જોકે હું લોકોની અસર મારા પર થવા દેતો નથી અને તમને પણ એ જ સલાહ આપું છું કે, લોકોની પરવા કર્યા વિના હંમેશાં આપણી ઈચ્છા મુજબનું જ કરો અને આંતરિક રીતે સમૃદ્ધ બનો.

મારી પીડાઓની વાત કરું તો જ્યારે કોઈ અસહાયને મારાથી મદદ નહીં કરી શકાય ત્યારે હું વ્યથિત થઈ જાઉં છું. ધારોકે કોઈક દિવસ અખબારમાં હું વાંચું કે, 'ફલાણી જગ્યાએ ભણતરના તણાવથી એક વિદ્યાર્થીએ આપઘાત કર્યો.' તો એવા સમયે મને એમ થાય કે, કાશ હું એ વિદ્યાર્થીને અણીના સમયે મળી શક્યો હોત તો હું એને જરૂર સમજાવી શક્યો હોત કે, 'દીકરા, આપણું જીવન વધારે મહત્ત્વનું છે. આ ટકા-બકાનું જીવનમાં કોઈ મૂલ્ય નથી.' આવી ઘણી બાબતોને કારણે મારું મન ઉદ્વિગ્ન થઈ જાય છે.

મને મારી આસપાસના લોકો કે સંબંધોથી કંટાળીને ભાગી જવાનું કે એમનાથી છેડો ફાડવાનું મન ક્યારેય નથી થયું. ઘણી વખત કેટલાક લોકો એમની આસપાસના લોકો દ્વારા થતી કનડગતના રોદણાં રડતા હોય છે. પરંતુ આપણી આસપાસના લોકો સાથે કઈ રીતે રહેવું કે એમને કઈ રીતે ટ્રીટ કરવા એ પણ આપણા પર જ આધાર રાખે છે. આપણે લોકો સામે એક્ટ કરવું જોઈએ એની જગ્યાએ આપણે તેમની સામે રિએક્ટ કરી બેસીએ છીએ, જેને કારણે ક્યારેક લોકો સાથે આપણે સંઘર્ષમાં ઉતરી પડીએ છીએ. મેં મારા જીવનમાં એક સિદ્ધાંત રાખ્યો છે અને એ સિદ્ધાંત એ છે કે, હું મારા સુખ-દુખની કમાન કોઈના હાથમાં નહીં આપું. આપણે આનંદમાં રહીએ કે પછી આપણે ઉદ્દિગ્ન રહીએ એનો દોરીસંચાર બીજાના હાથમાં શું કામ આપવો? લોકોના મારા માટેના પ્રતિભાવોને હું ક્યારેય મન પર નથી લેતો. જો કોઈ મારી આગળ આવીને એમ કહેશ કે, 'વાહ ઉત્કર્ષભાઈ, શું એક્ટિંગ કરો છો તમે!' તો હું એ માણસનો આભાર જરૂર માનીશ, પરંતુ એની કમેન્ટને કારણે હું ફૂલાઈ નહીં જાઉં. તો એ જ રીતે જો કોઈ મને એમ કહે કે, 'તમારા અભિનયમાં કંઈ મજા નથી.' તો હું એના પ્રતિભાવોને કારણે ઉકળી નહીં ઊઠું કે, આ મને આવું કહી ગયો. જો હું એ માણસની વાત પર ઉકળી ઉઠું તો એનો અર્થ એ થાય કે, હું એના હાથમાં રમી ગયો. આપણે શું કામ કોઈનું રમકડું બનવું?

મારા જીવનના કપરા સમયની વાત કરું તો, હું દૂરદર્શનમાં ગેઝેટેડ ઓફિસર હતો. પરંતુ મારા કેટલાક સપનાં પૂરા કરવા માટે આડત્રીસમે વર્ષે મેં નોકરીમાંથી રાજીનામુ આપ્યું હતું. નોકરી છોડી એ પછીના સમયમાં મેં એક-બે પ્રોજેક્ટ પર કામ કર્યું પરંતુ વચ્ચે એક તબક્કો એવો આવ્યો કે, મારી પાસે કોઈ જ કામ ન હતું અને હું એક આનાની પણ કમાણી કરતો ન હતો.  જો કે એવા સમયે મારા પરિવાર અને પત્ની નિશ્ચિંત હોરા તરફથી મને ગજબનો સધિયારો મળેલો, જેના કારણે હું ટકી પણ શક્યો અને મારાં અનેક સપનાં પણ પૂરાં કરી શક્યો. આજે પાછું વળીને જોવાનું થાય છે ત્યારે નોકરી છોડી દેવાના મારા નિર્ણય પર ચોક્કસ ગર્વ થઈ આવે કે, કારણ કે એ નિર્ણયને પગલે જ આજે હું અનેક યાદગાર નાટકોમાં કામ કરી શક્યો અને અભિનયના ક્ષેત્રમાં મારી એક આગવી છાપ છોડી શક્યો.

હું જ્યારે પણ પીડા અનુભવું કે દુખી થાઉં ત્યારે હંમેશાં મારી જાત સાથે સંવાદ સાધુ છું. એવા સમયે તરત જ હું મારા મનની ઉલટ તપાસ કરવાનું શરૂ કરું છું, કે 'કેમ ભાઈ આમ તો તું બહું હોશિયારી મારતો હોય તો આટલી અમસ્તી વાતમાં તું દુખી કેમ થયો?' આ કારણે દિલનો બધો ઉભરો ઠલવાઈ જાય છે અને મન હળવું થતાં જ મારી બધી પીડા કે મારો શોક વરાળની જેમ ઊડી જાય છે. આપણે માણસ છીએ એટલે સ્વાભાવિક છે કે, આપણને પણ દુખ કે પીડાની લાગણી થાય. પરંતુ એ લાગણીઓને આપણા પર ક્યાં સુધી હાવી થવા દેવી એ આપણા પર આધાર રાખે છે. અને હું જ્યારે પણ એવી કોઈ લાગણી અનુભવુ તો હું તરત જ એમાંથી બહાર આવવાના પ્રયત્નો શરૂ કરી દઉં છું.

મારા જીવનમાં હું મારા માતા-પિતા પાસેથી ઘણું શીખ્યો છું. મારા માતા-પિતા શિક્ષક હતા એટલે આમ તો એમનો ટાંચો પગાર હતો. પરંતુ તેઓ અમને હંમેશાં એક વાત કહેતા કે, 'દુકાન છે સાંકડી, પણ ચ્હા મળે છે ફાંકડી.' એટલે અભાવોમાં પણ લહેરથી કેમ જીવવું એ હું એમની પાસેથી શીખ્યો. આ ઉપરાંત અમેરિકાના ફિલાડેલ્ફિયામાં સૂચિ વ્યાસ નામના એક સન્નારી રહે છે. વર્ષો પહેલા એમનું પડકારો ભરેલું જીવન જોઈને હું હલી ગયેલો. જોકે પોતે આટલા બધા સંઘર્ષમાંથી પસાર થતાં હોવા છતાં સૂચિ વ્યાસ એમને ત્યાં આવતા તમામ લોકોને બહુ પ્રેમથી આવકારતા અને તમામ લોકો પ્રત્યે અત્યંત ઉદારતા દાખવતા. અન્યોને ઉદારદિલે સ્વીકારવાનું હું એમની પાસેથી શીખ્યો છું. અને ત્રીજું એક નામ છે સોનલ શુક્લ, જેઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પંકાયેલા નારીવાદી સમાજ સેવિકા છે. મારા નજીકના સંબંધી એવા સોનલ શુક્લએ મને લખતો કર્યો છે, જેમના કારણે જ આજે હું નિયમિત કૉલમ લેખન કરી શકું છું અને વિવિધ બાબતો કે ઘટનાઓને કંઈક અલગ દૃષ્ટિકોણથી મૂલવતો થયો છું.

હવે આપણે છેલ્લા સવાલ પર આવીએ. તમે મને પૂછ્યું કે, દુનિયામાં સૌથી સુખી અને સૌથી દુખી માણસ કોણ? તો હું એટલું જ કહીશ કે, જે માણસ પોતાના સુખનો આધાર બીજા પર રાખતા હોય એવા માણસો મારા મતે સૌથી દુખી અને જે માણસ બીજા પર આધાર ન રાખતા પોતાની આંતરિક સમૃદ્ધિ પર આધાર રાખતા હોય એ લોકો સૌથી સુખી. સુખી અને દુખી માણસની મારી વ્યાખ્યા બસ આટલી જ.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.