દુનિયા હે, હોતા હે, ચલતા હે...
મારા સુખની વ્યાખ્યા વિશે વિચારું છું ત્યારે મને જવાબ કરતાં તો પ્રશ્નો વધુ જડે છે. દાખલા તરીકે, એક કલાકાર તરીકે જ્યારે હું અભિનય કરું છું ત્યારે મારા અભિનયને જોઈને લોકો તાળીઓનો ગડગડાટ કરે તો શું એ સુખ છે? મને અપાયેલા ડાયલોગ્સ સિવાય મને કોઈ નવી જ પંક્તિ જડે અને તેના કારણે મારા અભિનયની ચમત્કારિતા વધી જાય, એ સુખ છે? કે પછી ભગવાનની કૃપાથી મારું બેન્ક બેલેન્સ હેલ્ધી છે, એ પરિસ્થિતિ સુખ છે? આ બધુંય વિચાર્યા પછી હું સમજ્યો છું કે પોતાના માતા-પિતા અને ઘર પરિવારને ખુશ રાખવા એ મને સુખ સુધી દોરી જાય છે. મારું માનવું છે કે સુખની પાછળ ન ભાગવું એ જ માણસનું મોટામાં મોટું સુખ છે. જો કે એક વાત એ પણ છે કે, માણસ રાજી હોય, ખુશ હોય પણ એનો મતલબ એવો બિલકુલ નથી કે એ સુખી છે.
હું હંમેશાં આનંદમાં રહેનારો માણસ છું. જીવનમાં આનંદ ક્યાંથી મળે એ પ્રશ્નનો જવાબ ખૂબ વિસ્તૃતમાં આપી શકાય. થોડી વાત કરું તો, પ્રકૃતિને ખોળે જઈને શાંતિમાં સમય પસાર કરવાથી લઈને મારા અભિનય દ્વારા પ્રક્ષકોને હસતાં કરવા અને તેમણે મારા માટે ખર્ચેલા એમના પૈસા પર એમને અફસોસ ન થાય એ વાતથી મને આનંદ સાંપડે છે. આપણે કરેલા અભિનયને કોઈ વખાણે ત્યારે તો સ્વાભાવિકપણે ખુશી થાય છે પણ પોતાના ચાહકોને મળીએ અને આપણા માટે એમનો પ્રેમ અને લાગણી જોઈએ ત્યારે પણ અદમ્ય આનંદ થાય.
આપણું સુખ બીજા ઉપર આધારિત હોય જ છે. પોતાનું સુખ પોતે જ શોધી લેનારા અને બીજા કોઈની સાથે નિસ્બત ન રાખનારા લોકોને આપણે સ્વાર્થીમાં ખપાવી શકીએ. મને નથી લાગતું કે આ દુનિયામાં કોઈપણ માણસ એક બબલમાં રહી શકે. એટલે પોતાના સુખ માટે એક યા બીજી રીતે આપણે બીજો ઉપર આધારિત છીએ જ.
હું જે ઇન્ડસ્ટ્રીમાં કામ કરું છું એમાં રિજેક્શન એ બહુ જ કોમન વસ્તુ છે. દરરોજ જુદી જુદી જગ્યાએ કેટલાય લોકો રિજેક્ટ થાય છે. રિજેક્ટ થવાથી મન તો વ્યથિત થાય જ પણ પછી મનને સમજાવતા મેં શીખી લીધું છે. હું સમજુ છું કે આ પર્સનલ રિજેક્શન નથી અને કદાચ મારા કરતાં જો કોઈ સારો કલાકાર મોજૂદ હોય તો એને અવસર મળવો જરૂરી છે. આમ વિચારતા રહેવાથી મનને ઝાઝું વ્યથિત થતાં રોકી શકું છું. સંબંધોથી ભાગી છૂટવાની ઈચ્છા તો તોયે નથી જ થતી. પણ હા, મારે કહેવું જોઈએ કે આ શહેરથી અને ભીડભાડથી ભાગી જઈને શાંતિ તરફ ભાગવાની ઈચ્છા વારંવાર થાય છે.
મેં એક્ટિંગ શરુ કરી તે પહેલા હું એક એડ એજન્સીમાં કામ કરતો હતો. અભિનય માટે મેં એ નોકરી છોડી દીધેલી અને ત્યારબાદ છ મહિના સુધી મારી પાસે કોઈ જ કામ નહોતું અને પૈસા કમાવવાની પુષ્કળ જરૂરીયાત હતી. પણ મારી પાસે કોઈ કામ નહોતું. ત્યારે અકળામણ થતી પણ સમય જતા એ પરિસ્થિતિમાં જાતને વ્યસ્ત રાખીને એમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરતો હતો. દુખી થાઉં છું ત્યારે પીડામાંથી બહાર આવવા માટે હું ખાસ કશું કરતો નથી. મને બે હિન્દી ફિલ્મોના ડાયલોગ યાદ આવે છે. એક તો ખલનાયક ફિલ્મનો ડાયલોગ છે, 'દુનિયા હે, હોતા હે, ચલતા હે...' અને બીજી એક જૂની ફિલ્મનો ડાયલોગ છે, ''તું નહીં ઓર સહી, ઓર નહીં ઓર સહી. બેઠે બેઠે, નહીં બેઠે નહીં બેઠે...". બસ આ વાક્યો યાદ કરી લઉં છું અને મન હળવું થઇ જાય છે.
મારાં જીવનમાં હું સિનિયર્સ પાસેથી એટલું શીખ્યો છું કે 'કામ કરો, ઘરે જાઓ.' કામ જેટલું અગત્યનું છે એટલું જ જરૂરી છે તમારા ઘરે રાહ જોઈ રહેલા લોકોને સમય આપવો. આખા આકાશને આંબવા જવાય પણ તમારી પહેલી પ્રાયોરીટી તો જમીન જ છે એ ક્યારેય ન ભૂલવું.
મારા મતે દુનિયાનો સૌથી સુખી અને સૌથી દુખી માણસ હું જ છું. કારણકે આપણે પરિસ્થિતિઓને કઈ રીતે જોઈએ છે એ વસ્તુ મહત્ત્વની છે. આપણા સુખની ઉત્પત્તિ દુખમાંથી જ થાય છે. આપણું દુખ કદાચ આપણા હાથમાં નહીં હોય પણ આપણું સુખ તો આપણા જ હાથમાં છે. અંગ્રેજીમાં પંક્તિઓ છે, 'There must be sunshine after rain. There must be laughter after pain. These things have always been the same. Then why worry?'
(શબ્દાંકનઃ વિકેન જોષી)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર