બધાને સુખ મળે પણ એકબીજાના ભોગે નહીં

06 Mar, 2016
12:05 AM

mamta ashok

PC:

તમારા માટે સુખની વ્યાખ્યા શું ?

સ્ત્રી-પુરુષ સહુને પાણી, અન્ન, વસ્ત્ર, રહેઠાણ, આરોગ્ય,  શિક્ષણ, શાંતિ-સંવાદિતા, જાતીય સુખ, વાચન અને મનોરંજન ધોરણસર મળી રહે તે સુખ. સાથે માનવેતર જીવસૃષ્ટિ પણ સારી રીતે ટકી રહે તે સુખ. આ ‘ધોરણ’ અને ‘સારી રીતે’ સાપેક્ષ હોઈ શકે. પણ જે તે વ્યક્તિ અથવા સમૂહનું સુખ એ  સાપેક્ષ ખરું, પણ એટલું સાપેક્ષ ન હોય કે જેનાથી અન્ય વ્યક્તિઓ કે સમૂહોને નુકસાન થાય. બીજી રીતે કહીએ તો ઉપર્યુક્ત બધી બાબતો બધાને મળે પણ એકબીજાને ભોગે નહીં.

જીવનમાં આનંદ કઈ બાબતોમાંથી મળે ?

પુષ્કળ બાબતો છે. ઘણાં કામ (શીખવવાનું, ઘરનું, લખવાનું, ચોખ્ખાઈનું...) મને પોતાને સંતોષ આપે તે રીતે હું જાતે કરી શકું તે સુખ. વિદ્યાર્થીઓ સાથે સમય ગાળવા મળે. કોઈ સેલ્ફ-ઇમ્પોઝ્ડ્ કે ખરેખરી ડેડલાઈન માથે ન હોય તે રીતે લખવા મળે. મનગમતાં પુસ્તકો નિરાંતે વાંચવા મળે. પુષ્કળ વૃક્ષો જોવા મળે. મિત્રો સાથે ચાના ગલ્લે મોડી રાત સુધી વાતો કરવા મળે. સરસ રસોઈવાળું સાદું ભોજન મળે.  સરસ નાટક કે ફિલ્મ જોવા મળે, એક પછી એક માત્ર મનગમતાં ગીતો સાંભળવા મળે. ભરપૂર ઉંઘવા મળે. દિવાળી ઉપર ઘર સાફ કરવા અને પુસ્તકો ગોઠવવાનો સમય મળે. ગળું ખરાબ થવાની, વજન વધવાની ફિકર વિના આઇસક્રીમ ખાવા મળે.

આપણું સુખ કોઈ બીજાના સુખ પર આધરિત હોય છે ખરું ?

મને લાગે છે કે માણસને મળતાં ઘણાં બધાં સુખ, ખાસ તો તેને મળતી પાયાની સગવડોમાંથી આવતાં સુખ બીજાનાં સુખ પર આધારિત હોય છે. જેમ કે આપણને મળતું વિપુલ પાણી કોઈક રીતે બીજાના સુખના ભોગે મળે છે. આપણે જે ઘરમાં, જે શહેરોમાં રહીએ છીએ તે મોટેભાગે મજૂરો, ગરીબો, ખેડૂતો વગેરેના સુખને ભોગે ઊભાં થતાં હોય છે. મારું અનેક પ્રકારનું સુખ એ મારા માતુ:શ્રી, પત્ની તેમ જ ઘરમાં મહેનતનાં કામ કરતાં સહાયકોનાં સુખને ભોગે હોય છે.... આ યાદી બહુ લાંબી છે.

એવી કઈ ઘટના છે કે જેનાથી તમે વ્યથિત થાઓ ?

કોઈપણ માણસને દુ:ખ થાય તેનાથી હું દુ:ખી થાઉં, અને તેમાં કશું કરી ન શકતો હોઉં એટલે વધારે દુ:ખી થાઉં. રોજબરોજના જીવનમાં શારીરિક મારપીટ, શોષણ, દમનનાં અનેક બનાવો બહુ દુ:ખી કરે છે. પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ/લોકો તરફની સમાજની અસંવેદનશીલતાના બનાવો વારંવાર જોઉં છું તેનાથી વ્યથિત થઉં છું. મારી આસપાસ કૉલેજના વિદ્યાર્થીઓની દુર્દશા, ઉપેક્ષાથી, સંસ્થાની પડતીના વારંવાર જોવા મળતાં સ્થૂળ-સૂક્ષ્મ, વૈચારિક-નૈતિક બનાવોથી પીડા થાય છે. વૃક્ષોનું કપાવું મને બહુ જ દુ:ખી કરે છે,  એટલે સુધી કે કળ વળે ત્યાં સુધી કેટલાક દિવસ રસ્તો બદલી નાખું. સ્ત્રીઓ પરના અત્યાચારો અને બંધનો જોતાં, તેને વિશે વાંચતાં-વિચારતાં બહુ પીડા થાય  છે. 

આસપાસના માણસોથી કે સંબંધોથી કંટાળીને ભાગી જવાનું મન થાય ખરું ?

સંસ્થાની પડતી જોઈને એ છોડી દેવાનું અને આપણા આદર્શો/વિચારોને મળતી આવે તેવી કોઈ સંસ્થા મળે ત્યાં જવાનું મન થાય. ક્યારેક માત્ર વાંચવા માટે, વૃક્ષો અને માટી હોય તેમ જ  બધી સગવડો પણ હોય તેવી કોઈક જગ્યાએ જવાનું મન થાય.

જીવનમાં ક્યારેય કપરો કાળ જોવાનો આવ્યો છે ખરો ?

ખાસ નહીં. પણ યોગ્યતા હોવા છતાં અમદાવાદમાં નોકરી મળવામાં વાર લાગી હતી એ ત્રણેક વર્ષનો સમય નિરાશાનો હતો. દીકરી નાની હતી ત્યારે તેની માંદગીમાં બે-ત્રણ વખત બહુ જ ચિંતા થઈ હતી. પણ મોટા ભાગના લોકોની સરખામણીમાં મેં ભાગ્યે જ કોઈ કપરો કાળ જોયો છે. 

તમે દુ:ખી થાઓ ત્યારે પીડામાંથી બહાર આવવા માટે શું કરો ?

મિત્રોને મળું અથવા તેમની સાથે ફોન પર લાંબી વાત કરું. કોઈ વડીલની પાસે જઈને હૈયું હળવું કરું. ડાયરીમાંથી હિસાબ મેળવવા, છાપાંનાં કતરણો કરવાં, પોતાનાં જ લેખો વાંચવાં જેવાં કામ કરું.

અત્યાર સુધીના જીવનમાંથી શું શીખ્યા?

- બદલાવ એવી બાબત છે કે એ બહુ અઘરી છે છતાં તેના માટે કોશિશ જારી રાખવી અનિવાર્ય છે.

- તમામ પ્રકારની મુશ્કેલ પરિસ્થિતિઓમાં દુનિયા ટકી હોય, ચાલી રહી હોય તો તે સાચા ઍક્ટિવિસ્ટ, કર્મશીલો  (જે વળી એક સ્વતંત્ર લેખનો વિષય છે)  થકી ટકી છે.  - ઑર્ગનાઇઝ રિલિજિયન એટલે કે સ્થાપિત ધર્મ અને ધર્મસંસ્થાએ દુનિયાને બહુ નુકસાન પહોંચાડ્યું છે.

- જળ-જમીન-ઝાડ ટકાવ્યાં વિના દુનિયા ટકી શકશે નહીં. માણસ અને વિજ્ઞાન જ દુનિયાને બચાવી શકે છે, વધુ સારી બનાવી શકે છે.

તમારા માટે દુનિયાની સહુથી સુખી વ્યક્તિ કોણ અને સહુથી દુ:ખી વ્યક્તિ કોણ ?

સહુથી સુખી હું પોતે. સહુથી દુ:ખી ગરીબાઈમાં રિબાતી સ્ત્રી અને તીવ્ર શારીરિક પીડા અનુભવતી વ્યક્તિ.

વાચકોને આનંદમાં રહેવા માટે સૂચન(નો) :

ઝાડ નીચે બેસો, ઝાડને જુઓ, ઝાડ સાચવો, ઝાડ ઉગાડો. સારાં પુસ્તકો વાંચો. ટેલિવિઝન બને એટલું ઓછું જુઓ. શક્ય હોય તો ઘરનાં બારી-બારણાં ખુલ્લાં રાખો, હવા-ઉજાસ માણો. બાળકો સાથે વાતો કરો, તેમની સાથે વાંચો, તેમને બગીચામાં-માટીમાં-પાણીમાં રમવા લઈ જાઓ અને રમતાં જુઓ. ધર્મસંસ્થાની પકડમાંથી નીકળી જાઓ. ‘સુખ જ્યારે જ્યાં મળે બધાનો વિચાર દે’ એવું રાખો.  

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.