કર ભલા, હો ભલા

07 Feb, 2016
12:05 AM

mamta ashok

PC:

તમારા માટે સુખની વ્યાખ્યા શું?

જે કામ કરતા નિજાનંદ થાય એ મારું સુખ.

જીવનમાં કઈ બાબતોમાંથી આનંદ મળે?

સારું વાંચવા મળે કે કોઈ સારો લેખ લખાય તો સ્વાભાવિ જ મને આનંદ થાય. આ ઉપરાંત મારા પરિવાર સાથે સમય પસાર કરવાનો થાય ત્યારે પણ સહજ આનંદની અનુભૂતિ થાય.

આપણું સુખ કોઈના પર આધારિત હોઈ શકે ખરું?

આમ તો સુખ કોઈના પર આધારિત નહીં હોઈ શકે પણ તોય આપણા સુખનો આધાર બીજા પર રાખવો કે નહીં એ આપણા સ્વભાવ પર આધાર રાખે છે. મારું સુખ બીજાઓ પર આધારિત નથી એ બાબતે હું સ્પષ્ટ છું.

કઈ બાબતો કે ઘટના ઘટે ત્યારે મન વ્યથિત થાય?

કોઈક માણસને આપણે પ્રેમ કે આદર આપ્યો હોય અને સામે છેડેથી એ આપણને પ્રેમ કે આદર પણ નહીં આપી શકતો હોય તો મન વ્યથિત થાય. આ ઉપરાંત માનવ સ્વભાવના કેટલાક પરચાથી કે માણસની લાલચવૃત્તિ પણ વ્યથિત થવાય.

આસપાસના માણસો કે સંબંધોથી કંટાળીને ભાગી જવાનું મન થયું છે ખરું?

ઈશ્વરે આપણને જે સમાજમાં જન્મ આપ્યો છે એ સમાજમાં આપણે રહેવાનું છે અને આપણી શક્તિ મુજબ આપણે એ સમાજના ઉત્થાન માટે યથાયોગ્ય પ્રયત્નો કરવાના છે. ક્યારેક કોઈ બાબતે સંઘર્ષ થઈ શકે ખરો પરંતુ પલાયન એ સંઘર્ષનો વિકલ્પ કે ઉપાય નથી. કોઈ પણ બૌદ્ધિક, સામાજિક, સંવેદનશીલ કે આધ્યાત્મિક માણસને જીવનની કોઈ પણ સ્થિતિમાં પલાયન નહીં પરવડે, પલાયનથી ક્યારેય કોઈ ઉકેલ આવ્યો નથી. સંબંધોની બાબતે પણ કંઈક આ જ બાબત લાગુ પડતી હોય છે. મારી વાત કરું તો મેં જીવનમાં ક્યારેય પલાયન સ્વીકાર્યું નથી.

જીવનમાં ક્યારેય કપરો સમય જોયો છે ખરો?

દુનિયામાં એવો એક પણ માણસ હશે ખરો, જેણે જીવનમાં સંઘર્ષ નહીં કર્યો હોય કે કોઈ કપરી પરિસ્થિતિનો સામનો નહીં કર્યો હોય? ધનવાનમાં ધનવાન વ્યક્તિ પણ આ બાબતે બાકાત નહીં રહી શકી હોય. આર્થિક બાબતોએ કદાચ એણે ભોગવવાનું નહીં આવ્યું હોય તો પણ જીવનના કોઈકને કોઈક તબક્કે અને કોઈકને કોઈક બાબતે એણે પણ કપરી પરિસ્થિતોનો સામનો કરવો પડ્યો હશે અને કપરા નિર્ણયો લેવા પડ્યા હશે. એ જ રીતે મેં પણ જીવનમાં વિવિધ તબક્કે કપરા સમયનો સામનો કર્યો છે.

દુખી થાઓ ત્યારે પીડામાંથી બહાર આવવા શું કરો?

દુખની પીડા આમ તો બહુ ટેમ્પરરી બાબત છે પણ તોય જ્યારે વ્યથા અનુભવું કે મન ખિન્ન થઈ જાય ત્યારે સારાં પુસ્તકો કે લેખનને સહારે ચાલ્યો જાઉં. હિતર પરિવાર સાથે વધુ સમય પસાર કરું.

અત્યાર સુધીના જીવનમાંથી શું શીખ્યા?

અત્યાર સુધીના જીવનમાંથી એટલું શીખ્યો કે જીવનમાં કર્મનું ફળ મળતું જ હોય છે. એટલે ક્યાંક નોંધ લેવાતી હોય કે ન લેવાતી હોય કે પછી આપણા કામની કદર થતી હોય કે ન થતી હોય પરંતુ આપણે એ બધા તરફ ધ્યાન આપવા કરતાં આપણા કામમાં જ ધ્યાન કેન્દ્રિ કરવું અને કોઈ પણ અપેક્ષા વિના આપણા કર્મમાં રમમાણ રહેવું. કર્મના ફળ વિશેની ફિલોસોફી દરેક ધર્મમાં અત્યંત ગહન છે. અમારા સ્લામમાં પણ કર્મનું ઘણું મહત્ત્વ દર્શાવાયું છે.

તમારા મતે દુનિયાનો સૌથી સુખી માણસ કોણ? અને સૌથી દુખી માણસ કોણ?

માણસ પાસે જેટલું હોય એમાં એ રાજીનો રેડ હોય અને કશાયની અપેક્ષા રાખ્યા વિના એ પોતાની સવલતોને માણતો હોય તો એ માણસ સૌથી સુખી અને જે માણસ પોતાની પાસે જે છે એને માણતો નથી અને જે નથી એની ખેવનામાં સમય વેડફે છે એ માણસ દુનિયાનો સૌથી દુખી માણસ.

અમારા વાચકોને આનંદમાં રહેવા માટે કોઈ સલાહ કે ટિપ્સ જેવું કંઈક આપશો?

કર ભલા તો હો ભલા.

 

(મુલાકાતઃ અંકિત દેસાઈ)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.