ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શનઃ કાલને ભૂલો અને આજમાં જીવો

24 Jan, 2016
12:05 AM

mamta ashok

PC:

તમારા માટે સુખની વ્યાખ્યા શું ?

રાત્રે પથારીમાં લંબાવું અને પાંચમી મિનિટે જો મને ઉંઘ આવી જાય તો એ મારું સુખ.

તમને જીવનમાં કઈ કઈ બાબતોમાંથી આનંદ મળે ?

કોઈ પણ ગમતું કામ કરવા મળે તો મને સ્વાભાવિક જ આનંદ થાય. સારી કવિતા લખાય તો મને આનંદ મળે, દર્દીના રોગનું યોગ્ય નિદાન કરી શકું કે, ગંભીર હાલતમાં આવેલ કોઈ દર્દીનો જીવ બચાવવામાં મદદરૂપ થઈ શકું તો મારા જીવને તાઢક વળે, દરિયા કિનારે એકલા બેસવા મળે અથવા સાયકલિંગ કે ફોટોગ્રાફી કરતી વખતે પણ મને આનંદ મળે.

આપણું સુખ બીજાઓ પર આધારિત હોઈ શકે ખરું ?

સુખ એ અંદરથી આવતી બાબત છે એટલે માણસનું સુખ ક્યારેય બીજાઓ પર આધારિત હોઈ શકે નહીં. સુખનો અનુભવ હંમેશાં ભીતરી હોય છે. જે બહાર છે અને જે બીજા પર આધાર રાખે છે એ તો સગવડ છે.

તમારું મન વ્યથિત થવાના કારણો કયા ?

કોઈક પંક્તિ અંદર અટકેલી હોય અને એ બહાર આવતી ન હોય તો મન વ્યથા અનુભવે. તેમજ સમાજમાં ખોટું થઈ રહ્યું છે એ જોઈએ અને જોતા રહેવું પડે કે કશું કરી નહીં શકાતું હોય તો પણ વ્યથિત થઈ જવાય.

આસપાસના સંબંધો કે, માણસોથી ક્યાંક ભાગી જવાનું મન થયું છે ખરું ?

ના, સંબંધો કે માણસોથી કંટાળીને ભાગી છૂટવાનું મન તો ક્યારેય નથી થયું. પરંતુ થોડા થોડા સમયે મને એવું લાગે કે, હવે થોડો સમય હું મારી જાત સાથે વીતાવું અને થોડો સમય બધાથી થોડા દૂર થઈ જવાનું મન થાય. આ કારણે જ હું થોડા થોડા સમયે વેકેશન લેતો રહું છું અને સતત ફરતો રહું છું.

જીવનમાં ક્યારેય કપરોકાળ જોયો છે ખરો ?

ના. નસિબજોગે કોઈ કપરોકાળ જોવા મળ્યો નથી. હા, થોડીઘણી બીમારી જરૂર હતી, પરંતુ એને પણ કપરી પરિસ્થિતિમાં ગણી શકાય નહીં. બાકી તો હું જ્યાં જ્યાં ગયો છું ત્યાં ત્યાં મને સારા માણસો જ મળ્યા છે. મને મિત્રો તો સારા મળ્યા જ છે, પરંતુ દર્દીઓ પણ સારા મળ્યાં છે! એટલે ક્યારેય કોઈ બાબતે મારે વેઠવાનું આવ્યું નથી.

જો દુખી થાઓ પીડામાંથી બહાર આવવા શું કરો ?

મારી પીડામાંથી બહાર આવવા હું બે જ ઉપચાર કરું, પુસ્તકો વાંચુ અને કવિતાઓ લખું.

કોઈક ઘટનામાંથી મળેલો બોધ આજીવન ખપમાં આવ્યો હોય એવું બને ખરું ?

સતત, દરરોજ તમામ ઘટનામાંથી કોઈને કોઇ બોધ મળતો રહે છે. કોઈક ભૂલ થાય છે ત્યારે દરેક વખતે એવું લાગે કે, હવે આવી ભૂલ નહીં થાય, પરંતુ 'માણસ માત્ર ભૂલને પાત્ર'ની જેમ પછી ફરી એ જ ભૂલનું પુનરાવર્તન થાય. ક્યાંક આપણે છેતરાયા હોઈએ અને પછી નક્કી કરીએ કે, હવે અહીં ફરી છેતરાવું નથી. પરંતુ ફરીથી આપણે ભાગે છેતરાવાનું આવે છે. આ એક ચક્ર જેવું છે. સતત ભૂલો થતી રહે છે, સતત શીખવાનું પણ થતું રહે છે અને સતત ભૂલોનું પુનરાવર્તન પણ થતું રહે છે.

અત્યાર સુધીના જીવનમાંથી શું શીખ્યા ?

અત્યાર સુધીના જીવનમાંથી હું એટલું શીખ્યો કે, આજમાં જીવો અને અત્યારની ઘડીને માણો. ગઈકાલ હાથમાંથી સરી ગઈ છે અને આવતી કાલ શું હશે એ વિશે આપણને કશી ખબર નથી, તો એની ચિંતા શું કરવી? અત્યારે હું આ ઈન્ટરવ્યુ આપી રહ્યો છું, પણ આ ઈન્ટરવ્યુ જ્યારે છપાશે ત્યારે હું નહીં પણ હોઉં તો? તો પછી હું હાલની ક્ષણને, આ ઈન્ટરવ્યુને શું કામ નહીં માણું?

તમારે મતે દુનિયાનો સૌથી સુખી માણસ કોણ અને દુનિયાનો સૌથી દુખી માણસ કોણ?

મારા જેવો કે તમારા જેવો દરેક માણસ દુનિયાનો સૌથી સુખી માણસ પણ છે અને સૌથી દુખી માણસ પણ છે. જ્યાં સુધી જીવનમાં અપેક્ષાઓ નહીં હોય ત્યાં સુધી માણસ સુખી રહી શકે છે. પરંતુ અપેક્ષાની શરૂઆત થતાં જ દુખની શરૂઆત થતી હોય છે. આપણી તકલીફો, આપણી પીડાઓના મૂળમાં જ આપણી અપેક્ષાઓ રહેલી હોય છે. પણ આપણે આપણી ઈચ્છાઓને નેસ્તનાબૂદ કરી શકતા નથી એટલે આપણે દુખથી દૂર પણ થઈ શકતા નથી.

અમારા વાચકોને આનંદમાં જીવવા માટેનું કોઈ પ્રિસ્ક્રિપ્શન લખી આપશો?

જો ચલા ગયા ઉસે ભૂલ જા! અને જે આવવાનું નથી કે, જે આવ્યું નથી એની ચિંતામાં મરવા નહીં પડવાનું.

(મુલાકાતઃ અંકિત દેસાઈ)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.