મારી વ્યથામાં વધારો નહીં કરો તો સારું
છેલ્લા વીસ દિવસથી દેશનો સામાન્ય માણસ બેન્કોની લાંબી કતારોમાં ઊભો રહીને કંટાળી ગયો છે ત્યારે અમને થયું કે,ચાલો કતારોમાં ઊભેલા એ માણસોના એક પ્રતિનિધિનો સુખ-દુઃખ માટે ઈન્ટરવ્યૂ કરીએ. એટલે જ અમે એટીએમની બહાર ઊભેલા એક માણસનો ઈન્ટરવ્યૂ કર્યો, જેના જવાબો નીચે રજૂ કરાયા છે.
તમારા માટે સુખની વ્યાખ્યા શું?
ભાઈ, હમણા સુખની ક્યાં પત્તર રગડો છો? બે હજાર રૂપરડી માટે આ તડકામાં સવારથી ઊભો છું એ દેખાતું નથી? અને આ કંઈ આજની વાત નથી છેલ્લા વીસ દિવસથી હું એટીએમ અને બેન્કોની બહાર કલાકો સુધી ઊભો રહ્યો છું અને હજુ કેટલા દિવસ ઊભા રહેવું પડશે એનો કોઈ ખ્યાલ નથી. કામ બધા અટકેલા છે, ઓફિસોમાં રજા મળતી નથી, ઘરના પ્રસંગો ટલ્લે ચઢેલા છે અને મેડિકલ ઈમરજન્સી આવી પડી તો શું હાલ થશે એની કંઈ ખબર નથી ત્યાં તમે અમને સુખની વ્યાખ્યા પૂછવા આવ્યા છો? નોનસેન્સ.
ઓહહ અચ્છા એવું છે? ખૈર હાલના થોડા દિવસોની વાતો જવાદો, પણ અમારા બીજા સવાલનો જવાબ આપો કે, જીવનમાં તમને આનંદ કઈ બાબતોમાંથી મળે?
અરે...? આ તે કંઈ માણસ છે યાર? સવારથી પેટ ભરીને જમવાનું નથી મળ્યું ત્યાં તમે ફરી આનંદની વાત લાવ્યા? અને ભાઈ હું દેશનો સામાન્ય માણસ છું એટલું તો વિચારો. આ સુખ અને આનંદ જેવી બાબતોનો વિચાર કરવાનો હું ટાઈમ ક્યાંથી લાવું? એવી લક્ઝરી અમને નહીં પરવડે ભાઈ. અહીં સવાર થતાં સાંજના ચૂલાની ચિંતા કરવાની હોય ત્યાં સુખ અને આનંદ વિશે કોણ વિચારવા બેસે?
આપણું સુખ કોઈના પર આધારિત હોઈ શકે ખરું?
આરામથી નોકરી-ધંધા કરવાની જગ્યાએ કે જે મળે એ જમી લેવાની જગ્યાએ આ લાઈનોમાં ઊભો રહી ગયો છું એ શું છે? અમારું આ લાઈનમાં ઊભા રહેવું જ એ બાબતની ચાડી ખાય છે કે, અમારું સુખ બીજા પર આધારિત છે. અનાથી શ્રેષ્ઠ ઉદાહરણ બીજું કયું હોઈ શકે?
એવી કઈ ઘટના કે બાબતો ઘટે ત્યારે તમારું મન વ્યથિત થાય?
જુઓ ભાઈ અમે તો સામાન્ય માણસ છીએ. અમારે તો આજીવન બાર સાંધે ત્યાં તેર તૂટેની સ્થિતિ હોય છે. એટલે આ વ્યથા-બથા ગળે લટકાવીને અમારાથી નહીં ફરાય, નહીંતર અમારે આપઘાત કરવાનો વારો આવે. જોકે ક્યારેક સરકાર અથવા કોઇ પાવરફુલ માણસો પોતાના સ્વાર્થ કે લાભ માટે અમારી મુશ્કેલીમાં વધારો કરે તો અમને વ્યથા જરૂર થાય કે, બાપા એક તો ઉપરવાળાએ પાધરા નસીબ નથી દીધા ત્યાં આ લોકો શું કામ અમારી હાડમારીમાં વધારો કરતા હશે?
આસપાસના સંબંધો અથવા માણસોથી કંટાળીને ક્યાંક ભાગી જવાનું મન થયું છે ખરું?
ના. એવું બધું ક્યારેય નથી થતું. ભાગી જવાના કે છોડી જવાના વિચારો આવતા હોત તો અત્યાર સુધી કંઈ અમસ્તા જ ટકી રહ્યા છીએ અમે બધા? પલાયનવાદ આમ તો બૌધિકો અને અપર ક્લાસ માટેનો શબ્દ છે, પરંતુ આ તો મને ખબર છે એટલે કહું છું કે, પલાયનવાદ અમને પરવડે એમ નથી. અમે તો ભાગીને જે દિશામાં જઈએ ત્યાં હાડોહાડ મથામણો હોય છે. એટલે એક દિશામાંથી ભાગીને બીજી દિશાની મુશ્કેલીઓ વહોરવું અમને નહીં પાલવે. એના કરતા આપણા ભાગમાં જે આવ્યું છે એ ભોગવીને જ જિંદગી પૂરી કરવી.
તમારા જીવનના કોઈ કપરાકાળ વિશે વાત કરશો?
ભાઈ એક કામ કરો. આજથી એક વર્ષ સુધી મારે ઘરે જ રહેવા આવી જાઓ. તમારી એક ગોદડી અને બે રોટલીનો બંદોબસ્ત તો હું કરી લઈશ. અને પછી જુઓ મારું જીવન અને લખતા રહેજો રોજની વાતો. એ બધામાં સારો સમય કયો અને કપરો સમય કયો એ તમે જ તારવી લેજો. કારણ કે, મને તો આખું જીવન જ કપરું લાગ્યું છે ત્યાં કોઈ ચોક્કસ સમયની વાત ક્યાં કરવી?
દુખી થાઓ તો તમારી પીડામાંથી બહાર આવવા શું કરો?
રોજ સાંજે આપણે નિયમિત પોટલી પીએ છીએ. એનાથી અકસીર ઈલાજ આજ સુધી બીજો કોઈ જડ્યો નથી.
અત્યાર સુધીના જીવનમાંથી શું શીખ્યાં?
એ જ કે, રોજ કમાવાનું ને રોજ ખાવાનું. બીજી કોઈ મગજમારીમાં પડવાનું નહીં. આપણું કામ ભલું ને ભલું આપણું પેટ!
તમારા મતે દુનિયાનો સૌથી સુખી માણસ કોણ અને સૌથી દુઃખી માણસ કોણ?
હાલના તબક્કે તો અમારા જેવા બે-પાંચ હજારમાં રમત રમતા લોકો સુખી છે અને કરોડોમાં રમતા લોકો દુઃખી છે. તમે જ બધા કહો છો ને કે, આજની ઘડી તે રળિયામણી! તો લ્યો મેં આજના સંદર્ભમાં જ જવાબ આપ્યો. કાલની વાત કાલે.
અમારા વાચકોને આનંદમાં રહેવા માટેની કોઈ સલાહ કે ટિપ્સ આપશો?
કંઈ નહીં એટલું જ કહેવું કે, તમારા સુખના દરિયામાં ક્યારેક ઓટ આવે તો દુઃખી થવું નહીં. ત્યારે તમારી કારનો કાચ સહેજ નીચે ઉતારી રસ્તા પર કોઈ સાયકલ કે બાઈક પર રખડતા અમને જોઈ લેવાના, અમારા અભાવોને જીવી નહીં શકો તોય એને જાણવાનો પ્રયત્ન કરવાનો અને એને તમારી ઓટ સાથે સરખાવી જોવાનું. પછી જોજો તમને આપોઆપ તમારો નાનકડો અભાવ ખરેખર નાનો લાગશે.
(કલ્પનાઃ અંકિત દેસાઈ)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર