આપણા સુખની જવાબદારી આપણી જ હોય છે
સુખ અત્યંત સાપેક્ષ બાબત છે એટલે સ્વાભાવિકપણે જ વ્યક્તિએ વ્યક્તિએ સુખની વ્યાખ્યા અલગ હોવાની. પણ જો હું મારા સુખને તારવું તો મેં મારી બાબતે એ વાત ઑબ્ઝર્વ કરી છે કે, મને જીવનની નાનીનાની બાબતોમાંથી ભરપૂર સુખ મળે છે. હું કંઈક સારું વાંચુ તો પણ મને સુખ મળે, કે વહેલી સવારે હીંચકે બેસીને કોફી પીવાની નિરાંત મળે તોય મને સુખ મળે! આ તો ઠીક હું કાર ડ્રાઈવ કરતી હોઉં અને એફએમ પર અચાનક કોઈ સુંદર ગીત વાગે અથવા કારની બારીની બહાર પથરાયેલા ફુટપાથ પર બે વૃદ્ધો આઈસક્રીમ ખાતા જતાં હોય તો એમને જોઈને પણ હું પ્રસન્નતા અનુભવું. જીવનની કોઈ પણ પરિસ્થિતિમાંથી મારું સુખ કે મારો આનંદ મેળવી લેવાની આવડત મને હાથવગી છે.
કોઈને જાણીને આશ્ચર્ય થશે પરંતુ મારા જીવનના ગોલ પણ બહું નાના હોય છે. મારી મહત્ત્વાકાંક્ષાઓ બહું ઊંચી નથી હોતી. હજુ થોડા દિવસો પહેલાની જ વાત કરું તો એક એડના શૂટિંગ દરમિયાન અમે મિત્રો ગપ્પાં મારતા હતા અને વાતવાતમાં મેં કહ્યું કે, 'મારું એક સપનું છે કે, મારી પાસે એક ટ્રાવેલ બેગ હોય!' મજાની વાત એ છે કે, મારી એ વાત સાંભળીને થોડાં જ દિવસોમાં અમારા એક મિત્રએ મને એક ટ્રાવેલ બેગ ગિફ્ટ કરી! એટલે મેં એને કહેલું કે, 'આપણા સપનાં પણ કેવા નાના મજાના, કે એ ચપટી વગાડતામાં તો પૂરા પણ થઈ જાય.' આ ઉદાહરણ આપવાનું તાત્પર્ય એ જ કે, જીવન પાસે મારી અપેક્ષાઓ અત્યંત નજીવી છે. કદાચ એટલે જ હું જીવનને ભરપૂર માણી રહી છું. આ ઉપરાંત મને સંગ્રહખોરીનો પણ શોખ નથી. મને જ્યારે કોઈ વસ્તુ ખૂટે ત્યારે જ હું એની ખરીદી કરતી હોઉં છું. ધારો કે, આજે મારી બેગ તૂટી ગઈ હોય તો હું બજારમાં જઈને એક નવી બેગ લઈ આવું. બાકી છાશવારે કપડાં, બેગ કે ચંપલ અથવા ઘરેણાની શૉપિંગ કરવાનો પણ મને શોખ નથી.
જોકે પુસ્તકો અને સારી ફિલ્મોની બાબતે હું થોડી પઝેસિવ છું. જ્યારે પણ કોઈક બુક સ્ટોરમાં ગઈ હોઉં અથવા ક્યાંક અચાનક કોઈ પુસ્તક પર મારી નજર પડી ગઈ હોય તો મને એમ થાય કે, આ પુસ્તક જગતની છેલ્લી પ્રિન્ટ છે અને હવે એની બીજી આવૃત્તિ નહીં જ થાય! એટલે આ પુસ્તક તો મારે લેવું જ પડશે, એવી મને લાગણી થઈ આવે. બાકી, અન્ય કોઈ જ બાબતનો મને મોહ કે લાલસા નથી.
આપણા સુખની આધારિતતા વિશે હું એમ માનું છું કે, આપણું સુખ બીજાઓ પર ક્યારેય આધારિત નથી હોતું. આપણે સુખી રહેવું કે નહીં એ તો આપણે જ નક્કી કરવું પડે. ભલા, કોઈ કઈ રીતે આપણને સુખી કે દુખી કરી શકે? આપણે સમૂહમાં જીવનનારા જીવ છીએ એટલે એવું બની શકે કે, કોઈક ક્યારેક આપણને એલફેલ બોલી જાય અથવા આપણી સાથે તોછડું વર્તન કરી નાંખે. એના એવા વર્તની પહેલી ક્ષણે કદાચ આપણને ઝાટકો પણ લાગી શકે કે, 'આ કેમ આવું વર્તે છે?' પણ ત્યાર પછીનો નિર્ણય આપણા પર આધાર રાખે છે, કે આપણે એના વર્તનને કારણે દુખી કે વ્યથિત થવું કે નહીં. આવા સમયે જો હું હોઉં તો એ માણસની દયા ખાઈને કે એને માફ કરીને આગળ વધી જાઉં. આખરે આપણા આનંદ કે દુખની બાગડોર આપણે કોઈના હાથમાં શું કામ આપવી?
હું એમ માનું છું કે, હવેના સમયમાં બધા માણસ તમારી જેમ સેન્સિબલ જ હોય કે, તેઓ તમને સમજશે જ એવો આગ્રહ રાખવો ખોટો છે. આ બાબતે હું તો ત્યાં સુધી કહીશ કે, જેમ નિરોગી રહેવાની કે સ્વસ્થ જીવન જીવવાની જવાબદારી આપણી પોતાની છે એમ સુખી રહેવાની જવાબદારી પણ આપણી પોતાની જ હોવી જોઈએ. અલબત્ત, આપણને શેમાંથી સુખ મળશે એ પસંદ કરવું થોડું અઘરું છે. મેં જીવનમાં ઘણા એવા લોકો જોયાં છે, જેઓ ક્યારેય રાજી જ ન રહી શકે. મેં લોકોને સાવ નાનીનાની કે નાંખી દેવા જેવી વાતોએ ફરિયાદ કરતા જોયાં છે. પરંતુ હું બહું ફરિયાદો નથી કરતી. દરેક બાબત, પરિસ્થિતિમાંથી હું હકારાત્મકતા શોધી લઉં છું અને એનો આનંદ લૂંટું છું.
જીવનમાં મને જો કોઈ એક બાબત વ્યથિત કરતી હોય તો એ બાબત છે મૃત્યુ! મને મૃત્યુનો સખત ડર લાગે છે અને આ એક જ એવી બાબત છે, જેને હું હેન્ડલ નથી કરી શકતી. કોઈનું મૃત્યુ થાય એ તો બહું પછીની વાત છે, પરંતુ મારા નજીકના લોકોના અવસાનના વિચાર કે કલ્પના માત્રથી મારા શરીરમાંથી લખલખું પસાર થઈ જાય અને હું વ્યથિત થઈ જાઉં.
જ્યારે હું મારી આસપાસના લોકોને આટલી ઉત્કટતાથી ચાહું છું ત્યારે એ સંબંધોથી કંટાળીને કે એમને ત્યજીને ક્યાંય ભાગી જવાનું મન થવાનો પ્રશ્ન જ નથી ઊભો થતો. જોકે સંબંધોની બાબતે હું અત્યંત લકી છું. મને એવું લાગે છે કે, ઈશ્વરે મારા માટે કોઈક ખાસ ગોઠવણ કરી છે. કારણ કે, મારી આસપાસ અત્યંત ઉમદા લોકો જીવે છે. જેમના સહવાસને કારણે મારું જીવન પણ પરિપૂર્ણ બન્યું હોય એવો મને અહેસાસ થાય છે. આટલા વર્ષોના અનુભવ પરથી હું એટલું જરૂર શીખી છું કે યોગ્ય કોમ્યુનિકેશન દ્વારા કોઈ પણ ગૂંચ ઉકેલી શકાય છે. એટલે સંબંધોમાં જો કશુંક અણગમતું બની જાય અથવા એનો ભાર વર્તાવા લગે તો આવે વખતે હું યોગ્ય વાતચીત કરીને એનો ઉકેલ લાવવાનો જ પ્રયત્ન કરું છું.
જીવનમાં કપરો સમય તો મેં અનેક વાર જોયો છે. પણ સૌથી કપરા સમયનો સામનો અમે અમારા લગ્ન વખતે કરેલો. પરંતુ એ અનુભવોએ મારા ઘડતરમાં બહુ મોટો ફાળો ભજવ્યો છે. આ ઉપરાંત કામની બાબતે પણ મેં જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. હું અને મારા પતિ બંને ફ્રીલાન્સર છીએ. તેઓ ડિરેક્ટર છે તો હું અભિનેત્રી અને પ્રોડ્યુસર છું એટલે અમારા વ્યવસાયમાં નિશ્ચિતતા કશી જ નહીં. આ ઉપરાંત અનેક વખત એવું પણ બન્યું હોય કે, હું મેન્ટલી કે ઈમોશનલી ડિસ્ટર્બ હોઉં ત્યારે પણ મારે મનોરંજનના ક્ષેત્રમાં કામ કરવાનું આવ્યું છે.
હું બહું ઓછા કિસ્સામાં દુખી થાઉં છું અને જો કોઈક વાર દુખી થાઉં કે, પીડા અનુભવું તો એનો બહું ભાર લઈને પણ હું બહું ફરી શકતી નથી. કુદરતે મને એવી પ્રકૃતિ ભેટમાં આપી કે, જેના કારણે હું ઝાઝો સમય દુખી રહી શકતી નથી. અને જો દુખી થાઉં તો મારી એ પીડામાંથી બહાર આવવા માટે મારે બહું ધાંધિયા નથી કરવા પડતા કારણ કે, મારી પાસે કામ જ એટલું બધું હોય છે કે, હું સતત એમાં ગળાડૂબ રહું છું.
દુનિયામાં સૌથી સુખી અને સૌથી દુખી માણસની વાત આવે છે ત્યારે હું એમ કહીશ કે, જે અંતરથી સુખી હોય અને અને હંમેશાં આનંદથી છલોછલ હોય એ માણસ દુનિયાનો સૌથી માણસ છે. અને એનાથી વિરુદ્ધ, જે માણસ સતત ફરિયાદો કરતો હોય અને અંતરથી સુખી નહીં રહી શકતો હોય એ માણસ દુનિયાનો સૌથી દુખી માણસ. જતાં જતાં 'Khabarchhe.com'ના રિડર્સને એમના સુખ માટે એટલું જ કહીશ કે, અન્યને કોઈપણ રીતે નુકશાન ન થાય એનું ધ્યાન રાખીને આપણે આપણું સુખ શોધી લેવું જોઈએ. સુખી રહેવું એ આપણી જાત પ્રત્યેની આપણી સૌથી પહેલી જવાબદારી છે. આખરે આપણે સુખી હોઈશું તો જ તો આપણે બીજાને પણ સુખી કરીશું!
(મુલાકાતઃ અંકિત દેસાઈ)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર