બીજા કરી શકે તો હું કેમ નહીં?

13 Dec, 2015
12:00 AM

mamta ashok

PC:

(ગયા સપ્તાહે આપણે કલાકાર આબિદ સુરતીનું 'મારું સુખ દુખ'નો પહેલો ભાગ જોયેલો. હવે જોઈએ એ જ મુલાકાતનો બીજો ભાગ...)

મારા જીવનના કપરા સમય વિશે વાત કરું તો એનો તંત તો છેક મારા બાળપણ સુધી જોડાયેલો છે. કારણ કે, મારો તો ઉછેર જ ફૂટપાથ પર થયો છે. મારો જન્મ સુરતમાં થયેલો અને ઉછેર મુંબઈમાં. સુરતમાં રહેતા ત્યારે અમે મોટી હવેલીમાં રહેતા અને મુંબઈમાં અમારા બહોળા પરિવારે નાનકડી ચાલીમાં રહેવા આવી જવું પડેલું. આ હું 1940ના દાયકાની વાત કરી રહ્યો છું, જ્યારે સુરતમાં અમારા પરિવારની શાખ હતી. ત્યારે અમારા સાત દરિયાઈ જહાજો હતા અને દુનિયાની સઘળી જાહોજલાલી અમારે ઘેર ઉછાળા મારતી હતી. પરંતુ નસીબે એવો ઉથલો માર્યો કે, માત્ર એક વર્ષના ગાળામાં અમારા સાતેય વહાણો ડૂબી ગયા. એ સમયે અમારા વડીલોએ મિટિંગ કરી કે, જેમણે અમારા ધંધામાં ધિરાણ કર્યું છે એમની પાઈ પાઈ ચૂકવી દેવી છે કે, પછી દેવાળું જાહેર કરવું? પણ અમારા વડીલોએ એવું નક્કી કર્યું કોઈની રાતી પાઈ પણ આપણે બાકી રાખવી નથી. અને એ ચૂકતે કરવામાં અમારી સંપત્તિથી લઈને અમારી હવેલી સુધીનું સઘળું અમારે વેચી દેવું પડ્યું.

તો બીજી તરફ મુસ્લિમ લિગે પાકિસ્તાનની માગણી કરી ત્યારથી દેશમાં હિન્દુ-મુસ્લિમ કોમ વચ્ચે થોડો તણાવ હતો અને મુસ્લિમ કોમ ભારે અવઢવ અનુભવી રહી હતી કે, આખરે અમારે જવું ક્યાં? એ અવઢવ વચ્ચે અમારા આખા પરિવારે મુંબઈ હિજરત કરી અને હવેલીમાં જાહોજલાલીમાં જીવતો વીસેક લોકોનો બહોળો પરિવાર માત્ર બે નાની ઓરડીની ચાલમાં રહેવા માંડ્યો. એ ચાલીમાં પરિવારના મોટેરા ઓરડીની અંદર સૂતા અને અમે બાળકો ક્યાં તો ચાલીના મકાનની છત પર અથવા ચાલીની બહારના ફૂટપાટ પર સૂઈ રહેતા.

આ તો થઈ અમારા આર્થિક સંઘર્ષની વાત. સંઘર્ષના એ જ ગાળામાં અમારે પારિવારિક સંઘર્ષ પણ કરવો પડેલો કારણ કે, અમારા પરિવારના કેટલાક સભ્યોએ પાકિસ્તાન જવાની તૈયારી દર્શાવેલી, જ્યારે મારા દાદી ઉપરાંત ઘરના કેટલાક સભ્યો ભારતમાં જ રહેવાની તરફેણમાં હતા. વાત નીકળી જ છે તો એક આડવાત કરું. વર્ષ 1930માં જ્યારે ગાંધીજી દાંડી યાત્રાએ નીકળેલા અને તેઓ જ્યારે સુરત જિલ્લામાંથી પસાર થવાના હતા ત્યારે મારા દાદી મળસકે ચાર વાગ્યે તૈયાર થઈને બાપુના દર્શન કરવા ગયેલા. વહેલી સવારનું એ દૃશ્ય એવું હતું કે, ગાંધી ઝડપભેર ચાલી રહ્યા હતા અને એમની પાછળ અન્ય સત્યાગ્રહીઓ દોડી રહ્યા હતા અને રસ્તાની બંને તરફ હજારોની મેદની બાપુના દર્શન કરવા માટે ઊભી હતી. એ મેદની વચ્ચેથી જ્યારે બાપુ પસાર થતાં હતા ત્યારે તેઓ અચાનક થોભી ગયેલા. કારણ કે, સેંકડો પુરુષોની વચ્ચે એક મુસ્લિમ મહિલા એટલે કે, મારા દાદી પણ એમના દર્શન કરવા ઊભા હતાં. દાદીને જોઈને ગાંધી એમની તરફ આવ્યા અને બંને હાથે દાદીને નતમસ્તક વંદન કરીને તેઓ ફરી આગળની દિશામાં વધી ગયા.

વીસ-પચીસ સેકન્ડની આ ઘટના મારા દાદીની જીવનભરની મૂડી હતી અને માત્રને માત્ર આ ઘટનાને કારણે તેઓ પાકિસ્તાન જવાની વિરુદ્ધ હતા. જેઓ પાકિસ્તાન જવાની હિમાયત કરતા હતા એમને દાદીએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે, 'જેણે પાકિસ્તાન જવું હોય એ જાય. હું જીવિશ ત્યાં સુધી આ દેશમાં જ રહેવાની છું. મારે તો હિન્દુસ્તાન પણ આ જ અને પાકિસ્તાન પણ આ જ.' એટલે અમારા થોડા લોકોનો પરિવાર અહીં રહી ગયો. જીવનનો એ સમય બધી રીતે સંઘર્ષપૂર્ણ હતો. હું તો ત્યારે ઘણો નાનો હતો પણ તોય એ દિવસોની મન પર અમિટ છાપ છે.

જીવનના એ સમયથી જ મારા મનમાં એક વાત ઘર કરી ગયેલી કે, કોઈ પણ બાબત કે કામ જો કોઈ બીજું કરી શકતું હોય તો હું કેમ નહીં કરી શકું? કલાના જે જે ક્ષેત્રોમાં મેં જે કંઈ નાનું મોટું કામ કર્યું છે એની પાછળ મારી આ વૃત્તિ જ જવાબદાર છે. એ ગાળામાં અમે મુંબઈમાં અલગારી રખડપટ્ટી પણ ઘણી કરેલી. એ સમયે વિશ્વયુદ્ધ ચાલતું હતું અને અમે ડોંગરી વિસ્તારમાં રહેતા હતા. અમારા ઘર નજીકના બંદર પર વિદેશી સૈનિકો ઉતરતા અને ડોક પરથી તેઓ એક નાની ટ્રેનમાં વિટી સ્ટેશને જતાં. ત્યારે અમે બધા બાળકો એ ટ્રેનની સાથે સાથે ભાગતા અને એ ગોરા સૈનિકો પાસે કંઈક માગતા, કે 'અમને થોડા પૈસા આપો કે અમને કંઈક ખાવાનું આપો.' અને પછી તેઓ બારીમાંથી જે કંઈ ફેંકે એને અમે ઝીલતા.

એવામાં એક સૈનિકે એક કોમિક ફેંક્યું. એ કોમિક પર પણ અમે બધા બાળકો તૂટી પડ્યાં, જ્યાં મારા ભાગમાં પણ કોમિકનું એક પાનું આવ્યું, જેના પર મિકી માઉસનું કાર્ટૂન હતું. મિકીનું એ કાર્ટૂન જોઈને મને થયું કે, આ તો હું પણ દોરી શકું છું અને પછી મેં પણ કાર્ટૂન દોરવાનું શરૂ કર્યું. બસ, એ જ ઘટના મારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો અને હું કાર્ટૂનની દુનિયામાં આવી ગયો. 'બીજા કરી શકે તો હું કેમ નહીં'ની મારી મેન્ટાલિટીને કારણે જ હું લેખન કે નાટકોના ક્ષેત્રમાં પણ આવ્યો.

જો હું દુખી થાઉં તો મારી પીડામાંથી બહાર નીકળતા મને વધુ વાર નથી લાગતી. કોઈક કુદરતી બાબત બની હોય તો હું મારી કળાઓને ખોળે ચાલી જાઉં. પરંતુ જો કોઈ માણસને કારણે મને પીડા થાય અથવા મારો મૂડ બગડે તો સૌથી પહેલા તો હું એ વાત ચકાસી લઉં કે, મારું રિમોટ કોના હાથમાં છે. જો એ રિમોટ બીજાના હાથમાં છે એમ મને જાણ થાય તો બીજી જ પળે મારી પીડાઓ કે મારો ચચરાટ ઓગળી જાય છે.

દુનિયાના સૌથી સુખી કે સૌથી દુખી માણસની વાત આવે છે ત્યારે, હું કહીશ કે, જે માણસ આજની ઘડીને રળિયામણી માનીને વર્તમાનમાં જીવે છે અને ભૌતિક બાબતો પર પોતાના સુખનો ઓછામાં ઓછો આધાર રાખે છે એ માણસ દુનિયાનો સૌથી સુખી માણસ અને જે માણસ વાસ્તવિક સુખને અવગણીને ભૌતિક મોહ માયાની પાછળ ભાગતો રહેશે એ માણસ દુનિયાનો સૌથી દુખી માણસ.

(મુલાકાતઃ અંકિત દેસાઈ)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.