જાત સાથે જીવતા કળાકાર
સુખ અને દુખ જેવા ગહન વિષયો વિશે આજકાલથી નહીં પરંતુ સદીઓથી સંતો મહંતો ચિંતન કરી રહ્યા છે અને એ બધાનું તારણ એક જ છે કે, સુખ એ બાહ્ય નહીં પણ આંતરિક બાબત છે, જે બાબતને આપણે જાતે બહાર કાઢવી પડે અને ત્યારબાદ એને અનુભવવી પડે છે. મહત્ત્વનું એ જ છે કે, તમે તમારું સુખ કઈ રીતે અથવા કયા માધ્યમ દ્વારા બહાર આણો છો. અંદરથી સુખ શોધી કાઢવું એ પણ એક કલા જ છે. હું વિપશ્યના દ્વારા ઘણું શીખ્યો છું. આસપાસની નકારાત્મક્તા વચ્ચે આપણા મનને કેમ શાંત રાખવું એ હું વિપશ્યના દ્વારા શીખ્યો છું. એટલે મારા માટે સુખની વ્યાખ્યા એટલી જ કે, આસપાસના ડહોળાયેલા માહોલ અને સર્વત્રિક પ્રસરેલી નકારાત્મક્તાથી હું અળગો રહું અને મારા વિશ્વમાં અલમસ્ત રહું અને કોઈને હાનિ પહોંચાડ્યા વિના હું મારું કામ કરતો રહું એ જ મારું સુખ.
ઉપર જે રીતે મેં સુખ વિશે કહ્યું એમ આનંદ પણ આપણા અંતર સાથે નિસ્બત ધરાવે છે. આપણે આપણું ગમતું કામ કરતા હોઈએ ત્યારે આપણને આનંદ મળે એ તો સ્વાભાવિક વાત છે. જીવનમાં આપણું ગમતું જ કરવું પણ જોઈએ. પરંતુ હું માનું છું કે, આપણી અંદર ફૂટતો આનંદ સ્વયંસ્ફૂર્ત છે અને એને વ્યક્ત થવા માટે કે બહાર આવવા માટે કારણોની બહુ જરૂર નથી પડતી. આનંદ કોઈ પણ રીતે બહાર આવે જ છે. એટલે જ તો કોઈક વાર સાવ નજીવી વાતે આપણને ખુશી થઈ આવે કે વિના કોઈ કારણ આપણે આખો દિવસ ખુશ રહીએ!
માણસોની બાબતે એવું થતું હોય છે કે, કોઈકને મળીને આપણને ભરપૂર આનંદ થતો હોય છે, તો કોઈકને સામેથી આવતા જોઈને જ આપણે કિનારી કરી લેતા હોઈએ છીએ. પણ જુદાં જુદાં માણસો પ્રત્યે આપણો અભિગમ જુદો હોય એ યોગ્ય નથી. સામાન્ય રીતે આપણે માણસના કોઈક એકાદ વર્તનને પગલે એના પર એક ચોક્ક્સ ટેગ લગાવી દેતા હોઈએ છીએ. એકાદ વાર આપણને કોઈક માણસમાં સ્વાર્થવૃત્તિ દેખાઈ આવે તો એના પર આપણે સ્વાર્થી કે લોભીનું ટેગ લગાવી દેતા હોઈએ છીએ. પણ વાસ્તવિકતા એથી અવળી પણ હોઈ શકે. એ માણસે એની કોઈક મજબૂરીને કારણે સ્વાર્થવૃત્તિ આચરી હોય એમ પણ બને. અથવા પણ બની શકે કે, એ માણસે ખોટા ઈરાદાથી સ્વાર્થ દેખાડ્યો હોય. પણ દ્સ વર્ષ પછી તમે એને મળો ત્યારે કદાચ એ વ્યક્તિ સમૂળગી બદલાઈ ગઈ હોય. આવા સમયે આપણું પેલું ટેગ બે માણસ વચ્ચેના સંબંધની આડે આવે છે. કારણ કે, જેતે વ્યક્તિને મળતી વખતે આપણા મનમાં પેલું લેબલ સતત ઘુમરાયા કરતું હોય એને કારણે આપણે ક્ષણને માણી શકતા નથી. એટલે માનવીય સંબંધોને માણવા હોય તો માણસોને ટેગ આપવાનું ટાળવું જોઈએ એવું હું માનું છું.
સુખની આધારિતાની વાત આવે છે ત્યારે હું ફરી આપણા આંતરિક સુખની વાત કરીશ. જ્યારે આપણા સુખનું ઝરણ આપણી અંદરથી ફૂટતું હોય ત્યારે એ બહારની કોઈ બાબત કે વ્યક્તિ પર આધાર કઈ રીતે રાખી શકે? આપણું સુખ બીજાઓ પર ક્યારેય આધારિત નહીં હોઈ શકે. યાદ રહે કે, આપણે ટેલિવિઝન નથી, આપણે માણસો છીએ. ટેલિવિઝનનું રિમોટ કોઈ બીજાના હાથમાં હોઈ શકે, જ્યાં પેલા માણસને મન થાય ત્યારે ટેલિવિઝનની ચેનલ બદલી શકે, એને મન થાય ત્યારે ટીવી ચાલુ-બંધ કરી શકે. પણ આપણું રિમોટ બીજાના હાથમાં હોય અને એને મન થાય ત્યારે આપણને સુખી કે દુખી કરે એ ચલાવી શકાય નહીં. કોઈના હિસાબે આપણો મૂડ ક્યારેય બદલાવો નહીં જોઈએ. અને એના માટે આપણે સતત સજાગ રહેવાનું કે, આપણું રિમોટ ક્યાંક બીજાના હાથમાં તો નથીને? એને મન થાય ત્યારે એ આપણા મૂડને તો નથી બદલતોને? આપણું સુખ અને આપણું દુખ આપણા હાથમાં જ હોવું જોઈએ.
આપણે જેમ સુખથી પર નથી હોતા એમ દુખથી પણ પર નથી હોતા. એટલે હું પણ દુખ જેવી લાગણીથી અલિપ્ત નહીં રહી શકું. પરંતુ એટલું જરૂર કે, કોઈ બાબતે મને પીડા થાય કે, હું દુખ અનુભવું તો એ સ્થિતિમાં હું ટેમ્પરરી અથવા ઘણા ઓછા સમય માટે હોઉં છું. જોકે હું એમ માનું છું કે, સુખ કે દુખ જેવી લાગણીઓ ટેમ્પરરી પણ ન હોવી જોઈએ, પણ એ તો આપણે સંત હોઈએ તો જ શક્ય બને! હજુ થોડા દિવસો પહેલા જ અમિતાભ બચ્ચને મને મારી સંસ્થા 'ડ્રોપ ડેડ' માટે અગિયાર લાખ રૂપિયા આપ્યાં. આવી માતબર રકમ મળવાને કારણે મને થોડી ખુશી થઈ કારણ કે, એ રકમ દ્રારા હું પાણી બચાવો અભિયાનમાં હજુ કંઈક વધુ કરી શકીશ. પરંતુ પછી મને થયું કે ધારોકે એ રકમ નહીં પણ મળી હોત તો મને એનાથી કોઈ ફરક પડવો નહીં જોઈએ. મારા માટે તો મારું કામ જ મહત્ત્વનું હોવું જોઇએ.
આસપાસના માણસો અથવા સંબંધોથી કંટાળીને ભાગી જવાનું મને ક્યારેય મન નથી થયું. જોકે એનું એક કારણ એ પણ છે કે, હું ભીડનો માણસ નથી. મને મારી કંપની ત્યાં સુધી ગમે કે, હું શરાબ પીવા પણ એકલો જ બેસું. અલબત્ત, ક્યાંક પાર્ટીમાં ગયા હોઈએ અને ત્યાં લોકોની સાથે બેઠા હોઈએ એ વાત અલગ છે. પરંતુ એવું જવલ્લે જ બને. બાકી બધો હું મારી જાત સાથે જ હોઉં છું. જ્યારે તમને તમારી જ કંપની ગમતી હોય ત્યારે દુનિયાની કોઈ તાકાત તમને હલાવી શકતી નથી.
આજના સમયની તકલીફ એ છે કે, માણસો પોતાની સાથે જીવવાનું ટાળે છે. આમ તો એ એના દિવસનો મોટાભાગનો સમય ઓફિસ કે ઘરના કામોમાં કે બીજા લોકોની સાથે વીતાવી દેતો હોય છે. પણ આ ઉપરાંત પણ દિવસમાં એને ઘણી વાર એવી તક મળતી હોય, જ્યારે એ પોતાની જાત સાથે સમય વીતાવી શકે. પણ આવા સમયે લોકો વ્હોટ્સ એપ ચેક કરતા હોય અથવા સોશિયલ નેટવર્કિંગમાં બિઝી થઈ જાય. અને એક રીતે પોતાની જાતને જ ટાળી દે.
કેટલીક વાર લોકોને એમ પણ બીક હોય છે કે, જો અમે અમારી જાત સાથે રહેશું તો અંદરનું બધુ ઉખડીને બહાર આવી જશે, જે પરિસ્થિતિ સહન નહીં કરી શકાય. એ પરિસ્થિતિનો સામનો નહીં કરી શકાય. પણ, મારા ભાઈ અંદરનું બહાર આવશે તો આવવા દોને. એ તો સારું થશે કે, તારી અંદર ધરબાયેલો બધો કચરો બહાર નીકળી જશે, ખાલી થઈ જશે તું. ભલા માણસ જાતથી કેમ ભાગો છો તમે?
(વધુ આવતા રવિવારે)
(મુલાકાતઃ અંકિત દેસાઈ)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર