દુઃખ વહેંચવાથી દુઃખ વધે

03 Jul, 2016
12:05 AM

mamta ashok

PC:

તમારા માટે સુખની વ્યાખ્યા શું?

સુખ દુઃખ સાપેક્ષ છે. એની કોઈના માટે કોઈ ચોક્કસ વ્યાખ્યા હોય નહીં. મને સુખ લાગતું હોય તે બીજાને દુઃખ લાગતું હોઈ શકે. બચપણમાં આપણી આસપાસના વાતવરણ પ્રમાણે આપણા બ્રેનમાં જે હાર્ડ વાયરીંગ થાય તેના પર આધાર રાખે છે. કોઈ તીખું ખાવામાં દુઃખી થઈ જાય અને આંખોમાં પાણી આવી જાય અને મને મજા પડી જાય તેવું બને. મને અમદાવાદની સત્યાગ્રહ છાવણીમાં આવેલા વૈભવી બંગલામાં રહેવા મળે તો સુખી થઈ જાઉં, પણ મુકેશ અંબાણીને એમાં રહેવા જવાનું આવે તો દુઃખી થઈ જાય. ટૂંકમાં સર્વાઈવલ સ્ટ્રેટેજી પ્રમાણે તમારા બ્રેઈનમાં કેવી સર્કિટો બની છે અને તે પ્રમાણે સુખ આપતા ન્યુરોકેમિકલ્સ તમારા બ્રેઈનમાં છૂટે તે પ્રમાણે સુખ અને દુઃખ થતાં હોય છે.

જીવનમાં કઈ બાબતોમાંથી આનંદ આવે?

આ બધું પણ સમયાંતરે બદલાતું રહેતું હોય છે. યુવાનીમાં કોઈ સુંદર છોકરી સાથે આનંદ આવતો હોય છે. આધેડ અવસ્થાએ સારું ભોજન મળે આનંદ આવતો હોય છે અને વૃદ્ધાવસ્થાએ સવારે પેટ સાફ આવે ત્યારે આનંદ આવતો હોય છે. બચ્ચન સાહેબનું પીકુ મૂવી જોયું હશે! મને સૌથી વધુ આનંદ સારું પુસ્તક વાંચવા મળી જાય ત્યારે આવતો હોય છે. હવે ખાપાપીવાનો શોખ ખાસ રહ્યો નથી. પણ સારાં પુસ્તકો મને છેક સ્કૂલમાં ભણતો ત્યારથી આનંદ આપે છે. વિજાપુરનું સાર્વજનિક પુસ્તકાલય સવારે ખૂલે કે તરત એક પુસ્તક લઈ આવતો. સાંજે પાછું આપી નવું લઈ આવતો. એટલો ગાંડો શોખ વાંચવાનો હતો. પછી એ ગાંડપણ ઓછું થયું, પણ વાંચવાનું હજુ ચાલુ જ છે.

સુખ માટે આધારિતતા કેટલી યોગ્ય? અથવા આપણું સુખ બીજા પર આધારીત હોવું જોઈએ ખરું?

હંમેશાં આનંદમાં રહેવું, સુખી રહેવું જોઈએ એ બધી ફિલોસોફીકલ વાતો છે. કોઈ રહી શકતું નથી. તમે સુખી અને દુઃખી બંને હંમેશાં રહી શકો નહીં. મેં અગાઉ કહ્યું તેમ બચપણમાં આપણી આસપાસના વાતાવરણ પ્રમાણે બ્રેઈનમાં સર્વાઈવલ માટે એક ચોક્કસ સ્ટ્રેટેજી બનેલી હોય છે તેને કોઈ પણ વ્યક્તિ કે સંજોગ સપોર્ટ કરે એટલે સુખ મળે, આનંદ મળે અને સપોર્ટ ના કરે, થ્રેટ લાગે તો દુઃખ થાય. અનાસક્ત યોગ વિશે સુંદર ભાષણ આપ્યા પછી એ જ ભાષણ આપનારને એ કથાનો આયોજક પુરતો ચાર્જ કે પૈસા આપે નહીં તો તે પણ દુઃખી થવાનો. એટલે આપણું સુખ બીજા પર આધારીત હોવું જોઈએ ખરું? બીજા પર આધારીત હોય જ છે. પણ બીજા પર આધારીત હોય એટલે તે સતત રહે નહીં. કારણ બીજા દુઃખનું પણ કારણ બને. એટલે શાસ્ત્રો કહેશે સુખ દુઃખનો આધાર બીજાને બનાવશો નહીં. પણ આપણું તો પૂરું જીવન એકબીજાને આધારીત જ હોય છે તો પછી ક્યાંથી છટકશો?

કઈ બાબતો કે ઘટના ઘટે ત્યારે મન વ્યથિત થાય?

એવું કશું ચોક્કસ હોય નહીં. આપણી માન્યતાઓ અનુસાર કશું નહીં બને એટલે ભલભલાના મન વ્યથિત થવાના એમ મારા પણ થાય.

આસપાસના માણસો કે સંબંધોથી કંટાળીને ક્યાંક ભાગી જવાનું મન થયું છે ક્યારેક?

ના. મને ભાગવાનું મન થતું નથી. હું કોઈને સુખી-દુઃખી કરતો હોઉં તેમ કોઈ મને. એમાંથી ભાગીને ક્યાં જવાનું? પાર્ટસ ઑવ લાઈફ.

તમારા જીવનના કોઈ કપરા સમય વિશે વાત કરશો?

કપરા સમય કાયમ નિયમિત આવતા જ હોય છે. કપરા હોય કે મજાના, દિવસો કાયમ ટકતા નથી. એટલે ખાસ કશું કપરું લાગે નહીં. છતાં કહું તો મારા પિતાશ્રીના અવસાનનો સમય કપરો લાગેલો. આમ તો હું મારા અંગત દુઃખ ગાવામાં માનતો નથી, પણ તમે પૂછો છો એટલે કહું. ત્યાર પછી મારા વાઈફની ઉંમર ફક્ત 26 વર્ષની હતી, અમારે ત્રણ નાના દીકરાઓ હતા અને એની એક કિડની ખરાબ થઈ જતા રિમુવ કરાવવી પડેલી તે સમય કપરો લાગેલો. પછી અમેરિકા આવવાના વિઝા અમને મળ્યા પણ મારા સૌથી મોટા દિકરાને 21 વર્ષ જતા વિઝા મળ્યા નહીં એને એકલો મૂકી અહીં આવવું પડ્યું, તે સમયે અપસેટ થઈ જવાયેલું. અને 2012માં વાઈફની બીજી કિડની પણ ખરાબ થઈ ગઈ, એમને બે વર્ષ ડાયાલિસીસ પર રાખવા પડ્યા પછી નવી કિડની મળી ગઈ. તે બે-ત્રણ વર્ષ કપરા હતા. પણ આ બધાં સમય ટક્યા નથી વહી ગયા છે. પણ હું અંગત રીતે માનું છું કે, સુખ વહેંચવાથી સુખ વધે તેમ દુઃખ વહેંચવાથી દુઃખ પણ વધે. આપણું દુઃખ વહેંચી બીજાને શું કામ દુઃખી કરવા? સુખ વહેંચો દુઃખ નહીં. તમે આસપાસમાં એવા લોકો જોયા જ હશે, જેઓ કાયમ એમના દુખડાં ગાતા હોય. તમે એમના દુઃખે દુઃખી થઈ જાઓ અને તે લોકો દુખડાં ગાઈ કેથાર્સિસનો એક અજીબ આનંદ માણતા જતાં રહે. આવા ટોક્સિક લોકોથી એક અંતર રાખવાનું શીખી લેવું.

દુઃખી થાઓ ત્યારે પીડામાંથી બહાર આવવા તમે શું કરો છો?

ખાસ કશું નહીં. મને ખબર છે આ સમય પણ જતો રહેવાનો છે, અને અમુક સંજોગોના આપણા હાથમાં ઉપાય હોતા નથી. તો જેનો ઉપાય ના હોય તેને સ્વીકારી લેવાનું.

અત્યાર સુધીના જીવનમાંથી શું શીખ્યા?

જીવનમાં જીવીએ ત્યાં સુધી કાયમ શીખવાનું જ હોય છે, તે શીખ્યો છું.

તમારા મતે દુનિયાનો સૌથી સુખી કોણ અને દુઃખી કોણ?

સુખ દુઃખને પાર્ટસ ઑફ લાઈફ સમજે તે સૌથી સુખી. અને આ દુઃખ મને જ કેમ પડે છે? મારી સાથે જ આવું કેમ બને છે? તેવું માનનાર સૌથી વધુ દુઃખી.

અમારા વાચકોને સુખી રહેવા માટે કોઈ સલાહ કે ટીપ્સ જેવું કંઈક આપશો?

મફતમાં કશું અપાય નહીં. એની કોઈ કિંમત હોય નહીં. હાહાહા… જોકે લોકો વાંચીને ભૂલી જશે.

ચાલો તો પણ કહું કે કાયમ સુખી રહેવાની કોઈ ચાવી છે નહીં. સુખ દુઃખ મનમાં ન આણીએ ઘટ સાથે રે ઘડિયા. સુખ-દુઃખ આપણા જીવન સાથે ઘડેલા જ છે, એની શું ચિંતા કરવી? પાર્ટસ ઑફ લાઈફ સમજો. કાયમ સુખ મેળવવાની લહાયમાં દુઃખી થવાનું કોણે કહ્યું?

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.