માણસમાં આંતરિક સ્થિરતા હોવી જરૂરી છે
જીવનમાં મને હંમેશાં સાદગી આકર્ષી છે અને સાદગીમાં જ મને સુખ પણ જડ્યું છે. એટલે જ્યારે સુખની વ્યાખ્યા કરવા બેસું તો સુખ વિશે મારી કોઈ લાંબી કે ફિલોસોફીથી ભરપૂર વ્યાખ્યા નહીં હોય. હું એટલું જ કહું કે, મારા માટે સાદગી એ જ સુખ. અને એ સુખનો લખલૂટ લહાવો હું નાનપણથી માણતી આવી છું. મારા આનંદનું પણ એવું જ છે. આનંદ વિશેના મારા આધારો અત્યંત સીમિત અને પોતીકા છે. હું મારા માતા-પિતા કે મારા ભાઈ-બહેન અથવા મારા ગુરુ કે મારા સંગીતની સમીપે હોઉં તો એ મારા માટે સર્વસ્વ કહેવાય. સંગીત અને મારા સ્વજનો મારી સાથે હોય એટલે હું અમસ્તીય આનંદમાં રહું, એવા સમયે મારે આનંદમાં રહેવાના કારણો શોધવા નથી પડતા.
સુખની આધારિતાની વાત આવે છે ત્યારે હું એમ કહીશ કે, જે માણસ પોતાના સુખનો આધાર બીજા પર રાખતો હોય એ માણસ ખરા અર્થમાં દુખી માણસ હોય છે. કારણ કે, સુખ અથવા આનંદ એ તો આપણી અત્યંત અંગત અને આંતરિક બાબત છે. આખરે કોઈ કઈ રીતે આપણને દુખી કરી શકે? એવું બની શકે કે કોઈનું આપણી સાથેનું વર્તન આપણને દૂભવી જાય. પણ તોય સામેવાળી વ્યક્તિનું વર્તન આપણે ગણકારવું જોઈએ કે, નહીં એ માત્ર આપણા પર જ આધાર રાખે છે. એટલે આ બાબતે આંતરિક રીતે આપણું સ્થિર હોવું કે, સમૃદ્ધ હોવું અત્યંત મહત્ત્વનું બની જાય છે. આપણે જો આંતરિક રીતે સ્થિર હોઈએ તો કોઇ લાખ પ્રયત્ને પણ આપણને દુખી કરી શકવાનું નથી.
મારી વ્યથા મારા સંગીત સાથે સંકળાયેલી છે. રોજબરોજના જીવનમાં હું ઘણી વ્યસ્ત હોઉં છું, એટલે ખરું કહું તો વ્યથા કે પીડા જેવી બાબતો વિશે મારે વિચારવાનું પણ નથી બનતું. પરંતુ હું રિયાઝ અને પ્રેક્ટિસની અત્યંત આગ્રહી છું. અને કોઈ પણ પ્રોગ્રામ પહેલા પૂરતો રિયાઝ કરીને કે વાદ્યો સાથેના યોગ્ય તાલમેલ સાથે પ્રેક્ટિસ કરી લેવાની મને આદત છે. એવામાં જો કોઈક વાર પ્રેક્ટિસ વિના કાર્યક્રમ કરવાનું બને તો મને સતત એવું પીડે કે, મેં પૂરતી પ્રેક્ટિસ કરી લીધી હોત તો સારું થાત. આટલા વર્ષોના અનુભવ પછી પણ મારો આત્મા મને સતત ટકોર કરતો રહે છે કે, મારે ક્યારેય પૂરતા રિયાઝ કે તૈયારી વિના કાર્યક્રમમાં ગાવુ ન જોઈએ.
આસપાસના લોકો કે સંબંધોથી કંટાળીને ભાગી છૂટવાનું મને ક્યારેય મન નથી થતું. આપણે માણસ છીએ એટલે કોઈક વાર સામેના માણસના સ્વભાવ કે એના વર્તનને કારણે એવું થઈ આવે કે, આ શું? પરંતુ એક વાતે હું શ્યોર છું કે, જીવનની કોઈ પણ પરિસ્થિતિ કે, સંબંધોમાં ક્યારેક કંઈક તકલીફ ઊભી થાય તો એમાંથી ભાગી છૂટવા કરતા એ સ્થિતિમાં ટકી રહેવું કે એનો સામનો કરવું અત્યંત મહત્ત્વનું હોય છે. એ સિચ્યુએશનમાં ટકી રહીશું તો એમાં ચોક્કસ આપણને સોલ્યુશન મળશે. ભાગી, જવાથી કોઈ દિવસ ઉકેલ નહીં મળે.
લગભગ દોઢ દાયકા ઉપરની સંગીતની કારકિર્દી કે, જીવનની આટલી યાત્રા દરમિયાન મારે ક્યારે કોઈ વિકટ પરિસ્થિતિ કે પડકારોનો સામનો નથી કરવો પડ્યો. નસીબજોગે મને મારી આસપાસના માણસો એટલા બધા સારા મળ્યાં છે કે, મારે જીવન કે કારકિર્દીમાં ક્યારેય કોઈ પણ પ્રકારના સંઘર્ષનો સામનો નથી કરવો પડ્યો. આ સમયે હું ગુજરાતી સુગમ સંગીતમાં કાર્યરત કલાકારોને ખાસ યાદ કરીશ કે, અહીં વાતાવરણ એટલું બધુ સુંદર છે અને ગાયકો કે અન્ય કલાકારો માણસ તરીકે એટલા ઉમદા છે કે ન પૂછો વાત. તો બીજી તરફ ઘરમાં પણ હંમેશાં ગીત-સંગીતનો માહોલ રહ્યો છે એટલે સંગીતને કારકિર્દી તરીકે પસંદ કરતી વખતે પણ મારે કોઈ સંઘર્ષનો સામનો નહોતો કરવો પડ્યો.
ઉપર કહ્યું એમ મારે વ્યથા કે પીડા જેવી લાગણી સાથે ઝાઝો પનારો નથી પડતો. પણ છતાં જો કોઈક વાતે હું દુખી થાઉં તો સૌથી પહેલા તો દુખી થવાના કારણની પૂરતી તપાસ કરું, એ કારણની મારા જીવનમાં મહત્તા કેટલી છે એ જાણી લઉં અને એમાં જો મને એમ લાગે કે, આ તો સાવ નાંખી દેવા જેવી વાત છે, તો થોડા જ સમયમાં મારામાં પોઝિટીવિટી આવી જાય અને હું એ પીડામાંથી બહાર આવી જાઉં. આ ઉપરાંત હું એક બાબતનું પણ ધ્યાન રાખું કે, જીવનમાં કેટલીક બાબતો કે ઘટના એવી હોય છે, જેમાં આપણે ધારીને પણ કશું કરી શકતા નથી હોતા. એવા સમયે હું એમ વિચારું છું કે, જે આપણા હાથમાં જ નથી એનો વળી વસવસો શેનો? આ નવરાત્રીની જ વાત કરું તો નવરાત્રીના ત્રીજા દિવસે હું ડેંગ્યુમાં પટકાઈ અને મારે નવરાત્રી ઉપરાંત વિદેશના મારા કેટલાક કાર્યક્રમો પણ કેન્સલ કરવા પડ્યાં. આટલી બધી તૈયારીઓ બાદ સાવ અચાનક તમારે બધુ રદ કરવું પડે ત્યારે સ્વાભાવિક જ મન વિક્ષુબ્ધ થાય. હું પણ આ વાતને લઈને થોડો સમય ખિન્ન હતી, પરંતુ પછી મેં વિચાર્યું કે, 'મેં તો મારા તરફથી કોઈ જ કસર બાકી નથી રાખીને? અને એમાં તો હું ધારીને પણ કશું કરી નહીં શકી હોત.' એટલે પછી મેં આ બાબતે ઝાઝું વિચારવાનું બંધ કર્યું અને પૂરતો શારીરિક અને માનસિક આરામ મેળવીને મારી બિમારીમાંથી બહાર આવી ગઈ.
જીવનમાં આમ તો આપણને જાતજાતના અનુભવો થતાં રહેતા હોય છે અને એ અનુભવોમાંથી ઘણું બધું શીખતા પણ હોઈએ છીએ. પરંતુ એક બાબત હું ક્લાસિકલ સંગીતના મારા ગુરુ પાસે એ શીખી છું કે, જીવનમાં દરેક બાબત કરવા માટે એક ચોક્કસ સમય હોય અને ચોક્કસ યોગ્યતા સાથે જ અમુક બાબતો કરવી જોઈએ. ચોક્કસ યોગ્યતા સાથે અને ચોક્કસ સમયે જ અમુક બાબતો કરવામાં આવે તો આપણા ભાગે વેઠવાનું નહીવત્ આવે. હું પીયુબેન સરખેલ પાસે છેલ્લા સોળ વર્ષથી શાસ્ત્રીય સંગીતની તાલીમ લઉં છું અને સુગમ સંગીતની સાથોસાથ મને ક્લાસિલ સંગીતની ઈવેન્ટ માટે પણ આમંત્રણ આવે છે. પરંતુ આ માટે હું જ્યારે મારા ગુરુની પરવાનગી લઉં છું ત્યારે મારા ગુરુ મને કહે છે કે, હજુ એ માટેની વાર છે. એની પાછળનું કારણ સમજાવતા મારા ગુરુએ એક સરસ વાત કરેલી કે, હું અત્યારે જે સહજતાથી સુગમ સંગીતને માણું છું એટલી જ સહજતાથી જ્યારે હું ક્લાસિક્લ સંગીત માણતી થઈશ ત્યારે જ મારે ક્લાસિક્લ માટે પરફોર્મન્સ આપવું જોઈએ, જેથી સંગીતની સહજતા પણ જળવાઈ રહે. મારા ગુરુની આ જ બાબત મેં જીવનમાં પણ ઉતારી છે કે, જીવનમાં સાહજિકતા જેવી પણ કોઈ વસ્તુ હોય છે, જે ચોક્કસ સાધના બાદ ચોક્કસ સમયે જ આવતી હોય છે.
દુનિયાના સૌથી સુખી અને દુખી માણસની વાત કરું તો જે માણસ સાવ નાંખી જેવા જેવી બાબતોને પણ અત્યંત ગંભીરતાથી લઈને એ બાબતોનો સતત વિચાર કર્યા કરતો હોય એ માણસ સ્વાભાવિક જ દુખી હોવાનો અને જે માણસ નાનીનાની વાતોમાં પણ આનંદ મેળવતો હોય અને જેના માટે એનો પરિવાર અગ્રિમ હોય એ માણસ જરૂર સુખી હોવાનો. 'khabarchhe.com'ના વાચકોને પણ હું એટલું જ કહીશ કે, સુખી થવું કે દુખી થવું એ આપણા હાથમાં છે. આપણા સુખ દુખની ચાવી કોઈ બીજાના હાથમાં હોય એ વાત જ ખોટી છે.
(મુલાકાતઃ અંકિત દેસાઈ)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર