પીડા એટલે ઈશ્વરની ગુડબુકમાં આપણું નામ હોવાની સાબિતી

13 Mar, 2016
12:05 AM

mamta ashok

PC:

તમારા માટે સુખની વ્યાખ્યા શું?

હું માનું છું કે, જો માણસમાં એની જરૂરિયાત(નીડ)ને મિનિમાઈઝ કરવાની આવડત હોય તો એ ચોક્કસ જ સુખી થતો હોય છે, અને હું બિલકુલ આ જ વાતને મારા જીવનમાં લાગુ પાડવાનો નિયમિત પ્રયત્ન કરતો રહું છું. આપણે જો આપણી ઈચ્છાઓને કાબૂમાં રાખતા નહીં શીખીશું અને ઈચ્છાઓને વિસ્તારતા જ રહીશું તો આપણે ભાગે દુખી થવાનું જ આવશે. કારણ કે, ઈચ્છાઓને છેડો પણ નથી અને નિવેડો પણ નથી! એટલે આપણે વિવેક બુદ્ધિ વાપરીને ઈચ્છાઓ પર લગામ રાખતા શીખી જવું જોઈએ, જેથી આપણને આપણા હિસ્સાનું સુખ મળી રહે. સુખની બાબતે હું એમ પણ માનું છું કે, આપણું સુખ સાપેક્ષ નહીં, પરંતુ નિરપેક્ષ હોવું જોઈએ.

જીવનમાં તમને આનંદ કઈ બાબતોમાંથી મળે છે?

મને મારી એકલતામાંથી અત્યંત આનંદ મળે છે. લોકો એકલતા અને એકાંતને જુદી જુદી રીતે વ્યાખ્યાયિત કરે છે, અને એ લોકો એમની રીતે સાચા પણ હશે. પરંતુ હું આ બાબતે એમ માનું છું કે, એકાંત કે એકલતાએ એ માત્ર સ્ટેટ ઑફ માઈન્ડ છે. એટલે એને એકાંત કહો કે એકલતા પણ જે સ્થિતિમાં હું સંપૂર્ણ એકલો હોઉં અને મને મારી જાત સાથે જીવવા મળે એ સ્થિતિ મારા માટે આનંદદાયક હોઈ શકે છે.

બીજી રીતે કહીએ તો મને બીજાનંદમાં નહીં પરંતુ નીજાનંદમાં અત્યંત આનંદ આવે છે. અંગ્રેજીમાં કહેવાય છે કે, 'when you are lonely, you are only', બસ, હું મારી જાત સાથે સમય વીતાવવામાં માનું છું અને એમાં જ આનંદ પણ મળે છે.

આપણું સુખ કોઈના પર આધારિત હોઈ શકે ખરું?

હા, આપણું સુખ ડેફિનેટલી બીજા પર જ આધારિત હોય છે. માણસ તરીકે આપણે સૌ સંવેદનશીલ છીએ. પછી એ સંત હોય કે મોટો ગુંડો હોય, પરંતુ કેટલીક બાબતો એવી હોય છે, જે કોઈ પણ માણસને ઢીલો પાડી દે છે. અરુણ ગવલી જેવો ડૉન ઠંડે કલેજે ભલે કોઈની હત્યા કરી દેતો હોય, પરંતુ એ જ ગવલી એનો કૂતરો મરી જાય તો ભાંગી પડે એમ પણ બનતું હોય. કે એ જ કૂતરો ગેલમાં આવી જાય તો ગવલીનો દિવસ લવલી પણ બની જતો હોય! એટલે આપણું સુખ અન્યો પર અવલંબે છે એ નકારી શકાય નહીં.

તમારા વ્યથિત થવાના કારણો કયા?

કોઈક સિરિયલ કિલરને સોપારી મળી હો અને એ કોઈકને મારી નાંખે તો મને બહુ દુખ ન થાય. એવા સમયે હું એમ માનું કે, એણે એનો ધર્મ નિભાવ્યો છે અને સાથે જ પેલો ખૂની કેટલો ખોટો છે કે મરનાર કેટલો નિર્દોષ છે એ વાત સાથે પણ મને ઝાઝી નિસ્બત નથી હોતી. કારણ કે, એ બંને પાસે પોતપોતાના સત્યો હશે!

પરંતુ કોઈક સર્જક કે કલાકાર દ્વેષી હોય તો મને ખૂબ દુખ થાય. કારણ કે, ઈશ્વર સર્જન કરવાના કે કળાની આરાધના કરવાના આશીર્વાદ બધાને નથી આપતો. તો આવા સમયે સર્જક ઉત્તમ સર્જન કરવા છતાં જો કોઈકના પ્રત્યે દ્વેષ દાખવે તો એ તો આપણા સૌના સર્જનહારનું અપમાન થયું કહેવાય.

હું માનું છું કે, કોઈ પણ સર્જક પાસે રોષ જરૂર હોવો જોઈએ, પણ એનામાં દોષ ન હોવો જોઈએ. દાખલા તરીકે, તમને અરવિંદ કેજરીવાલ, નરેન્દ્ર મોદી કે રાહુલ ગાંધી પ્રત્યે કોઈક બાબતે રોષ હોય તો તમારા સર્જનમાં રોષ જરૂર વ્યક્ત કરી શકાય. પરંતુ પોતાના સર્જનમાં દ્વેષભાવ નહીં દર્શાવી શકાય.

આ ઉપરાંત કેટલીક રોજિંદી ઘટનાઓ પણ મને વ્યથિત કરી જતી હોય છે. ઉદાહરણ આપું તો કોઈક પ્લેન ક્રેશના સમાચાર છપાયા હોય તો હું એને અકસ્માત માનું. પણ એમાં જ્યારે મૃતકોની યાદી પર નજર ફેરવું અને એમાં ક્યાંક તેર મહિનાના બાળકના મૃત્યુના સમાચાર વાંચુ તો હું ખળભળી ઊઠું. મને એમ થઈ આવે કે, એ બિચારાને તો જિંદગી કોને કહેવાય એની પણ ખબર નથી તો એની સાથે આવું શું કામ બન્યું? એટલે આવી કેટલીક બાબતો મને વિચલિત કરી જાય ખરી.

આસપાસના સંબંધો કે માણસોથી કંટાળીને ક્યાંક ભાગી જવાનું મન થયું છે ખરું?

સ્વભાવની બાબતે હું અત્યંત મુક્ત મિજાજી માણસ છું. એટલે ક્યારેક કોઈ બાબતે તરંગો સર્જાય તો હું પોતે નથી ભાગતો પરંતુ સામેની વ્યક્તિને ભગાડી દેતો હોઉં છું!!! કોઈ પણ સંબંધની બાબતે મેં મારા જીવનમાં ત્રણ નિયમો બનાવ્યા છે, જેનું હું અત્યંત ચૂસ્તપણે પાલન કરું છું. એ ત્રણ નિયમ એટલે મારી મરજી, મારી શરત અને મારો સમય.

આનો અર્થ એ પણ નથી કે હું સંબંધોની બાબતે તાનાશાહ છું. હું વિવેકભાન ક્યારેય નથી ભૂલતો, પરંતુ આ ત્રણ બાબતોનું પાલન કરવાને કારણે હું ક્યારેય છેતરાતો નથી અને છેતરતો પણ નથી એ વાત નક્કી છે.

આ નિયમના પાલનને કારણે એવું બની શકે કે, આજે હું દસ લાખના પગારની નોકરી કરતો હોઉં તો કાલે આઠ લાખ રૂપિયા કે એથી ઓછા પગારની નોકરી કરતો હોઉં, પરંતુ ખોટી રીતે કોઈને તાબે થવાનું મારા સ્વભાવમાં નથી. આશ્ચર્યની વાત એ છે કે, મિત્રોમાં પણ મેં આ નિયમોનું ચૂસ્ત પાલન કર્યું છે.

જીવનમાં ક્યારેય કપરોકાળ જોવાનો આવ્યો છે ખરો?

હા, આર્થિક રીતે તો ખૂબ જ. હું કોલેજના છેલ્લાં વર્ષમાં હતો ત્યાર સુધી મેં રોજની 32 કિલોમીટર સાયકલ ચલાવીને ન્યૂઝ પેપર્સની ડિલેવરી કરી છે.

આપણી આ દુનિયાની એ વક્રતા છે કે, આપણે ત્યાં હંમેશાં પૈસાને હિસાબે માણસની કિંમત નક્કી થાય છે, જે કારણે માણસ કેટલો ઈમાનદાર છે કે એ કેટલો વફાદાર કે સંવેદનશીલ છે એવું કશું જ ધ્યાનમાં રાખવામાં આવતું નથી. પણ હું નસીબદાર એ રીતે રહ્યો છું કે, પ્રાથમિક શાળામાં હતો ત્યારથી મને શિક્ષકો અત્યંત સારા મળ્યાં. સારા શિક્ષકો મળવાને કારણે મને પુસ્તકો ખૂબ સારા મળ્યાં. બાર-તેર વર્ષની ઉંમરથી સારા પુસ્તકો વાંચતા રહેવાને કારણે કોની સાથે સોબત કરવી અને કોને મહોબત કરવી એની સમજણ કેળવાઈ અને આ કારણે મને સારા દોસ્તો મળ્યાં. એટલે આર્થિક સંકડામણનો મેં જરૂર સામનો કર્યો હશે, પરંતુ શિક્ષકો, પુસ્તકો અને દોસ્તોને કારણે હું અત્યંત સમૃદ્ધ જીવન જીવ્યો છું.

જો દુખી થાઓ તો તમારી પીડામાંથી બહાર આવવા માટે ક્યા પ્રકારના પ્રયત્નો કરો?

હું એવું દૃઢપણે માનું છું કે, જીવનમાં જો આપણને પીડા મળતી હોય તો એનો મતલબ એ છે કે, ઈશ્વરની ગુડબુકમાં આપણું નામ સામેલ છે. ઈશ્વર હંમેશાં શ્રદ્ધાવાનને જ દુખ આપતો હોય છે. એટલે જીવનમાં જ્યારેય પીડા અનુભવવાનું આવે કે મારું મન વ્યાકુળ હોય તો હું સતત ‘હરિઓમ તત્સત જય ગુરુદત્ત’ મંત્રનો જાપ કરું છું.

આ મંત્રના જાપ કરતી વખતે દરેક વખતે મેં એવું અનુભવ્યું છે કે, ક્યાં તો આ મંત્ર મને પીડા સહન કરવાની શક્તિ આપે છે અથવા મારી પીડામાંથી બહાર નીકળવાની શક્તિ આપે છે. જીવનમાં મને તંત્રના શરણે જવા કરતા મંત્રના શરણે જવામાં વધુ શ્રદ્ધા છે અને જ્યારે પણ હું મંત્રના શરણે ગયો છું ત્યારે મને શાંતિ અને સફળતા બંને મળ્યાં છે.

અત્યાર સુધીના જીવનમાંથી શું શીખ્યાં?

આપણા જન્મ અને મૃત્યુ વચ્ચેનો કાળ, જેને આપણે જીવન કહીએ છીએ એ કાળ દરમિયાન આપણે પ્રકૃતિને અને એના સિદ્ધાંતોને સમજવાના છે અને એ સમજણને આપણા જીવનમાં ઉતારવાની છે. દાખલા તરીકે પ્રકૃતિને રિપિટેશન એટલે કે, પુનરાર્વતન ગમતું નથી. પ્રકૃતિએ તમામ વસ્તુ એકબીજાથી અલગ બનાવી છે. એક વૃક્ષ જેવું બીજું વૃક્ષ નથી બનાવ્યું કે, એક દિવસ જેવો બીજો દિવસ નથી બનાવ્યો, કે નથી એક માણસ જેવો બીજો માણસ બનાવ્યો! જ્યાં જુઓ ત્યાં વિવિધતા છે. પરંતુ માણસ એકવિધતાનો શિકાર છે અને એ હંમેશાં એકનું એક પુનરાવર્તન કરતો રહે છે. આ કારણે આપણે ઈશ્વર કે પ્રકૃતિ સાથે તાલમેલ મેળવી શકતા નથી. એટલે અત્યાર સુધીના જીવનમાં હું માત્ર એટલું જ શીખ્યો છું કે, જીવનનો ગ્રાફ ક્યારેય સમાંતર નથી રહેતો અને આપણે પણ એકવિધતાને ત્યજીને પુનરાવર્તનથી દૂર રહેવું અને પરિવર્તનથી નજીક. કેમ કે, પરિવર્તન સિવાય કશું જ પરમેનન્ટ નથી.

તમારા મતે દુનિયાનો સૌથી સુખી માણસ કોણ? અને સૌથી દુખી માણસ કોણ?

મારા મતે દુનિયાનો સૌથી સુખી માણસ એ છે, જેના મોબાઈલમાં પાંચ એવા કોન્ટેક્ટ્સ હોય, જે કોન્ટેક્ટ્સને એ અડધી રાત્રે ફોન કરીને પોતાના સુખ-દુખ કે પોતાની સફળતા-નિષ્ફળતાની વાત કરી શકે અને સૌથી દુખી માણસ એ જ છે, જેની પાસે કરોડોની જાહોજલાલી હોવા છતાં એના મોબાઈલમાં પાંચ એવા કોન્ટેક્ટ્સ નથી, જેની સામે એ પોતાનું દિલ ઠાલવી શકે.

અમારા વાચકોને આનંદમાં રહેવાની કોઈ સલાહ કે ટિપ્સ આપશો?

સુખી રહેવાની સૌથી મોટી ચાવી એક જ છે અને એ છે આપણું સ્વાસ્થ્ય. આપણી તકલીફ એ છે કે, આપણા શરીરના કોઈ અંગને હાનિ ન થાય ત્યાં સુધી આપણે એનો આભાર તો શું પણ એની દરકાર પણ કરતા નથી હોતા. હાથમાં વાગે ત્યારે જ આપણે હાથની ચિંતા કરીએ કે, આંખમાં કંઈક કચરું પેસી જાય તો જ આપણે આંખ વિશે વિચાર કરીએ છીએ. પણ આવું નહીં કરતા આપણે આપણી હેલ્થ સારી રહે એ માટેના તમામ પ્રયત્નો કરવા જોઈએ. કારણ કે, આપણા તમામના સુખનું મૂળ આપણા સ્વાસ્થ્યમાં છે. જો એ ઠીકઠાક નહીં હોય તો આપણે કોઈ સુખ ભોગવી નહીં શકીએ.

(મુલાકાતઃ અંકિત દેસાઈ)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.