સંગીત મને શુકુન આપે છે
મારું સુખ અત્યંત સીમિત શબ્દોમાં છૂપાયેલું છે. જોકે એ સીમિત શબ્દોનો અર્થ ઘણો વ્યાપક છે. મારા માટે મારું સુખ એટલે મારા પરિવારનું સુખ અથવા ઘરનું સુખ! તમારો પરિવાર સુખી હોય અને તેઓ બધી રીતે સંપન્ન હોય એટલે તમે આપોઆપ જ સુખી થઈ જવાના. એટલે જ હું ઘણી વખત કહેતો હોઉં છું કે, ‘અગર આપ ઘર મેં સુખી હો તો વર્લ્ડ મેં સારી જગહ આપ સુખી રહ શકતે હૈ.’
મારા આનંદની વાત કરું તો, હું જ્યારે પણ નમાઝ વાંચુ છું ત્યારે મને અત્યંત આનંદ મળે છે. નમાઝની એ પળો દરમિયાન મારું મન અને હ્રદય અત્યંત વિશિષ્ટ લાગણી અનુભવે છે અને પળવારમાં મારું અંતર પવિત્ર થઈ જાય છે, મારામાં જાણે સકારાત્મકતા આવી જાય! આ ઉપરાંત જ્યારે હું સંગીતમાં નિમગ્ન હોઉં અથવા કોઈક સુંદર ગીત બનાવું ત્યારે પણ મારા આંતરિક આનંદનો પાર નથી હોતો.
સુખની આધારિતા વિશે હું માનું છું કે, આપણું સુખ બીજાઓ પર જ આધારિત હોય છે. કોઈનું જરાસરખુ અણછાજતું કે ગેરવર્તન આપણો સારો દિવસ કે મૂડ બગાડી શકે છે. કોઈ અસામાન્ય માણસ ભલે એમ કહેતો હોય કે, ‘મારું સુખ બીજા પર આધારીત નથી!’ પણ અહીં તો સામાન્ય જનોની વાત થઈ રહી છે, આપણી વાત થઈ રહી છે. અને કોઈનું ગેરવર્તન આપણા મનમાં ખાટાશ ઊભી કરી જ શકે છે. જોકે એનો અર્થ એ પણ નથી કે, આવી સ્થિતિઓને ટાળી નથી શકાતી. આવે સમયે જો આપણે ખામોશ રહી જઈશું, પેલી નકારાત્મકતાની પળને ટાળી દઈશું તો કોઈની તાકાત નથી કે આપણને કોઈ દુખી કરી શકે. ખામોશી એટલે કે, મૌનની આ જ તાકત છે, જે માણસને ભલભલી કપરી પરિસ્થિતિમાંથી ઉગારી શકે છે.
સામાન્ય માણસની જેમ હું પણ પીડાથી અળગો નથી. મારી કોઈક વસ્તુ કે મારી કોઈક બાબતને નુકશાન થાય ત્યારે મને પણ સ્વાભાવિક રીતે જ પીડા થાય છે. પરંતુ સુખ અને દુખ વિશે હું એવું માનું છું કે, આ બંને પ્રક્રિયા સવારથી સાંજ સુધી સતત ચાલતી પ્રક્રિયા છે. દિવસ દરમિયાન આવી બાબતોને તમે કઈ રીતે, કયા દૃષ્ટિકોણથી જુઓ છો એ પણ આવા સમયે મહત્ત્વનું બની જાય છે. આ ઉપરાંત સુખ અને દુખની બાબતો તમારા સમય પર પણ આધાર રાખે છે. જો તમારો સમય તમને સુખી જોવા માગે છે તો તમે સુખી જ રહેશો અને જો તમારો સમય તમને દુખી જોવા માગતો હશે તો તમે દુખી જ રહેવાના! બાકી, દુનિયાનો કોઈ પણ માણસ એવો નહીં હોય, જે એવું ઈચ્છતો હોય કે, એણે દુખી રહેવું છે. પણ સમય એટલે કે, તકદીર આગળ કોઈનું ચાલતું નથી.
હું ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો માણસ છું તો હું મારા ક્ષેત્રનું જ એક ઉદાહરણ આપવાનું પસંદ કરીશ. દુખની બાબતે અભિનેતા સલમાન ખાનનું ઉદાહરણ લઈએ. શું તમે એમ માનો છો કે, બોલિવુડનો આ સુપરસ્ટાર દુખથી પરે હશે? એને દુખની લાગણી થતી જ નહીં હોય? પણ નહીં, સાવ એવું નથી. આ કલાકારને જે નજીકથી જાણે છે એમને ખબર છે કે, જેને સફળતા સામેથી વરી છે અથવા જેને ત્યાં દોમદોમ સાયબી છે એવો આ કલાકાર પણ અંદરથી ઘણો દુખી છે. એના પણ અંગત દુખના કારણો છે! એટલે મારો કહેવાનો અર્થ એટલો જ કે, જેમ સુખથી કોઈ વંચિત નથી રહી શકતું એમ દુખથી પણ કોઈ વંચિત નથી રહી શકતું. આ બંને બાબત તમારા નસિબ અને કર્મો પણ આધાર રાખે છે.
આસપાસના સંબંધોથી કંટાળીને ભાગી છૂટવાની વાત આવે છે ત્યારે હું એમ કહીશ કે, હા ક્યારેક કોઈ પોતાનું માણસ સાવ નાની બાબતને લઈને મારી સાથે અણછાજતું વર્તન કરી નાંખે અથવા એ મને દુખી કરે તો સો ટકા જ એમ થાય કે, હું અહીંથી ખસી જાઉં! પરંતુ આવી લાગણીઓ ક્ષણિક હોય છે. આ બધું કંઈક કાયમી નથી હોતું. કારણ કે, એ જ માણસ જ્યારે એના કોઈ અંગત સ્વાર્થ વિના મારી મદદ કરે કે, મારી કેર કરે તો મારા દિલને ખૂબ ટાઢક વળે છે. એમ લાગે, જાણે બસ ત્યાં જ, એ વ્યક્તિ પાસે જ રહી જઈએ અને એનો સહવાસ માણીએ!
સુખ દુખની વાત નીકળી છે તો અહીં એક આડવાત કરું. મને એક મજાનો શેર યાદ આવે છે,
રાહી મનવા સુખ કી ચિંતા ક્યૂ સતાતી હૈ?
દુખ તો અપના સાથી હૈ
સુખ તો એક છાંવ, ઢલતી હૈ, આતી હૈ, જાતી હૈ…
એનો અર્થ એ જ કે, દુખ હંમેશાં આપણી સાથે રહે છે. ફૂટપાથ પર જે સૂએ છે એને એના અભાવોનું દુખ હોય તો, જે મહેલોમાં ઉંઘે છે એને એનો એ મહેલ, એનો વૈભવ ટકશે કે નહીં એની ચિંતા હોય! પણ જીવનમાં સુખની આવન-જાવન ચાલું રહે છે. સુખ પાણીની છાલક જેવું હોય છે, જેના છાંટા આપણા પર ઉડતા જ આપણને ઠંડક થઈ જાય છે અને પછી ફરી એ ચાલ્યું જાય છે. પણ સુખની જે ખુશ્બુ છે, એનો જે મઘમઘાટ છે, એ કંઈક જાદુઈ છે. એટલે જ માણસ હંમેશાં સુખ પામવા તલસતો રહે છે.
મારા જીવનના કપરા સમયને યાદ કરું છું તો મને મારા બાળપણના એ દિવસો જ યાદ આવે છે, જ્યારે સંગીત શીખવા માટે હું મારા પિતા સાથે સુરતથી મુંબઈ ગયેલો. ત્યારે મારી ઉંમર તેર વર્ષની હતી અને ત્યારે મેં ખાવા-પીવાથી લઈને પહેરવા-ઓઢવા સુધીની તકલીફોનો સામનો કરેલો. આ બધું તો ઠીક, પરંતુ એ ગાળામાં મારે મારી મા, બહેન, ભાઈઓ અને દોસ્તોથી પણ દૂર રહેવું પડેલું, જે મારા માટે ઘણું પીડાદાયી હતું. એ વતન ઝૂરાપો, ઘર ઝૂરાપો હું ક્યારેય ભૂલી શકું એમ નથી.
એ વિયોગ, એ ઝૂરાપા અને એ તકલીફો સાથે શીખાયેલા સંગીતનો લાભ મને એટલો જ થયો કે, હું ઈસ્માઈલ દરબાર થઈ ગયો! પણ પછી શું થયું? હવે ઈસ્માઈલ દરબાર તરીકે ટકી રહેવા માટે ઈસ્માઈલ દરબાર સંઘર્ષ કરી રહ્યો છે! મારો કહેવાનો અર્થ એટલો જ કે, આપણે દરેક મોર્ચે સંઘર્ષ કરવો પડે છે, જીવનના દરેક ફ્રન્ટ પર આપણે કપરા સમયનો સામનો કરવાનો છે. આ પ્રક્રિયા નેવર એન્ડિંગ છે! રામ, પયબંગર, ઈસુ, બુદ્ધ કે ગાંધી જેવાઓ સંઘર્ષથી પર નથી રહી શક્યા તો આપણી તો શું વિસાત?
હું જ્યારે પણ પીડા અનુભવુ છું ત્યારે પીડામાંથી બહાર આવવા માટે હું બે જ બાબતો પર આધર રાખું છું. એક મારો ઉપરવાળો અને બીજું મારું સંગીત! જ્યારે પણ હું દુખની લાગણી અનુભવું ત્યારે મારા અલ્લાહ સાથે સંવાદ સાધુ છું, હું એની બંદગી કરું છું. આવા સમયે મારી આત્માને ગજબની શાતા વળે છે. અથવા તો હું કોઈક ગીત કંપોઝ કરું કે સુંદર સંગીત સાંભળું, જેથી હું મારી પીડાઓ ભૂલી જાઉં છું અને મને શુકુન મળે છે!
જીવન પાસેથી હું એટલી જ બાબત શીખ્યો છું કે, જીવનમાં ક્યારેય કોઈનું દિલ નહીં તોડવું અને પોતાની વાણીનો યોગ્ય રીતે ઉપયોગ કરવો, જેથી કોઈને એનાથી હાનિ નહીં પહોંચે.
દુનિયાના સૌથી સુખી અને દુખી માણસની વાત કરું તો, જે માણસને પરિવારનું સુખ છે અને પોતાના દિવસનો મોટાભાગનો સમય પોતાના સ્વજનો સાથે વીતાવે છે એ માણસ સૌથી સુખી છે અને જે માણસ પાસે અઢળક પૈસો છે, પણ છતાંય એને એના પરિવાર માટે પળભરનો સમય નથી મળતો એ દુનિયાનો સૌથી દુખી માણસ છે. જતાં જતાં ‘khabarchhe.com’ના વાચકોને હું એટલી જ સલાહ આપીશ કે, આપણે જો આપણા દિલમાંથી લોભ કાઢી નાંખીશું તો આપણે આપોઆપ જ સુખી થઈ જઈશું. આપણા દુખી થવાના કારણોમાંનું એક કારણ લોભ, આપણો અંગત સ્વાર્થ છે, જેનો છેદ ઉડાડી દઈશું તો આપણું સુખ સામેથી આપણા દ્વારે દસ્તક દેશે.
(મુલાકાત અને શબ્દાંકનઃ અંકિત દેસાઈ)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર