જીવનમાં કોઈ એક ગમતું કામ શોધી લો
તમે મને સુખની વ્યાખ્યા પૂછો છો પરંતુ મેં જીવનમાં હંમેશાં આનંદને જ વધુ મહત્ત્વ આપ્યું છે. એટલે જો હું સુખની વ્યાખ્યા કરવા બેસીસ તો એ છદ્મવેશી જ હોવાની. સુખની જગ્યાએ જીવનમાં મેં આનંદને મહત્ત્વ આપ્યું એ પાછળનું કારણ એટલું જ કે, સુખ એ સતત બદલાતી રહેતી સ્થિતિ છે. સુખ એવી બાબત છે, જે કાયમી તો નથી જ હોતી પરંતુ એના સ્વરૂપો, આધારો અને કારણો પણ સતત બદલાતા રહે છે. આફ્ટરઓલ સુખ એ માનસિક સ્થિતિ છે આંતરિક સ્થિતિ નથી. આ કારણે જ મારા માટે આનંદનું મહત્ત્વ વધુ રહ્યું છે.
વળી, મારા આનંદના કારણો પણ અવનવા રહ્યા છે. નાટકો કે અભિનય તો મને આનંદ આપે જ આપે, પરંતુ જીવનમાં ક્યારેક કોઈ આશય વિના અમસ્તુ જ મારાથી કોઈનું સારું કામ થાય અથવા હું કોઈને નિર્હેતુક મદદ કરું તો પણ મને અદમ્ય આનંદ મળે. આ ઉપરાંત કોઈ માણસ મને માણસ તરીકે સ્વીકારે અને મારી સાથે સામાન્ય માણસની જેમ વર્તાવ કરે તો મને આનંદ થાય. અથવા હું પરિવાર સાથે સમય વીતાવું તો પણ મારો આનંદ છલક છલક થાય.
આપણા સુખની આધારિતાનો પ્રશ્ન આવે છે ત્યારે હું કહીશ કે, માણસનું સુખ ક્યારેય કોઈ વ્યક્તિ પર તો શું કોઈ વસ્તુ પર પણ આધાર રાખતું નથી. એવું બની શકે કે, થોડા સમય કે વર્ષો માટે કોઈક આપણને સુખ આપી શકે. પરંતુ પાછળથી એ સુખ ક્ષણિક કે સામયિક પુરવાર થતું હોય છે. આખરે કોઈ બીજું માણસ આપણને સુખી કઈ રીતે કરી શકે? હું તો કહીશ કે, બીજાઓ પર આપણા સુખનો આધાર રાખવો એટલે હાથે કરીને નિરાશા તરફ ધકેલાવું.
મારી વ્યથાના કારણો વિશે વાત કરું તો મને માણસોની નાની નાની વાતોમાં સ્વાર્થ શોધી સાધી લેવાની વૃત્તિ અત્યંત પરેશાન કરી મૂકે છે. આ ઉપરાંત કોઈ પણ બાબતમાં સામાન્ય પરિમાણોને શ્રેષ્ઠ સાબિત કરવાની વૃત્તિ દેખાય ત્યારે હું વ્યથા અનુભવુ છું. ઈનશોર્ટ માણસની સ્વાર્થવૃત્તિ કે એનો દંભ મને વ્યથિત કરી મૂકે છે અને આના ઉદાહરણો તો છાશવારે મળતા જ રહે છે એટલે મારા વ્યથિત થવાના પ્રસંગો પણ બન્યાં જ કરે છે.
આસપાસના સંબંધો અથવા માણસોથી કંટાળીને ભાગી છૂટવાનું મને ક્યારેય મન નથી થયું. પલાયનવાદનો હું કટ્ટર વિરોધી છું. એટલે સંબંધોમાં તો ઠીક પરંતુ મેં જીવનમાં પણ ક્યારેય કોઈ પડકારોથી ભાગી છૂટવાનું વિચાર્યું નથી. હું સંવાદ સાધનારો માણસ છું, હું જોડનારો માણસ છું. એટલે સંબંધોની બાબતે પણ મને ક્યારેક કશુંક તૂટતું કે ખૂટતું જણાય તો હું જતું કરીને પણ જોડવાના કાર્યોમાં જોતરાઈ જાઉં છું. આ ઉપરાંત સંબંધોની બાબતે મેં હંમેશાં એક બાબતનું ખાસ ધ્યાન રાખ્યું છે કે, મારી હાજરી દરમિયાન આસપાસની વ્યક્તિ કમ્ફર્ટ ફીલ કરે અને એમને મારો ડર નહીં લાગે.
જીવનમાં કપરો કાળ તો મેં અનેક વખત જોયો છે. પરંતુ સાથે હું એમ પણ માનું છું કે, કોઈ પણ બાબતમાં સતત પ્રયત્ન જીવનની કપરી પરિસ્થિતિઓને દૂર પણ કરતો હોય છે. આ ઉપરાંત એક નાટ્યકાર કે સર્જક તરીકે જ્યારે મારી અંદર કોઈક સર્જન આકાર લઈ રહ્યું હોય, એ બહાર આવવા માટે ઉછાળા મારી રહ્યું હોય અને ક્યારેક કોઈ કારણોસર એ બહાર નહીં આવે તો હું અત્યંત વ્યાકુળ થઈ જાઉં અને સર્જન પ્રક્રિયાનો એ તબક્કો મારા માટે અત્યંત કપરો સાબિત થાય. જોકે આગળ કહ્યું એમ સતત પ્રયત્ન એ કોઈ પણ મુશ્કેલીનો ઉકેલ છે. એટલે સર્જન પ્રક્રિયાના એ તબક્કામાં પણ હું પ્રયત્નશીલ રહું છું અને કોઈ પણ હિસાબે એમાંથી બહાર નીકળું છું.
જો હું દુખી થાઉં અથવા કોઈ બાબતે ચચરાટ અનુભવું તો મારી પીડાઓમાંથી બહાર આવવા માટે હું સંગીતના શરણે જાઉં છું. સંગીત મારી પીડાઓમાં રામબાણ સાબિત થયું છે. પછી એ કોઈ પણ પ્રકારનું સંગીત હોય. શાસ્ત્રીય હોય કે ઈન્સ્ટ્રુમેન્ટલ હોય કે પછી ફિલ્મી સંગીત હોય, દરેક પ્રકારનું સંગીત મારા જીવને અત્યંત શાંતિ પ્રદાન કરે છે. આ ઉપરાંત મારી પીડાના સમયે હું એકલા રહેવાનું પણ પસંદ કરું છું.
જીવન દરમિયાન હું જાતજાતના અનુભવોમાંથી પસાર થયો છું. એટલે કોઈ એક જ અનુભવમાંથી મળેલો બોધ મને આજીવન ખપમાં આવ્યો હોય એવું બન્યું નથી. અને સાચું કહું તો હજુ હું એવો બુદ્ધ બન્યો નથી. મારું બૌદ્ધિ વૃક્ષ હજુ શોધવાનું બાકી છે. હા, જોકે આટલી મજલ કાપ્યા પછી આપણો ઉપયોગ કરીને કે આપણને વાપરીને ખસી જનારા લોકોને હું જરૂર ઓળખતો થયો છું. તેમજ બીજાના ખભે બંદૂક મૂકીને મેલી રમતો રમતા લોકોને પણ હું પિછાણતો થયો છું. આ એક બાબતને મારા જીવનનો મોટામાં મોટો બોધ ગણું છું. જોકે આવા બધા પડાવોથી હું આગળ નીકળી ચૂક્યો છું એનો મને આનંદ છે.
દુનિયાના સૌથી સુખી અને દુખી માણસની વાત આવે છે ત્યારે હું કહીશ કે, આજના આટલા બધા કોલાહલ વચ્ચે પણ જે માણસ પોતાના દિલનું સાંભળી શકતો હોય અને એના દિલનું સાંભળ્યા બાદ જે પોતાનું ધારેલું કરી શકતો હોય એ માણસ દુનિયાનો સૌથી સુખી માણસ. અને જે માણસ સમાજ, સંસાર અને આર્થિક કારણોને વશ થઈને પોતાની ઈચ્છા વિરુદ્ધ પરાણે કેટલાક કાર્યો કરતો હોય અથવા એને એ બધુ કરવાની ફરજ પડતી હોય એ માણસ દુનિયાનો સૌથી દુખી માણસ. અંતે 'Khabarchhe.com'ના વાચકોને હું એટલી જ સલાહ આપીશ કે, જીવનમાં સુખી થવું હોય તો પોતાને શું ગમે છે એ શોધી લો એટલે કે જીવનમાં એક ગમતી વ્યક્તિ કે ગમતા કામને શોધી લો અને એ શોધીને એની સાથે આનંદથી જીવો.
(મુલાકાતઃ અંકિત દેસાઈ)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર