મારા માટે વ્યક્તિગત સુખ કરતા સમષ્ટીના સુખનું મહત્ત્વ વધુ

24 May, 2015
12:00 AM

mamta ashok

PC:

સુખ માટે સૌથી પહેલા તો હું એ જ કહીશ કે સુખ એટલે ઝાંઝવાનું જળ. સુખ શબ્દની અર્થ છાયા ઘણી બધી છે અને સુખ પોતે છદ્મવેશી હોય છે. માણસે સુખ કોને કહેવું એ ઘણો મોટો પ્રશ્ન છે. કારણ કે દરેક માણસની સુખની વ્યાખ્યા અલગ હોય છે. મારા સુખની વાત કરું તો કોઈ અસહાય માણસને મારાથી બનતી મદદ થાય અને તેના વિષાદની ક્ષણોમાં જો હું થોડા રંગો ભરી શકું તો પણ મને સુખ મળે. જો કે એ મારું વ્યક્તિગત સુખ છે. મારા મતે સુખના બે પ્રકાર છે, જેમાંનો એક પ્રકાર છે વ્યક્તિગત સુખ અને બીજું છે સમષ્ટીનું સુખ. આ બંને સુખ વચ્ચે જમીન આસમાનનો ફરક છે. આજે પરિસ્થિતિ એ છે કે લોકો સમષ્ટીના સુખ કરતા વ્યક્તિગત સુખમાં વધુ રચ્યાં-પચ્યાં રહે છે. આ કારણે જ એક રીતે જોવા જઈએ તો આજે સુખનો દુકાળ પડ્યો છે. આજે સુખ છે ક્યાં? તે પરિવારમાં નથી, સમાજમાં નથી કે રાષ્ટ્રમાં પણ નથી. જેમ કોઈ તરસ્યું હરણ ઝાંઝવાના જળની પાછળ દોડે છે એમ આજનો માણસ સુખ મેળવવા માટે હવાતિયાં મારે છે. બીજી એક વાત એ પણ છે કે આપણે સુખનો સાચો અર્થ સમજી જ નથી શક્યા, એટલે આપણે નહીં તેવી બાબતો પાછળ આંધળી દોટ મૂકીએ છીએ, અને અંતે આપણને હતાશા સાંપડે છે.

બીજી તરફ આનંદ પણ સુખ જેવો જ ભ્રામક શબ્દ છે. મારો જન્મ થયો ત્યારથી આજ સુધી આનંદ શું છે એ જાણ્યું નથી. કારણ કે જીવન, પરિવાર અને સમાજ એમ વિવિધ તબક્કે મેં અત્યંત વિષમ પરિસ્થિતિઓનો સામનો કર્યો છે. અરે સાહિત્યિક દૃષ્ટિએ પણ જોઈએ તો તમે જે પ્રદાન આપ્યું હોય એ પ્રદાનને ધ્યાનમાં રાખતા તમને જે સ્થાન કે પુરસ્કાર મળવા જોઈએ એનો અહીં અભાવ છે. તમે મને એક પ્રશ્ન પૂછ્યો છે કે સુખ માટે આધારિતતા કેટલી યોગ્ય? એના જવાબમાં હું એટલું જ કહીશ કે માનવ સમુદાય અથવા સૃષ્ટી પરનો કોઈ પણ જીવ આધાર વિના જીવી શકતો નથી. કોઈ માણસ એમ દાવો કરતો હોય કે મને મારું સુખ કે આનંદ મેળવતા આવડે છે અને એ માટે હું અન્યો પર કે સંબંધો પર આધાર રાખતો નથી, તો એમાં ભારોભાર અસત્ય છે. કારણ કે ટેકા કે આધાર વિના તો આજે એક કૂંપણ પણ ફૂટી શકતી નથી. અરે, જીવવા માટે આપણે આ શ્વાસ પણ લઈએ છીએ એના માટે આપણે હવા ઉપર આધારિત છીએ. એટલે સુખ માટે કોઈ સ્વાવલંબી નથી હોતું.

હવે આવીએ મન વ્યથિત થવાની વાત પર. આપણો દેશ એવી વિચિત્રતાઓથી ભરેલો છે ને કે, અહીં ઘટનાઓ કરતા દુર્ઘટનાઓ વધુ ઘટે છે. અને દેશમાં કે આપણા સમાજમાં કોઈ પણ દુર્ઘટના ઘટે ત્યારે સર્જક તરીકે દિલ દુભાય જ દુભાય. આ સંદર્ભે જ મેં એક ગઝલ લખી છે, જેનો પહેલો શેર છે,

આ સમયમાં જીવવું દુઃસ્વપ્ન જેવું લાગે છે,

મનને પળ પળ મારવું દુઃસ્વપ્ન જેવું લાગે છે.

અહીં પેલી સમષ્ટીના સુખની વાત લાગું પડે છે. જે માણસ સમાજિક નિસ્બત ધરાવતો હોય અથવા જેને જીવન સાથે સંબંધ હોય એ માણસ કોઈ પણ સામાજિક અથવા રાષ્ટ્રીય ર્દુઘટના વખતે વ્યથિત થઈ જાય છે. મારી વાત કરું તો સારા અને ઉમદા માણસોના કરેલા કાર્યો નાચીઝ અને નપાવટ લોકોના હાથે નિષ્ફળ જાય ત્યારે હું સૌથી વધુ દુખી થાઉં છું.

અંત્યોદયની ભાવના તો પહેલાંથી જ હતી. અંત્યોદય માટે કોઈ એક પ્રસંગ નથી. કોઈ બેસહારા,મજબૂરને નાની કે મોટીઓછી કે વધારે મદદ કરવી એ તો માનવીય ફરજમાં આવે છે. આમ પણ મારો અંત્યો સાથે જ રહ્યો છે. ક્યાં કોને કેવી રીતે સહાયભૂત થઈ શકાય છે એ અગત્યનું હોય છે. જોકે,અંત્યોદય શબ્દમાં જ એની સંપૂર્ણ વિભાવના છુપાયેલી છે. એક મિત્ર હતા. મંગળ રાઠોડ. મંગળ રાઠોડ મુંબઈથી સુરત આવ્યા હતા. નોકરી-ધંધો શોધવાની ફિકરમાં. મારી સાથે મુલાકાત થઈ. મુલાકાત મિત્રતામાં પલટાઈ. રોજગારીનો પ્રશ્ન હતો. મારા બે મહાનુભાવોને આ અંગે વાત કરી. તેમણે મંગળ રાઠોડને જોયા અને સુરતની એમટીબી કોલેજમાં તેમને નોકરી પર રાખવાની ભલામણ કરી. નોકરી મળી ગઈ. આ એક ઘટના એવી છે કે જે જીવને સંતોષ સાથે અંત્યોદય માટે પ્રેરિત કરી જાય છે અને અંત્યોદય માટે કશુંક કરવા માગતા મારા જેવી વ્યક્તિને સુકુન આપે છે.

સંબંધોની વાત કરું તો સંબંધોથી હું ક્યારેય થાકી કે કંટાળી જતો નથી. મારી સાથે સંકળાયેલા સંબંધોને મેં તમામ પરિસ્થિતિમાં સ્વીકાર્યા છે. એક પ્રશ્નમાં તમે મારા કપરા સમય વિશે પૂછ્યું છે. તો એ માટે મારો જવાબ એ જ છે કે મારા જીવનનો કપરો સમય હજુ પણ પૂરો થયો નથી. હું સમજણો થાઉં એ પહેલા મેં મારા માતા-પિતા ગુમાવી દીધેલા. અને ત્યારથી શરૂ થયેલી કઠણાઈઓ આજપર્યંત ચાલું જ છે. અલબત્ત એ કઠણાઈઓના રૂપ-સ્વરૂપ બદલાતા રહ્યા છે.

આર્થિક રીતે નબળા એવા મારા પરિવારને મદદરૂપ થવા માટે મેં નાનપણથી કામ કરવાનું શરૂ કરી દીધેલું. ત્યારે હું તવંગરોના વરઘોડામાં માથે ઈલેક્ટ્રિક દિવા લઈને સુરતની શેરીઓમાં ઘૂમતો, જેના મને છ આના મળતા. યુવાનીમાં થોડા વર્ષો મેં ફેક્ટરીમાં બોબિન ભરવાનું કામ પણ કર્યું, અને પાછળથી સુરત મહાનગર પાલિકામાં ક્લિનર તરીકે ચોથા વર્ગના કર્મચારી તરીકે જોડાયો.

જો કે અહીં મને મારી કવિતા અને શબ્દોએ સાથ આપ્યો અને મને ક્લિનરમાંથી પાલિકાના પ્રેસ વિભાગમાં લઈ લેવામાં આવ્યો, જ્યાં મેં વર્ષો સુધી સંવાહક તરીકે કામ કર્યું. આ તો ઠીક મહાનગર પાલિકાના વિવિધ કાર્યક્રમોમાં વર્ષો સુધી મેં શહેર કમિશ્નર અને મેયરના ભાષણો પણ લખ્યાં! આ ઉપરાંત વર્ષો સુધી મેં જનસંપર્ક અધિકારીનો કાર્યભાર પણ સંભાળ્યો. જોકે આ બધામાં મને ઝાઝો આર્થિક લાભ ન મળ્યો અને હું વર્ગ ત્રણના કર્મચારી તરીકે નિવૃત્ત થયો. જોકે જીવનમાં તડકી-છાંયડી ચાલતી રહેતી હોય છે. જીવનના કપરા સમય વિશે મને મારો એક શેર ટાંકવાનું ગમશે.

એવા વળાંક પર હવે ઉભો છે કાફલો

અહીંથી જવાય રણ તરફ,અહીંથી નદી તરફ

મારી પીડાની વાત કરું તો, હું જ્યારે પણ દુખી થાઉં કે પીડા અનુભવુ ત્યારે મારી પીડાદાયક પરિસ્થિતિને શબ્દસ્થ કરવાનો પ્રયત્ન કરું. એટલે કે મારા માટે પીડામાંથી બહાર નીકળવાનો શ્રેષ્ઠ રસ્તો સર્જનનો છે. છેલ્લી વાત છે દુનિયામાં સૌથી સુખી કોણ અને સૌથી દુખી કોણ? તો હું કહીશ કે, મૂર્ખાઓ દુનિયાના સૌથી સુખી માણસો છે અને સૌથી દુખી માણસો સર્જકો અને કલાકારો છે, જેઓ સમાજ સાથે કે જીવન સાથે નિસ્બત ધરાવે છે અને પોતે બીજાના દુખે દુખી થાય છે! માણસે જો સુખી થવું હોય તો એણે નકામા અને લોભમણા વળગણોથી દૂર રહેવું પડશે. કારણ કે આગળ ઝાંઝવાના જળની વાત કરી એમ જે સુખને પામવા માણસ દોટ મૂકતો હોય છે ત્યાં પહોંચીને એને હંમેશાં એ અહેસાસ થાય છે કે, એને જે જોઈતું હતું એ આ ન હતું.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.