જીવન મૂળે છે તડકો

21 Feb, 2016
12:05 AM

mamta ashok

PC:

અધ્યાત્મિક અથવા કાવ્યાત્મક એમ કોઈ પણ રીતે સુખ વિશેની ચોક્કસ વ્યાખ્યા કરવી અશક્ય છે. પરંતુ થોડા સમય પહેલા મેં લખેલી ગઝલનો નીચેનો શેર કદાચ મારા સુખની વ્યાખ્યા કહી શકાય.

જીવન મૂળે છે તડકો, તું આમ સૂરજ ના ઢાંક,

સુખ અને દુઃખ છે ફકત, બારીની ઉઘાડ -વાંખ.’

મારા માટે અંધારું અર્થાત કોઈ પણ નકારાત્મક બાબતનું આસપાસ હોવું એટલે દુઃખ અને અજવાળું અર્થાત કોઈ પણ સકારાત્મક બાબતની જીવનમાં હાજરી હોવી એ સુખ. તમારું કે તમારી આસપાસ જીવતા લોકોનું જીવન વધારે ઉન્નતિ કરે, કે એમના જીવનમાં શાંતિ જળવાયેલી રહે અને તેઓ પ્રકૃતિની સમીપે રહે એને પણ હું સુખ ગણું છું. એ જ રીતે જીવનમાં સંસાધનોનો અભાવ હોય તો એને હું દુખ ગણું છું અને જો સંસાધનો હાથવગા હોય તો એને હું સુખ માનું છું. અલબત્ત, હું જેને સંસાધનો માનું છું, એમાં માત્ર ભૌતિકતા જ નહીં, પરંતુ માનવ સંબંધો કે પ્રેમ જેવી બાબતોનો પણ સમાવેશ થાય છે.

જીવનમાં મને જ્યારે જે કરવાનું મન થયું હોય અને ત્યારે મને એ કરવા મળ્યું હોય તો મને હંમેશાં એ વાતનો આનંદ થયો છે. કારણ કે, તમે કંઈક કરવાની ખેવના ધરાવતા હો અને કોઈ પણ કારણોસર તમે તમારું ધાર્યુ નહીં કરી શકો કે તમારે એ પળને પાછળ ઠેલવી પડે ત્યારે તમારા આનંદની માત્રમાં ચોક્કસ જ ઘટાડો થઈ જતો હોય છે. હું કૉલેજમાં ભણતો ત્યારે મને નાટકો કરવામાં કે ગીતો ગાવામાં વધુ આનંદ થતો હતો, તો લખતા શીખ્યો પછી લખવામાં પણ આનંદ મળવા લાગ્યો. આ તો ઠીક, રવિવારે ઘરે ખાવાનું બનાવવા મળે કે દીકરા સાથે રમવા મળે ત્યારે પણ હું અત્યંત આનંદ અનુભવું છું.

સુખની આધારિતતાની વાત આવે છે ત્યારે કહીશ કે, આપણું સુખ ચોક્કસ જ બીજી વ્યક્તિ કે વસ્તુ પર આધાર રાખતું હોય છે. આદિમાનવોએ ઠંડીથી બચવા ચામડું પહેરવાની શોધ કરી હોય કે, એમણે કાચું માંસ ખાવાની જગ્યાએ શેકીને ખાવાની શરૂઆત કરી હોય કે પછી આ માટે એણે અગ્નિની શોધ કરી હોય. આ બધી બાબતોમાં એણે કોઈ ને કોઈ બાબત પર આધાર રાખ્યો જ છે અને ત્યારથી લઈને અત્યાર સુધી આપણે માણસોએ આપણા સુખની બાબતે હંમેશાં અન્ય વ્યક્તિ, બાબત કે કુદરત પર આધાર રાખ્યો છે. એટલે સુખની આધારિતતા ક્યારેય અવગણી શકાય નહીં.

મારા વ્યથિત થવાના કારણો બે પ્રકારના છે. પહેલા કારણને સીધી મારી સાથે લેવાદેવા છે, તો બીજું કારણ એવું છે, જેને સમાજ સાથે લેવાદેવા છે. હું મારી આસપાસ અન્યાય જોઉં, કે મારા કરતાંય દુઃખી માણસોના અપમાન કે કોઈની હિંસા જોઉં ત્યારે હું અત્યંત ખિન્ન થઈ જાઉં છું. આ ઉપરાંત સત્તા પર ચઢી બેઠેલા લાયકાત વિનાના લોકોની ચાંપલુશી કે એમના માન-સન્માન જોઉં છું ત્યારે પણ હું દુખી થાઉં છું.

તો મારા સ્વભાવના કારણે ઊભી થતી ઉપાધીઓ પણ મને દુખી કરી જાય છે. જેમ કે, કોઈ પણ કામને અમસ્તું જ પાછળ ઠેલતા રહેવાની મને આદત છે, આ કારણે મારે અનેક પરેશાનીઓનો સામનો પણ કરવો પડ્યો છે. જોકે મને મારા અંગત કારણો કરતા સામાજિક કારણોને કારણે જ વધારે પીડા થઈ છે.

જીવનમાં મેં ઘણો કપરો સમય જોયો છે. ઘરની સ્થિતિ સારી ન હોવાને કારણે મેં અને મારા મોટાભાઈએ બહુ નાની ઉંમરથી કમાવાની શરૂઆત કરેલી અને વેકેશનમાં કારખાનાઓના કામ હોય કે આવાતેવા છૂટક કામો હોય, એ બધું જ અમે કર્યું છે અને એ દરમિયાન અમે એ ચચરાટ પણ અનુભવ્યો છે કે, આપણી આસપાસ એવા ઘણા લોકો છે, જેઓ અત્યંત સુખી છે અને એમણે આપણી જેમ સાંજની કે આવતીકાલની ચિંતા કરવી પડતી નથી.

એ કપરા સમયમાંથી અમે ઘણું શીખ્યા. સૌથી મહત્ત્વનું તો એ શીખ્યા કે, જીવનમાં ટકી રહેવું અત્યંત મહત્ત્વનું છે. ઉપરાંત અમે જે જગ્યાએ જન્મ્યાં કે ઉછર્યા એ જગ્યાએ અમારા ઉપરાંત અમે અનેક લોકોની પીડા જોઈ છે અને અનેક લોકોને ખોરાક કે આરોગ્ય જેવી બાબતો માટે ઝઝૂમતા જોયાં છે. આ કારણે જ મારી સામાજિક નિસ્બત પણ ઘણી કેળવાઈ છે અને મને આજે પણ છેવાડાના માણસની પીડા પોતીકી લાગે છે.

જોકે મને એવી પ્રતીતિ પણ હંમેશાં રહી છે કે, અમારા બાળપણનો સમય આટલો બધો કપરો નહીં હોત તો આજે અમે હમણા જ્યાં છીએ એના કરતા ઘણા આગળ હોત!

દુખની બાબતે હું બે વસ્તુ શીખ્યો છું કે, આપણા દુખોમાંથી તાત્કાલિક ક્યારેય બહાર આવી શકાતું નથી. અને બીજું એ કે, દુનિયામાં એકમાત્ર આપણે જ દુખી નથી, આપણા જેવા અનેક એવા લોકો છે, જેમના દુખની સામે આપણું દુખ અત્યંત તુચ્છ હોય છે. એટલે ભૌતિક બાબતોને લઈને મને જો કોઈ ચચરાટ થયો હોય, તો એને હું આવું વિચારીને ઓગાળી દઉં અને જો સંબંધોની બાબતે મને કોઈ પીડા થઈ હોય તો થોડા સમય માટે હું શાંત રહેવાનું પસંદ કરું છું અને એકાંતમાં ચાલી જાઉં છું. ઘર્ષણના કોઈ સમયે જો આપણે રિએક્ટ કરીએ તો આપણે દુખની સામે દુખ જ ઊભુ કરતા હોઈએ છીએ એટલે આવા સમયે હું રિએક્ટ કરવાનું પણ ટાળુ છું.

અત્યાર સુધીના જીવનમાંથી હું બે બાબત શીખ્યો છું. એક તો હંમેશાં મહેનત કરવી અને ટકી રહેવું. અને બીજું એ કે ક્યારેય, કોઈ પણ સ્થિતિમાં ખોટું નહીં કરવું. આ બંને બાબતો હું મારી મમ્મી અને મારા કાકા પાસેથી શીખ્યો છું. મારી મમ્મીએ આખી જિંદગી અત્યંત મહેનત કરી છે અને એ મહેનત દ્બારા એ પોતે પણ ટકી રહી અને એમણે અમને પણ ટકાવી રાખ્યા. તો મારા કાકા અત્યંત પ્રમાણિક છે, જેમણે જીવનની કપરામાં કપરી પરિસ્થિતિમાં પણ એમની પ્રામાણિકતા છોડી નથી.

દુનિયામાં સૌથી સુખી અને સૌથી દુખી માણસની વાત આવે છે, ત્યારે કહીશ કે, દુનિયામાં એવો એક પણ માણસ નહીં હોય, જે સૌથી સુખી કે સૌથી દુખી હોઈ શકે. કારણ કે, આ પ્રકારની માત્રા નક્કી કરવી મુશ્કેલ છે. આપણી જ દુનિયામાં આપણે એસી કારમાં ફરતા માણસને દુખી થતો જોયો છે કે, બળબળતા તાપમાં લારી ખેંચતા મજૂરના ચહેરા પર પણ ખુશી જોઈ છે. એટલે આ બાબતે કંઈ કહેવું મુશ્કેલ છે.

આખરે જતાં જતાં હું એટલું જ કહીશ કે, જ્યારે પણ આપણને આપણું દુખ મોટું લાગવા માંડે ત્યારે આપણે આપણી આસપાસ નજર કરવી અને લોકોના દુખ સાથે આપણા દુખની સરખામણી કરવી, જેથી આપણને આપણું દુખ મોટું નહીં લાગે

મારી એક ગઝલનો શેર છે,

સુખ દુખની મોકાણમાં મર્મ માર્યો ગયો મસ્તીનો

એમની કેટલી કરી પંપાળ બોલી શકો તો બોલો ?

આપણને સુખ છાપરે ચડીને ગાવાની અને દુખને રડ્યા કરવાની એક સાહજિક ટેવ હોય છે. સુખ અને દુખ બેઉની પંપાળ બંધ કરી દઈએ તો કદાચ જિંદગીની મસ્તી જળવાઈ રહે. થેંક યુ.

 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.