સંતોષ અને સ્વીકાર જ મારા સુખની પરિભાષા

23 Aug, 2015
12:00 AM

mamta ashok

PC:

મારી સુખની વ્યાખ્યા એક જ શબ્દમાં સ્માપ્ત થઈ જાય છે. એ શબ્દ છે સંતોષ. મારા માટે આ શબ્દમાં સર્વસ્વ સમાયેલું છે. વધારાની કોઈ ખેવના વિના પોતાની પાસે જે છે અથવા પોતાને જે મળ્યું છે એમાં રાજી રહેનાર માણસને દુનિયાની કોઈ વિષમતા દુખી કરી શકતી નથી. એટલે જ હું માનું છું કે, જે સંતોષી નથી એ સુખી નથી જ નથી. મારા આનંદની વાત કરું તો, મારા માટે પૂરતી ઉંઘ અને પૂરતો ખોરાક સૌથી મહત્ત્વનો છે કારણ કે, માણસની મૂળભૂત જરૂરિયાત ગણાતી આ બાબતો જો મળી રહે તો મારો તો શું કોયનોય દિવસ આનંદમાં વીતે. આ ઉપરાંત મારા આનંદના પ્રાયોરિટી લિસ્ટમાં ફેમિલી સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવો કે દોસ્તો સાથે કલાકો સુધી વાતો કરવા જેવી બાબતો સૌથી પહેલા આવે છે. આ બધા પછી મારા આનંદના લિસ્ટમાં મ્યુઝિકનો ક્રમ આવે. કોઈને એમ થશે કે આ પહેલો એવો કલાકાર હશે, જે પોતાના આનંદના પ્રાયોરિટી લિસ્ટમાં પોતાની કલાને છેલ્લા સ્થાને મૂકે છે! પણ બોસ, આ બાબતને લઈને મારો ફંડા અત્યંત ક્લિયર છે કે, જો તમારી પાસે મેં આગળ જે ગણાવી એ બધી બાબતો હોય તો જ તમારી કલામાં તમારું મન ચોંટે અને તમે ઉત્તમ કામ કરી શકો. નહીંતર મન ખિન્ન હોય તો મથીને મરી જાઓ તોય તમે કશું સર્જી શકવાના નથી.

આપણા સુખની આધારિતતા આપણે ક્યારેય નકારી શકીએ નહીં. લોકો એમ કહેતા હોય છે કે, આપણું સુખ અન્યો પર આધારિત હોય શકે નહીં. પરંતુ હું એવું માનતો નથી. જે માણસ એકલો જીવતો હોય એ કદાચ આ પ્રકારની ફિલસૂફી કરી શકે. પરંતુ સામાન્ય માણસનું શું? જે એકલો નથી રહેતો એનું શું? આપણું સુખ આપણી સાથે જોડાયેલા લોકો, આપણા કામની સાથે સંકળાયેલા લોકો કે પછી આપણા સંજોગો પર આધાર રાખતું જ હોય છે. અલબત્ત, એનો અર્થ એ પણ નથી થતો કે, કોઈ આપણને પપેટની જેમ નચાવે તો આપણે એની ઈચ્છા મુજબ દુખી કે ખુશ થવાનું. પરંતુ યાર, ગમે એ કહો આસપાસના માણસોના વર્તન પર આપણું વર્તન પણ આધારિત હોય જ છે. એ નકારી શકાય નહીં.

મારી વ્યથાની વાત પર આવું તો, મારી પોતાની કે ઘર-પરિવારની કોઈ મુશ્કેલીને હું એમાંથી બાદ કરું છું. કારણ કે પોતાના દુખે તો સૌકોઈ દુખી હોવાના જ. પરંતુ દેશ-દુનિયામાં ક્યાંક કુદરતી હોનારત સર્જાય કે ક્યાંક કોઈ આતંકવાદી હુમલો થાય અને એમાં સામાન્ય માણસો મોતને ભેટે કે કોઈકે વિના કોઈ કારણ પોતાનું સ્વજન ગુમાવવાનો વારો આવે તો મારું મન અત્યંત વ્યથિત થાય. અથવા તમે કલ્પેલી ન હોય એવી કોઈ ક ઘટના ઘટે તો હું પીડા અનુભવું. જેમ કે, થોડા દિવસો પહેલા આપણને અચાનક અબ્દુલ કલામના અવસાનના સમાચાર મળ્યાં. તો લિટરલી મને દુખ થયું કે, આ ભલે કુદરતનો ક્રમ હોય પરંતુ જે થયું એ યોગ્ય નથી.

આસપાસના સંબંધો કે, માણસોથી કંટાળીને મને ક્યારેય ભાગી જવાનું મન નથી થયું. બલ્કે, સંબંધોમાં કંઈક ઉથલપાથલ થાય કે, અન્ય કોઈ પણ મુશ્કેલી સર્જાય તો મને એમાં મજા આવે. કારણ કે એવી પરિસ્થિતિમાં જ આપણને પડકાર મળે છે કે, આપણે કોઈ પણ રીતે સારો રસ્તો કાઢવાનો છે અને આપણા સંબંધને સાચવી લેવાનો છે. જેમ આપણા શરીરની ઈમ્યુનિટી હોય એમ આપણા મગજની પણ ઈમ્યુનિટી હોય અને આવા સમયે જ આપણને આપણા મનની ઈમ્યુનિટી ચકાસવાની તક મળે છે. એટલે જ્યારે પણ આપણા સંબંધોમાં કોઈક વિષમ પરિસ્થિતિ સર્જાય તો એમાંથી પલાયન શોધવા કરતા એનો સામનો કરવો જોઈએ. કારણ કે કેટલાક લોકો એવું કહેતા હોય છે કે, એવા સમયે ચૂપ રહેવાનું અને એ વિકટ પરિસ્થિતિને પસાર થઈ જવા દેવાની. પણ ના યાર, સમય ભલે પસાર થતો હોય. પરંતુ પેલી પરિસ્થિતિ એમની એમ રહે છે.

સંબંધ તો શું જીવનની કોઈ પણ વિક્ટ પરિસ્થિતિમાં જો આપણે જલદી કંટાળી જઈશું કે, એમાંથી ભાગી જઈશું તો એ કંઈ ઉકેલ ન કહેવાય. એ તો પીછેહટ છે. તમે ભાગી જ્શો તો સમય ભલે વીતી જશે પરંતુ પેલી પરિસ્થિતિ અનસોલ્વ્ડ રહી જશે. એ ક્યારેય નહીં ઉકેલાય. એટલે જે છે તેનો સામનો કરવો પણ ભાગવું નહીં.

મેં મારા જીવનમાં ક્યારેય કોઈ કપરો કાળ જોયો નથી. મારા જીવનનો ગ્રાફ એક સામાન્ય માણસના જીવનના ગ્રાફની જેમ એકદમ સમાંતર રહ્યો છે. કદાચ એમ પણ બને કે મેં જીવનને કે જીવનમાં સર્જાતા કેટલાક વમળોને કંઈક અલગ દૃષ્ટિકોણથી જોયા હોય. પણ તોય મેં કોઈ એવા ગ્રેટ પડકારોનો સામનો નથી કર્યો એ મારા અત્યાર સુધીના જીવનનું સત્ય છે.

આપણી પીડામાંથી બહાર નીકળવાની વાત આવે છે ત્યારે, લોકો પોતાની પીડાઓમાંથી બહાર આવવા માટે જાતજાતના અખતરા કરતા હોય છે. કોઈ ક વળી પોતાની અંદર ચાલતા દ્વંદ્વને ક્યારેય બહાર નથી આવવા દેતું. પરંતુ હું જ્યારે પીડા અનુભવું ત્યારે એમાંથી બહાર આવવા હું મારા અંતરિક દ્વંદ્વને મારી નજીકના મિત્રો સાથે શેર કરું. મારા મમ્મી-પપ્પા અને મારી પત્ની ઉપરાંત મારા અત્યંત ઓછા પણ ઘણા સારા મિત્રોનું એક વર્તુળ છે. હું એ બધા લોકો આગળ મારી વાત મૂકું. જોકે એમની સાથે વાત શેર કર્યાં પછી પણ હું એમની પાસે ક્યારેય ડિસિસન નહીં પરંતુ માત્ર સજેશન માગું છું. એમના સજેશન મળે પછી હું એના પર વિચાર કરું અને પછી તમામ બાબતોને તરાસી-ચકાસીને યોગ્ય નિર્ણય કરું.

મારા માટે દુનિયાનો સૌથી સુખી માણસ એ જ છે, જે સંતોષી છે અને જીવનની તમામ પરિસ્થિતિને સ્વીકારી શકે છે. મેં આગળ પણ આ જ વાત કરી કે, માણસ પોતાની પાસે જે છે એમાંથી સંતોષ મેળવે અને પોતાની સાથે સર્જાયેલી તમામ પરિસ્થિતિનો સ્વીકાર કરી શકે તો એને દુનિયાનો કોઈ અભાવ દુખી નથી કરી શકતો. સંતોષી માણસ માટે એ અમીર છે કે ગરીબ છે એ ક્યારેય મેટર કરતું નથી. એના માટે મહત્ત્વનો હોય છે એનો નિજાનંદ! અને જે બીજાને સમજી નથી શકતો એ માણસ મારા મતે દુનિયાનો સૌથી દુખી માણસ છે. છેલ્લે હું 'khabarchhe.com'ના રિડર્સને એ જ સલાહ આપીશ કે, મિત્રો આપણા જીવનમાં દરેક બાબતે કંટ્રોલ હોવો અત્યંત જરૂરી છે. આપણે નાનીનાની વાતો કે બિનમહત્ત્વની લાગતી બાબતોમાં પણ અતિ કરીશું તો આપણા ભાગે ભોગવવાનું જ આવશે. એના બદલે અમુક ચોક્કસ સીમામાં રહીને આપણે આપણું જીવન માણસું તો જીવનમાં આપણો આનંદ યથાવત રહેશે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.