એકાંત એ માણસજાતને ભાગ્યે જ મળતો વૈભવ છે

20 Dec, 2015
12:00 AM

mamta ashok

PC:

સુખની વ્યાખ્યા શું?

મનગમતું એકાંત, સ્વૈરવિહાર કરી શકાય એવું મારા હિસ્સાનું આકાશ, તરંગિત થવા માટે હીંચકો, સંગીતમય મન, પ્રેમાળ પરિવારજનો અને સહૃદય મિત્રો. આ છે મારા કહેવાતા ‘સુખ’ની પરિભાષા. આમ તો સુખ મૃગજળ જેવું છે. જેટલું પકડવા જઈએ એટલું દૂર છટકી જાય. વાસ્તવમાં સુખની વ્યાખ્યા ન કરી શકાય. એ બિલકુલ સાપેક્ષ છે. મારું સુખ એ તમારું સુખ ન હોઈ શકે. મારી દૃષ્ટિએ સુખ એ ભૌતિકવાદી ટર્મ છે, જે મહદઅંશે સગવડ સાથે જોડાયેલી છે. ભૌતિકવાદી સમાજમાં ભૌતિક સુખ કદાચ આસાનીથી મળી જાય, પણ સાચું સુખ તો મનની શાંતિ તથા ગમતી પ્રવૃત્તિમાં ડૂબી જવાથી જ મળે. સુંવાળી ભૌતિકવાદી પ્રવાહિતામાં જીવતો માણસ સાચું સુખ શોધવામાં થાપ ખાઈ જાય છે.

સુખ ખરેખર તો હૃદયની ભીતરમાં જ છે. સુખ માટે ઝાંવા મારવાને બદલે દરેક ક્ષણમાંથી આનંદ લેવાને હું સુખ માનું છું. આનંદ એ આંતરિક અનુભૂતિ છે. સુપ્રસિદ્ધ સાહિત્યકાર સુરેશ જોશીના ‘છિન્નપત્ર’ નું સુખ-દુઃખની વાસ્તવદર્શી માયાજાળની પ્રતીતિ કરાવતું એક યાદગાર વાક્ય છે. ‘દરેક દુઃખ નવા આશ્વાસનની શોધમાં આપણને દોડાવે છે અને દરેક પ્રાપ્તિ કે સુખ પછી ફરી અસ્તિત્વનું તળિયું તપાસવાની ફરજ પડે છે.’ એટલે ટૂંકમાં, રમેશ પારેખના અદ્દભુત કાવ્યની જ એક પંક્તિ ટાંકીને કહું તો, 'સસલાને શિંગડા હોય તો સુખ હોય!'

જીવનમાં કઈ બાબતોમાંથી આનંદ મળે?

મારું સર્જનાત્મક કામ કરતી હોઉં એમાં સૌથી વિશેષ આનંદ મળે. પછી એ લેખન, વાચન, ગાયક કે સંગીત કાર્યક્રમનું આયોજન જેવું કંઈ પણ હોઈ શકે. લેખનકાર્ય કરવાથી અને ગીત ગાતી વખતે પરમ આનંદ મળે. એ સિવાય પ્રવાસ, નાટક-સિનેમા, મિત્રોની મહેફિલ, પરિવારજન સાથે ગપ્પાં-ગોષ્ઠિ, વરસાદી સાંજે પ્રિયજન સાથે લૉન્ગ ડ્રાઈવ પર નોસ્ટેલ્જિક ગીતો સાંભળતાં સાંભળતા વચ્ચે આવતી રસ્તાની ટપરી પર બેસી ગરમાગરમ મસાલેદાર ચા સાથે ભજિયાંની જયાફત પણ ભરપૂર આનંદ આપે. સવારના કૂમળા તડકામાં દરિયા સામે બેસીને બ્રન્ચ લેવામાં અને ક્યારેક શિયાળાની નીરવ-અલસ્ય રાતે જગજિતસિંહની ગઝલ સાંભળી ચોધાર આંસુએ રડીને હળવાફૂલ થઈ જવામાં પણ આનંદ આવે!

સુખ માટે આધારિતતા કેટલી યોગ્ય? આપણું સુખ બીજા પર આધારિત હોવું જોઈએ?

આધારિતતા યોગ્ય બિલકુલ નહીં. પરંતુ હકીકત એ છે કે આપણે ભલે વાતો કરીએ કે સુખ માટે કોઈના પર આધાર ન રાખવો જોઈએ. પણ એવું થતું નથી. કોઈ આપણા માટે કંઈક કરે એવી ઈચ્છા થવી સ્વાભાવિક છે. ખાસ કરીને આપણી આસપાસની અંગત વ્યક્તિઓ, ‘મા-બાપે મદદ કરવી જ જોઈએ, પતિએ ફિલ્મ જોવા લઈ જ જવું પડે, પત્નીએ ઘરમાં બેસીને બત્રીસ પકવાન બનાવવાં જ જોઈએ, સંતાનોએ કહ્યાગરા થઈને નીતિ-નિયમોનું પાલન કરવું જ જોઈએ અને મિત્રે તો મારી વાત માનવી જ પડે... તો જ મને સુખ કે શાંતિ મળે. આવી માનસિકતા હોવાથી જાણે-અજાણે આપણે આપણા સુખની બાગડોર બીજાને સોંપી દઈએ છીએ ને પછી દુખી થઈએ. લોકોનો પ્રેમ ઓછો નથી હોતો, આપણી અપેક્ષા જ વધારે હોય છે. તેથી સુખ માટે બીજા પર આધારિત રહેવાને બદલે સુખ પામવાની કોશિશ જાતે જ કરીએ. જો અન્ય કોઈ વ્યક્તિ આપણને સુખી કરે તો એ બોનસ!

કઈ બાબતો કે ઘટના ઘટે ત્યારે મન વ્યથિત થાય?

જે કામ લીધું હોય એમાં પરફેક્શન ન આવે અથવા કોઈ કારણસર નિષ્ફળતા મળે તો મન વ્યથિત થાય. ઉપરાંત મનની શાંતિ હરી દેનારી કૌટુંબિક કે સામાજિક ઘટના મન હલબલાવી દે. જેમ કે, અંગત સ્વજનનું મૃત્યુ, વાંક ન હોય છતાં ઊભી થયેલી ગેરસમજ તથા સમાજમાં બનતી હત્યા-બળાત્કાર-સામાજિક અન્યાય, શોષણ, ઘરેલુ અત્યાચારની ઘટનાઓ મને વ્યથિત કરી મૂકે છે. સંબંધ તૂટવાની ઘટના પણ દીર્ઘકાલ સુધી મારા મનને વ્યગ્ર કરી શકે છે. સાચો-શુદ્ધ સંબંધ જોડાતાં વર્ષો વીતે પણ તૂટતાં એક સેકન્ડ જ લાગે. તેથી સંબંધ સાચવવા હું શક્ય એટલા પ્રયત્ન કરું જેથી ખિન્ન ન થવાય.

આસપાસના માણસો કે સંબંધોથી કંટાળીને ક્યાંક ભાગી જવાનું મન થાય?

કોકવાર એવો વિચાર ઝબકી જાય, પણ મન ન થાય! કારણ કે હું મેળાની માણસ છું. મને પ્રિયજન, પરિચિતો, મિત્રો, કુટુંબીઓ સાથે રહેવું ખૂબ ગમે છે. છતાં, મન ક્યારેક અણગમતી પરિસ્થિતિમાં આવો વિચાર કરી શકે. એમ થાય કે થોડા સમય માટે સરસ મજાના બર્ફીલા પહાડો વચ્ચે જઈને ફક્ત એકાંત માણું. ‘દિલ ઢૂંઢતા હૈ ફિર વહી ફૂર્સત કે રાત દિન’ની જેમ! આજની ભાગદોડભરી, અવિરત બીબાંઢાળ જિંદગીમાં એકાંત એ માણસજાતને ભાગ્યે જ મળતો વૈભવ છે. આપણને સૌને ખબર છે કે એકલા જ આવ્યા ને એકલા જ જવાના છીએ છતાં આ બેઉ નક્કર વાસ્તવિકતાની વચ્ચે જીવનમાં આપણે કેટલી બધી ભ્રમણાઓ ઊભી કરીએ છીએ. એ ભ્રમ નિઃરસન એકાંતમાં આત્મનિરીક્ષણ કરીએ તો જ થાય. એકાંતને માણવું એ એક પ્રકારનું મેડિટેશન છે. આવી મોંઘેરી મૂડી એવા એકાંતનો વૈભવ માણવાનો વિચાર ક્યારેક આવે અને એને હું અમલમાં પણ મૂકું. મારો અમેરિકા તથા લેહ-લદ્દાખનો પ્રવાસ ભીતરી સુખને શોધવા અને પરમ શાંતિ પામવા માટેનો જ હતો. એમાં ભાગી છૂટવા કરતાં કંઈક નવું પામવાની તમન્ના પ્રબળ હતી.

તમારા જીવનના કોઈ કપરા સમય વિશે વાત કરશો?

દરેકના જીવનમાં એવો સંક્રમણ કાળ (ટ્રેન્ઝિશન પીરિયડ) ઘણી વાર આવતો હોય છે, જેમાં તમારે સહન કરવું પડતું હોય છે. એવો કપરો સમય સંબંધોમાં, સ્થળોમાં, નોકરીમાં દરેક તબક્કે આવે. અમદાવાદ છોડીને સૂરત રહેવા ગઈ અને સૂરત છોડીને મુંબઈ સ્થાઈ થઈ ત્યારે માનસિક-શારીરિક-આર્થિક તમામ સ્તરે એડજસ્ટમેન્ટ કરવાનાં હતાં. પણ થઈ ગયાં. છેલ્લાં 25 વર્ષથી તો મુંબઈમાં જ રહું છું. મુંબઈ શહેરમાં ટકવા, ટીનેજર દીકરીને ભણાવવા-ગણાવવા, સેટલ કરવા અને તંત્રીપદ સુધી પહોંચવા માટે કઠોર પરિશ્રમ કરવો પડ્યો છે. પરંતુ એકંદરે મારી માનસિકતા એવી છે કે, ‘આ દિવસો પણ જતા રહેશે.’ ફક્ત પ્રવૃત્તિમય રહેવું. એટલે કપરા સમયમાં પણ કામ અને પ્રવૃત્તિએ જ મને ટકાવી રાખી હતી અને તકલીફોનો બહુ ભાર ક્યારેય નથી લાગ્યો.

દુખી થાઓ ત્યારે પીડામાંથી બહાર આવવા તમે શું કરો?

હીંચકે બેસીને ક્લાસિકલ મ્યુઝિક સાંભળું, ખુલ્લી હવામાં ફરવા નીકળી જાઉં અથવા શોપિંગ કરું, કપડાં અને જ્વેલરીનો મને ઘણો શોખ છે, એ ખરીદી લાવું એટલે મૂડ સુધરી જાય.

અમારી સાથે એવી કોઈ ઘટના અથવા અનુભવ શેર કરશો જેમાંથી મળેલો બોધ તમને જીવનમાં ખપમાં આવ્યો હોય?

16 વર્ષ પહેલાં મારી મમ્મીનું અણધાર્યું મૃત્યુ થયું હતું. હાર્ટએટેકમાં અચાનક અમારી વચ્ચેથી ચાલી ગઈ. એ વખતે મને વિચાર આવ્યો કે મમ્મી માટે મારે કેટલું બધું કરવું હતું, એને દુનિયા આખીમાં ફેરવવી હતી, સરસ ફિલ્મો-નાટકો, સંગીતના કાર્યક્રમોમાં લઈ જવી હતી અને આનંદ કરાવવો હતો. પણ સમયની આપણને કિંમત નથી હોતી. ‘આવતા મહિને એને લઈ જઈશ, મારા ઘરે રહેવા આવશે ત્યારે પ્લાન કરીશ’ એમ કરતાં બધું ઠેલાતું જ જતું હતું ને પલકવારમાં તો એ ચાલી ગઈ. એ ક્ષણથી મેં નક્કી કર્યું કે કોઈ પણ વ્યક્તિ માટે જે કંઈ કરવાની ઈચ્છા થાય એ એની હયાતિમાં તાત્કાલિક જ કરવું. અથવા તો જે કંઈ કહેવું કે વ્યક્ત કરવું હોય એ પણ તરત જ કરી દેવું. સમય કોઈની રાહ જોતો નથી. બીજું, જાતમાં શ્રદ્ધા રાખવાનું મને સંજોગોએ શીખવ્યું છે. આપણે સાચાં હોઈએ તો કોઈ આપણું કંઈ બગાડી શકતું નથી. એટલું જ નહીં, શ્રદ્ધાથી સંજોગો સુધરે છે.

તમારા મતે દુનિયાનો સૌથી સુખી કોણ અને દુખી કોણ?

કોઈને નડ્યા વિના નિજાનંદમાં રહે એ સુખી અને આત્મદયા (સેલ્ફપીટી)માં રાચનારો, સતત ફરિયાદ કરતો, ભૌતિક સુખ પાછળ દોડતો અને અસુરક્ષિત માનસ ધરાવતો માણસ દુખી.

સુખી રહેવા માટે કોઈ સલાહ કે ટિપ્સ આપશો?

'સુખના સુખડ જલે રે મનવા, દુઃખના બાવળ બળે....' વેણીભાઈ પુરોહિતની આ પંક્તિ મુજબ સુખના સુખડમાંથી સુગંધ પ્રસરે એ માટે દરેક ક્ષણને આનંદથી ભરી દેવી, સતત પ્રવૃત્તિમય રહેવું. દરેક ક્ષણનો યોગ્ય-પ્રોડક્ટિવ ઉપયોગ કરશો તો સુખના સુખડનું ઉપવન મહેકી ઉઠશે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.