હું સંબંધ સાચવનારો માણસ છું
સુખ એ એવી બાબત છે, જેના માટેની બધાની ધારણા જુદી જુદી હોવાની. એક રીતે જોવા જઈએ તો સુખ એ વ્યક્તિની આંતરિક બાબત છે. પણ તોય હું માનું છું કે, માણસનું સુખ એના ઉછેર, પ્રદેશ, જે-તે દેશની વર્તમાન હાલત અને માનવી જે ભૌગોલિક પરિવેશમાંથી આવતો હોય એના પર આધાર રાખે છે. મારી વાત કરું તો મને સ્નેહીઓનો સહવાસ મળે તોય સુખ મળે અને કોઈના ખોળે મન મૂકીને રડવા મળે તો પણ હું સુખ અનુભવું. હું માનું છું કે, સુખ એ સ્થાયી બાબત નથી. એ અત્યંત ચંચળ છે, જે સતત બદલાતું રહે છે.
સુખની જેમ જ મારા આનંદના સ્ત્રોત પણ અસીમ છે. મને અન્યોને મદદ કરવી ગમે છે. તો એ મારો આનંદ છે. સારું ગાવામાં જ નહીં પરંતુ સારું સંભળવામાં પણ મને આનંદ મળે. અને જો કંઈક સારું વાંચુ તો પણ મને આનંદ મળે છે. એટલે મારા આનંદ વિશે જો કોઈ કન્ક્લુઝન પર આવવાનું હોય તો હું એમ કહું કે, જે વસ્તુ કે બાબત મારો મૂડ ચેન્જ કરે એમાંથી મને આનંદ મળે!
આપણા સુખની આધરિતાની વાત આવે છે ત્યારે હું એમ કહીશ કે, માણસના સુખની આધારિતાનું મુલ્ય કે મહત્ત્વ જે-તે વ્યક્તિ પર આધાર રાખે છે. હા, એટલુ જરૂર કહી શકું કે, આપણા સુખની આધરિતા સાવ નકારી શકાય એમ નથી. કારણ કે આ પ્રશ્નને સૂક્ષ્મ દૃષ્ટિએ જોઈએ તો ખ્યાલ આવે છે કે, આપણે સુખ માટે કોઈ બીજી વ્યક્તિ પર ભલે આધાર નહીં રાખતા હોઈએ. પરંતુ એ જ સમયે આપણે આપણા આંતરિક સુખ માટે પુસ્તક, પ્રકૃતિ, પ્રાણી કે સંગીતને ખોળે પહોંચતા હોઈએ છીએ. તો આ તમામ બાબતો પર આપણા સુખની આધારિતા નથી? ઉપરોક્ત બાબતોનું અસ્તિત્વ જ ન હોત તો આપણા સુખનું પણ અસ્તિત્વ નહીં હોત. એટલે મેં આગળ વાત કરી એમ આપણા સુખની આધારિતા સાવ નકારી શકાય એમ નથી.
હવે મારી વ્યથા પર આવીએ. સ્વભાવે હું અત્યંત લાગણીશીલ માણસ છું અને બીજાઓ માટે સતત જીવ બાળનારો માણસ છું, એટલે મારી વ્યથા મારા પૂરતી સીમિત નથી. જ્યારે પણ મારા નજીકના લોકો કે મિત્રો કોઈ મુશ્કેલીમાં મૂકાય છે, ત્યારે મારા સ્વજનની પીડા મારી પોતીકી પીડા બની જાય છે. આ ઉપરાંત હું મૃત્યુ બરદાસ્ત નથી કરી શકતો. એટલે જ્યારે પણ કોઈના મૃત્યુના સમાચાર સાંભળું છું ત્યારે વ્યથા અનુભવુ છું અને શૂન્યમનસ્ક થઈ જાઉં છું. તાજુ જ ઉદારણ આપુ તો, થોડા દિવસો પહેલા સંગીતકાર રવીન્દ્ર જૈનનું અવસાન થયું. રવીન્દ્ર જૈનને હું જીવનમાં એક જ વાર થોડા સમય માટે મળ્યો છું. એમના સંગીતને કારણે પરોક્ષ રીતે તો હું એમની સાથે સતત જોડાયેલો રહું પરંતુ એમની સાથેની પ્રત્યક્ષ મુલાકાત થોડી મિનિટ્સની જ! પરંતુ એમના અવસાનના સમાચાર સાંભળ્યાં ત્યારે હું હચમચી ઉઠ્યો અને મને એવું લાગ્યું જાણે મેં મારું નજીકનું કોઈ સ્વજન ગુમાવ્યું. ઈનશોર્ટ બીજાની પીડા અને કોઈનું મૃત્યુ મને વ્યથિત કરી જાય છે.
સંબંધોથી કંટાળી જવાનો કે સંબંધોથી ભાગી છૂટવાનો પ્રશ્ન મારા સ્વભાવ સાથે જરાય બંધબેસતો નથી. કારણ કે હું સંબંધ સાચવનારો માણસ છું, સંબંધનું જતન-સંવર્ધન કરનારો માણસ છું. મને ગમતા લોકો સાથે અને ગમતા લોકો માટે જીવવાનું ગમે છે. આ કારણે જ સંબંધોમાં ક્યારેક કોઈક બાબતે ચઢાવ-ઉતાર આવે તો હું કોમ્પ્રોમાઈસ કરીને પણ સંબંધ સાચવી લઉં છું. પણ નાની-મોટી ચડભડને કારણે હું પલાયનવાદી બનવાની મૂર્ખામી નહીં કરું.
મારા જીવનમાં કપરો સમય તો ઘણી વાર આવ્યો છે. જોકે કપરા સમયને હું ઈશ્વરે આપણને આપણે પડકારના સંદર્ભમાં લઉં છું. આ કારણે જ જીવનમાં આવતી નાની-મોટી મુશ્કેલીઓ દરમિયાન હું હતાશ નથી થયો અને એ પડકારોનો ખુમારીપૂર્વક સામનો કર્યો છે. આ માટેનું કોઈ એક ઉદાહરણ આપવાનું હોય તો હું એમ કહીશ કે, હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો અભ્યાસ કરું છું. હમણા તો હું સંગીતના ક્ષેત્રમાં કંઈક અંશે ગોઠવાઈ ગયો છું પરંતુ એક સમયે મેં કરિયરને લઈને ભારે અવઢવ અનુભવેલી કે, મારે સીએ થઈને એ ક્ષેત્રમાં આગળ વધવું છે કે, જેમાં મને શોખ અને મારી આવડત છે એ સંગીતમાં ઊંડા ઉતરવું છે? વિચારના એ તબક્કમાં મને બંને તરફ ધુમ્મસ દેખાયેલું, જેના કારણે હું ગૂંચવાઈ રહ્યો હતો. પણ આખરે મેં રિસ્ક લઈને પણ સંગીત પસંદ કર્યું. આને હું જીવનના કપરા સમય કે પડકાર તરીકે જ ગણું છું.
હું આનંદ અને ઓચ્છવનો જીવ છું એટલે હું નાની નાની વાતોએ દુખી થાઉં એમાંનો નથી. પણ તોય આપણે માણસ છીએ એટલે એ પ્રકારની લાગણીઓથી સાવ નિર્લેપ નહીં રહી શકીએ. એટલે ક્યારેક કોઈના વર્તનથી કે કોઈની વાતથી મન ખિન્ન થાય તો એ ખિન્નતામાંથી બહાર આવવા માટે હું સંગીતને સહારે જાઉં છું અથવા માતાજીનું સ્મરણ કરું છું.
‘ઓમ શરણાગત દીનાર્ત પરિત્રાણ પ્રાણાયે, સર્વસ્યાર્તી હરે દેવી નારાયણી નમોસ્તુતે’ એવા સમયે હું મનમાં આટલા શબ્દોનું રટણ કરું છું અને મારી પીડા, મારો ચચરાટ કે મારી ખિન્નતા પળવારમાં વરાળ બનીને ઉડી જાય અને મને ગજબની હકારાત્મકતા સાંપડે!
અત્યાર સુધીના જીવનમાંથી હું એટલું જ શીખ્યો છું કે, જીવનમાં ક્યારેય ઉતાવળે નિર્ણયો નહીં કરવા અને દરેક બાબતને થોડી ધીરજથી અને જુદા જુદા દૃષ્ટિકોણથી ચકાસી લેવી, જેથી પાછળથી પસ્તાવાનો વારો નહીં આવે. આ ઉપરાંત હું એમ પણ શીખ્યો છું કે, જીવનમાં આનંદની ક્ષણને ક્યારેય પાછી હડસેલવી નહીં અને પળેપળે ઉત્સવ મનાવવાની વૃત્તિ રાખવી. આખરે આપણે સૌ અહીં આવ્યા છીએ શું કામ? દુખી થવા તો નથી જ આવ્યાને?
(મુલાકાતઃ અંકિત દેસાઈ)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર