પારસ્પર્ય એ જ સુખ
તમારા માટે સુખની વ્યાખ્યા શું?
સુખની વિશે હું બે રીતે વિચારું છું, જેમાનો એક અર્થ અત્યંત વ્યાપક છે. વિનોબાજીએ કહેલું કે, ‘આકાશ દેખાય તે સુખ અને આકાશ નહીં દેખાય તે દુખ! આ સમગ્ર વિશ્વની અને સમગ્ર રચનાની જે વિશાળતા છે, એની જે ભૂમા છે એનાથી મોટું કોઈ સુખ નથી! સુખ વિશેની વિનોબાજીની આ ભૂમિકા હંમેશાં મારા મનમાં રહે છે. તો મારા માટે સુખ એટલે, મનગમતા લોકો સાથે મનગમતું કામ કરવા મળે તો એનાથી મોટું કોઈ સુખ નથી.
તમને કઈ કઈ બાબતોમાંથી આનંદ મળે?
લેખન, વાચન, વિચાર વિનિમય અને સહજ વ્યાયામ કરું ત્યારે મને આનંદની અનુભૂતિ થાય. આ ઉપરાંત જો કોઈ કામ સંતોષજનક થાય તો પણ આનંદ થાય.
આપણું સુખ કોઈના પર આધારિત હોઈ શકે ખરું? આપણા સુખની આધારિતતા કેટલી યોગ્ય?
(થોડું વિચારીને) આપણો આનંદ કે સંતોષ એ મનનું સમાધાન છે અને મનની એક વિશેષતા છે. એટલે એ રીતે બીજા પર આધારિત રહેવાની વાતમાંથી એક હદ સુધી નીકળી જઈ શકાય. પરંતુ એક અગત્યની વાત એ છે કે, આપણામાં એક કદરભૂજ હોવી જોઈએ કે, આપણે જે પૃથ્વી પર રહીએ છીએ એનું મોટાભાગનું રહસ્ય પારસ્પર્યમાં છૂયેલું છે. એટલે આપણા સુખની કે અન્ય કોઈપણ બાબતની આધારિતતાને નકારી શકાય નહીં.
એવી કઈ ઘટના કે કોઈ બાબતને લઈને તમારું મન વ્યથિત થાય?
મને પ્રતીતિ હોવા છતાં હું કોઈને મારી વાત સમજાવવામાં ઉંણો પડું અને એના કારણે કોઈક ગેરસમજનો ભોગ બનું ત્યારે મને વિશેષ એવી લાગણી થઈ આવે.
આસપાસના સંબંધો કે માણસોથી કંટાળીને ક્યાંક ભાગી છૂટવાનું મન થયું છે ખરું?
(અત્યંત નિર્મળ હાસ્ય સાથે…) ના. મને એમ લાગે છે કે, સામાન્ય રીતે આપણા પોતાના સમીકરણો મૂકવા કે વિચારવામાં આપણે પાછા પડતા હોઈએ છીએ, જેને કારણે દાખલો ખોટો પડે છે. પરંતુ આપણે જ્યારે પારસ્પર્યનું મુલ્ય સમજીશું ત્યારે આપણે આ પ્રકારના ભાવ-અભાવમાંથી બહાર આવી જઈશું.
તમારા જીવનના કોઈક કપરા સમય વિશે વાત કરશો?
જીવનમાં જે ચડતી પડતી આવતી હોય એનાથી હું પર તો હું કેમ હોઉં? સામાન્ય જીવનમાં સામાન્ય વિટંબળાઓ તો આવ્યા કરે. પણ આમ મારા જીવનની એવી પરિસ્થિઓ મને ક્યારેય કપરી નથી લાગી. કારણ કે આપણે ભાગે જે કંઈ વેઠવાનું આવે એ આપણે પસંદગીથી વહોરેલું હોય છે. એટલે એ દેખીતું વેઠવા છતાં પણ મને એનો આનંદ જ હોય. આપણે પસંદગીપૂર્વક ભરેલા પગલાં કે સ્વીકારેલી પરિસ્થિતિનો મુકાબલો કરવામાં જ ખરો આનંદ હોય છે.
આચાર્ય કૃપલાનીજીના જીવના છેલ્લા બારેક વર્ષના ગાળામાં મારે એમની સાથે ઘણો સમય કાઢવાનો બનતો. તેઓ એક વાત ઘણી સરસ કહેતા કે, ‘લોકો અમને આવીને કહે છે કે, તમે સફરર છો અને દેશ માટે થઈને તમે ઘણું વેઠ્યું છે. તો સ્વરાજની સરકારે તમારું યોગ્ય બહુમાન કરવું જોઈએ. પણ અમે સફરર શેના કહેવાઈએ? દેશને આઝાદી મળે એ માટે જે કંઈ કરવું પડે એ અમે કર્યું અને જે કંઈ કર્યું એ અમને યોગ્ય લાગ્યું એટલે કર્યું. અને હવે જ્યારે દેશ આઝાદ છે તો અમે ખુશ છીએ. તો એમાં અમે સફરર શેના?’
એટલે જે આપણે સ્વીકારી લીધેલું છે એના માટે વેઠવું કે સફર કર્યું, જેવા શબ્દો વાપરવા મને ઠીક નથી લાગતા.
જો તમે દુખી થાઓ તો તમારી પીડામાંથી બહાર નીકળવા માટે તમે શું કરો?
એવા સમયે હું આજુ બાજુ નજર રાખું અને અન્ય લોકોના જે પ્રશ્નો છે એ પ્રશ્નોની સામે મારી પીડા કંઈ જ નથી એવી સમજ કેળવું.
તમારા માટે દુનિયાનો સૌથી સુખી માણસ કોણ અને સૌથી દુખી માણસ કોણ?
(હસીને) ‘દુખી હું તેથી કોને શું? અને સુખી હું તેથી કોને શું?’ એવો જેને પર્શ્ન થાય ત્યારે અને જવાબમાં તેને પારસ્પર્યનો અનુભવ થાય એ માણસ સૌથી સુખી અને જે માણસને આ પારસ્પર્યનો ન અનુભવ થાય એ સૌથી દુખી.
અમારા વાચકોને સુખી રહેવા માટે કોઈ સલાહ આપશો?
(થોડું વિચારીને) ચરૈવેતિ ચરૈવેતિ!
(મુલાકાતઃ અંકિત દેસાઈ)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર