માણસે ભાગીને પોતાની જાત પાસે જ આવવું પડે છે
તમારા માટે સુખની વ્યાખ્યા શું?
મારું સુખ ક્યારેય મારા પૂરતુ સીમિત ન હોય. એટલે મારા સુખની વ્યાખ્યા એ જ કે, મારી સાથે હું જેમને ઓળખતો હોઉં એ બધા આનંદમાં રહે અને એ બધાય સુખ પામે. એ બધા સુખી એટલે હું પણ રાજી.
તમને કઈ કઈ બાબતોમાંથી તમને આનંદ મળે?
મને સ્વજનો, બાળકો અને પ્રકૃતિના સહવાસમાં સતત આનંદની અનુભૂતિ થતી રહે છે. આ ઉપરાંત હું ખેડૂત છું તો ખેતી કરવામાં, ભૂમિમાંથી કશુંક સર્જન કરવામાં પણ મને આનંદ મળે. જોકે આ બધામાં પ્રકૃતિ મને સવિશેષ આનંદ આપે છે.
આપણા સુખ માટે આધારિતા કેટલી યોગ્ય?
માણસ એકલો સુખી ક્યારેય નહીં રહી શકે. બધા સુખી હોય તો આપણને રાજીપો તો થાય જ. પરંતુ આપણું સુખ પણ ત્યારે જ સાચું ઠરે જ્યારે આપણી સાથે સંકળાયેલા બધા સુખી હોય.
તમારું મન વ્યથિત થવાના કારણો કયા?
સામાન્ય રીતે હું વ્યથિત નથી થતો. આને સ્થિતપ્રજ્ઞતાની કક્ષા તો નહીં કહી શકાય, પરંતુ મને આઘાતોની અસર ઓછી થાય છે, જેને કારણે હું બહુ વ્યથા અનુભવતો નથી.
આસપાસના માણસો અથવા સંબંધોથી કંટાળીને ભાગી જવાનું મન થયું છે ખરું?
(થોડું હસીને), સંબંધોની બાબતે તો મેં એવું ક્યારેય નથી અનુભવ્યું. પરંતુ એક વાત હું જાણું છું કે, માણસ ક્યારેય ક્યાંયથી ભાગી નથી શકતો. ગમે ત્યાંથી ભાગીને પણ એણે છેલ્લે તો પોતાની પાસે જ આવવું પડે છે. તો પછી પલાયનનો અર્થ શું?
જીવનના કોઈ કપરા સમય વિશે વાત કરશો?
જીવનના કેટલાક તબક્કા આપણને જીવવામાં મુશ્કેલ લાગે ત્યારે બાહ્ય રીતે એ સમય ભલે કપરો લાગે. પરંતુ સમય જતાં આપણને ખ્યાલ આવે છે કે, એ સમયે આપણા વ્યક્તિગત વિકાસમાં ઘણો ફાળો આપ્યો હોય છે. એટલે જીવનના એક તબક્કે પહોંચ્યા બાદ આપણે એ સમયને કપરાકાળ તરીકે ઓળખાવતા નથી.
જો દુખી થાઓ તો પીડામાંથી બહાર આવવા તમે શું કરો?
મેં આગળ કહ્યું એમ દુખનો બહુ તિવ્ર અનુભવ નથી થતો. એટલે પીડાના પ્રસંગો જ નહીંવત હોય ત્યાં પીડામાંથી બહાર આવવા પ્રયત્ન કરવાનો કોઈ પ્રશ્ન જ નથી ઊભો થતો.
કોઈક ઘટનામાંથી મળેલા બોધ વિશે કોઈ વાત કરશો?
જીવનની પ્રત્યેક ક્ષણે, પ્રત્યેક ઘટના વખતે આપણને જાણતા અજાણતા ઘણો બોધપાઠ મળતો હોય છે. કેટલીક વખત એમાંના કેટલાક અનુભવો ભાષામાં પણ વ્યક્ત થતાં હોય છે, જેમાં કોઈક વાર ઉત્કૃષ્ટ કૃતિ તૈયાર થઈ જાય તો કોઈક વાર એ ન પણ થાય.
તમારા મતે દુનિયાનો સૌથી દુખી માણસ કોણ અને દુનિયાનો સૌથી માણસ કોણ?
જે માણસ સાચો રહી શકે, બધાને ચાહી શકે અને બધાને અનુકૂળ રહી શકે એ માણસ દુનિયાનો સૌથી સુખી માણસ અને જે માણસ આવું નહીં કરી શકે એ માણસ દુખી માણસ.
અમારા વાચકોને આનંદમાં રહેવાની કોઈ સલાહ કે ટિપ્સ જેવું આપવાનું પસંદ કરશો?
સૌ કોઈને એક જ સલાહ આપીશ કે ભાગવત ગીતા વાંચો અને એને સમજો.
(મુલાકાતઃ અંકિત દેસાઈ)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર