મારી પીડાઓમાંથી હું ક્યારેય છટકબારી નથી શોધતો
મારા માટે સુખની વ્યાખ્યા એકાક્ષ્રરી છે અને એ અક્ષર છે સગવડ. સગવડથી આપણને સુખ મળતું હોય છે પરંતુ એ સગવડથી આપણને આનંદ મળે એવું હંમેશાં હોતું નથી. કારણ કે આનંદ એ હ્રદયમાંથી પ્રકટતી અનુભૂતિ છે, જ્યારે સુખ એ બહારની વસ્તુઓ પર આધાર રાખતી બાબત છે. આમ, સુખ અને આનંદ જેવી એકબીજાથી ભિન્ન બાબતોને હું કંઈક આ રીતે તારવું છું. જીવનમાં મને સૌથી વધુ આનંદ મારા લેખનમાંથી મળે છે. કળાના વિવિધ પ્રકારોમાં મને ઘણો રસ છે, એટલે આનંદની બાબતે મારી પ્રાયોરિટીઝમાં સાહિત્ય અને કળા હંમેશાં અગ્રક્રમે આવે છે.
સુખની આધારિતતાની વાત આવે ત્યારે હું કહીશ કે, આપણું સુખ ચોક્કસ અન્યો પર આધાર રાખે છે. આપણે હંમેશાં સુખ અને આનંદ વચ્ચેની ભેદરેખા ભૂલી જતા હોઈએ છીએ અને એ બંનેને એક ગણી બેસતા હોઈએ છીએ. પણ સુખ અને આનંદવ એ બાબતે પણ ભિન્ન પડે છે કે, આપણું સુખ હંમેશાં અન્યો પર આધારિત હોય છે, જ્યારે આપણો આનંદ ક્યારેય કોઈના પર આધારિત નથી હોતો. આપણે કોઈની પાસે કશુંક લેવું હોય અથવા કોઈને કંઈક આપવું હોય તો આપણે ચોક્કસ જ વ્યક્તિ કે પૈસા જેવી બાબત પર આધાર રાખવો પડતો હોય છે.
મારી વ્યથા કે પીડાની વાત કરું તો મારા દુખે દુખી થવાનું બહુ ઓછું આવે છે, પણ બીજાના દુખે દુખી થવાના કિસ્સા સમયાંતરે બનતા રહે છે. પાકિસ્તાન આપણે ત્યાં ઘુસણખોરી કરીને છાશવારે હુમલા કરે અને આપણા નેતાઓ કંઈ જ કર્યાં વિના આખો ખેલ જોયા કરે છે ત્યારે હું ઘણી પીડા અનુભવું. અથવા તાજી ઘટનાની વાત કરું તો ગયા સપ્તાહે પાટીદારોના આંદોલન બાદ થયેલા છમકલાને કારણે આઠથી નવ માણસોના મૃત્યુ થયા. તો એ વાત મને અત્યંત દુખી કરી ગઈ. આંદોલનની માગ ગમે એટલી યોગ્ય છે કે અયોગ્ય છે એ બે નંબરની વાત છે. પરંતુ એમાં જાન ગુમાવનાર માણસોને આંદોલન સાથે લેવાદેવા કેટલી? આખરે ભોગવવાનું તો સામાન્ય માણસના ભાગે જ આવ્યુંને? આ ઉપરાંત કોઈ માંદગીમાં પીડાતુ હોય તો એવી બાબત પણ મારા માટે અત્યંત પીડાજનક થઈ પડે. માણસ તરીકે હું અત્યંત સંવેદનશીલ છું એટલે દેશ-સમાજમાં બનતી અનેક ઘટનાઓ મને અંદરથી ખળભળાવી મૂકતી હોય છે.
આસપાસના સંબંધોથી ભાગી છૂટવાનું કે મરવાનું મને ક્યારેય મન નથી થયું. હું માનું છું કે, માણસ તરીકેની કે આપણી હોવાપણાની પરીક્ષા જ જીવનની કપરી પરિસ્થિતિઓમાં થઈ જતી હોય છે. એટલે જીવનની વિકટ પરિસ્થિતિઓમાં સામી છાતીએ સામનો કરવામાં જ મજા છે. કોઈ પણ સ્થિતિનો સામનો કરો અને હિંમતભેર આગળ વધો. તેમજ આ દુનિયામાં જે કંઈ પ્રાપ્ત કરી શકતા હો કે કોઈકને કંઈક આપી શકતા હો તો એ નિર્ભેળભાવે આપો. બાકી, ભાગી છૂટવામાં બહુ મજા નથી. મારા જીવનમાં મેં અનેક વખત કપરા સમયનો સમયનો સામનો કર્યો છે. લખાણથી માંડીને લગ્ન કે નોકરી સુધી મેં મુશ્કેલીઓનો સામનો કર્યો છે. હું સાયન્સનો વિદ્યાર્થી હતો પણ મારે સાયન્સમાં ભણવું નહોતું. મારે બેન્કમાં નોકરી કરવી ન હતી અને મેં જીવનના ત્રીસ વર્ષ બેન્કની નોકરીમાં ગાળ્યા. મારે પ્રોફેસર થવું હતું અને એના માટે બી.એ, એમ.એ પણ કર્યું પરંતુ હું પ્રોફેસર ન થઈ શક્યો. તો મારે જેની સાથે લગ્ન કરવા હતા એની સાથે હું લગ્ન ન કરી શક્યો. એટલે જીવનમાં કપરોકાળ તો અનેક પ્રસંગોએ આવ્યો છે, જેમાં મરણતોલ પીડા પણ થઈ છે. પણ આ બધુ જિંદગીમાં જ થતું હોય છેને? જિંદગીની બહાર ક્યાં કશું થાય છે?
જો હું દુખી થાઉં તો મારા દુખમાંથી બહાર નીકળવા હું સૌથી પહેલા હું લેખનને શરણે જાઉં છું. કારણ કે, લેખન એ મારા જીવનને ટકાવી રાખવા માટેનું સૌથી મહત્ત્વનું પરિબળ છે. પીડાની પરિસ્થિતિમાં હું જ્યારે પણ લખવા બેસું ત્યારે મારી પીડાઓ ધીરેધીરે મારા લેખનમાં ઓગળતી જાય અને હું મારી પીડાઓમાંથી રાહત મેળવું. આ ઉપરાંત હું સંગીત કે નાટક જેવી કળાઓમાં પણ મારું મન પરોવુ છું. જોકે હું મારી પીડાઓને સંપૂર્ણતઃ અનુભવું છું. હું જેમ મારા આનંદમાં પૂરેપૂરો ઈનવોલ્વ હોઉં છું એમ હું મારી પીડાઓમાં પણ પૂરેપૂરો ઈનવોલ્વ રહું છું. હું મારી પીડાઓમાંથી ક્યારેય છટકબારી નથી શોધતો.
મારા જીવનમાં એક કિસ્સો મને ઘણી મોટી શીખ આપી ગયેલો. હું લગભગ આઠમા ધોરણમાં હતો ત્યારે એકવાર સ્પેલિંગ ટેસ્ટમાં હું નાપાસ થયેલો. ઘરના લોકોના આક્રોશના ડરથી મેં મારા સ્પેલિંગના પેપર પર શિક્ષકે પેન્સિલથી જ્યાં જ્યાં ખોટાની નિશાની કરેલી ત્યાં મેં ખરાની નિશાની કરી અને ઘરે એમ જણાવ્યું કે, મારા પચાસમાંથી પચાસ માર્ક્સ આવ્યા છે. મારા માર્ક્સ જોઈને મારા બાપુજી તો રાજીના રેડ થઈ ગયા પરંતુ એક દિવસ અમારા જ મહોલ્લામાં રહેતા મારી શાળાના પ્રિન્સિપાલ અમારા ઘરે આવી ચડ્યાં. વાતવાતમાં એમણે મારા બાપુજીને મારા ભણતર વિશે પૂછ્યું તો મારા બાપુજીએ પેલા પચાસ માર્ક્સવાળી વાત કરી. એ વાત સાંભળીને આચાર્ય આશ્ચર્ય પામેલા કારણ કે, સ્કૂલમાં કોઈના જ પચાસમાંથી પચાસ નહોતા આવ્યા તો હું ક્યાંથી પચાસ માર્ક્સ લઈ આવ્યો? એટલે એમણે મને બોલાવ્યો અને મારી પાસે પેલું સ્પેલિંગવાળુ પેપર માગ્યું. મારી કરતૂત જોઈને તેમણે મને પૂછ્યું કે, ‘તે આમ કેમ કર્યું?’ જોકે હું ત્યારે રડી પડ્યો અને આચાર્યને સાફસાફ કહી દીધું કે, ‘મને મારા બાપુજીનો બહુ ધાક છે. એમના ડરથી મેં આ કર્યું છે.’
તે દિવસે મને હતું કે, બાપુજી મને આજે બરાબર ધોઈ નાખશે. આચાર્ય મને શાળામાંથી કાઢી મૂકશે એવો મને ભય હતો. પરંતુ એમાનું કશું નહીં બન્યું. એમણે મને સમજાવ્યું કે, ‘દીકરા તું આવું ન કર અને ભણવું હોય તો ખરેખર ભણ અને ખરા અર્થમાં પહેલો નંબર લાવ.’ ત્યારે જ મેં ગાંઠ વાળેલી કે, એક દિવસ હું ખરેખર પહેલો આવીને રહીશ. અને મારા બીએ અને એમએના અભ્યાસ દરમિયાન હું ખરેખર ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવ્યો અને હું ગોલ્ડ મેડલ જીતેલો. તે દિવસે મારા પિતા અને આચાર્યએ જીવનમાં ખોટું નહીં કરવાની શીખ આપેલી. ત્યાર પછી હું જીવનમાં ક્યારેય ખોટું કરતો નથી અને કોઈનું ખોટું સહન પણ નથી કરતો.
આખરે દુનિયાના સુખી અને દુખી માણસની વાત કરીએ તો જે માણસ કોઈ પણ ખલેલ વિના રાત્રે ઉંઘી શકે છે એ મારા મતે દુનિયાનો સૌથી સુખી માણસ છે. અને જે માણસ કરોડોની સંપત્તિ વચ્ચે પણ રાત આખી પડખા ઘસતો હોય અને ચપટી ઉંઘ માટે ફાંફાં મારતો હોય એ માણસ મારા મતે સૌથી દુખી માણસ. ‘Khabarchhe.com’ના રિડર્સને એક જ સલાહ આપીશ કે, આપણે બહારના સુખ માટે વલખા મારતા રહેવા કરતા મનના આનંદ માટે પ્રયત્નો કરીશું તો મને તો લાગે છે કે, આપણી પીડાઓમાં ઘટાડો થશે.
(મુલાકાતઃ અંકિત દેસાઈ)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર